અલગ અલગ રાજ્યોમાં રક્ષા બંધનની અલગ અલગ ઉજવણી – ખુબ જ રસપ્રદ !

ભાઈ અને બહેનનાં નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક એટલે રક્ષા બંધન..મહાભારત કાળમાં કુંતીએ અભિમન્યુને રાખડી બાંધેલ અને બલી રાજાને તેની પત્નીએ રાખડી બાંધેલ એવો ઉલ્લેખ છે. ત્યારબાદ રક્ષા બંધન એ ભાઈ અને બહેન પુરતો સીમિત તહેવાર થઇ ગયો.ભારતના જુદા જુદા રાજ્યોમાં રક્ષા બંધન અલગ અલગ રીતે ઉજવાય છે.

*જમ્મુ અને કાશ્મીર____

રક્ષા બંધન અહી સહેજ જુદી રીતે ઉજવાય છે. આ તહેવારનાં એક માસ અગાઉ જ લોકો આકાશમાં પતંગ ચગાવે છે. સામાન્ય પતંગો નહિ પણ અહીના લોકો રંગબેરંગી અને અવનવી સાઈઝની પતંગો હર્ષોલ્લાસથી આ દિવસે ચગાવે છે.ખાસ પ્રકારની તૈયાર કરેલ દોરી વડે અહીના લોકો પતંગ ચગાવે છે.

*બંગાળ અને ઓરિસ્સા ____

આ દિવસે ભગવાન શ્રી રામ અને સીતાની પૂજા કરવામાં આવે છે.આ દિવસથી લોકો રામ અને સીતાના મંદિરોની મુલાકાત લેવાનું શરુ કરે છે.મંદિરોમાં પૂજા અર્ચના શરુ કરવામાં આવે છે.આ દિવસને લોકો ઝૂલણ પૂર્ણિમા તરીકે ઓળખે છે.

*ઉતરા ખંડ _____

ઉતરાખંડના કુમાઉ જીલ્લામાં આ દિવસે જનોઈ બદલવામાં આવે છે.અહી ફક્ત સગા ભાઈઓ અને બહેનો જ નહિ પણ તમામ સ્ત્રી પુરુષો એક બીજાને રાખડી બાંધે છે.ચંપાવતમાં આ દિવસે એક મોટો મેળો ભરાય છે.લોકો મેળામાં એક બીજાને રાખડી બાંધે છે.

*મહારાષ્ટ્ર____

મહારાષ્ટ્રના દરિયાકાંઠે તટ વિસ્તારમાં આ તહેવાર જરા જુદી રીતે ઉજવાય છે.સવારમાં સાગરનું પૂજન કરવામાં આવે છે.સાગરને શ્રીફળ ચડાવવામાં આવે છે.અને આખો દિવસ નાળીયેરમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવામાં આવે છે.સાગરની પૂજા પછી બપોર પછી રાખડી બાંધવાનો કાર્યક્રમ ગોઠવાય છે.

નેપાળ___

નેપાળમાં રક્ષાબંધન જનેઉ પૂર્ણિમા ના નામથી ઓળખાય છે.કુટુંબના દરેક સભ્યો એક બીજાને રાખડી બાંધીને આ તહેવાર ઉજવે છે.લોકો આ દિવસે શંકર ભગવાનની પૂજા કરે છે અને તેમને યથાયોગ્ય ભેટ ધરે છે.કુટુંબના વયોવૃદ્ધ લોકો સગા સબંધીની મુલાકાત લે છે અને તેમને રાખડી બાંધે છે.જનોઈ બદલે છે અને નવી જનોઈ ધારણ કરે તેનું નામ બદલવામાં આવે છે.આ દિવસે નેપાળના લોકો સાત ધાનમાંથી બનેલો ખીચડો ખાય છે જેને સ્થાનિક ભાષામાં “ ક્વાતી” કહે છે.

*મધ્ય પ્રદેશ છતીસગઢ અને ઉત્તર પ્રદેશનો કેટલોક ભાગ___

રક્ષાબંધન અહી કજરી પૂર્ણિમા ના નામે ઓળખાય છે.ખેડૂતો તેમની જમીન અને માતાનું પૂજન કરે છે. એક અઠવાડિયા પહેલા જ આ ઉત્સવ શરુ થાય છે.ખેડૂતોની પત્ની ખેતરમાં જાય છેપૂજા કરીને અમુક માટી ઘરે લાવે છે.એ માટી ઘરમાં સાત દિવસ રાખીને કજરી પુનમને દિવસે ઘરમાં આ માટીથી લીંપણ કરવામાં આવે છે.સ્ત્રીઓ પોતાના સંતાનો માટે લાંબા જીવનની પ્રાર્થનાઓ કરે છે.

*તામિલનાડુ,કેરાલા___

રક્ષા બંધન અહી “અવનિ અટ્ટમ” ના નામથી ઓળખાય છે.સવારમાં લોકો નદીઓમાં ઊંડી ડૂબકી લગાવે છે.અહી તેઓ અગાઉ કરેલ પાપકર્મ નાશ થાય તેવી પ્રાર્થના કરે છે.પછી જનોઈ બદલવાની વિધિ થાય છે.આ દિવસથી યજુર્વેદ નું વાંચન ઘરોમાં શરુ થાય છે ખાસ કરીને બ્રાહ્મણ લોકોના ઘરે અને તે છ માસ સુધી ચાલે છે. લોકો આ દિવસથી સારા કર્મો કરવાની પ્રતિજ્ઞા પણ લે છે.

ગુજરાતમાં ખાસ કરીને આ તહેવાર ભાઈ બહેન ના સ્નેહ તરીકે ઓળખવામાં આવે છે.દરિયાકિનારે વસતા લોકો નાળીયેરી પૂર્ણિમા તરીકે તહેવાર ઉજવે છે.બહેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ બહેનને ભેટ આપે.બહેનનું કાયમી રક્ષણ કરવાની ભાઈ તત્પરતા બતાવે છે અને બહેન ભાઈ નું સુખ ઈચ્છે છે.એક કાચા સુતરનો તાંતણો સ્નેહનું પ્રતિક બને છે!!! આભાર !! સર્વેને રક્ષા બંધનની શુભેચ્છાઓ

લેખન-સંકલન : મુકેશ સોજીત્રા ૪૨ શિવમ પાર્ક સોસાયટી ઢસા ગામ તા.ગઢડા જિ. બોટાદ ૩૬૪૭૩૦

ટીપ્પણી