તું નથી… – જે પણ કપલ હંમેશા નાની નાની વાતોમાં એકબીજાથી ઝઘડે છે તેઓને શીખવા જેવું છે…

તું નથી…

“તું નથી છતાં જીવન ચાલે છે, પણ એ જીવનમાં તું નથી તો હું પણ જીવંત નથી
સવાર પડે છે, પહેલા પણ પડતીજ, પણ હવેની સવારમાં “જલ્દી ઉઠો, પછી લેટ થશો તો મને જ દોષ દેશો” જેવો તારો મીઠો ઠપકો નથી.
ચાનો સ્વાદ હજી એવોજ છે હો, હું જાતે પણ સારી જ બનાવી શકું છું, છતાં તારી સાથે ડાઈનીંગ ટેબલ પર બેસીને મળતી ચા પીવાની એ મજા નથી.

ઓફિસનું કામ, વર્કલોડ, અપસેટ મૂડ, બપોરનું ટીફીન બધું જેમનું તેમ જ છે, પણ કામની વચ્ચે આવતા તારા કોલ, જમ્યું કે નહી એ પ્રશ્નમાં દેખાતી તારી ચિંતા જે એ સમયે મને ઇરીટેશન લાગતી, અને સાંજે, સાંજે થોડું મોડું થાય તો તારો સવાલોનો મારો અને વળતા જવાબમાં મારા રુડ જવાબો, એ સમયે ગુસ્સો આપવતી પણ તારા સાથનો ચિતાનો પ્રેમનો અહેસાસ કરાવતી આ બધી વાતોમાંથી અત્યારે ચોકોર મૌન સિવાય કંઈજ નથી.

તારા મેસેજીસ આવતા, પણ હું ઇગ્નોર કરતો, આજે મેસેજ નથી આવતા છતાં વારંવાર ફોન ચેક કરું છું, આજે સમજાયું કે તારા વિના મારા પર હક જતાવનાર, ચિંતા કરનાર, ગુસ્સો કરનાર સાચેજ જીવનમાં કોઈ નથી.
જો કે એ સમયે હું “મને શાંતિ જોઈએ છે…” જેવું ગુસ્સામાં બોલી જતો, અત્યારે મારી આસપાસ નીરવ શાંતિ જ છે, આજે સમજાયું કે તારા વિના એ શાંતિ પણ અશાંતિ સિવાય કંઈ નથી.
ખાલીપો, એકલતા, વ્યગ્રતા આ બધા શબ્દોની સાચી સમજ હવે સમજાઈ, પણ હવે, હવે એ સમજનું પણ કંઈ મહત્ત્વ નથી.

હા, હું ખોટો હતો, તદન ખોટો, કે મેં એવું ધારી લીધું કે તારા વિના કંઈ જ ફર્ક નહી પડે, તારા વિના પણ હું આરામથી જીવી શકીશ, જીવન કોઈનું ક્યાં અટક્યું છે કે મારું અટકવાનું, બસ, ફર્ક એટલો છે કે પહેલા જીવતો હતો અને શ્વાસ ચાલતા હતાં, આજે માત્ર શ્વાસ ચાલે છે, પણ હું જીવંત નથી.
હા, મને તારી જરૂર છે, ખૂબ જ જરૂર છે. એક પત્ની તરીકે, એક સલાહકાર તરીકે અને આથી પણ વધુ એક સારા સાચા નિષ્પક્ષ મિત્ર તરીકે, તારી ખૂબજ જરૂર છે.

હું એમ નથી કહેતો કે હું સુધરી જઈશ, તને ખ્યાલ છે મને સુધારી શકનાર માત્ર હું જ છું, અને હું સુધારવા નથી ઈચ્છતો, નહિતર તારા ખારા – મીઠા ઠપકા, એ નાના નાના ઝઘડા મિસ કરી જઈશ.
હું એમ નથી કહેતો કે તારા માટે બદલી જઈશ, મને ખ્યાલ છે હું બદલી જઈશ તો એ તને પણ નહી ગમે, તે મને જેમનો તેમ જ સ્વીકાર્યો છે હંમેશ અને હું એવોજ રહેવા માંગું છું હંમેશ,
પણ હા, એટલું જરૂર કરી શકીશ, આ બધાની વચ્ચે હું જે ભોલ્યો છું એ છે રીસ્પેક્ટ, તારી લાગણી, તારી ઈચ્છા અનિચ્છા, માત્ર મારાજ નહી પણ તારા જીવનમાં તારું મહત્ત્વ, એ બધું હું બદલવાનો પ્રયાસ કરીશ, અજાણતા તો ન કહી શકું, પરંતુ સાવ જાની જોઇને મેં નથી કરેલી એવી ભૂલો હું સુધારવા માંગું છું, જે લાગણી સભર ક્ષણો મેં ગુમાવી છે એ મેળવવા માંગું છું, ટૂંકમાં કહું તો હવે સાચા અર્થમાં તારી સાથે જીવવા માંગું છું.

આગળનું બધું જ ભુલાવી દે એમ નથી કહેતો,ના, એ યાદ હશે તો જ તું મારામાં આવેલું આંશિક પરિવર્તન નોંધી શકીશ, તો જ કદાચ તું હવે મને ફરીથી પરખી શકીશ, તો જ કદાચ તું મારી ભૂલો મને જણાવી શકીશ, સમજાવી શકીશ.
માટે, વીતેલી યાદો સાથે, નવી સફર પર આવીશ મારી સાથે…? પ્લીઝ……”

લિ – પત્ની વિરહમાં તડપતો બિચાળો પતિ (અનિકેત)

અનિકેતે લખેલો પત્ર શ્રદ્ધા બે વર્ષ પછી આંખોમાં આંસુ સાથે વાંચી રહી હતી. જ્યારે પણ અનિકેતની ખૂબ યાદ આવતી ત્યારે એ પત્ર વાંચતી અને રડવા લગતી. તેના અશ્રુઓમાં ભારોભાર પશ્ચાતાપ વહેતો કે “કાશ, કાશ એણે અનિકેતને વહેલી તક આપી દીધી હોત તો આજે કદાચ એ એની સાથે સાથે હોત.

પરિવારની સહમતીથી થયેલા એ બંનેના પ્રેમ લગ્ન હતાં, શ્રદ્ધા અગાઉથી જ જાણતી હતી કે અનિકેતનો સ્વભાવ થોડો અતડો છે, થોડો ઉતાવળો છે, થોડો ગુસ્સાવાળો છે, પણ દિલનો બિલકુલ સાફ છે, ક્યારેક તો નાના બાળકની જેમ રડવા લાગતો અનિકેત અને ક્યારેક ગુસ્સામાં ગમેતે બોલી જતો અને પોતાનીજ ભૂલ હતી એ જાણવા છતાં માફી ન માંગતો અનિકેત શ્રદ્ધાએ જાતેજ સ્વીકાર્યો હતો.

એમ છતાં એક દિવસ બનેલી ઘટના અને ખૂબ પ્રચંડ સ્વરૂપ ધારણ કરેલા એ ઝઘડાએ બંનેને અલગ કરી દીધા. એ દિવસે હંમેશ અનિકેતના ગુસ્સા સામે શાંતિથી વર્તતી શ્રદ્ધા પણ છંછેડાઈ ગઈ હતી, કારણકે આખરે વાત એના પિયરની હતી, કોઈ પણ સ્ત્રી પોતાનું અપમાન કદાચ સહી શકે પરંતુ પિયરનું અપમાન કે ઘસાતું બોલનારને એ ક્યારેય ન સાંખી શકે. અનિકેતે એ દિવસે એજ ભૂલ કરી. હંમેશ શાંતિથી જવાબ આપતી શ્રદ્ધાને અચાનક ગુસ્સામાં આવેલી જોઇને અનિકેતને ભાન ન થયું કે એ ખોટો છે, એની ભૂલ છે, એને અત્યારે શાંત થઇ જવું જોઈએ. એ વધુ ગુસ્સામાં આવ્યો અને પરિણામે બંને અલગ થઇ ગયા.

શ્રદ્ધાના ગયા પછી અનિકેતને ભાન થયું કે 2 વર્ષના લગ્ન જીવનમાં એણે કેટલીયે વખત શ્રદ્ધાની લાગણી દુભાવી છે, કેટલીયે વખત એની લાગણીઓને ઇગ્નોર કરી છે, નાની નાની દેખાતી એવી કેટલીયે ભૂલો અનિકેતે કરેલી છે, જેના માટે અનિકેતે માફી ન માંગ્યા છતાં શ્રદ્ધાએ એને માફ કરી દીધો છે. એટલા માટેજ “જાગ્યા ત્યાંથી સવાર” ને માન આપીને અનિકેતે સબંધ સુધારવાના પ્રયત્નો કર્યા. માફી પત્ર લખ્યો જેનો સ્વીકાર કરવામાં શ્રદ્ધાએ ઘણો સમય લઇ લીધો.

અનિકેતનો પત્ર મળ્યાના ૪ મહિના પછી શ્રદ્ધાએ અનિકેતને ઘરે આવવા કહ્યું, એ પણ જાતે નહી, મોટા ભાઈ દ્વારા ફોન કરાવ્યો. કારણકે એણે ધાર્યું હતું કે અનિકેત આવશે ત્યારે જ હસતા ચહેરે એની સાથે વાત કરશે. બધી જ તૈયારી કરી લીધી હતી. કપડા પેક થઇ ગયા હતાં, અનિકેતે જાતે ગીફ્ટ કરેલો ડ્રેસ શ્રદ્ધાએ પહેર્યો, અનિકેતની ભાવતી વાનગી જમવા માટે હાથે બનાવી. મોટાભાઈના ફોન પર અનિકેતનો કોલ આવી ગયો હતો કે એ ઘરેથી નીકળી પણ ગયો છે. બસ, દોઢ કલાકમાં અનિકેત લેવા આવી જશે.

“૬ મહિના પછી અનિકેતનો ચહેરો જોવા મળશે, કેવો હશે એનો ચહેરો? જમવાનું વ્યવસ્થિત નહિ મળ્યું હોય એટલે દુબળો થઇ ગયો હશે? રડ્યો હશે તો આંખો પણ ઝીણી અને કાળાશ પડતી થઇ ગઈ હશે? ના, ના એમ તો સાવ રડ્યા જ રાખે એવો નથી, પણ એણે કહ્યું એમજ મારા વગર એને ચાલતું નથી એટલે ચહેરા પરની રોનક આજે મને મળી શકશે, જોઈ શકશે, વાત કરી શકશે, અને ઘરે જઈને પાછો કોઈ નાનકડી વાત માટે ગુસ્સો કરી શકશે એમ વિચારીને પાછી આવી ગઈ હશે.” જેવા વિચારો કલ્પનાઓ શ્રદ્ધાના મનમાં ફરી રહી હતી.

એવામાંજ મોટા ભાઈના ફોન પર એક કોલ આવ્યો, ગામના જ કોઈકનો હતો જેણે સમાચાર આપ્યા કે “ગામના પ્રવેશ દ્વાર પાસે જ કુમારનો એક્સીડેન્ટ થયો છે, ઝડપથી આવો.” શ્રદ્ધા, મોટાભાઈ અને ઘરના સભ્યો ઝડપથી પહોચ્યા અને જોયું કારની ફ્રન્ટ સીટ પર ઘવાયેલા ચહેરા વાળો, બંધ આંખે અનિકેતનો શવ પડ્યો હતો. ઝડપથી ગામમાં પ્રવેશવા માટે અનિકેતે કારની ગતિ સાથેજ ટર્ન લીધો અને કાર ફંગોળાઈ ગઈ, એટલામાંજ બીજી બાજુએથી ઝડપથી આવતી એક ટ્રકની અડફેટે આવી જતા કાર વધુ ઘાતકરીતે રસ્તાની બીજી બાજુ ફંગોળાઈ ગઈ. કારના પલ્ટી ખાવાના કારણે અનિકેતને માથામાં ગંભીર ઈજા થઇ હતી. લોકો હજી નજીક પહોચે એ પહેલાજ અનિકેત શ્વાસ છોડી ચૂક્યો હતો. અનિકેતનો શવ જોઇને શ્રદ્ધા ત્યાંજ બેભાન થઇ ગઈ.

એ બનાવ પછી પણ શ્રદ્ધાને માનસિક રીતે સ્વસ્થ થતાં ૬મહિનાથી વધુ સમય લાગ્યો હતો. ઘરવાળાંની મનાઈ હોવા છતાં શ્રદ્ધા પાછી શહેર પોતાના ઘરે રહેવા આવી. એક નોકરી શોધીને આજીવન એકલાં રહેવાનું એણે નક્કી કરી લીધું હતું. કોઈ પૂછે તો કહેતી કે “હું એકલી ક્યા છું, આ ઘરમાં અનિકેત સાથે વિતાવેલી બધીજ યાદો હંમેશ મારી સાથે રહેશે.” સમય જતાં શ્રદ્ધા એ એકલાં જીવતા શીખી લીધું હતું. ચાલતા શ્વાસ સાથે શ્રદ્ધા અનિકેતના ફોટા સાથે વાતો કરતાં ઘણી વખત કહેતી “જીવન કોઈ વિના ક્યાં અટક્યું છે કે મારું અટકવાનું, પણ એ જીવનમાં હું જીવંત નથી કારણકે તું નથી…તું નથી…તું નથી…”

લેખક : એ.જે.મેકર

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી