પ્રેમકહાણી તમારા જીવનની, આજે વાંચો એકસાથે નાની નાની 5 સમજવા જેવી પ્રેમકહાણી..

હું નહિ હોઉં

“તું શોધીશ મને ચારે બાજુ, ભટકીશ ખૂણે ખૂણે, પણ દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં.
તું ઈચ્છીશ હું તારી સાથે રહું, રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં.
તને લાગશે વાસણનો અવાજ થયો તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં.

તું થાકીને ઘરે આવીશ, સોફા પર ઢળી જઈશ,ત્યારે અદરક અને એલચી વાળી કડક મીઠી ચા બનાવવા હું રસોડામાં નહિ હોઉં.
તને ઓફિસનો ગુસ્સો હશે અને ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે, વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા હું હાજર નહિ હોઉં.

તું ફરવા જવાનું પ્લાન કરીશ અને ઓફીસમાંજ વ્યસ્ત થઇ જઈશ, ત્યારે તૈયાર થઈને તારી રોહ જોઈને બેસેલી હું ઘરમાં નહિ હોઉં.
ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે, તું બાથરૂમમાંથી બરાડા પાડીશ, ટુવાલના બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટામાં મનોમન રોમાંચિત થવા હું નહિ હોઉં.
તને વાતો કરવી હશે ઘણી, સુખની, દુઃખની, પ્રેમની,લાગણીની, તારી લાગણીઓમાં તારી સાથે વહી જવા હું નહિ હોઉં.

તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ, ગરમ – ગરમ કોળીયા મોઢામાં મુકીશ, એ વખતે તને ટોકવા ડાઈનિંગટેબલ પર હું નહિ હોઉં.
તારી આસપાસ, ચોપાસ આખી દુનિયા હશે, એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહિ હોઉં.
અંતે કદાચ એવું થશે તું મને યાદ કરવાની કોશિશ કરીશ, મારી વાતો વાગોળવા મથામણ કરીશ, પણ કદાચ એ સમયે તારી “યાદ” માં “અંકિત” હું નહિ હોઉં.”

ક્રિયાની મૃત્યુના એક મહિના પછી બેડરૂમમાંથી તેનો સમાન ખસેડતી વખતે પ્રિયાંક, ક્રિયાની ડાયરીમાં પડેલો લેટર ભીની આંખે વાચી રહ્યો હતો.

– એ.જે.મેકર
* * * * *

હું રાહ જોઇશ

“રીના આવે છે?” “હા, એ રસ્તામાંજ છે.”

હોસ્પિટલમાં તપન અને મિલિન્દ મલયના આઈ.સી.યુ. રૂમની બાહર વાત કરી રહ્યા હતા. ૨૮નો મલય પોતાના અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો. એનો શ્વાસ જાણે રીનાને એક ઝલક જોવા માટે જ ચાલી રહ્યો હતો. રીનાની દૃષ્ટિએ મલય અને રીના સારા મિત્રો હતા પરંતુ મલય શરૂઆતથી જ રીનાના પ્રેમમાં હતો. મલયે રીનાને પ્રપોઝ પણ કરેલું, જેનો રીનાએ ખૂબજ સાહજીકતાથી અસ્વીકાર કર્યો હતો. પણ આ વસ્તુની અસર તેમની મિત્રતા પર ન પડી. મલય માટે ગમે તે સંબંધે રીના તેની સાથે રહે એ જ મહત્વનું હતું. એ હંમેશ રીનાને કહેતો “હું તારી રાહ જોઇશ.” ત્યારે રીના ગુસ્સો કરતી મલયને સમજાવવા પ્રયત્નો કરતી. પણ મલય પોતાની વાત પર અડગ હતો.

રીનાના લગ્ન થયા ત્યારે તપન, મિલિન્દ અને અન્ય મિત્રોએ પણ મલયનું મન બદલવા ઘણા પ્રયત્નો કર્યા.
“પ્રેમનો લક્ષ્ય લગ્ન નથી.”
કહીને મલય બધાને ચૂપ કરી દેતો. ખુદ રીનાએ પણ તેને લગ્ન કરી લેવા ઘણું સમજાવ્યું પણ મલય હંમેશ કહેતો કે
“લગ્ન કર્યા વગર હું દુઃખી નહિ થાઉં પણ જો લગ્ન કરીશ અને જીવનસાથી દુઃખી થશે તો એ દુઃખ સાથે હું નહિ જીવી શકું.”
ધીરે ધીરે બધાએ તેને સમજાવવાનું છોડી દીધું અને મલય પણ પોતાના એકાંતમાં રીનાની યાદોમાં તેની મિત્રતામાં હંમેશ ખુશ રહેતો.

આમ જ ૪વર્ષ વિતી ગયા બધું બરાબર ચાલતું હતું. પણ અચાનક મલય “સ્વાઈન ફ્લુ”નો શિકાર થયો. ઘણી દવાઓ કરી પણ બધી બેઅસર સાબિત થઇ. ધીરે ધીરે મલય મૃત્યુના મુખ સુધી પહોચી ગયો. તે બસ છેલ્લી વખત રીનાને જોવા ઈચ્છતો હતો.

રીના માસ્ક પહેરીને આઈ.સી.યુ.માં દાખલ થઇ. મલયે આંખો ખોલી. રીના એની બાજુમાં બેઠી હતી. મલયના મુખ પર એક નિરાંતવાળું હાસ્ય હતું. આંખોમાં હંમેશ જેવી ચમક તરી આવી હતી. રીનાએ મલયનો હાથ પકડ્યો, તેના ગાળામાં ડૂમો ભરાઈ આવ્યો રીનાએ માંડ સ્વસ્થ થતાં નીચે જોઇને કહ્યું. “આઈ લવ યુ.” રીનાની આંખોમાંથી આંસુની ધાર વહી ગઈ. તેણે મલય સામે જોયું. મલયની આંખો હજી ખુલી હતી મુખપર એજ હાસ્ય યથાવત હતું. રીનાનું ધ્યાન ઈ.સી.જી. મશીન પર ગયું જે મલયની હાર્ટબીટની સીધી રેખા દેખાડી રહ્યું હતું.
– એ.જે.મેકર

* * * * *
I LOVE U

“I LOVE U”
રાત્રે ૧૧:૩૦ વાગે વોટ્સએપ પર વાત કરતી વખતે ઈશિતાને વિકાસનો મેસેજ આવ્યો. ૬મહિના પહેલા બન્નેની સગાઇ થઇ હતી. બન્ને એકબીજા સાથે ખૂબ ખુશ હતા. ૬ મહિના સાથે રહ્યા બાદ વાત કરતા કરતા વિકાસે પોતાની લાગણી વ્યક્ત કરી. જવાબમાં ઈશિતાએ એક મોટો મેસેજ મોકલ્યો.

“ થેન્ક્સ. બટ મારે ઘણા સમયથી એકવાત કહેવી છે. સગાઈથી પહેલા મારો એક બોય ફ્રેન્ડ હતો. હું એના પ્રેમમાં હતી. અમે ઘણો સમય રિલેશનશિપમાં રહ્યા. પણ લાંબા ગાળે મને સમજાયું કે એ રિલેશનશિપમાં હું એકલી જ પ્રેમમાં હતી. એના માટે માત્ર એન્જોયમેન્ટ હતું. આ વાતની ખબર પડતા જ અમારું બ્રેકઅપ થઇ ગયું. અત્યારે અમે કોઈ જાતના કોન્ટેક્ટમાં નથી. યુ આર સો સ્વીટ એન્ડ ઇનોસેન્ટ પર્સન. હું તમને ચીટ કરવા કે હર્ટ કરવા નથી ઈચ્છતી એટલા માટે આજે ખુલાસો કરું છું કે આઈ એમ નોટ વર્જિન. આ કરણસર પહેલા મારી બે સગાઇ તૂટી ગઈ છે જેનો મને અફસોસ નથી. એ એમની ચોઈસ હતી. તમને આ વાત બીજે ક્યાયથી ખબર પડે, આગળ જતા રિલેશન બગડે, એ કરતા અત્યારેજ તમે વિચારી લ્યો. તમારો નિર્ણય હું હસતાં હસતાં સ્વીકારી લઈશ, પણ તમને ચીટ કરવાની ભાવના સાથે આખી લાઈફ નહિ જીવી શકું.”

દિલ પર પત્થર રાખીને ઈશિતાએ મેસેજ સેન્ડ કર્યો અને તરતજ એના મેસેજ નીચે બ્લ્યુ ટીક થયા. વિકાસે મેસેજ વાચી લીધો હતો. એનું સ્ટેટ્સ ઓનલાઈન આવતું હતું પણ ૫મિનીટ સુધી કંઈ જવાબ ન આવ્યો. ઈશિતાને થયું કે વિકાસ હવે ગાળો મોકલશે અને સગાઇ તોડવાની વાત કરશે. એણે નિરાશ થઈને વોટ્સએપ બંધ કર્યું. તરતજ વિકાસનો મેસેજ આવ્યો.
“I LOVE U”
સાથે સ્માઇલી અને લવલી ઈમોજીસ હતા. મેસેજ વાચતાજ ઈશિતાની આંખો ભીની થઇ ગઈ. તેણે તરત જવાબ મોકલ્યો.

“I LOVE U 2…”
– એ.જે.મેકર
* * * * *
તારી સાથે

“હું જીવવા ઈચ્છું છું તારી સાથે, જીવનની દરેક ક્ષણ માણવા ઈચ્છું છું તારી સાથે, સવારની મોર્નિંગ વોક સાથે જ્યુસ, સાંજની ઇવનિંગ ડ્રાઈવ સાથે ઠેલાની ચા પીવા ઈચ્છું છું તારી સાથે. વિકેન્ડમાં પિકનિક પર ફરવા અને રોમેન્ટિક મુવીના ફર્સ્ટ શોમાં કોર્નર સીટ પર બેસવા ઈચ્છું છું તારી સાથે. હાસ્ય ભરેલા દિવસો અને પ્રેમ ભરેલી રાતો ગાળવા ઈચ્છું છું તારી સાથે. સુખ દુઃખના તડકા છાયામાં અને જીવનની ક્યારેક કાંટાળી તો ક્યારેક ફૂલ પાથરેલી રાહો પર ચાલવા ઈચ્છું તારી સાથે. ઈશ્વર પાસે હવે એક જ યાચના છે મારો શ્વાસ ચાલે તારી સાથે અને અટકે પણ તારી સાથે.”

રોહને ફિલ્મી અંદાજમાં ઘુટણ પર બેસીને સ્વાતિને પ્રપોઝ કરતા કહ્યું, જે સ્વાતિએ પ્રેમથી ભિંજાયેલી આંખોએ સ્વીકાર્યું. પરિવારો સહમત થયા અને બન્નેના લગ્ન થયા. રોહન અને સ્વાતિ એ જેવું વિચાર્યું હતું ,જેવા જીવનના સ્વપ્નો જોયા હતાં એવુ જ જીવન બન્ને જીવી રહ્યા હતા. કોઈપણ જાતની ફરિયાદો વગર, શરતો વગર.

લગ્નને ૨૫વર્ષ પુરા થઇ ગયા બન્ને ૬૫ વટાવી ગયા. સ્વાતિ આઈ.સી.યુ. માં એડમિટ હતી. રોહન તેની બાજુમાં તેનો હાથ પકડીને બેઠો હતો. રાત્રે બે વાગે સ્વાતિએ આંખ ખોલી રોહન તેની બાજુમાં જ છે એ જોઇને આછું સ્મિત કર્યું અને પછી આંખો બંધ થઇ ગઈ. ઈ.સી.જી મશીનમાં તેના ધબકારા ધીરે ધીરે ઓછા થતા દેખાયા, શરીર ઠંડુ પડવા લાગ્યું, રોહન હજી તેનો હાથ પકડીને જ બેઠો હતો.

સવારે શબવાહિનીમાં એક સાથે બે શબ લઇ જવાની તૈયારી કરવામાં આવી. જે સમયે સ્વાતિનો શ્વાસ અટક્યો બરાબર બીજી જ ક્ષણે રોહનનો શ્વાસ પણ થંભી ગયો. રોહનની સાચાં દિલથી પ્રેમથી કરેલી યાચના ઈશ્વરે મંજુર કરી દીધી.
– એ.જે.મેકર

* * * * *
પહેલી વખતનું
“ડોન્ટ બી સીલી નીતુ, યુ નો ધેટ કે જે થયું એ મારા માટે કે તારા માટે પહેલી વખતનું ન હતું, અને તારી સામે ગન પોઈન્ટ કરીને મેં કંઈ ન’તું કર્યું. સાથે તારી પણ ઈચ્છા અને સહમતી હતી. ઈટ વોઝ ઇન ઓપેન રિલેશનશિપ.”

નીતુ છેલ્લા અડધાં કલાકથી કેફેમાં બેઠાં બેઠાં રડી રહી હતી. વ્યોમ સાથેની એની છ મહિનાની રિલેશનશિપ આજે બ્રેકઅપના કિનારા પર ઊભી હતી. આ છ મહિનામાં નીતુ વ્યોમનાં અટ્રેક્શનથી આગળ વધીને ઈમોશનલી કનેક્ટ થઇ ગઈ હતી. તેણે વ્યોમ સાથે જીવવાનાં સપનાંઓ જોઈ લીધા હતાં. પણ વ્યોમ શરૂઆતથી જ માત્ર ફિઝીકલી કનેક્ટેડ હતો. માહી સાથે રહેવા માટે આજે તે નીતુ સાથે બ્રેકઅપ કરી રહ્યો હતો. એક જ મુલાકાતમાં તે માહી પાછળ પાગલ થઇ ગયો હતો. એનો કોન્ટેક્ટ મેળવવા માટે કેટલાય ફાંફા માર્યા હતા અને ફ્રેન્ડશીપ માટે મનાવવા માટે પણ ઘણા પ્રયત્નો કરવા પડેલા, ખર્ચાઓ કરેલા. ત્યારે જઈને માહી સાથે રિલેશનશિપ આગળ વધી હતી. માટે, નીતુથી દૂર થવામાં તેને સહેજે દુઃખ ન થયું કે, ન નીતુના દુઃખનો વિચાર આવ્યો. નીતુને રડતી છોડીને તે ચાલ્યો ગયો.

માહી જેવી ઓપેન માઈન્ડેડ, ઈન્ડીપેન્ડન્ટ અને બ્યુટિફૂલ છોકરી સાથે રિલેશનશિપમાં રહેવા બદલ તે પોતાને ખૂબ ભાગ્યશાળી માનવા લાગ્યો. ધીરે ધીરે એનું માહી માટેનું અટ્રેક્શન પ્રેમમાં પરિવર્તિત થવા લાગ્યું. જેના કારણે તે વારંવાર માહીને કામની વચ્ચે કોલ કરતો, લેટ આવે તો પુછતાછ કરતો, ઓવરકેર કરતો. જેનાથી માહી ઈરિટેટ થવા લાગી. પરિણામે એક દિવસ તેણે વ્યોમને બ્રેકઅપ માટે કહ્યું. વ્યોમ નાના બાળકની જેમ રડવા લાગ્યો, માહીના પગે પડવા લાગ્યો. પોતાના પ્રેમની લાગણીની દુહાઈ દેવા લાગ્યો. ત્યારે માહી એ કહ્યું. “ડોન્ટ બી સિલી વ્યોમ, યુ નો ધેટ કે જે થયું એ મારા માટે કે તારા માટે પહેલી વખત ન હતું, ઈટ વોઝ એન ઓપેન રિલેશનશિપ.”


વ્યોમ ત્યાંજ બેસીને રડતો રહ્યો, માહી એને રડતો છોડીને ચાલી ગઈ. વ્યોમને રડતાં રડતાં ખ્યાલ આવ્યો કે આ એ જ કેફે હતું અને એ જ ટેબલ હતું જ્યાં એ નીતુને રડવા માટે છોડી આવેલો. આજે નીતુની જગ્યાએ પોતે રડી રહ્યો હતો.

* * * * *

લેખક : એ.જે.મેકર

દરરોજ આવી નાની નાની પ્રણય વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી