જેમ્સ બોન્ડને ટુંકો પાડે એવા ભારતના જાંબાજ ગુપ્તચર અજીત દોવાલના હેરતજનક પરાક્રમો

- Advertisement -

ભારતના જેમ્સ બોન્ડ : INS અજીત દોવાલ

અજીત દોવાલ એટલે એક એવી વ્યક્તિ કે જેનું નામ પડતાવેંત જ પાકિસ્તાનના હાજા ગગડી જાય….! એવી વ્યક્તિ જે પાકિસ્તાનના લાહોરમાં લગાતાર સાત વર્ષ મુસલમાન બનીને ફરે અને પાકિસ્તાનની આંતરીક માહિતી એકઠી કરે….! અને હાં,અજીત દોવાલ વિશે કહેવાય છે કે,દાઉદ ઇબ્રાહિમની રજેરજની માહિતી તેની પાસે છે….!
અજીત દોવાલ આજે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના રૂપમાં ફરજ બજાવી રહ્યાં છે.અને ભારતે કરેલી બે મ્યાનમાર અને એક પાકિસ્તાનની ત્રણેય સર્જીકલ સ્ટ્રાઇકનું સંચાલન અજીત દોવાલે કરેલું….!બસ,આ જ વાત એ સાબિત કરી દે છે કે,સીધો સરળ દેખાતો આ માણસ અંદરથી ખરેખર કેટલો અગાધ બુધ્ધિવાન છે !
INS અજીત દોવાલ એક સામાન્ય કુટુંબમાંથી આવે છે.તેઓની જન્મભુમિ ઉત્તરાખંડના પૌંડી ગઢવાલમાં છે.તેમણે અજમેરની મિલિટ્રી સ્કુલમાં અભ્યાસ કરેલો છે અને આગ્રા વિશ્વ વિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે M.Aની પદવી હાંસલ કરી હતી.ત્યાર તેમણે IPSની તૈયારી માટે કડી મહેનત શરૂ કરેલી અને એના ફળસ્વરૂપ ૧૯૬૮ની કેરળ બેંચમાંથી તેઓ IPS ઓફિસર બન્યા હતાં.ત્યાર બાદ ૧૯૭૨માં તેઓ ભારતની ખુફિયા એજન્સી IB [ ઇન્ટેલિજન્સ બ્યુરો ] સાથે જોડાયા હતાં.અને બસ,પછી તેમના જાસુસી પરાક્રમોનો પાયો નખાયો ! એક ઉચ્ચ પોલિસ અધિકારી હોવા છતાં તેમણે માંડ થોડા વર્ષ ખાખી વરદી પહેરી હતી.

આવો જાણીએ અજીત દોવાલે રાષ્ટ્રહિત માટે કરેલા બેજોડ પરાક્રમોનો સારાંશ –

• ઇન્દિરા ગાંધીના સમયમાં જ્યારે ભીંદરાનવાલે સહિત બળવાખોર શીખોએ પોતાના અલગ રાષ્ટ્ર “ખાલિસ્તાન”ની માંગણી સાથે આતંકવાદી પ્રવૃતિઓ આચરી ત્યારે પંજાબના અમૃતસરમાં ભારતીય આર્મીએ “ઓપરેશન બ્લુસ્ટાર” વડે તેમનો ખાત્મો બોલાવ્યો.આ ઘટનામાં અજીત દોવાલની ભુમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી.તેઓ પાકિસ્તાનના જાસુસ બનીને ખાલિસ્તાનની માંગણી કરતા શીખ આતંકીઓના અડ્ડામાં રહ્યા અને તેમનો વિશ્વાસ જીતી રજેરજની માહિતી એકઠી કરી.જેને પરીણામે ઓપરેશન બ્લુ સ્ટાર સફળ થયું….!
• ૧૯૯૯માં જ્યારે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814ને આતંકીઓ દ્વારા નેપાળના કાઠમાંડુથી હાઇજેક કરીને અફઘાનિસ્તાનના પહાડી કંદહારમાં લઇ જવામાં આવી ત્યારે અજીત દોવાલે જ ભારતવતી આંતકીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
• અજીત દોવાલનું મહત્વનું પાસું એ છે કે એ જે કોઇપણ આતંકી અથવા ઉગ્રવાદીને મળે એની આખી વિચારધારા જ પલટી નાખે….! એટલે કે જે ઉગ્રવાદી પોતાના સંગઠનને સંપૂર્ણ વફાદાર હોય એ જ માણસ અજીત દોવાલની મુલાકાત પછી પોતાના સંગઠનની રજેરજની માહિતી આપી દે….! આ ટેલેન્ટ અન્ય કોની પાસે હોય ! વાત છે ૮૦ના દાયકાની જ્યારે ઉત્તર-પૂર્વીય રાજ્યો જેવા કે મિઝોરમમાં ઉગ્રવાદ હિંસા બેકાબૂ બની હતી.લલડેંગાના નેતૃત્વમાં મિઝો નેશનલ ફ્રંટએ આંતકનો કહેર વર્તાવેલો.અજીત દોવાલને આ ઉગ્રવાદીઓને નાથવાની કામગીરી સોંપાઇ અને તેમણે લલડેંગાના સાતમાંથી છ અત્યંત વિશ્વસનીય કમાંડરોને પોતાને વશ કરી લીધા….! બસ પછી “ઘરના ફુટે ત્યાં કાંઇ ન વધે”એ નાતે લલડેંગાને આત્મસમર્પણ કરવાની ફરજ પડી ! આજ પરાક્રમ અજીત દોવાલે કાશ્મીરના ઉગ્રવાદીઓને નાથવામાં પણ દેખાડેલું.
• તાજેતરના વર્ષોમાં જ્યારે ઉતર-પૂર્વીય રાજ્યોમાં હિંસા વધી ત્યારે અજીત દોવાલના કમાન્ડ નીચે જ મ્યાનમારમાં સીમાપાર ભારતીય આર્મીએ સર્જીકલ સ્ટ્રાઇક કરી અને મ્યાનમારની સેના સાથે મળી ૩૦ જેટલાં ઉગ્રવાદીઓને ફુંકી માર્યા.
• ૧૯૯૧માં જ્યારે ખાલિસ્તાની લિબરેશન ફ્રંટ દ્વારા રોમાનિયાના રાજદુત લિવિઉ રાડૂનું અપહરણ થયું ત્યારે અજીત દોવાલે સફળ ઓપરેશન હાથ ધરીને તેમને બચાવ્યા હતાં.આ ઉપરાંત દોવાલે પાકિસ્તાન અને બ્રિટનમાં પણ ભારતવતી કામ કર્યું છે.અને ખુફિયા એજન્સીના ઓપરેશનોનો ચાર્જ એક દાયકા સુધી સંભાળ્યો છે.પાકિસ્તાન સામેની સર્જીકલ સ્ટ્રાઇકમાં દિલ્હીની એક ઇમારતમાં રાત્રે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્લાન ઘડાયો ત્યારે અજીત દોવાલે દિલ્હીમાં રહીને આ ઓપરેશનનું હેન્ડલીંગ કર્યું હતું.

તેમના આ પરાક્રમો ભારત ક્યારેય વિસરી શકશે નહિ.કૌટિલ્ય બુધ્ધિ અને પ્રખર તીક્ષ્ણતા શું કરી શકે એનું એમણે જ્વલંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે.તેઓ IB ના એક વર્ષ માટે મુખ્ય હેડ પણ રહી ચુક્યા છે.અને ત્યારબાદ વિવેકાનંદ ફાઉન્ડેશન સાથે જોડાયા હતાં જે આરએસએસ સાથે સબંધ ધરાવે છે.૩૦May,૨૦૧૪થી તે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ફરજ બજાવે છે.ખરેખર ભારતને આવા આવા જાંબાજ સંરક્ષણ તજજ્ઞોની જરૂરત છે.પણ બદનસીબે અહિં તો મુલાયમસિંહ યાદવ જેવા ઘરખોદીયા સંરક્ષણમંત્રી બની જાય છે કે,તેમને “રડાર”નું પણ હિંદી કરીને સમજાવવું પડે છે….! હવે આપણે પણ થાય કે સાલું ડિફેન્સ મિનિસ્ટ્રીના હાઇ લેવલ અંગ્રેજી શબ્દોનું આને સીધું હિંદી કરીને કોણ સમજાવતું હશે….! ભગવાન જાણે !

લેખકઃ કૌશલ બારડ

ટીપ્પણી