આ વાર્તાઓ તમારા કે તમારા કોઈ પ્રિયજનના જીવન સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી હશે જ…

હાર્ટલેસ

“યુ આર રીઅલી હાર્ટલેસ”
ડિમ્પલએ ગુસ્સામાં કહ્યું અને સોહમે હંમેશની જેમ મજાકમાં વાત ઉડાવી.

ડિમ્પલ અને સોહમ છેલ્લા ૪વર્ષથી સાથે હતાં. આ ચાર વર્ષમાં ડિમ્પલ માત્ર સોહમ સાથે હતી જયારે સોહમ ક્યારેક દિયા, મોના, રીટા, વૈશાલી એમ અલગ અલગ ગર્લફ્રેન્ડસ સાથે પોતાનો પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરતો અને પછી નફફટની જેમ પોતાની લીસ્ટમાં નવી કોઈ એડ થઇ એ વાતનું ગૌરવ લેતો.

ડિમ્પલ સોહમ સાથે રીલેશનશીપમાં ખૂબ જ સીરીયસ હતી જયારે સોહમ તો એ રીલેશનશીપમાં હતો જ નહિ. એના માટે ડીમ્પલ એક માત્ર સારી મિત્ર હતી, એક એવી મિત્ર જેની સાથે એ ખુલીને વાત કરી શકતો, ફ્લર્ટ કર્યા વગર પણ કલાકો સુધી તેની સાથે ચેટીંગ કરી શકતો. જે વાતો કોઈને ન કહેતો એ વાતો ઘટનાઓ પ્રસંગો કે લાગણીઓ એ ડીમ્પલ સાથે ખૂબ જ સહજતા થી શેર કરી શકતો. કદાચ એટલા માટેજ ડીમ્પલને લાગતું કે સોહમ પણ તેની સાથે રિલેશનશિપ રાખવા ઈચ્છે છે. પણ સોહમ ક્યારેય પોતાની મિત્રતાની હદ વટાવીને આગળ ન વધતો, ગમે તેટલી મુકતતા છતાં પણ એ વચ્ચે એક ગેફ રાખતો, જે વાત હંમેશા ડિમ્પલને ખુચતી. અંતે હારીને તેણે પરિવારની મરજી મુજબ રોહન સાથે લગ્ન કર્યા.

લગ્નની આગલી રાત્રે સોહમને યાદ કરીને ડિમ્પલ ખૂબજ રડી. બીજા દિવસે એના લગ્નમાં સોહમ પોતાની કોઈ નવી ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો એ એકદમ નોર્મલ અને ખુશ હતો. સ્ટેજ પર જઈને હેપ્પી વેડિંગ લાઈફ વીશ કરતાં કરતાં પણ સોહમે ડીમ્પલને ધીમેથી પૂછી લીધું “આ કાલે જ ન્યુ એડ થઇ, કેવી છે?” ડીમ્પલને સોહમની વાત પર ગુસ્સો ન આવ્યો પણ પોતાની પસંદ પર લાંછન ફિલ થયું કે તે ક્યારેક સોહમનાં પ્રેમમાં હતી. ડિમ્પલે માની લીધું હતું કે સોહમ પતંગિયા વૃત્તિવાળો છે એ કોઈ એક સાથે ક્યારેય ટકી નથી શકતો. સારું થયું એ સોહમના જીવનમાંથી નીકળી ગઈ નહીતર એ પણ ક્યાંક સોહમની લીસ્ટમાં આવીને નાબુદ થઇ ગઈ હોત. તેણે હસતાં હસતાં પોતાનું લગ્ન જીવન સ્વીકારી લીધું.

લગ્નના બે મહિના પછી એક દિવસ તેને સમાચાર મળ્યા કે “સોહમ ઈઝ નો મોર. હી ઈઝ ડેડ.” નવા નંબર પરથી આ મેસેજ આવતા ડિમ્પલને આંચકો લાગ્યો. એ ભારી હૃદયે સોહમની પ્રાર્થનાસભામાં ગઈ જ્યાં એના લગ્નમાં જે છોકરી સોહમ સાથે હતી તેણે ડિમ્પલને એક ફાઈલ અને એક કવર આપ્યું. ઘરે આવીને ઝડપથી પોતાના રૂમમાં જઈને ડિમ્પલે કવર ખોલ્યું અંદર એક લેટર હતો.

“આજે ડિમ્પલે મને હાર્ટલેસ કહ્યું. આઈ રીઅલી લવ હર એન્ડ ધેટ્સ વાય ઈ ડોન્ટ લીવ વિથ હર. બીકોઝ નાવ આઇ એમ ગોઇંગ ટુ હાર્ટલેસ.” ડિમ્પલે તરતજ ફાઈલ ખોલી જેમાં સોહમના હાર્ટની રીપોર્ટસ હતી. સોહમના હૃદયમાં કાણું હતું જેના કારણે એ વધુ જીવી શકે તેમ ન હતો. સોહમ એ વાત જાણતો હતો, પણ ડીમ્પલ સામે ક્યારેય પોતાના ચહેરા પર કે વાતોમાં આ વાત બહાર ન આવવા દીધી. રોહન રૂમનો દરવાજો બહારથી ખટખટાવતો રહ્યો અને ડિમ્પલ અંદર ફાઈલ્સ અને કવરને છાતીએ ચોટાડીને રડતી રહી.
– એ.જે.મેકર

* * * * *

પૈસાનો દાસ

“તમારા માટે પૈસા વધુ મહત્વના છે કે હું? આપણું સંબંધ વધુ મહત્વનું છે કે તમારું બિઝનેસ? બિલકુલ પૈસાના દાસ થઇ ગયા છો.”
રાત્રે ૧૦:૩૦ વાગે બિઝનેસ મીટીંગ પૂરી કરીને રાહુલે સુનીતાના કટાક્ષ ભરેલા વોટ્સએપ મેસેજ વાંચ્યા. બંનેના લગ્નને ૬ વર્ષ વિતી ગયા હતા. શહેરના સમૃદ્ધ ગણાતા વ્યક્તિઓમાં રાહુલનું નામ ટોપમાં લેવાતું. તેની દરેક બર્થ ડે પાર્ટી કે એનીવર્સરી પાર્ટીમાં શહેરના મોટા નામ ચિહ્ન લોકોની અચૂક હાજરી રહેતી. પણ રાહુલ પોતે ઘણીવાર એમાં રોકાઈ ન શકતો. પાંચ વર્ષ પહેલા જાતે ઊભું કરેલું બિઝનેસ વધુ ઊંચાઈએ લઇ જવા એ સતત મીટીંગસ અને ટ્રીપમાં બીઝી રહેતો. પાર્ટીની જવાબદારી એનો નાનો ભાઈ વિકાસ અને પત્ની સુનીતા ખૂબજ સારી રીતે સાંભળી લેતાં. પણ ફંક્શન પત્યા પછી રાહુલ પર સવાલોનો મારો શરુ થતો.

“આટલા પૈસા લઈને ક્યા જવું છે? પરિવાર પ્રત્યે પણ તારી કંઈક ફરજ છે.”
જેવા તીખા પ્રહારો સુનીતા દ્વારા થતાં.

લગ્ન વખતે રાહુલની પરિસ્થિતિ સામાન્ય કહી શકાય એવી હતી. એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો, પરિવાર સાથે સમય ગાળતો, નાના મોટા પ્રસંગો, તહેવારો પરિવાર સાથે ઉજવતો. પણ બિઝનેસ શરુ કર્યા પછી જાણે એ ખોવાઈ ગયો હતો. મહેમાનોનું માત્ર સ્વાગત કરીને એ પાર્ટીમાંથી ઘણીવાર ચાલ્યો જતો અથવા હોલમાં મોટું સ્ક્રીન લગાડીને Skype પર મહેમાનોનું અભિવાદન ઝીલતો. સુનીતાને બદલાયેલા રાહુલ સાથે ઘણો વાંધો હતો, પણ પ્રતિષ્ઠિત છાપ ને આંચ ન આવે એ માટે એ જાહેરમાં ક્યારેય ગેર વર્તન ન કરતી કે કોઈ ફરિયાદ ન કરતી.

રાહુલ ઓફીસમાં ખુરશી પર માથું ઢાળીને, આંખ બંધ કરીને બેઠો. તેને પાંચ વર્ષ પહેલાની પોતાની પહેલી મેરેજ એનીવર્સરી યાદ આવી. જે ઘરના ચાર સભ્યો અને ગણેલા ત્રણ ખસ મિત્રો સાથે સેલીબ્રેટ કરેલી. એ રાત્રે સુનીતા એ કહેલું “મે કેટલાંય સપના જોયા હતા, કેટલું પ્લાનિંગ કરી રાખ્યું હતું આપણી પહેલી એનીવર્સરી માટે, પણ બધું પાણીમાં ગયું. શું આપણે એક પાર્ટી પણ એફોર્ડ નથી કરી શકતા?” પાંચ વર્ષ પહેલાની એ વાતની અસરને કારણે જ રાહુલ બિઝનેસમેન બન્યો પરંતુ એ બિઝનેસમેનમાંથી એક પ્રેમી, એક પતિ અને જીવંત રહેતો રાહુલ ક્યાંક ખોવાઈ ગયો.
– એ.જે.મેકર

* * * * *
પડછાયો

“આ જો, આ આપણા હનીમૂનનો ફોટો છે. મેં ઘણી ‘ના’ પાડી છતાં તું કેમ્પ્ટી ફોલમાં ન્હાવા ગઈ હતી, અને આપણે પાછા આવ્યા, ત્યાં સુધી તને શરદી રઈ હતી.”
સુધીરે મોનાને જૂના ફોટાનું આલ્બમ દેખાડતાં કહ્યું.

“આ બેબી કોણ છે આપણી સાથે?”
મોનાએ સુધીર સાથેના પોતાનાં ફોટામાં ટીનુંને જોતા કહ્યું.

“આ ટીનું છે, મોટાભાઈની દીકરી. એને તારાથી ઘણો લગાવ હતો. એક્સીડેન્ટ વાડી રાત્રે, એ આપણી સાથેજ હતી, ડોકટરે ઘણા પ્રયત્નો કર્યા પણ એને બચાવી ન શક્યા.”
સુધીરે પોતાનું દુઃખ છુપાવતાં માંડ જવાબ આપતાં કહ્યું. ત્યારેજ સુધીરને ડોક્ટરનો કોલ આવ્યો એ વાત કરવા બહાર આવ્યો.

“જી સાહેબ, આપણે નક્કી કર્યું હતું એ પ્રમાણે મે એને ખબર નથી પડવા દીધી કે ટીનું અમારી દીકરી હતી. પહેલા કરતા મોનાની તબીયત હવે ઘણી સારી છે.” એક ભયાનક એક્સીડેન્ટ એ સુધીર અને મોનાનું માળું વીખી નાખ્યું હતું. મોનાની યાદશક્તિ ચાલી ગઈ અને એમની ૩વર્ષની લાડકી દીકરી ટીનું એમને છોડીને ચાલી ગઈ હતી. સુધીર અંદરથી ખૂબ તૂટી ગયો હતો પણ મોનાને સાંચવવા એને કઠોર બન્યું પડ્યું.

થોડીવાર ડોક્ટર સાથે વાત કર્યા બાદ સુધીર પાછો રૂમતરફ આવ્યો. દરવાજા પાસે ઊભીને તેણે જોયું, મોના ટીનુંનો ફોટો ખૂબજ નીરખીને જોઈ રહી હતી. જાણે ટીનુંના હસતાં ચહેરામાં, એની રમતિયાળ નિખાલસ આંખોમાં એને પોતાની છબી દેખાતી હોય. પાછળની દીવાલ પરથી આવતા પ્રકાશના કારણે મોનાના ચહેરાનો પડછાયો ટીનુના મોઢા પર પડી રહ્યો હતો. પણ પ્રકાશના એ ઇશારાથી મોના અજાણ હતી.
– એ.જે.મેકર

* * * * *
પ્રશ્નાર્થ વળાંક

“હું એક હાલતા ચાલતા શવ સાથે જીવવા નથી ઈચ્છતી, તે જ કહ્યું હતું ને કે તું મ્યુઝિક વગર નહિ જીવી શકે, તો મારા માટે કોમ્પ્રોમાઈઝ કરીને તું કેમ જીવીશ?”
“પણ….”
“પ્લીઝ વિરેન, તું મારા માટે તારું પેશન, તારું સપનું છોડી દે, એ હું સહન નહિ કરી શકું. હું પ્રયત્ન કરીશ કે તારી રાહ જોઈ શકું અને તું પણ પ્રયત્ન કરજે કે મારા પરિવાર સામે પોતાને મારા માટે લાયક સાબિત કરી શકે.”

દિયા એ વિરેનને સમજાવતાં કહ્યું. વિરેન અને દિયા બંને આર્ટીસ્ટ હતા. ઘણા સમયથી બંને સાથે હતા. સ્ટ્રગલની શરૂઆત બંને એ સાથે જ કરી હતી. દિયા એક સારી ડાન્સર બની ગઈ, પણ વિરેન હજી મ્યુઝિકમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. માટે, વિરેન માટે દિયાના ઘરેથી ‘હા’ થવી અશક્ય હતી.

વિરેનને હતું કે કદાચ એ કોઈ જોબ પર લાગી જાય અને કમાતો થાય તો દિયાના ઘરે વાત કરી શકાય. પણ દિયા જાણતી હતી કે વિરેન મ્યુઝિક વગર અધુરો છે. વિરેન ખૂબજ ટેલેન્ટેડ છે, વિરેન દિયા માટે પોતાનું ટેલેન્ટ મારીને જીવે એ દિયા ને સ્વીકાર્ય ન હતું. માટે, તેણે જાતે જ પોતાની જગ્યાએ મ્યુઝિકને પસંદ કરવાનું સુચવ્યું. પોતે એ વાતથી ખૂબજ દુઃખી હતી, પણ વિરેનની પ્રગતિમાં અવરોધ નહિ બને એ વાતનો સંતોષ પણ હતો. થોડા સમય પછી દિયાએ સામેથી વિરેનને મળવા માટે કહ્યું.
“મારે તને કંઇક દેખાડવું છે.” દિયા એ ભરી હૃદયે કહ્યું.
“વોટ અ કો ઇન્સીડન્સ, મારે પણ…બટ લેડીઝ ફર્સ્ટ.” વીરને હંમેશ મુજબના પોતાના મસ્તી ભરેલા અંદાજમાં કહ્યું.

દિયાએ ખૂબજ દુઃખ સાથે એક કવર આપ્યું, જેમાં એની સગાઈનું કાર્ડ હતું. કાર્ડ જોતાજ વિરેનના ચહેરા પરથી ખુશીના વાદળ ગુમ થઇ ગયા અને આંખો ભરાઈ આવી. વીરને હાલમાં જ મળેલા એક મ્યુઝિક આલ્બમના કોન્ટ્રાક્ટના કાગળીયા દેખાડ્યા. વિરેનના સ્ટ્રગલના દિવસો પુરા થયા હતા. કોન્ટ્રાક્ટના પેપર્સ જોઇને દિયાની આંખોમાં હર્ષ અને અસમંજસના આંસુ આવી ગયા. બંનેનું જીવન એક અઘરાં પ્રશ્નાર્થ વળાંક પર આવીને ઊભું રહી ગયું હતું. બંને એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા.

લેખક : એ.જે.મેકર

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી