શા માટે એ વ્યક્તિ અધૂરું ગુથેલું સ્વેટર પેહરે છે… વાંચો દિલસ્પર્શી વાર્તા…

પ્રેમનો સંગાથ

મુંબઈ અંધરી રેલ્વે સ્ટેશન
સવારના 8 કલાકનો સમય

સવારના 8 વાગ્યા છે, શિયાળાની ગુલાબી ઠંડીની હજુ થોડી અસર વર્તાય રહી હતી, સૌ કોઈ પોત પોતાના કામના સ્થળે જવા નીકળી પાડ્યા છે, સવાર જાણે આળસ મરડીને ઉભી થઇ હોય એવું લાગી રહ્યું હતું અને સૂરજ દેવે બધાને રીચાર્જ કરવાની જવાબદારી લીધી હોય તેવી રીતે વાતાવરણમાં તેજ અને એનર્જી ફેલાવી રહ્યા હતાં. કોઈ ચા વેચી રહ્યું છે તો કોઈ દૈનિક-વર્તમાન વહેંચી રહ્યું છે. અંધરી રેલવે સ્ટેશન માણસોથી ખુબજ ખીચોખીચ હતું.

સૌ કોઈએ જીંદગીની રેસમાં દોટ મુકી છે આપણું જીવન પણ એક રેલગાડી જેવું જ છે જેવી રીતે તે ગામ બદલે તેવી જ રીતે આપણને બદલતા માણસો મળે છે.
એવામાં આ બધાને ભેદીને એક કપલ અંધરી રેલવેસ્ટેશનમાંં પ્રવેશયું જેનું નામ હતું મોહિની અને સાગર.

મોહિનીની ઉમર આશરે 28 વર્ષની આસપાસ હશે, જેવું તેનું નામ છે તેવું જ તેનું વ્યક્તિતવ હતું ,મોહિની એકદમ સરળ પરંતુ તેના શરીરનો ઘાટ એવો હતો કે તેને જોતા જ એવું લાગે કે જાણે ભગવાને પણ તેને બનાવવામાં ખૂબ જ સમય વિતાવ્યો હશે.આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું હોય તેવી રીતે સંપૂર્ણ ભારતીય પોશાક પહેરેલ હતો, તેની આંખોમાં એક તેજ અને ચહેરા પર હળવું સ્મિત, કપાળનાં ભાગે ભારતીય સંસ્કૃતિ કે પરંપરાની ઝાંખી કરાવતી બિંદી અને શેથો તેના વ્યક્તિતવને વધુને વધુ આકર્ષિત કરી રહ્યા હતાં.

સાગરની ઉમર આશરે 30 વર્ષની હશે જે મોહિનીને ખુબજ પ્રેમ કરતો હતો. સાગર અને મોહિનીએ 3 વર્ષ અગાવ લવ મેરેજ કરેલ હતાં. સાગર હંમેશા એના મિત્રો ને કહેતો કે :
“ પ્રેમનો અર્થ એ નહીં કે તમે જેને ચાહતા હો તેને મેળવો પરંતુ તમે જેને પ્રેમ કરો છો તેને જીવનનાં છેલ્લાં શ્વાસ સુધી પ્રેમ કરો અને હંમેશા ખુશ રાખો.”

સવારનાં 8:15 કલાકે અંધેરીથી ઘાટકોપર જવાની લોકલ ટ્રેન આવી જેમાં એ કપલ પ્રવેશયું. આ મોહિની અને સાગરનો નિત્યક્રમ હતો કારણકે તેઓ છેલ્લાં 2 વર્ષથી આવી રીતે જ ઓફિસે જતા હતાં.
ધીમે – ધીમે ટ્રેન ઉપડી, ટ્રેન ઉપાડ્યાની 10 મિનિટ બાદ મોહિની એ પોતાના થેલામાંથી ઉનના દોરાનો દડીયો અને સોય કાઢી તે સાગર માટે સ્વેટર ગૂંથવાના કામમાં ગૂંથવાય ગઈ.

સવારના 9 કલાકે તેઓ પોતાની નોકરીનું સ્થળ જે ઘાટકોપરમાં આવ્યું હતું ત્યાં પહોંચી ગયાં.મોહિની અને સાગર નું આ દૈનિકનું શેડુયુલ હતું..

********************
લગભગ બે મહિના બાદ બધું એમનું એમ જ હતું એજ રેલ્વેે સ્ટેશન, એવી જ ઠંડી, એવું જ ખીચો – ખીચ માણસો, એ જ પેલો ચા અને વર્તમાનપત્રો વહેંચવા વાળો….બસ જો કોઈની ઉણપ વર્તાતી હતી તો એ હતી મોહિનીની…….સાગર આજે એકલો જ રેલ્વેસ્ટેશને આવ્યો હતો…તે તેના રૂટીન પ્રમાણેની ટ્રેનમાં બેઠો આખી ટ્રેન ભરેલ હોવા છતાં પણ સાગરને ખાલી ખાલી અને નિર્જીવ લાગી રહી હતી. ત્રણ – ચાર દિવસ થી સાગરને આવી રીતે એકલો આવતો જોઈ ને તેની સાથે દરરોજ ટ્રેનમાં આવતા નીરવથી રહેવાયું નહીં. તે દરરોજ સાગર અને મોહિનીને સાથે જોતો હતો. આથી તેને સાગરને પૂછ્યું :

“ કેમ છો ? સાગરભાઇ?”
“ મજામાં “ સાગરે એકદમ હળવા અવાજે જવાબ આપ્યો.
“ કેમ તમે છેલ્લા ચાર દિવસથી એકલા જ આવો છો ? “
“ ભાભીની તબિયત તો સારી છે ને ?”
“ હા “ – સાગરે નિરવ સાથે વાત કરવાની ઈચ્છા ન હોય તેવી રીતે
એકદમ ટૂંકમાં જવાબ આપ્યો.

સાગર તેના હાથમાં રાખેલ છાપું વાંચવા લાગ્યો અને પોતાના ચહેરા પરનું દુ:ખ તેને છાપાના ઊંડાણ માં ક્યાંક છુપાવી લીધું અને તે પોતાનાની જૂની યાદોભરેલી દુનિયામાં ખોવાય ગયો.

*************
મોહિની અને સાગર ટ્રેનમાં બેઠા હતા અને સાગરે મોહિનીની મજાક ઉડાવતા કહ્યું …
“ શુ તું આ કલાકારી કરે છે ઉનનો દોરો અને સોય લઈને?”
“ હું તમારા માટે સ્વેટર બનાવું છું “
“ પણ ,એમાં આટલી બધી મહેનત શા માટે કરે છે ? ચાલ આપણે નવું તૈયાર સ્વેટર લઇ આવીએ “
“ બિલકુલ નહીં “ સાગરની વાતને અવગણાતાં મોહિની એ જવાબ આપ્યો.
“ હું તમારા માટે મારી જાતેજ સ્વેટર બનાવીશ અને તમને આ વેલેન્ટાઈન ડે પર પ્રેમથી ભેટ આપીશ.”
“ પણ સ્વેટર જ કેમ ? “ સાગરે આશ્ચર્યથી મોહિનીને પૂછયું.
“ કારણ કે તમે જયારે સ્વેટર પહેરશો તો એ તમારા હર્દયની નજીક રહેશે અને તમને સતત મારી યાદ અપાવશે.”

તેવામાં કોઈ સ્ટેશન આવતા જ ટ્રેને બ્રેક લગાવી અચાનક બ્રેક લાગવાથી સોય મોહિનીની આંગળીમાં ઘુસી ગઈ અને મોહિની ની આંગળી માંથી થોડુંક લોહી પણ નીકળ્યું. સાગર તરતજ ઉભો થયો અને પોતાના ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢી મોહિનીની આંગળીને વિટાળી દીધો ત્યાં અચાનક સાગરનું ધ્યાન પેલા સ્વેટર પર પડ્યું જેમાં મોહિનીએ આજે અંગ્રેજી આલ્ફાબેટ …”S” અને “M” લખ્યું હતું. આ જોઈ સાગરે મોહિની તરફ જોઈ એક સ્મિત આપ્યું અને તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો.

*************
ટ્રેન ઘાટકોપર પહોંચી એટલે બ્રેક લગાવી અને સાગર પોતાની યાદોની દુનિયામાંથી બહાર આવી ગયો અને બેગ ખભે લગાવી ટ્રેનોની નીચે ઉતારવા લાગ્યો.

નીરવ પણ સાગરની સાથે જ ઉતરી રહ્યો હતો, નીરવ એ જાણતો હતો કે મોહિની ટ્રેનમાં દરરોજ સાગર માટે સ્વેટર ગુથવાનું કામ કરતી હતી અને તેને અચાનક ખ્યાલ આવ્યો કે આજે તો વેલેન્ટાઈન ડે છે.આજે તો મોહિની સાગરને પેલું સ્વેટર ગિફટમાં આપવાની હતી.

નીચે ઉતાર્યા બાદ નીરવની નજર સાગરે પહેરેલા સ્વેટર પર પડી કે જેમાં જમણી બાજુની બાંય આખી હતી અને ડાબી બાજુની બાંય હતી જ નહીં.

આ જોઈ નિરવને ખૂબ જ વિચારો આવવા લાગ્યા કે શા માટે સાગર આવું અધૂરું ગુંથેલ સ્વેટર પહેર્યું હશે ? શાં માટે છેલ્લાં ત્રણ દિવસથી સાગર એકલો જ આવે છે ? શું મોહિનીભાભી ને કઇ થયું હશે ? શાં માટે સાગર પોતાની સાથે વાત કરવાનું ટાળી રહ્યો હતો ? ….આવા અનેક વિચારો નિરવના મનમાં ઉદ્દભવ્યા અને તે દોડીને સાગરની પાસે ગયો અને સાગરનો રસ્તો રોક્યો અને પૂછ્યું ?

“ સાગરભાઇ ! મોહિની ભાભી ……..? ?
આટલું પૂછતાની સાથે જ સાગર રડી પડ્યો અને કહયુ કે
“ તારા ભાભી હવે આ દુનિયામાં રહયા નથી તેને એક ગંભરી બીમારી થવાનેે લીધે મુત્યુ ને ભેટી છે…..”

આજથી બે મહિના અગાવ મોહિની પોતાના ઘરમાં કામ કરી રહી ત્યારે તેને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તેનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું અને ધીમે-ધીમે તેનું શરીર ઠંડુ પડવા લાગ્યું,અને મોહિની બેભાન થઈ રહી હતી આથી મેં એકપણ સેકેન્ડનો વ્યર્થ કર્યા વગરજ મારી કાર પાર્કિંગમાંથી બહાર કાઢી અને તાત્કાલિક અમારા ઘરની નજીક આવેલ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઇ ગયો ત્યાંના ડોકટરે ખુબજ મહેનત કરીને મોહિનીને બચાવી લીધી..પરંતુ ફીઝીશિયન ડોકટરે આઇ. સી.સી.યુ ની બહાર આવી મને પોતાની ચેમ્બરમાં આવવા માટે ઈશારો કર્યો, હું એકદમ ગભરાયેલી હાલતમાં ડોકટરની ચેમ્બરમાં પ્રવેશયો…

“સાગરભાઇ ! જોવો તમારી પત્નીની હાલત અત્યારે તો સારી છે પરંતુ તેની પાસે સમય ખૂબ જ ઓછો છે”

આ સાંભળતાની સાથે જ સાગર અંદરથી સંપૂર્ણપણે ભાંગી ચુક્યો હતો.

“સાહેબ ! શું મારી મોહિની કોઈપણ હાલતમાં બચી શકે તેમ નથી..? હું ગમેતેટલો ખર્ચો થાય બધો જ ખર્ચો કરવાં તૈયાર છું”
“આઇ એમ સોરી સાગરભાઇ ! હવે આપણાંથી કંઈ થઈ શકે તેમ નથી”
“સાહેબ ! તો હવે શું કરવાનું..?”
“હવે ! તમારાથી શક્ય હોય તેટલો સમય તમે તમારી પત્ની પાછળ ફાળવો અને હરહંમેશ તેને ખુશ રાખવા પ્રયત્ન કરજો”
“ઓકે ! સાહેબ હવે હું એમ જ કરીશ”
“પરંતુ મને એક પ્રોમિસ આપો કે તમે મારી પત્નીને તેની પરિસ્થિતિ વિશે જણાવશો નહીં….કારણ કે હું મોહિનીને હરહાલમાં ખુશ જોવા માંગુ છું હું તેને દુઃખી જોઈ શકતો નથી.”

હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ મેળવ્યા પછી સાગરે પોતાની ઓફિસે ફોન કરીને પોતાની અને મોહિની માટે એક મહિનાની રજા માટે જાણ કરી દીધી.

સાગરે ધીમે-ધીમે પોતાનો બધો જ સમય હવે મોહિની માટે ફાળવવા લાગ્યો…અને મોહિનીની જેટલી પણ ઇચ્છા કે સપના હતાં તે બધાં જ સપના પુરા કરવા લાગ્યો.

એકદિવસ જ્યારે સાગરે સવારે ઊઠ્યો તેણે મોહિનીને જગાડી તો તે જાગી નહીં…..જાગે પણ ક્યાંથી ક્યારેય કોઈ નિષ્પ્રાણ શરીરને ક્યાં કોઈએ વાતો કરતાં જોયા છે….?…મોહિની હરહંમેશ માટે સાગરને અને આ દુનિયાને છોડીને જતી રહી હતી….સાગર અંદર થી સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને હિંમત હારી ચુક્યો હતો.પોતાની જિંદગીમાં એકલતા સિવાય કંઈ રહ્યું હતું નહીં ……રહી હતી તો માત્ર ને માત્ર મોહિનીએ આપેલ પ્રેમભરેલી યાદો કે જેના એકમાત્ર સહારા સાથે જ પોતાને આખું જીવન વિતાવવાનું હતું…પરંતુ સાગરનાં મતે તે પૂરતું હતું…..

આટલું બોલતાની સાથે જ સાગર નિરવને ભેટી પડ્યો અને પોતે તેની સાથે ટ્રેનમાં કરેલા વ્યવહાર માટે માફિ માંગી અને કહ્યું

“ આજે વેલેન્ટાઈન ડે છે અને મોહિની મને આ સ્વેટર આજે ગિફ્ટમાં આપવાની હતી “

“ પરંતુ આ હવે ક્યારેય પૂર્ણ નહીં થાશે એટલે તેણે જેટલું બનાવ્યું તેટલું અને તેવી જ હાલતમાં હું આ સ્વેટર એની યાદ માં પહેર્યું છે.
આટલું સાંભળતાની સાથે જ નિરવ ને સાગરનો મોહિની પ્રત્યે નો આટલો અનહદ અને અપાર પ્રેમ જોઈ તેની આંખો ભીની થઇ ગઇ અને નિરવની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં અને નીરવ પાસે સાગરને આશ્વાસન આપવા સિવાય બીજું કાંઈ હતું જ નહીં.

મિત્રો પ્રેમ કરવા કરતાં પણ પ્રેમ નિભાવવો એ ખૂબ જ મહત્વનું છે જે સાગરે ખુબજ સારી રીતે નિભાવી જાણ્યો.

“દિલ હતું નહીં મારું તૈયાર એ માનવાં,
કે કોઈ દૂર થયું છે મારાથી,”
“કારણ કે અખૂટ હતો તેણે આપેલ પ્રેમ,
જે નહીં ખુટે મારા છેલ્લા શ્વાસ સુધી……”

લેખક : મકવાણા રાહુલ.એચ

શેર કરો આ પ્રેમકહાની તમારા મિત્રો સાથે અને આવીજ વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી