અંબા – દીદીનું સ્મરણ

0
5

જી.એસ.ટી. નવું નવું લાગુ પડ્યું હતું એટલે આમતો અમારે નવા પત્રક વગેરે કામમાં રવિવારે પણ ઓફિસ ચાલુ જ રહેતી પણ પછી કામનો ભાર ઘટ્યો એટલે રવિવારે રજા રહેતી. એ દિવસે પણ રવિવાર હતો પણ મારી ધર્મપત્ની પિયર ગયેલી એટલે ઘરમાં હું એકલો ! થયું લાવને આજે ઘરની સફાઈ કરી દઉં આમ પણ અઠવાડિયા થી એ ગઇ છે ત્યારની ક્યાં સફાઈ થઈ જ છે ? હું સફાઈ કરતો હતો ત્યાં અચાનક મને એક બ્લેક એન્ડ વાઇટ ફોટો આલબમ્બ મળી આવ્યો. બ્લેક એન્ડ વાઇટ ફોટો એટલે મારા બાળપણની બધી સ્મૃતિ !

આલબમ્બ લઈને હું સફાઈ પડતી મૂકીને સોફા ઉપર ગોઠવાઈ ગયો અને ફોટા જોવા લાગ્યો. જેમ જેમ બ્લેક એન્ડ વાઇટ ફોટા જોતો ગયો તેમ તેમ રંગીન ચિત્રો આંખો સામે તરવરવા લાગ્યા અને હું સ્મરણમાં ઢળી પડ્યો !

એ સમયે હું બાર વર્ષનો હતો. એ જમાનોય કેવો ભલો હતો ! આ ટેકનોલોજી નહોતી પણ માણસ સુખી હતું ! હું સાતમી ચોપડી ભણું ત્યારે આ ફાટેલા જીન્સ, વિચિત્ર વાળ, ચશ્માં આ બધું ક્યાં હતું ! ઍયને ઘૂંઘરાળા વાંકડિયા વાળ લઈને ફરતો ! હેમજી નાઈ ગામમાં આવે તો ઠીક નિતર બસ માથે જંગલ લઈને ફર્યા કરવાનું ! મારી ચડ્ડી ફાટેલી હતી પણ ફેશનમાં નહિ રમતમાં !

બાળપણના એ સોનેરી દહાડા હતા ! રમવાનું, ફરવાનું, ખેતરોમાં જાવાનું ને થોડું ઘણું ભણવાનું ! ભણતા થોડું તોય આજના કોલેજવાળા કરતા અમે હોશિયાર હતા !

બાળપણના સાથીદારો ભગી, ભાવના, નર્મદા, જેન્તી, ભલો, ઊગી અને અંબા ! અમે બધાય આખો દી રમતા ઘણી વાર ઝઘડતા અને ઝઘડો જતો પછી અંબા પાસે. અંબા એટલે અમારી ન્યાયાધીશ એ જે ફેંસલો કરે એ અમારે સ્વીકારી લેવો એવો અમે બધાયે નિર્ણય કરેલો હતો. કોઈ પણ વાત ન સમજાય તો અંબા પાસે જવાનું ! અંબા એટલે શબ્દોમાં તો કહેવાય નહીં પણ સમજુ અને ડાહી કહી દઉં તો ચાલે ! ઘઉં જેવો એનો વાન, આખા ગામની એની ઉંમરની છોડીઓ કરતા લાંબો ચોટલો, સુંદર બદામી આંખો…… ને ચહેરા ઉપર નકલી ગુસ્સો લઈને ફરતી હોય તો એ અંબા !

એક વાર અમે બધા સાત તાળી રમતા હતા ત્યારે મારી ચડ્ડી ફાટી ગઈ, બા ને ખબર પડે તો તો આવી જ બને એટલે મેં હરિ કાકા ને ન્યા જઈને અંબા ને સાદ દઈ બોલાવી. અંબા આવી એટલે જ બોલવા લાગી , ” હે મુવા તેમાં ! આ કાયમ ચયેમ ફાડે છ લૂગડાં ?”

” ઇ રમતા ફાટ્યું તું સોય ન દોરો લાવ્ય ને જટ ” મેં ઘર તરફથી આવતા બા ના ટહુકા તરફ ઈશારો કરી કહ્યું.

” ના આજ તો માર ખા તું, કાયમ હું ની સાંધી આલુ ” અંબા તો વિફરી ગઈ.

” અરે મારી બેન ! બેન થઈને આમ ચ્યમ કરે છ ? ભલી થા ને બેનડી !” મેં આજીજી કરી એટલે મોઢું ચડાવી અંબા સડસડાટ ઓસરી વટાવી ઘરમાં ગઈ.

એક તરફ બા ના લાંબા ટહુકાનો અવાજ મને સતત ગભરાવતો હતો અને બીજી તરફ અંબા વિલંબ કરતી હતી ! મારા માટે એ પળ ‘મોત બારણે જીવ તાળવે’ જેવી થઈ ગઈ હતી ! મેં મારા ઘર તરફ ડોકું કરી અંબાને સાદ દીધો ત્યાંતો અંબાનો સાદ મને સંભળાયો ” આ રઇ, આમણીકા ભાળ તો ખરો !”

મેં ભડકીને ડોકું ફેરવ્યું ત્યાંતો અંબા હાથમાં સોય દોરો લઈને ઉભી હતી ! જટ જટ ચડ્ડીની કિનાર સાંધીને હું ભાગ્યો ઘર તરફ ! ઘરે ગયો ત્યાં જ બા ટપ ટપ રોટલા ઘડતી બોલી ” આખો દી ધરવડે છ હેડ હવે ખાવા, ને એ હાથ ધો માટી વાળા ”

હું ચૂપચાપ હાથ ધોઈને બેઠો ત્યાં જ બા ની નજર ચડ્ડીની કિનાર ઉપર ગઈ અને ચૂલાના ઈંઘણાનો તાપ જાણે સીધો જ મારા ઉપર વરસવા લાગ્યો !

” તને કીધું છ કે રમવા જા પણ લૂગડાં જુના પે’રિને જા, કાયમ ફાડીને આવે તે ”

હું ચૂપચાપ કોળિયા મોઢામાં નાખતો હતો, અને બા ને સાંભળતો હતો ત્યાં જ અંબા આવી અને બોલી,

” શાંતા માં તમે નાહકના ધીરિયા ઉપર ગરમ થાઓ છ ટાઢા પડો ઇ તો અમારા જેન્તીડે ચડ્ડી ખેંચીને ફાડી છ પિટયે !”

મને તો એમ જ હતું કે અંબા હમણાં મને માર ખવડાવશે પણ અંબા તો મારા તરફેણમાં જ હતી ! બિચારા જેન્તી ને ખોટો વચ્ચે નાખી દીધો !

આવી રીતે તો હજાર વાર મને અંબા એ બચાવ્યો હશે ! અંબાને સ્નેહ જેટલો જેન્તી માટે એટલો જ મારા માટે….!

એક વાર અમારે ઘેર રાત જાગો હતો ત્યારે બારેક વાગે હું ચોગાનમાં ગયો ઉતાવળમાં ચપ્પલ મળ્યા નઈ એટલે અળવાણે પગે જ ગયો અને જેવો વાડ પાસે ગયો કે મને પગમાં કાંઈક ચુભ્યુ ને મેં રાડ પાડી, અવાજ સાંભળી બા , બાપુ અને અંબા સહિત બધા દોડી આવ્યા, જેન્તીએ બત્તી કરીને જોયું તો પગમાંથી લોહી નીકળતું હતું. એ જોઈ બા તો ગભરાઈ જ ગઈ ! નક્કી ધીરીયાને એરું થયું છે ( સાપ કરડ્યો છે ) એમ ગણી બા તો રડવા લાગી પણ અંબા જેન્તીના હાથમાંથી બત્તી લઈને આખા ઘરમાં ફરી વળી, વાડના ખૂણે ખૂણે લાકડું કુટીને જોઈ આવી, પછી જ્યાં અમે હતા ત્યાં બધે જ બત્તી કરીને રેતી જોઈ પણ ક્યાંય સાપનું લીસોટુ દેખાયું નઈ એટલે બધાને રાહત થઈ. બધા ઘરમાં ગયા અને ભજન ફરી ચાલુ કર્યુ .

જેન્તી તો સુઈ ગયો અને મને પણ ઊંઘ આવતી હતી. હું ભીતનો ટેકો લઈ સુવા જતો હતો ત્યાં અંબા એ મને જગાડ્યો,

” તારે ઊંઘવાનું નથી ભૈ ”

હું કઈ સમજ્યો નહિ પણ અંબા મારા કરતાં ચાર વર્ષ મોટી હતી એટલે એને ખબર હતી કે જો એરું થયું હોય તો પછી ઊંધાય નહિ…. એ રાત્રે આખી રાત અંબા મારી પાસે બેસી રહી પણ મને ઊંઘવા દીધો નહિ ! બીજા દિવસ સુધી કાઈ થયું નહિ ત્યારેજ બા અને અંબા ને શાંતિ થઈ કે સાપ નો’તો ખાલી કાંટો જ વાગ્યો હશે !

એક વાર મને ઓરી નીકળ્યા હતા. મોટા મોટા ફોડલા શરીરે નીકળી આવ્યા, શરીરમાંથી વાસ ઉઠે એવી મારી હાલત હતી.

બા અને બાપુએ શીતળા માં ને પ્રસાદ માની, લાદ લાવીને ઢોલિયે બાંધી, પણ દિવસે દિવસે મારી હાલત કથળતી ગઇ ! શરીર સૂકા લાકડા જેવું થઈ ગયું, બા એ તો મારી આશા જ મૂકી દીધી હતી પણ અંબા રાત દિવસ મારી પાસે રહેતી, મને ખુદને મારા શરીરની વાસ આવતી ત્યારે હું ઉબકા કરતો પણ અંબા ક્યારેય મોઢે રૂમાલ દેતી નહિ ! એ બસ આખો દિવસ મારી પાસે બેસીને ધ્યાન રાખતી મને અવનવી વાતો કહેતી અને મને ક્યારેય ફોડલા ખણવા દેતી નહિ….

એ કહેતી ” ફોડલા એની મેળે સુકાવા દેવાના ભૈ નિકર ડાઘા પડશે તો બાડી બૈરી લાવવી પડશે ?!”

બસ આમ જ મને આખો દિવસ હસાવ્યા કરતી પણ એના મનમાં મારા મૃત્યુની ફાળ તો બાની જેમ જ હતી ! બસ હું ત્યારે સમજતો નહોતો કાઈ !

સતત પંદર દિવસ અંબા મારી પાસે દિવસ રાત રહેતી. મને તીખું ચટપટું ખાવાનો શોખ પણ ઓરી નીકળે તો ફિક્કું ખાવું પડે એટલે બા બસ આખા ઘર માટે ફિક્કું જ રાંધતી ! મને ફિક્કું ભાવતું નહિ પણ અંબા મને એના હાથથી બળજબરી કરીને ખવડાવતી !

મારી બા ઘણી વાર કહેતી ” છોડી તું ખાઈ ને આવતી રે જા ”

” શાંતા માં તમેય ચેવી વાત કરો છ મારો ભૈ ફિક્કું ખાય ન મુ ન ખાઉં ” કહી એ પણ ફિક્કું ખાવા બેસી જતી !

પંદર દિવસ મને ઓરી રહી ત્યાં સુધી અંબા રાત દિવસ મારી પાસે રહેતી અને મારી જેમ ફિક્કું ખાતી ! અંબા માટે તો એના ભાઈ જેન્તી જેવો જ હું !

હું સાજો માજો થયો અને ફરી અમારા ગોઠીઓની રમત, લૂગડાં ફાટી જાય એવી મસ્તી, તળાવમાં ઠીકરું તેરવવા ની રમત, આંબલી પીપળી ની રમત ચાલુ થઈ ગયેલી.

સાતમી નું ઉનાળુ વેશકેશન પૂરું થયું એટલે જેન્તી, નર્મદા, ઊગી અને ભલો તો ભણવાનું છોડી ખેતીમાં લાગી ગયા. મેય બાપુ હારે ખેતરે જવાનું કીધું પણ બા એ ના પાડી. એ સમયે મારા મામા સવજી સુરતમાં હીરા ઘસતા એટલે બા એ મામાથી વાત કરી રાખેલી જ હતી કે સાતમી પુરી થાય એટલે મને આગળ ભણવા સુરત લઈ જવો. વેકેશન પૂરું થયું કે તરત સવજી મામા આયા અને મને બધી વાત કરી ત્યારે જ મને તો ખબર પડી કે મારે હવે સુરત જવું પડશે. આમ તો મામા ના ઘરે જવું કોને નો ગમે ! પણ મને એ રમત, એ ગોદરૂ, એ ભાઈબંધ અને ખાસ તો અંબા ને છોડી ને જવું ગમ્યું નહિ પણ મારે જવું જ પડ્યું…

બા અને અંબા જ્યારે મને ટેશણ સુધી વળાવવા આયા ત્યારે અંબા ધ્રુસકે ધ્રુસકે રડી હતી ! હું ય રડ્યો હતો પણ થાય શુ ?
“ દિવાળીની રજાયુંમાં આવજે ભૈ, શે’રમા જાય એટલે વિહરી ન જાતો” એટલું કહી અંબાએ વિદાય આપી દેવા ચહેરા ઉપર એક સ્મિત લાવ્યું…

ગામ , બા, ભાઈબંધ ને અંબા છોડી હું સુરત ગયો. ..સુરત જઈને મામા એ સૌ પહેલા તો મને કપડા અપાયાં, મારા લાંબા વાંકડિયા વાળ કપાવી નાના કરાવી દીધા પછી મને એક શાળામાં મૂકી દીધો જ્યાં ન કોઈ મને ઓળખે ન હું કોઈને ઓળખું !

ત્રણેક મહિના તો હું પાછલી પાટલીએ બેસી રડ્યા કરતો ! પણ અંબા કે બા એકેય ત્યાં સુધી ક્યાંથી આવે ? ધીમે ધીમે હું એ વાતાવરણ, એ શિક્ષકો અને એ બાળકો સાથે ટેવાઈ ગયો ! મામા મામી મને ખુબ ધ્યાન રાખીને ભણાવતા એટલે મને ભણવામાં પણ મજા આવવા લાગી ! ધીમે ધીમે બીજા બાળકો ને જોઈને હું પણ વાળની ફેશન, કપડાંની ફેશન, અને વાત વાતમાં અંગ્રેજી શબ્દો બોલતા શીખવા લાગ્યો…

મને હવે સુરત ની સુરત ગમવા લાગી હતી ત્યાં જ દિવાળી ની રજાઓ પડી અને એકાએક મને બા બાપુ ગામ ને અંબા સાંભર્યા ! મામા ને કીધું એટલે મામા મને ગામ મુકવા આવ્યા !

ગામમાં ઉતર્યો એટલે તરત બધા મને જોવા લાગ્યા. મારા વાળ, કપડાં, પગમાં બુટ મોજા, અને ખંભે કરેલો બગલથેલો જોઈને બધા મને જોતા જ રહી ગયા…. ! એ જોઈ મારી છાતી ફુલાવા લાગી ! ઘરે પહોંચી બા બાપુ , અંબા , જેન્તી , ભલો , ઊગી અને નર્મદા બધાને મારુ નવું રુપ બતાવી દેવા મારા પગ જોશભેર ઝપાટાબંધ ઘર તરફ ઉપડવા લાગ્યા ! જોત જોતામાં તો ગામનું ગુંદરૂ આયુ અને ગુંદરે કાયમની જેમ બેઠા એ વડીલોમાં એક ને ” એ રોમ રોમ લખમણ ભા ” કહેતો હું આગળ વધી ગયો ! ખબર નઈ લખમણ ભા એ મને ઓળખ્યો હશે કે કેમ ? હું બસ આગળ જ વધતો હતો !

મામા હજુ ગુંદરે આવે એ પહેલાં તો હું ઘર નજીક પહોંચી ગયો ! ઘર સામે દેખાતા તો જાણે વર્ષોથી વિખૂટી પડેલ ગાય એના વાછરડાને જોઈને જે હડી કાઢે એમ મેંય મુઠ્ઠી વાળીને દોટ મૂકી….. ! બગલથેલોય મને ભારો ન લાગ્યો ! પણ જેવો ઘરે ગયો કે જોઉં તો કોઈ નહિ ! ઓરડાને તાળું લટકે !

ફાળ પડી ! બાપુ તો ખેતરે જાય પણ આ બા ક્યાં ગઈ હશે ? એકાએક મને થયું કે સાંજનો ટાઢો પોર છે તોય કેમ જેન્તી, ભલો , ઊગી કોઈ રમતા નથી દેખાયા ! બગલથેલો ઉતારી ને ત્યાં જ પડતો મેલી હું અંબાના ઘર તરફ ભાગ્યો …..

અંબાના ઘરે ગયો ત્યાં જોયું તો લોકોનું ટોળું, બાર તેર માણસો ઉભા, હું આગળ ગયો અને જોયું તો બધા ભાઈબંધ ન્યા બેઠા…. ઉતરેલુ મોઢું લઈને જેન્તી એક ખાટલા પહે હેઠો બેઠો…. અંબાની બા ને બાપુ જેન્તી કને બેઠા…. ને ખાટલા ઉપર અંબા સૂતી….. ! અંબાના ઓસીયા પહે મારી બા ને બાપુ ય ઉભા…!

બધા વિચારોમાં એટલા ગુમ હતા કે કોઈએ મને જોયો જ ન હોય જાણે ! પણ અંબા મને જોતા વેંત જ હાથ હલાવી મને ઈશારો કરવા લાગી…. ! હું તરત એની પાસે ગયો… અને જોયું તો અંબાનો એક પગ સુજાઈને થાંભલા જેવો થઈ ગયેલો હતો ! હજુ હું કઈ બોલું એ પહેલાં તો અંબા કૈક કહેવા લાગી ! પણ બોલી ન શકી ! માત્ર હોઠ થોડા ધ્રુજયા ! આંખો ભબકવા લાગી ! અંબાના ડોળા અઘ્ધર ચડવા લાગ્યા…. મારો હાથ પકડી અંબાએ જોરથી દબાવ્યો, ના કદાચ એ એની આખરી શક્તિ નીકળી હતી ! બસ એજ ઘડીએ અંબા શાંત થઈ ગઈ !

જેન્તી, એની બા અને બાપુ ના એક સામટા અવાજ, પોક, રોકકળ થવા લાગી….. હું અંબાના મૃતદેહ ને જોતો જ ઉભો હતો ! બુદ્ધિ સમજ ન હતી પણ મોત શુ એ તો મનેય ખબર હતી ! અંબા હવે ક્યારેય નથી બોલવાની એતો મનેય ખબર હતી ! સડસડાટ મારા આંસુ વહેવા લાગ્યા….. જેન્તી મને વળગી વળગી ને રડતો હતો ! મારા મામા અમને બેય ને પકડીને બળજબરીથી આઘા લઈ ગયા….. અમને બેય ને અમારા ઘરે લઈ જવામાં આયા… એ પછી ક્યારે અંબાને ……. એય અમને અભાગીયાઓને ખબર નથી !

બસ અમને એટલી ખબર પડી એ વખતે મારા ખેતરમાં રાતનું પાણી હેડતું હતું એટલે બાપુ ખેતરે હતા… બા એકલી હતી અને તબિયત થોડી નરમ ગરમ હતી એટલે અંબા બે દિવસ બા પાસે જ સુઈ રેવા આવતી હતી ! બા ને રાતે એકાએક તાવ વધ્યો એટલે અંબાએ તુલસીના પન્ના અને મસાલો નાખી ઉકાળો બનાવી લેવા તપેલીમાં પાણી ભૂકી લીધા પણ ચુલે ઈંઘણા નો’તા …. અંબા બે ચાર છાણાં ને થોડા ઈંઘણા લેવા ગઈ પણ જેવો છાણાંમાં હાથ નાખ્યો કે કાળો નાગ અંબાને પગે ડસી ગયો ! રાડ કરતી અંબા ન્યા જ પડી ગઈ ! અંબાના બા બાપુ ને મારી બા દોડી ને આવ્યા, જટ ભુવાને લાવ્યો ભુવે ઝેર ચૂસી કાઢ્યું , બળતર કળતર તો ઉતરી મટી પણ સોજો ચડવા લાગ્યો. ગામ માં કોઈને ગાડી નઈ દવાખાને સિદ જાવું ? ભગવાનનું નામ લઈ બધાએ જાગતા અઘ્ધર શ્વાસે રાત કાઢી . બીજા દિવસે દવાખાને ગયા , ડોકટરે દવા કરી અને ઘેર લાવ્યા… પણ સોજો ઉતર્યો નહિ ! દિવસે દિવસે સોજો વધતો ગયો… શરીર કાળું પડવા લાગ્યું…. ! ફરી ડોકટર કને લઈ ગયા પણ એ સમયે ડોકટરો પાસે એવી દવાઓ ક્યાં હતી ? ડોકટરે કીધું કે એને ઘરે લઈ જાઓ હવે કોઈ કારી લાગવાની નથી !

પછી ત્રણ દિવસ અંબા ખાટલામાં અને બધા ઘરવાળા આજુબાજુ બેઠા બેઠા યમરાજ ની રાહ જોતા રહ્યા…! ખબર નહિ કેમ અંબા મારા આવવાની રાહ જોતી હતી કે કેમ ? પણ હું એને આવી ને ન મળ્યો ત્યાં સુધી એ લડતી જ રહી અને છેવટે મને મળ્યા પછી જ એનો આત્મા નીકળ્યો !
આજે તો એ વાતને વર્ષો થઇ ગયા છે. મારા બા અને બાપુ ઉંમર થઈને ગુજરી ગયા. આજે મારી પાસે ગાડી છે , મોટા મોટા ડોકટરો મને ઓળખે છે , પૈસો છે, ઘરમાં કોઈ જાતનું પ્રાણી કે જીવ ન આવી શકે એવી સુવિધા છે પણ અંબા નથી ! બસ એની થોડી ઘણી બ્લેક એન્ડ વાઇટ તસવીરો છે, એની યાદો છે ! અને એક ભરત ગૂંથણ કરેલો રૂમાલ છે જે મને અંબા એ હું પહેલો વહેલો સુરત આવ્યો ત્યારે ભેંટ માં દીધો હતો ! આજે ય એ રૂમાલ હું સાચવી ને રાખું છું !
આટ આટલા વર્ષો ગયા પછી પણ હું એકેય પળ નથી ભુલ્યો …ખબર નઈ જેન્તી ઉપર શુ વિતતી હશે ? એને તો બા ને બાપુ ય નથી , લગન પણ નથી કર્યા ને અંબાના સ્મરણમાં તો એ એકલો કેવો ભાંગી પડતો હશે ? એ વિચાર ઉપર અટકી હું જેન્તીને મળવા ગામડે નીકળી પડ્યો…….

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here