અમરપ્રેમ (ભાગ -2) – A modern Love Story by Vyomesh Jhala

જેણે ભાગ ૧ ના વાંચ્યો હોય તે પહેલા http://jentilal.com/amarprem-part1/ પર થી વાંચી લે.

…………………………………..

મીરાં,ભસ્માંગ સાથે પરણી ગઈ અને શ્વસુર ઘેર સિધાવી.

દિવસો, મહિનાઓ, અને વર્ષો વિતતા ગયા પણ ઘનશ્યામના વિરહ અને દુઃખનો ઘાવ હજુ તાજો જ હતો. ભાંગી ચુકેલા ઘનશ્યામનો જીવનમાંથી રસ ઉડી ગયો. ભારે હૈયે અથાગ પ્રયાસો છતાં તે મીરાને કોઈ સંજોગોમાં ભૂલી શકતો નહોતો. સમયના વહેણને કોણ બાંધી શકયું છે ? હવે તો તેની વૃદ્ધ બીમાર માતા પણ સ્વર્ગે સિધાવી ચુકી હતી. જયારે માણસ હતાશા અને નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલાઈ જાયછે ત્યારે તે ત્રણમાંથી કોઈ એક રસ્તો પસંદ કરે છે : 1) આત્મહત્યા 2) ગમ ભૂલવાના વ્યર્થ પ્રયાસરૂપે શરાબનું સેવન અથવા 3) આવી પડેલી મુશ્કેલી સામે બાથ ભીડવાની હિમત અને મક્કમતા.

ઘનશ્યામ હિમત હારે તેમ નહોતો. પહેલેથી જ ઈશ્વર ઉપરની અતૂટ શ્રદ્ધાએ તેનામાં હિમતનો અજીબ સંચાર કર્યો. તેણે નિરાશા ખંખેરી. જીવનમાં કંઈક કરી બતાવવાની ધૂન તેના મગજમાં સવાર થઇ ગઈ. તેણે વિચાર્યું કે જે માનું ધાવણ ધાવી, ખોળોખૂંદીને પોતે કૈંક બની શક્યો તે સ્વધામ સિધાવી, જેને પોતાનું દિલ દઈ જીવનસાથી બનાવવા ઈચ્છી તે શ્વસુરધામ સિધાવી. હવે અહીં મારું કોણ છે? એવું વિચારી ઉર્દુ સાહિત્ય અને ગઝલનો અભ્યાસ કરવા તેણે લખનૌ જવાનું નક્કી કર્યું.

લખનૌ:

નવાબોની ધરતી, શેર-શાયરીનો ખોળો, ધુરંધર શાયરો અને ગઝલકારો! સોળમી સદીથી આ શહેરને “ગઝલનગરી” તરીકે ઓળખાય છે. અજનબી શહેરમાં ઘનશ્યામે પોતાની કારકિર્દી ઘડવાના નિર્ણય સાથે લખનૌ યુનીવર્સીટીમાં ઉર્દુ સાહિત્યનો ઉચ્ચ અભ્યાસ શરુ કર્યો. ખંત, મહેનત, એકનિષ્ઠા, એકાગ્રતા અને કંઇક બનવાની તમન્નાએ યુનિવર્સીટીના સ્ટાફથી માંડીને વાઈસચાન્સેલર સુધીના તમામનું દિલ જીતી લીધું. બે વર્ષમાં ઉર્દુ સાહિત્યનો તેનો અભ્યાસ ઉચ્ચ દરજ્જે પૂરો કર્યો અને “આકાશવાણી”,લખનૌ ખાતે ડ્યુટી ઓફિસર તરીકેની નિમણુક પણ મળી ગઈ.

“મહેનત, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ – એ ત્રણેયનો ત્રિવેણી સંગમ જીવનમાં અણધાર્યો ચમત્કાર સર્જી શકે છે. ” – ઘનશ્યામના જીવનમાં પણ એવુજ કૈંક બન્યું. એકધારી, સતત, એકનિષ્ઠાથી કરેલી કામગીરી અને તેની હોશિયારીને કારણે માત્ર આઠ વર્ષના ટૂંકાગાળામાં “આકાશવાણી” કાનપુરના કેન્દ્ર નિયામક તરીકે બઢતી સાથે બદલી થઇ.

આમને આમ એક દાયકો નીકળી ગયો. એકાકી જીવન ગુજારનાર ઘનશ્યામને આટલા વર્ષે વતનની યાદ આવી. એ જુના મિત્રો, સહાધ્યાયીઓ, જુના પડોશી અને વર્ષોથી બંધ પડેલું જુનું ઘર યાદ આવ્યા અને 20 દિવસની રજા લઈને તે વતન જવા નીકળી પડ્યો.

વતન પહોંચતાજ તેને પોતાની જૂની કોલેજ યાદ આવી. ત્યાના પ્રિન્સીપાલ તથા સ્ટાફને મળવા કોલેજે પહોંચી ગયો. કોલેજ છૂટવાને લગભગ અર્ધીએક કલાક બાકી હશે. કોલેજની લોબીમાંથી પસાર થતાં ખુણાના ગુજરાતીના વર્ગમાં “કલાપીનું રસપાન” વિષય ઉપર ભણાવતા અધ્યાપીકાનો અવાજ સંભળાયો, “જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની” અને આગળ વધતા “પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર, ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!”

અવાજ કાંઇક પરિચિત હોય એવું જણાયું. ઘનશ્યામ વર્ગની બહારની દીવાલે એક બાજુ ખૂણામાં ઉભા રહી સાંભળતો હતો. વર્ગ છૂટ્યો. એ છેલ્લો પીરીયડ હોઈ કોલેજનો સમય પણ પુરો થતા સહુ ઘર ભણી જવા લાગ્યા. અધ્યાપિકા વર્ગખંડમાંથી બહાર આવ્યા. ઘનશ્યામે તેને જોયા – સંગેમરમરમાં કંડારાયેલી મૂર્તિસમી, શ્વેતવસ્ત્રો, બન્ને હાથમાં એક-એક સોનાની બંગડી, બીન્દી વિનાનો ઉજ્જડ કોરો ભાલપ્રદેશ અને સિંદુર વિનાનાં સેંથાના રૂપમાં મીરાને સામે ઉભેલી જોઈ ઘડીક તો સુનમુન થઇ ગયેલ ઘનશ્યામને કઈ સમજ ન પડી.
“મીરાં તું? અહીં? આ બધું હું શું જોઉં છું ?” – ફાટીઆંખે જોઈરહેલ ઘનશ્યામે આશ્ચર્યસહ પૂછ્યું.
મીરાએ જવાબ આપ્યો, “હા શ્યામ! તું જોવે છે તે સત્ય છે. ઈશ્વરીય શતરંજનો અધુરો રહેલ ખેલ અહીં પૂરો થયો”
કળ વળતા ઘનશ્યામે પૂછ્યું, “મીરાં, તને આ દશામાં જોતા મને વિશ્વાસ નથી બેસતો”
મીરાંએ જવાબ આપ્યો, “તું સાચો છે. ચાલ, આપણે કેમ્પસના ગાર્ડનમાં બેસીએ, હું તને મારી કરમકથની સંભળાવું. ” – મીરાં અને શ્યામ કેમ્પસગાર્ડનમાં જઈને બેઠા.

ગાર્ડનમાં બેસતાજ મીરાં રડવા લાગી અને રડમસ અવાજે કહેવું શરુ કર્યું, “શ્યામ, નવવધુ સ્વરૂપે છેલ્લી તે મને જોઈ હતી. આજે વિધવા તરીકે તું મને પહેલીવાર જુવે છે, હું તનથી ભલે ભસ્માંગને પરણી હતી. પણ, તે પહેલાજ મનથી હું તને વરી ચુકી હતી. લગ્નપછી વર્ષો સુધી હું તને ભૂલી શકી નહોતી. તું માનીશ? લગ્ન પછી પણ દર વર્ષે વેલેન્ટાઈન ડે ને દિવસે હું તને ગમતા ગુલાબી કલરની સિલ્કની સાડી પહેરી સવારમાં અમારા શહેરના સ્વામી મંદિરે જઈને સુંદર લાલ ગુલાબ ભગવાન ઘનશ્યામજીના ચરણોમાં ધરી તારું મંગલ પ્રાર્થતી હતી. તેની સ્તુતિમાં પણ સ્મૃતિ તો તારી જ હતી. તારા શબ્દો યાદ રાખી, મેં ભગવાનની ઈચ્છાને સ્વીકારી લીધી. પણ, ઈશ્વરને મજાક કરવા માટેનું પાત્ર હું એક જ હતી. બન્યું એવુ કે સુરત – ભરૂચ વચ્ચેના પુલનું રીપેરીંગ કામ સરકાર હસ્તક હતું, જેના ચાર્જમાં ભસ્માંગ હતો. દિવસ રાત તેનું સુપરવિઝન કરવા તે ત્યાં જતો. એમાં એકવાર પુલ ઉપરથી તેનો પગ લપસી જતા તે ત્રીશ ફૂટ નીચે જઈ પડ્યો અને હેમરેજ થવા કારણે તે તત્ક્ષણ મૃત્યુ પામ્યો. આઠ વર્ષના ટૂંકાગાળામાં ઈશ્વરે મારું સુહાગ છીનવી લીધું. ઈશ્વરને એટલાથી શાંતિ ન વળી હોય એમ આ બાજુ મારા વૈધવ્યને ન જીરવી શકતા પપ્પાને પક્ષઘાતનો હુમલો આવ્યો. એકલા અટુલા, લાચાર, બીમાર બાપની સંભાળ લેવા મારા સાસુ સસરાએ મને પિયરમાં રહેવાની સલાહ દેતા હું શ્વસુરઘર છોડી અહીં આવી અને પપ્પાની ઓળખાણને કારણે મને અહીં અધ્યાપીકાની નોકરી પણ મળી ગઈ.

“શ્યામ, હવે તું કહે, તારી પત્ની કેવી છે? સંતાનમાં તારે શું છે ?” – જિજ્ઞાસાથી મીરાએ પૂછ્યું.
શ્યામે નીચું જોઈ ઊંડા નિસાસા સાથે જમણા હાથની હ્થેળી ઉપર ડાબા હાથનો અંગુઠો ઘસતા જવાબઆપ્યો, “ભગવાન, આ હથેળીમાં એ રેખા કંડારવીજ ભૂલી ગયો છે, હું હજુ અવિવાહિત છુ, મેં લગ્ન ન કરવાનો નિર્ધાર કર્યો છે”
આશ્ચર્યમાં ગરકાવ થતા મીરાએ કહ્યું, “શ્યામ, તે લગ્ન ન કરીને તારી જાત ઉપર દમન ગુજાર્યો છે. ભગવાન કૃષ્ણે ભલે મીરાંને પોતાની ન બનાવી પણ રુક્મિણીનો અંગીકાર કરીને અર્ધાંગીની તરીકે સ્વીકારીતો હતી જ ને ? શ્યામ, તું કાલે સાંજે ઘેર આવ. પથારીવશ પપ્પા એકલવાયા જીવનમાં સતત કોઈની કંપની ઝંખે છે. તારા આવવાથી થોડા સમય માટે પપ્પાને સારું લાગશે” – મીરાએ શ્યામને ઘેર આવવાનું ઈજન આપતા કહ્યું.
શ્યામ બોલ્યો,”નાં, હું જાણું છું કે તારા પપ્પાને મારા તરફ ભારોભાર નફરત છે. તેની નજરમાં મારું સ્થાન નથી. મારા ઘેર આવવાથી તે નારાજ થઇ કદાચ મારું અપમાન પણ કરી નાખે”.
“અરે! ના ના શ્યામ, દાયકા પહેલાના એ પપ્પા આજે સાવ બદલાઈ જ ગયા છે. મારી પરિસ્થિતિ જોઇને તે ભાંગી પડ્યા છે. લકવાગ્રસ્ત પપ્પા પોતાના બેડરૂમમાં રહેલ મારી સ્વર્ગસ્થ માંના ફોટા પાસે જે બન્યું છે તેને માટે જાણે પોતે જ ગુન્હેગાર છે તેમ માનીને રડ્યા જ કરે છે. તારો ભય અસ્થાને છે તેની હું ખાત્રીઆપું છું “, મીરાએ જવાબ આપ્યો

મીરાની વિનંતીથી શ્યામે નિમંત્રણ સ્વીકાર્યું. બીજે દિવસે સાંજે શ્યામ મીરાંને ઘેર પહોંચ્યો. લકવાગ્રસ્ત મણીરાય પોતાના બેડરૂમમાંથી લાકડીને ટેકે બેઠક ખંડમાં આવ્યા. શ્યામે ચરણસ્પર્શ કરી પ્રણામ કર્યા. મણીરાયની નિસ્તેજ આંખ ભરાઈ આવી. મીરાં કોફી બનાવી લાવી, ત્રણેયે સાથે કોફી પીધી.

****************
આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ
****************

થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતા શ્યામે વાતની શરૂવાત કરતા કહ્યું, “હું હાલ કાનપુર છું અને ત્યાં …”.
વચ્ચેથી જ મણીરાયે કહ્યું, “હા,મને ખબર છે. તારા અહીંના પ્રિન્સીપાલ મારા મિત્ર હોય અને તું તેના સંપર્કમાં હોવાથી તારા વિષેની બધીજ વિગત તેણે મને કહી છે”.
ઔપચારિક વાતોનો દૌર પૂરો થતા ભાવુક બનેલ મણીરાયે શ્યામની પીઠ ઉપર હાથ મુકતા કહ્યું, ” બેટા, અમારી વર્તમાન પરિસ્થિતિથી મીરાએ જરૂર તને વાકેફ કર્યો હશે. હું તમારા બન્નેનો ગુન્હેગાર છું. તમારો પ્રેમ સ્ફટીક જેવો શુદ્ધ અને પારદર્શક તથા ગંગા જેવો પવિત્ર હતો. તેને હું ઓળખી ન શક્યો અને મેં કસમયે તમને જુદા કર્યાના પાપનીસજા ઈશ્વરે મને થપ્પડમારીને આપી. જે આજે હું ભોગવું છું. મને માફ કર. હવે મને ખરેખર સમજાયું કે ઈશ્વરે તમો બન્નેને એક બીજા માટે જ સર્જ્યા છે”.

શરમથી ઝુકેલી આંખે શ્યામે જવાબ વાળ્યો, “બાપુજી, જયારે જયારે જે જે વસ્તુ બનવા નિર્મિત હોય છે ત્યારે ત્યારે તે તે વસ્તુ અવશ્ય બનીને જ રહે છે. તેમાં તમારો નહિ, પણ આપણા બધાના ભાગ્યનો દોષ છે. માફી માગી મને શરમિંદો ન કરો.આપ મારા પિતાતુલ્ય છો”
“જો ખરેખર તું મને પિતાતુલ્ય સમજતો હો તો આજે મારે તને એક વિનંતી કરવી છે. તું ધ્યાનથી સાંભળ. મને તારા પ્રિન્સીપાલસાહેબે કહ્યા પ્રમાણે તું હજુ અવિવાહિત છો. જો તને મંજુર હોય તો હું હવે મીરાનો હાથ તારા હાથમાં સોપવાનું વિચારું છું મેં જે પાપ કર્યું છે તેનું હું આ રીતે પ્રાયશ્ચિત કરી તમારા અને ઈશ્વરના ગુન્હામાંથી મુક્ત થવા માગું છું. તું અહીં આવવાનો છે તે વાત મને પ્રિન્સિપાલે કહ્યા બાદ મેં આ વિચાર કર્યો અને તે માટે મેં મીરાના સાસુ-સસરાને પણ બધી વાત કરી, તેમની સંમતી મેળવી લીધી છે”
“આ શું ? આવી અણધારી દરખાસ્ત અને તે પણ વજ્રહૃદયી મણીરાયની જીભે ?” – અચંબો પામેલ શ્યામ ઘડીભર આવું વિચારતા સ્તબ્ધ થઇ ગયો. મીરાંની આંખમાંથી આંસુ સરી પડ્યા.
શ્યામ એકદમ ગંભીર બની ગયો. થોડીવારે બોલ્યો, “જો તમારી એ ઇચ્છાથી તમે ખુશ હો અને આનંદિત હો તો મને તે દરખાસ્ત કબુલ છે,પણ…..”
“પણ શું ?” – આવેગથી મીરાં વચ્ચે બોલી
“પણ , તે માટે મારી એક શરત છે ” ઘનશ્યામે બેધડક જવાબ આપ્યો
“શરત ? કોની સામે શરત ?” પૂછતાં મીરાંના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો
“હા, શરત અને તે બાપુજી સાથે “ઘનશ્યામે આછા સ્મિત સાથે મીરાં સામે આંખ મિચકારતા કહ્યું.

“શરત” શબ્દરૂપી કંકરે મીરાના માનસતળાવમાં તરંગો જન્માવ્યા. તેને શ્યામનું નિર્દોષ સ્મિત લુચ્ચું અને ખંધું લાગ્યું તે વિચારવા લાગી કે “આપણો પ્રેમ શુદ્ધ અને બિનશરતી છે” એવું કહેનારો શ્યામ આજે લગ્ન માટે શરત મુકે છે ? અને તે શરત પણ પપ્પા પાસે? નક્કી પપ્પાની સંપત્તિ અને મિલકત ઉપર તેની દાનત બગડી છે તેને શ્યામની નિર્દોષ આંખમાં લોભ અને લાલચના સાપોલિયા સળવળતા દેખાયા. તેણે વિચાર્યું કે, શ્યામ મારી પરિસ્થિતિ અને પપ્પાની મજબુરીનો પૂરો લાભ ઉઠાવવા માંગે છે. આજે મને લાગે છે કે પપ્પા સાચા હતા. તેને પપ્પાના શબ્દો યાદઆવ્યા “અરે, એ ગરીબ ભિખારી બ્રાહ્મણના છોકરાના પ્રેમમાં પડતા પહેલાં, તારે તેના કુળ,કુટુંબ,સંસ્કાર,અને ખોરડું તો જોવું’તું ?”
મેં જેને “લાયન” માન્યો હતો તે લુચ્ચું,ખંધુ શિયાળ નીકળ્યો, જેને હું કોહીનુર સમજી બેઠી હતી, તે કાચનો ટુકડો નીકળ્યો.
આ બાજુ ઘનશ્યામના શબ્દો સાંભળી,મણીરાયે પોતે ભુતકાળમાં કહેલુ વાક્ય “તે શાયર નહિ પણ લાયર છે”ની યાદ અપાવતા હોય તેવી સૂચક નજરે મીરાં સામે લાચાર દ્રષ્ટીથી જોયું.

ચાલાક અને બુદ્ધિશાળી ઘનશ્યામ, મીરાં અને મણીરાયના મનોભાવને તુરત જ સમજી ગયો. મીરાના માનસતળાવમાં વિચારરૂપી સરકતી મત્સ્ય તેણે પોતાના આંતરચક્ષુથી નિહાળી. “કહી દે, તારી જે પણ કઈ શરત હોય તે” મીરાએ ગુસ્સા, દુ:ખની મિશ્ર લાગણી સાથે ઘનશ્યામને કહ્યું.

ખંડની દીવાલો પણ જાણે શ્યામની શરત સાંભળવા ઉત્સુક બની સરવા કાને ઉભી હોય એમ ખંડમાં ઘડીભર નિરવ શાંતિ સાથે સ્તબ્ધતા છવાઈ ગઈ. અખંડ શાંતિને ભેદતા, શ્યામે મૌંન તોડ્યું, “મારી એક જ શરત છે કે લગ્ન પછી બાપુજી આપણી સાથે આવી અને હમેશ માટે આપણી સાથે જ રહે. જીવનના ઘણા વર્ષો એકલે હાથે સંઘર્ષ વેઠ્યો છે. આવી નાજુક માનસિક અને શારીરિક સ્થિતિમાં એકલું રહીને જીવવું તેને દોહ્યલું થઇ પડશે. મારા પિતાજીના અવસાન સમયે હું બહુ નાનો હતો તેથી મને તેની સેવા કરવાનો મોકો નથી મળ્યો. બાપુજી આપણી સાથે રેહતા મને મારા પિતાજીની સેવા કર્યાનો સંતોષ થશે”.

વાતાવરણમાં શાતી પથરાઈ ગઈ. મીરાં ઉભી થઈને શ્યામના પગમાં પડી ગઈ અને બોલી, “શ્યામ,મને માફ કર. હું પાપી હોઈ, મને તારા શરત શબ્દ અંગે અનેક કુવિચાર આવ્યા હતા. તું આટલો મહાન હોઈશ તેવી મને કલ્પના પણ નહોતી. સાચેજ,તું પુરુષોત્તમ છે. You are really Great, શ્યામ.

આ સાંભળીને મણીરાયને ભૂતકાળમાં ઘનશ્યામ માટે ઉચ્ચારેલા બધા જ શબ્દો યાદ આવ્યા. તેને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ પસ્તાવા રૂપે એક બાળકની જેમ ધ્રુસકે,ધ્રુસકે રડવા લાગ્યા. સર્વસંમતીથી શ્યામને મીરાના લગ્ન નક્કી થયા. મીરાના સાસુ, સસરા, કોલેજનાપ્રિન્સીપાલ અને મિત્ર અનિલ ની ઉપસ્થિતિમાં ભીડભંજન મહાદેવના મંદીરમાં, 14 ફેબ્રુઆરી (વેલેન્ટાઇન ડે)ના રોજ લગ્નગ્રંથીથી જોડાઈ પતિ-પત્ની બન્યા. દશ વર્ષ પહેલા,વેલેન્ટાઈન ડે ને દિવસે જન્મેલા પ્રેમાંન્કુરો,આજે દશવર્ષ બાદ વેલેન્ટાઇન ડે ને દિવસે પ્રેમની સુગંધિત વેલ રૂપે પાંગરી.
બીજે જ દિવસે ઘરને તાળું મારી, મીરા અને શ્યામની સાથે મણીરાય પણ કાયમી સ્થિર થવા કાનપુર જવા ઉપડી ગયા.

લેખક – વ્યોમેશ ઝાલા (મોગરાની મહેંક)

ટીપ્પણી