અમરપ્રેમ (ભાગ -1) – A modern Love Story by Vyomesh Jhala

આજે 14,મી ફેબ્રુઆરી,વેલેન્ટાઈન ડે….

પ્રતિવર્ષ વેલેન્ટાઈન ડે નિમિત્તે શહેરની કોલેજ દ્વારા યુવા નવોદિત કવિ વિદ્યાર્થીઓના મુશાયરાનો કાર્યક્રમ યોજાતો હતો તે મુજબ આજે પણ વેલેન્ટાઈન ડે હોઈ કોલેજના શણગારાયેલા મધ્યસ્થ ખંડમાં મુશાયરો યોજાયો હતો.કોલેજનાસ્ટાફ,તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો માનીતો,અને લાડીલો ઘનશ્યામ આ વર્ષેપણ વિજયપદ્મ જીતી,પ્રથમ પુરસ્કારનો અધિકારી બન્યો હતો

મુશાયરો પૂરોથયો.ધીમે ધીમે મેદની વિખેરાવાલાગી શુભેચ્છકો,મિત્રો,અને પ્રશંશકોથી,અભિનંદન અને પ્રશંશા મેળવતો છૂટો પડી ઘનશ્યામ ઘેર જવામાટે પાર્કિંગમાં મુકેલી પોતાની બાઈક લેવા આગળ વધ્યો…..
આ તરફ મુશાયરો પૂરોથતાજ મીરાં સૌથી પહેલી બહાર નીકળી ઘનશ્યામના પાર્ક કરેલ બાઈક પાસે જઈને ઉભી રહી.
તેણે વિચાર્યું,કે,ઘનશ્યામપાસે પોતાના પ્રેમનો એકરાર કરવાની આજે તક છે, અને આવી તક કદાચ ફરી ન પણ મળે!
બાઈક પાસે ઘનશ્યામના પહોંચતાજ મીરાંએ તેને બોલાવ્યો

” Happy Valentine Day ,શ્યામ,અને અભિનંદન પણ ખરા” એટલુ બોલી પોતાનાહાથમાંરાખેલું ગુલાબનું ફૂલ તેણે ઘનશ્યામને આપ્યું સસ્મિત ઘનશ્યામે તે સ્વિકારી,આભાર માનતા કહ્યું,
“મારું નામ ઘનશ્યામ છે,અને મારા અતિ નિકટના લોકોજ મને શ્યામકહીને બોલાવે છે”

“ઓહો,તો હું તે ‘અતિ નિકટની યાદી’માં આવીગઈ,ખરું ને?” પતંગિયાનીપાંખ જેવા નાજુક,અને પાતળાં હોઠ ફફડાવતા,શરમાતા મીરાંબોલી
“બિલ્કુલ,તે કહેવાની જરૂર જ નથી શ્યામની વધુ નિકટ, મીરાં સિવાય બીજું કોણ હોઈ શકે?” મીઠી મજાકનો લ્હાવો લેતા ઘનશ્યામે નિર્દોષભાવે જવાબ આપ્યો
“ફરી મળતો રહેજે,Good Night ,Have a Sweet Dream”, કહેતા આછા સ્મિત,અને સંતોષ સાથે મીરાં પાર્ક કરેલી પોતાની મોટર પાસે જવા નીકળી,અને થોડી જ વારમાં રાતના અંધારામાં બન્ને પોતાના ઘરતરફની દિશામાં ફંટાઈ ગયા
***************
મીરાં શહેરના શ્રીમંત, પ્રતિષ્ઠિત ન્યાયાધીશ મણીરાય દિવાનનું એકમાત્ર સંતાન હતું નાની ઉમરમાંજ માતાનું અવસાન થઇ જતા, પિતા મણીરાયના આદર્શ, નીતિ-નિયમો, શિસ્ત અને અનુશાશન હેઠળ મોટીથઇ હતી, જયારે ઘનશ્યામ સામાન્ય ઘરનો છોકરો હતો, પિતાજીનું કેન્સરની બીમારીમાં સાતેક વર્ષ પહેલા અવસાન થતા, બીમાર, વૃદ્ધ, વિધવા મા ની જવાબદારી ધરાવતો હતો મીરાંને એ બધીવાતનો ખ્યાલ હતો,તેમ છતાં ઘનશ્યામની પ્રમાણિક,સરળ નિર્દોષ પ્રતિભા,અને તેની લેખનકળા ઉપર તે વારી ગઈ હતી

આમ, પ્રેમની રેશમની દોરી ઉપર આજે પહેલી ગાંઠ વળી, મીરાં આજે ખુબ જ ખુશ હતી. બસ, હવે તો મીરાંની આંખ સતત શ્યામની શોધમાં જ રહેતી હતી. કોલેજ, કેન્ટીન, લાઈબ્રેરી, કે કેમ્પસ ગાર્ડનમાં મીરાં સતત નજર રાખતી હતી, અને જયારે પણ તક મળે ત્યારે તેની સાથે વાતો કરવી, હસવું, કે મજાક – મશ્કરી કરવાનું તેને ગમતું હતું ધીરે ધીરે,શ્યામ પણ તેની કંપની પસંદ કરવા લાગ્યો.
કહેછે કે ,” સતત સંપર્ક પ્રેમાન્કુરો જન્માવે છે” તે મુજબ પહેલા પરિચય, પછી દોસ્તી, અને હવે પ્રેમ તરફ બન્ને યુવાન હૈયાઓ આગળ વધતા જતા હતા. જોતજોતામાં દિવસો,મહિનાઓ અને વર્ષો પુરા થવા માંડ્યા, અનુસ્નાતકના છેલ્લા વર્ષની પરીક્ષાને ત્રણેક માસ બાકી હતા. મીરાએ વિચાર્યું કે પરીક્ષાબાદ કોલેજનો અભ્યાસ પૂરો થશે,અને તેથી કોલેજે આવવાનું બંધ થતા શ્યામને આટલી બિન્દાસ્ત રીતે, વારંવાર મળવું મુશ્કેલ બનશે તેથી પરીક્ષા પહેલાજ હું તેને “પ્રપોઝ “કરી દઉં, અને એક દિવસ મોકો જોઈને મીરાએ શ્યામને પૂછ્યું,
” શ્યામ, હું માની લઉં છું કે, જેમ હું તને પ્રેમ કરું છું, તેમ તું પણ મને ચાહે છે, જો તું ખરેખર મને પ્રેમ કરતો હો, તો આપણે લગ્ન અંગે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. હું આ બાબતે તારા સ્પષ્ટ,અને નિખાલસ અભિપ્રાયને આવકારીશ ”
ઓચિંતા,અણધાર્યા પ્રશ્નથી શ્યામ ઘડીભર મૂંઝાયો, તરત જ સ્વસ્થ થઇ જવાબ વાળ્યો, ” તારી વાત સાચી છે, મને તારી તે દરખાસ્ત માન્ય છે, સિવાય કે તારા પિતાજી તેના ઉપર પોતાની મંજુરીની મહોર મારે,મને શંકા છે કે તારા અમીર પિતા આપણા સંબંધને માન્ય નહી રાખે, તેથી તેને સમજાવવાની જવાબદારી તારી રહેશે” શ્યામે ગંભીરતાથી કહ્યું.
“તું તે ચિંતા છોડી દે, યોગ્ય સમયે, તક મળતા જ હું પપ્પાને વાત કરી અને રાજીખુશીથી તેની સંમતી મેળવી લઈશ, આંખોમાં છલકતા આત્મવિશ્વાસની ચમક સાથે મીરાં બોલી,
સુર્યાસ્ત થવાને આરે બન્ને પોતપોતાના ઘેર જવા છુટા પડ્યા.
***********
આ બાજુ, મણીરાયને એક દિવસે વિચાર આવ્યો કે પુત્રીનો અભ્યાસ હવે પૂરો થવામાં છે, ઉમરલાયક પણ થઇ ચુકી છે અને જો કોઈ સુપાત્ર ગોતીને તેના હાથપીળા કરી દઉં, તો મારા ઉપરની એક મોટી જવાબદારી પૂરી થાય, જો તેની માં હયાત હોત,તો મને આટલી ચિંતા ન રહેત,

રવિવારની સવાર હતી. મણીરાય સવારના નાસ્તા માટે મીરાંની રાહ જોતા બેઠા હતા એવામાં મીરાં મોર્નિંગવોક, અને જીમ પતાવીને ઘેર પાછી ફરી પિતા સાથે નાસ્તો કરવા બેઠી, મણીરાયે વાત છેડી , ” બેટા,તારો અભ્યાસ હવે પૂરો થવામાં છે વળી તું હવે ઉમરલાયક પણ થઇ ચુકી છો, તે સંજોગોમાં મને એમ લાગે છે કે હવે તારે લગ્ન અંગે કૈંક વિચારવું જોઈએ, તારી માં આ જવાબદારી મને સોપી ચાલી જતા,મને તે ચિંતા સતાવે તે સ્વાભાવિક છે. ગઈકાલે મારા મિત્ર અનિલનો સુરતથી ફોન હતો, તેણે તારામાટે એક સુશીલ અને સંસ્કારી મુરતિયો શોધ્યો છે, જે તેના ગાઢ પરિચયમાં છે, તે ભસ્માંગ સિવિલ એન્જીનીયર તરીકે સરકારી બાંધકામખાતામાં નોકરી કરે છે. છ માસપછી કન્ફોર્મ થતા, તે જુનીયર એન્જીયર થશે, અને પાંચ વર્ષે તે ચીફ એન્જીનીયર બની જ્વાની ક્ષમતા ધરાવતો તેજસ્વી યુવાન છે તું વિચારી જો, હું તને આવતી કાલ સુધીનો સમય આપું છું. કાલે તું મને વિચારીને જવાબ આપજે, પણ ધ્યાનથી વિચારજે કે, આવો મુરતિયો વારંવાર મળવો મુશ્કેલ છે ”
આ સાંભળતાજ મીરાંનો ચહેરો ઉતરી ગયો, મુરતિયા તરીકે ભસ્માંગનું નામ સાંભળતાજ જાણે પોતાના બધા અંગો ભસ્મીભૂત થઇ ગયા હોય તેવી કાલીમા મુખપર છવાઈ ગઈ, છતાં શાંતિથી સાંભળી,ચુપચાપ ઉભી થઇ ગઈ.

બીજા દિવસની રાત્રિનું ભોજન પતાવી, મણીરાય બંગલાની બહાર બગીચામાં ઝૂલે હિચકતા હતા. તેણે મીરાંને બોલાવી,પૂછ્યું, “બેટા,તે શું વિચાર્યું ?”
થોડીવાર મૌન ધારણ કર્યા પછી, કોર્ટના પિંજરામાં આરોપીની જે મનોસ્થિતિ હોય, તેવી મનોદશામાં, મીરાએ મોઢું ખોલ્યું “પપ્પા,એવી શું ઉતાવળ છે? હજુ માંડ હું અભ્યાસ પૂરો કરીશ થોડો સમય થોભી જાઓ,તો શું ખોટું છે ?”

મણીરાયે કહ્યું, “કબુલ, લગ્ન મોડા કરીશું, પણ સગાઈ જાહેર થઇ જાય તો એક વાત ખીલે બંધાઈ જાય,અને હું નિશ્ચિંત બની જાઉં ”
“એ સાચું, પણ પપ્પા,…………”, મીરાં વાક્ય પૂરું ન કરીશકી
“કેમ અટકી ગઈ? કે બીજે ક્યાય તારું ચક્કર ચાલે છે? જે હોય તે સ્પસ્ટ કહી દે”, થોડા ઊંચા,અને કડક સ્વરે મણીરાયે કહ્યું .
“હા પપ્પા, મારા ક્લાસમાં ભણતા મારા મિત્ર શ્યામ પુરોહિતને, હું દિલથી ચાહું છું, અને અમે બન્નેએ ભવિષ્યમાં લગ્નગ્રંથીથી જોડાવાનો સહ-સંકલ્પ કર્યો છે. શ્યામ, B.A.ગોલ્ડમેડલીસ્ટ છે,અને M.A.માં પણ તે આશાવાદી છે ,ત્યારબાદ તે અન્ય રાજ્યમાં સંશોધન પેપર્સ માટે જવાનો છે, પણ હાલ તેની માતા બીમાર હોય, નવી ખુલતી ટર્મથી તે શાળામાં શિક્ષક તરીકે જોડાવાનો છે તે નામી શાયર,અને ગઝલકાર છે ” – વધુ પ્રશ્નોના ડરથી મીરાએ એકજ શ્વાસે,ઘનશ્યામનો પૂરો બાયોડેટા મણિરાયના માગ્યા પહેલા આપી દીધો.

મણીરાયનો ગુસ્સો ધાણીફૂટે એમ ફૂટ્યો ગુસ્સાથી લાલઘુમ થઇ ગયેલો તેનો ચહેરો,વિકૃત અને બિહામણો બની ગયો, તે બોલ્યા ” શું કહ્યું ? તે ઓલ્યા, જકાતનાકામાં કારકુન હતો તે દીનકરનો દીકરો ઘનો ?”
“હા, પપ્પા એજ, પણ તેનું નામ ઘનો નહી, પણ ઘનશ્યામ છે ” મીરાએ દાઢમાંથી જવાબ આપ્યો
“હા, હા, જે હોય તે,પણ ફિટકાર છે તારી પસંદગીને, મને સ્વપ્ને પણ કલ્પના નહી કે તારી પસંદગી આટલી નિમ્નકક્ષાની હશે. કોલેજમાં સાથે ભણ્યા, એમાં પ્રેમ પણ થઇ ગયો? ‘મેળામાં મળ્યા,અને મન મળી ગ્યું ‘એ પન્નાલાલ પટેલની વાર્તામાં શોભે, બેટા,વાસ્તવિક જીવન,કડવું સત્ય છે . તેણે બધું કહ્યું, અને તેનું બધું કહેલું તું માનીપણ ગઈ? એ શાયર નહી પણ લાયર છે ,અરે એ ગરીબ ભિખારી બ્રાહ્મણના પ્રેમ માં પડતા પહેલાં તારે તેના કુળ, કુટુંબ, સંસ્કાર અને ખોરડું તો જોવુ’તું ? ક્યાં રાજા ભોજ, અને ક્યાં ગાંગુ તેલી? ક્યાં દિવાનની હવેલી,અને ક્યાં બ્રાહ્મણની ડેલી? તું વિચાર કર કે ક્યાં રૂપિયા 50,000/ નો પગારદાર સિવિલ ઇન્જિનીયર, અને ક્યાં રૂપિયા 10,000/ નો પંતુજી ?
મને તે હરગીઝ મંઝુર નથી, તું કાન ખોલીને સાંભળીલે કે દિવાન કુટુંબની પ્રતિષ્ઠા, પરંપરા,અને અનુશાશન મુજબ તારા લગ્ન હું જ નક્કી કરીશ લોકો ભલે કહે કે Marriages are made in Heaven પણ દિવાન પરિવારની પરંપરા મુજ્બ, Marriages are made on Earth and that too on Choice of Elders.” – મણીરાય એક શ્વાસે બોલી ઊઠ્યા.

હવે મીરાંનો ગુસ્સો પણ હાથ ન રહ્યો અકળાઈને બોલી, “બસ કરો પપ્પા, બહુ થયું, મને લક્ષ્મણરેખા ઓળંગવા મજબુર ન કરો તમે જયારે કોઈની ઈજ્જત નથી કરી શકતા,ત્યારે તમને કોઈની બેઈજ્જતી કરવાનો અધિકાર નથી. ઘનશ્યામ લાયર નહી, પણ લાયન છે વાત રહી નોકરીની, તો તમે ન્યાયાધીશ છો તો તમે જ ન્યાય કરો? મારે વરમાળા મારી પસંદગીના પાત્રને પહેરાવવાની છે, કે પદ, પદવી, અને પગારને? હું મારું ભવિષ્ય બરાબર વિચારી શકું છું”

આમને આમ રાત્રીના 12 વાગી ગયા, ગુસ્સામાં મણીરાય ગાર્ડનમાંથી ઉઠી બેડરૂમ તરફ ગયા.

આ બાજુ વ્યગ્ર મીરાં પણ સુવા માટે પોતાના બેડરુમમાં પ્રવેશી, ઊંઘ માટે સતત કોશિશ કરતી મીરાં પથારીમાં પડ્યા,પડ્યા ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડતી હતી. આખી રાત રડીને કલ્પાંત કરતી મીરાંની આંખ સુજીને લાલ થઇ ગઈ હતી

**********
આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ
**********
આખી રાત પિતા-પુત્રી બન્ને સુઈ ન શક્યા.
મણીરાયે વિચાર્યું કે યૌવનને પાંખ ફૂટે તે પહેલા તેની પાંખ કાપવી જરૂરી છે. આ પંખી ગમે તે દિવસે પીંજરું છોડી ઉડી જશે. હવે મીરાને ફાઈનલની પરીક્ષા પણ દેવરાવ્યા વિના લગ્ન કરી વિદાય કરી દઉં ત્યારે મને હાશ થાય. બીજે જ દિવસે સવારે, પોતાના મિત્ર અનિલને ફોન કરી પોતે સુરત જવા નીકળી ગયા.
ભસ્માંગ અને તેનો પરિવાર છએક માસ પહેલા જ, સુરતમાં કોઈ લગ્નપ્રસંગમાં મણીરાય અને મીરાંથી પરિચિત થયો હતો. બધી જ વાતચીત પછી બન્ને પક્ષે સગાઈ કરવાનું નક્કી કરી લીધું.

આ બાજુ મણીરાયની ગેરહાજરીનો લાભ લઇ, મીરાએ શ્યામને ઘેર બોલાવી, બે દિવસદરમ્યાન બનેલી ઘટનાની બધીજ વાત કરી. મીરાનીસગાઈ પોતાની સાથે ન કરવાના મણીરાયનો નિર્ણય જાણતા ઘનશ્યામના પગ નીચેની ધરતી સરકવા લાગી. તેના હોઠ અને જીભ સુકાવા લાગ્યા. થોડીવારે મીરાએ પાણી પાયા બાદ તેણે પોતાની જાતને સંભાળી લીધી અને બોલ્યો, “મીરાં, મારો ને તારો પ્રેમ અતિ શુદ્ધ અને બિનશરતી છે. તેમ છતાં, જો ઈશ્વરને આમ જ મંજુર હોય, તો ભાગ્ય સામે બાથ ભીડવી વ્યાજબી નથી. આમેય, મેવાડની રાણી મીરાંને પણ ક્યાં તેનો શ્યામ મળ્યો હતો ?”
મીરાએ આક્રોશથીપૂછ્યું, “બોલ, છે હિમત? આપણે ભાગીને લગ્ન કરી લઈએ ”
“શું કહ્યું ? ભાગીને લગ્ન કરવા? એમ? આપણે પ્રેમ કર્યો છે,ચોરી નહી. મીરાં, લગ્ન એટલે તું શું સમજે છે ? લગ્ન એ બે આત્માનું પવિત્ર મીલન છે, બે વ્યક્તિ નહીં પણ બે પરિવારનું મીલન છે, પવિત્ર અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરી હસ્તમેળાપ થાય અને વડીલો શુભાશિષ સાથે પાણિગ્રહણ કરાવે એને લગ્ન કહેવાય, આધેડ વિધુર પિતાની આંખમાં ધૂળ નાખી પરિવારને તરછોડીને ભાગી જઇ કોર્ટ કચેરીમાં સહી કર્યાને ‘ઘરઘરણુ’ કે ‘ભાગેડુ’ કહેવાય એ કાયરો નું કામ છે. ‘પ્રેમનો મારગ છે શૂરાનો ,કાયરનું નહીં કામ જો’ – એ વાત યાદ નથી? એવો વિચાર જ અસ્થાને છે. હું શાયર છું કાયર નહી. મીરાં, એક વાત તું સાફ સમજીલે, કે ધારેલું ન મળવું, મળતું ન ગમવું, અને ગમતું ન ટકવું, એ ઈશ્વરીય શતરંજની ખેલનો એક ભાગ છે, ભાવિના ગર્ભમાં શું છુપાયું છે, તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. એમ પણ બની શકે કે, હું અલ્પાયુષી હોઉં,અને ભાગ્યમાં યુવાનીમાં મૃત્યુ લખાયેલું હોય, પણ સાથોસાથ તારા ભાગ્યમાં કસમયનું વૈધવ્ય ન લખાયેલું હોય, એવા સંજોગોમાં ઈશ્વર ભસ્માંગ જેવા પ્યાદાને જન્માવે છે. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ. જે બને છે તેમાં ઈશ્વરનો જરૂર કોઈ સંકેત હશે. આપણો પ્રેમ અણીશુદ્ધ,અને અગાધ છે તે સાચું. પણ, વડીલોની આમન્યા,અને તેની ખુશી પાસે તે અવશ્ય વામણો છે. વડીલોની દુઆ,અને તેમની ક્દુઆની અસર જિંદગીભર મેહસૂસ થયા વિના નથી રહેતી આપણો પ્રેમ અમર છે,અને અમર રહેશે. At Some stage,You have to realize,that Some people,can Stay in your HEART,but not in your LIFE.” – આમ મીરાને આશ્વાશન આપી, ધીરજથી ઈશ્વરીય ન્યાયને સ્વીકારવાની સલાહ આપી ભગ્ન હૃદયે, નિસ્તેજ વદને અને ભાંગેલ પગે શ્યામ વિદાય થયો.

બીજે દિવસે સવારે મણીરાય, ભસ્માંગના વડીલો સાથે મીરાના લગ્નનું પાકું કરી પાછા ફર્યા. ઘડિયા લગ્ન લેવાયા, એક મંગલ દિવસે મહુર્ત નક્કી થયું અને સગા-સંબધીઓની હાજરી વચ્ચે લગ્ન ગોઠવાયા. નિશ્ચિત દિવસે જાન આવી, સવારે ચાંદલા, અને સાંજે લગ્ન થઇ પણ ગયા.
સિનેમાના પરદા ઉપર જેમ પ્રેમથી લગ્ન સુધીની ઘટના ત્રણ કલાકમાં આટોપાય તેટલી ત્વરાથી ગૌધુલીક સમયે ભસ્માંગ અને મીરાએ પતિ-પત્નિ રૂપે એકબીજાને વરમાળાપહેરાવી. ફટાકડા અને આતશબાજીથી વાતાવરણ ગાજી ઉઠ્યું.

લગ્નમંડપમાં મંગલ ગીતો ગવાઈરહયાં હતા. વર-કન્યા સપ્તપદીના સાત ફેરા ફરી ચુક્યા હતા. સૂર્ય અસ્તાચળ તરફ ગતિમાન થઇ રહ્યો હતો. જાનની વિદાય આરંભાણી, લગ્નની વાડીને દરવાજે નવપરણિત યુગલ આવી ઉભું હતું. વિદાયના મંત્રોચ્ચાર ઉચ્ચારાતા હતા, એવામાં એ જ રસ્તેથી કોલેજેથી ક્રિકેટ રમીને પાછા ફરતા,વાડી સામેની ફૂટપાથ ઉપરથી પસાર થતા ઘનશ્યામેં મીરાની વિદાયનું આખરીદૃશ્ય જોયું.

તે ઘડીભર થંભી ગયો, મીરાંની તેની સામે નજર પડી – ચાર આંખ મળી, અને આંસુથી, ડબાડબ ભરાયેલી આંખો સાથે ડૂસકું ન ભરાય જાય એ રીતે મોઢા પાસે રૂમાલ દબાવી મીરાંએ મોઢું ફેરવી લીધું.

હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે ગાડીનું પૈડું સિંચાયું અને ગાડીમાં યુગલ રવાના થઇ ગયું.
ગાડી દેખાતી બંધ થઇ ત્યાં સુધી શ્યામ એ જ જગ્યાએ ખોડાઈ રહ્યો,પોતાનો પ્રેમ આખરે આજે પરાયો થયો.
પિતા મણીરાયે, પ્રેમના પંથે પાથરેલા કંટકને કારણે, પ્રેમની વેદી ઉપર એક વધુ કરૂણ અને ભવ્ય બલિદાન દેવાયું…..

(વાર્તાના સુખાંત માટે આ વાર્તાનો બીજોભાગ વાંચવો જરૂરી )

ભાગ ૨ અહીં વાંચી શક્શો – અમર પ્રેમ ભાગ – ૨

લેખક – વ્યોમેશ ઝાલા (મોગરાની મહેંક)

ટીપ્પણી