ચતુરાઇ ભરેલી બિરબલની પાંચ વાતો

1. એકવાર સભામાં અકબરે પૂછ્યું : ‘મેં એક દોહરો સાંભળેલો છે તેમાં કહ્યું છે કે –
પાન સડે ઘોડા અડે, વિદ્યા વિસર જાય,
ચૂલા પર રોટી બળે કહો તમે કેમ થાય?
પાન શાથી સડી જાય?
ઘોડો શાથી અડીયલ બને?
વિદ્યા શાથી વીસરી જવાય?
ચૂલા ઉપર રોટલી શાથી બળી જાય?

આ ચાર પ્રશ્નોનો એક જ ઉત્તર કહો.’

બધા વિચારમાં પડ્યાં. કોઈ ને કશો ઉત્તર સૂઝ્યો નહીં.
અકબરે બીરબલ સામે જોયું એટલે બીરબલ બોલ્યો : ‘ફેરવ્યા વિના.’
ફેરવીએ નહીં તો પાન સડી જાય.
ફેરવીએ નહીં તો ઘોડો આળસુ અને અડીયલ બની જાય.
ફેરવીએ નહીં તો વિદ્યા પણ ભૂલી જવાય.
ફેરવીએ નહીં તો રોટલી પણ બળી જાય.

બીરબલનો બુદ્ધિભર્યો ઉત્તર સાંભળી બધાને આનંદ વ્યક્ત કર્યો.
અકબર પણ તેના ઉત્તરથી પ્રસન્ન થયો.
================================

2. બીરબલ ને ગધેડા વચ્ચે અંતર

દિવસે દિવસે અકબર અને બીરબલની મિત્રાચારી ગાઢ બનતી ગઈ.
હવે તો તેઓ એકબીજાને તુંકારે પણ બોલાવતા.
બંને વચ્ચે હાસ્ય-વિનોદ ચાલતો હતો. તેવામાં અકબરે પૂછ્યું : ‘બીરબલ! તારા અને ગધેડા વચ્ચે અંતર કેટલું?’
બીરબલે ઝટ દઈને એની અને અકબર વચ્ચે વેંતો ભરી અને કહ્યું : ‘જહાંપનાહ! ત્રણ વેંત જેટલું.’
બીરબલને ગધેડો બનાવવા જતાં અકબર પોતે જ ગધેડો બની ગયો!
બીરબલની તત્કાલીન બુદ્ધિનો કેટલો મહિમા કહેવાય?

3. સારી અને ખોટી વસ્તુ

એકવાર અકબરે સમસ્યામાં પૂછ્યું : ‘કહો, શરીરમાં એવી કઈ વસ્તુ છે જે સારી પણ હોય અને ખોટી પણ હોય?’
બધા સભ્યો એકબીજાનું મોં જોવા લાગ્યા. કોઈ પણ સમસ્યા ઉકેલી શક્યું નહીં. એટલે અકબરે બીરબલને પૂછ્યું : ‘બીરબલ તું કહે!’
‘મન અને જીભ.’
‘શી રીતે?’
‘મન નિર્મળ હોય અને જીભ મધુર વાણી બોલે તો માનવી દેવ તૂલ્ય બની પૂજાય છે. પરંતુ જો મન મેલું હોય અને જીભ ઝેરી હોય તો
માનવી દૈત્ય જેવો ગણાઈને નિંદાય છે’ બીરબલે કહ્યું.
બીરબલનો યુક્તિપૂર્વક ઉત્તર સાંભળી બધા સભ્યો સ્તબ્ધ બની ગયા.
અકબરના મનમાં પણ બીરબલના ઉત્તરથી પૂર્ણ સંતોષ થયો.

4. આપનો પ્રભાવ

અકબર બીરબલનો સંબંધ જેમ જેમ ધનિષ્ઠ થતો જતો તેમ તેમ વાતચીત કરવામાં બીરબલ શિષ્ટાચાર ચૂકી જતો. ઘણીવાર તે આપ
કહેવાના સ્થળે તમે કહી દેતો, તો કોઈવાર તેઓને ન ગમે તેવા શબ્દો કહી બેસતો. એકવાર તેણે કહ્યું : ‘જહાંપનાહ! તમે જરા બુદ્ધિપૂર્વક
બોલો ને?’
આટલું સાંભળતાં અકબરની આંખ ફરી ગઈ. તેણે કરડાકીથી બીરબલ સામે જોયું.
બીરબલ અકબરના મનોભાવ પામી ગયો. તે ચૂપ થઈ ગયો, પણ અકબરથી રહેવાયું નહીં એટલે તે બોલ્યો : ‘બીરબલ! દિવસે દિવસે તું
વિવેક ચૂકી વધારે મૂર્ખ બનતો જાય છે. આવું કેમ થાય છે?’
‘નામદાર! એ તો સંગનો રંગ છે – આપનો પ્રભાવ છે.’ બીરબલે ઠાવકાઈથી કહ્યું.
અકબર બીરબલનો કટાક્ષ સમજી ગયો અને હસી પડ્યો.
બીરબલ એવો ચતુર પુરુષ હતો કે તેણે અકબરના ક્રોધને પણ હાસ્યમાં ફેરવી નાંખ્યો.

5. નચાવે ને નમાવે એવો કોણ ?

એક દિવસ અકબરના મનમાં તરંગ આવ્યો. તેણે સભાજનોને પૂછ્યું : ‘કહો! બધામાં એવો શ્રેષ્ઠ કોણ કે બધાને નચાવે અને નમાવે?’
‘વાળંદ!’ બીરબલે શીઘ્ર ઉત્તર આપ્યો.
અકબર ચમક્યો. બીરબલ અવશ્ય ઉત્તર આપશે. એમ તો એના મનમાં હતું, પરંતુ વાળંદને શ્રેષ્ઠ કહેશે તેવી કોઈને કલ્પના ન હતી.
‘વાળંદ શી રીતે? એનામાં એવી કઈ શક્તિ છે કે, તે બધાને નચાવે અને નમાવે?’ અકબરે શંકા દર્શાવી.
‘હજૂર! વાળંદ જ્યારે હજામત કરવા બેસે છે, ત્યારે સૌનાં માથાં નીચાં નમાવે છે અને આમતેમ ફેરવતો સૌને નચાવે પણ છે.’
બીરબલ તો બીરબલ છે યાર…..
બીરબલના ઉત્તરથી આખી સભા હસી પડી. બાદશાહને પણ તેનો ઉત્તર તર્કસંગત લાગ્યો.

સાભાર – અકબર બીરબલ ની વાતો

ટીપ્પણી