2 વખતની રોટલી ખાવાના પણ ફાંફાં હતા, આજે છે કોમેડીની દુનિયાનો સિતારો !

મેં સાંભળ્યું છે કે કલાકારની કળા કદી બંધાયેલી હોતી નથી,કળાનો અવકાશ તમામ બંધનોથી પરે છે. આજે તમને એવા બાળ કલાકારનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે પોતાના દમ પર ટેલિવિઝન ઉદ્યોગનો જાણીતો ચહેરો બની ગયો છે,કે જે કપિલ શર્માના શોની આન-બાન અને શાન છે, અને દરેક સામાન્ય માણસ માટે તે એક મહાન પ્રેરણારૂપ છે.

કપિલ શર્માના કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં ‘ખજૂર’ના નામથી દમદાર અને રોચક અભિનય કરવા વાળા કાર્તિકેય નામના કિશોરથી કોણ અજાણ હશે! આજે, કાર્તિકેય રાજે કોમેડીની દુનિયામાં પ્રસિધ્ધિ પામતો સિતારો છે, જે વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થયો છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેના પરિવાર માટે 2 વખતની રોટલી ખાવાના પણ ફાંફાં હતા.

બિહારની રાજધાની પટણામાં, કાર્તિકેય નો જન્મ એક ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા મોતીપ્રસાદ મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આવક એટલી નહોતી કે તેઓ પોતાના બે પુત્રો અને પુત્રી સહિત પાંચ લોકોને રોજીરોટી પૂરી પાડી શકે. કોઈ પણ રીતે તેઓ આમ જ સંઘર્ષ કરતા રહ્યા. સંઘર્ષના દિવસોને યાદ કરતા,કાર્તિકેયની માતા કહે છે કે, “જે દિવસે દાળ-ભાત-શાક બને એ દિવસે બાળકોને થાતું કે જાણે આજે તો પાર્ટી છે!”

પૈસાની આટલી બધી અછત હોવા છતા પોતે દુ:ખો વેઠીને પોતાના બાળકોની શિક્ષા પર કોઈ પણ દિવસ આંચ આવવા દીધી નથી,કારણકે તેઓ જાણતા હતા કે શિક્ષણ જ એવુ માધ્યમ છે જે પોતાના બાળકોનુ ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે. પોતાના સ્વપ્નાઓનું બલિદાન આપીને તેમણે હંમેશા પોતાના બાળકોને જીવનમા કંઈક કરી બતાવવાની ભાવનાથી પ્રોત્સાહિત કર્યા.

કાર્તિકેય તેના નાના ભાઇ અભિષેક સાથે સ્કૂલે આવતો – જતો, પરંતુ કાર્તિકેયનુ મન ભણવામાં લાગતુ નહોતુ. વળી, તોફાન કરવામા તેનો પહેલો નંબર આવતો હતો. આખા દિવસ દરમ્યાન રમત અને મસ્તી સિવાય તેનું મન ક્યાંય પણ લાગતુ નહોતું. તેની મા તેના આ વર્તનથી હંમેશા ચિંતિત રહેતી કે જો બાળકો આ ઉંમરમાં ફક્ત રમશે, તો તેના ભવિષ્યનુ શુ થશે. પરંતુ તે પછી જ કાર્તિકેયની જિંદગીમાં એક મોટો વળાંક આવ્યો

કાર્તિકેયની માતા જણાવે છે કે એનજીઓ દ્વારા ચલાવવામા આવતી શાળાની બહાર આવેલા મેદાનમાં તે, તેનો ભાઈ અને તેમના દોસ્તારો સાથે ક્રિકેટ રમતા હતાં. ત્યાં તેને સ્કૂલમાથી આવતું ગીતનું સંગીત સંભળાતુ, જે હંમેશા તેને પ્રેરણા આપતુ રહેતુ, અને એક દિવસ તે પોતાના ભાઇ સાથે સ્કૂલમા ગયો અને બંને ભાઈઓને એ વાતાવરણ એટલું બધું ગમ્યું કે બંનેએ ત્યાં પ્રવેશ લઈ લીધો.

આ પ્રવેશ પછી બન્ને ભાઈઓનું જીવન સાવ બદલાઈ ગયું. સ્કૂલના શિક્ષકો તે બંનેની રૂચિ જોઈને તેઓ બંને જણાને એક્ટિંગની નાનામા નાની વસ્તુ શીખવાડવા લાગ્યા. સમય જતાં જીવનમાં એક વળાંક આવ્યો, અને વર્ષ 2013 માં, એક ટીવી ચેનલ ટીમે “બેસ્ટ ડ્રામેબાઝ”ના કાર્યક્રમ માટે પટણામાં હરિફાઈ શરૂ કરી. અને, ટીમે જે પસંદગી કરી તેના ટોપ 20 ટીમમાં કાર્તિકેયનુ નામ પણ હતું.

તે કાર્તિકેય અને તેમના પરિવારના સપનાઓની પ્રથમ ઉડાન હતી. ચેનલના લોકો કાર્તિકેય અને અન્ય હરિફોને લઈને કોલકાતા આવી ગયા. ત્યાં કાર્તિકેયને એક મોટી હોટેલનો ફાઈવ સ્ટાર એસી રૂમ મળ્યો. આ સમય દરમ્યાન, હોટલોમાંથી જે ખાવાનુ મળતુ તેમાથી અડધુ તે પોતે ખાઈ લેતો અને અડધુ છુપાવીને રાખતો. 5 દિવસ હોટેલમાં રહેવા દરમિયાન તેણે ઘણો ખોરાક બચાવ્યો અને બેગમાં છુપાવી તે ઘરના સભ્યો માટે લઈ ગયો.

કાર્તિકેયની માતા ભીની આંખે કહે છે કે ‘ચાર વર્ષ પછી પણ, હું તે દિવસના એક-એક પળને યાદ કરું છું. મેં તે થેલી લીધી અને તેની સામે બેસીને જ ખાધું. ઘર સુધી આવતા તો તે ખોરાક બગડી ગયો હતો. પરંતુ મે કાર્તિકેયને એનું અનુમાન પણ ન આવવા દીધુ. મારો પુત્ર મને કેટલો પ્રેમ કરે છે એ વિચાર્યા પછી હું મારા આંસુ ન રોકી શકી.મને ગર્વ છે કે હુ કાર્તિકેયની માતા છું.”

કોલકાતામાં એ પાંચ દિવસની યાત્રાએ કાર્તિકેયની આખી જીંદગીની કાયાપલટ કરી નાખી. તે ચૅનલના છઠ્ઠા રાઉન્ડ સુધી પહોંચ્યો, પરંતુ આ સમય દરમિયાન જ કપિલ શર્માની નજર કાર્તિકેયની કૉમેડી પર પડી,અને તેમને કાર્તિકેયની કૉમેડી કરવાનો અંદાજ ખૂબ જ ગમ્યો. ત્યારબાદ, કપિલે કાર્તિકેયને તેમના પ્રોગ્રામમાં કોમેડી કરવા માટે તક આપી, અને આજે તે “ખજૂર” ના નામે, સ્ટેજ પર ધૂમ મચાવી રહ્યો છે.

આજે કાર્તિકેય મુંબઇમાં રહે છે અને મુંબઈમાં કામની સાથેસાથે જ અભ્યાસ કરી રહયો છે. ૧૨ વર્ષનો કાર્તિકેય રાજ દરેક કલાકાર માટે પ્રેરણાસ્ત્રોત છે. તેની સફળતા દર્શાવે છે કે, જો વ્યક્તિ પોતાના લક્ષ્યને જ પોતાનો દ્રઢ સંકલ્પ બનાવે તો પછી તમામ પડકારો હોવા છતાં પણ સફળતા અચૂક મળે જ છે.

મિત્રો, જીવનમાં તમે તનતોડ મહેનત કરો તો સફળતા અવશ્ય મળે છે. આ નટખટ કાર્તિકેય ઉર્ફ ખજૂર વિશે તમે શું વિચારો છો તે તમે કોમેન્ટમા લખી શકો છો.

લેખન – સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી