એકટીંગ ભાગ – ૨ : સાચા પ્રેમની પરાકાષ્ઠા, “મુકેશ સોજીત્રા” લિખિત એક અદભૂત સ્ટોરી

પછી તો દસેક દિવસ સુરભી કોલેજ ના ગઈ. પરીક્ષા ટાઈમે ગઈ. પણ આ બનાવ બન્યા બાદ એ અંદરથી મક્કમ થઇ ગયેલી. મનોમન એણે આભાર માનેલો કે એ સંબંધોમાં એટલી આગળ નહોતી વધી કે પસ્તાવું પડે.!! કોલેજમાં એને નિશા એક બે વાર મળેલી પણ એવી નજર કરેલી કે પેલી તો પોબારા જ ગણી ગયેલી.!! નિશાને એ બારમાં ધોરણથી જ ઓળખતી હતી.!! દેખાવે બહું સુંદર નહોતી પણ હોંશિયાર તો હતી જ. સમીર જે સોસાયટીમાં રહેતો એજ સોસાયટીમાં એ રહેતી. આમ તો ભોળી અને પારેવા જેવી લાગતી નિશા આટલી બિન્દાસ હશે એની કલ્પના પણ સુરભીએ નહોતી કરી.!! શાંત પાણી તો ઊંડા જ હોય ને એવું તે વિચારતી!!

પછી તો ઘટનાઓ ઝડપી બની. એક સાંજે સુરભીના પિતાએ કીધું કે

“તારા માટે વડોદરાથી એક માંગુ આવ્યું છે, છોકરાને પોતાની કંપની છે, છોકરાએ તને બે મહિના પહેલાં વડોદરા લગ્નમાં આપણે ગયાં હતાં ત્યાં જોયેલી છે, એનાં મમ્મી પાપા એ પણ તને જોયેલી છે. મમ્મી તો જમતી વખતે તારી પાસે ઉભા હતાં, પણ તને ખબર નહિ હોય. સારું કુટુંબ છે, પણ ફાઈનલ ઈચ્છા તારી છે બેટા!! તે તારી રીતે કોઈ છોકરો પસંદ કર્યો હોય તો કહી દેજે, હું જ્ઞાતિ બાધમાં પણ માનતો નથી!! તારી પસંદ એ ફાઈનલ હશે બેટા”!!

“ના પાપા એને બોલાવી લો, અમે એક બીજા સાથે વાતો કરી લઈશ” બસ સુરભિને હવે અમદાવાદમાં રહેવું ગમતું નહોતું એ જલ્દીથી આ શહેર છોડી જવા માંગતી હતી. બે દિવસ માં તો વડોદરાથી કેવલ આવ્યો. બંને વચ્ચે વાતચીત થઇ એકદમ ટૂંકી!!

“બીજું તો મારે કશું કહેવું નથી મેં તને લગ્નમાં જ જોઈ લીધી છે અને એક વાતની ખાતરી આપીશ કે મારા ઘરમાં તને કોઈ તકલીફ નહિ પડે, છતાં તે કોઈ પસંદ કરી લીધો હોય તારા પપ્પાને તું કહી શકતી ના હોય તો પણ ખુલીને કહી દે જે અત્યારે, હું એમ કહીને નીકળી જઈશ કે સુરભી મને પસંદ નથી. હું આ રીયલી કહું છું કે બીજા કોઈ સાથે કોઈ પણ સંબંધ હોય તો હું આડો નહિ આવું પણ હું મદદરૂપ થઈશ” અને આવું સાંભળી ને સુરભી અવાક થઇ ગયેલી. કેવલ દેખાવમાં જ સુંદર નહોતો અંદરથી પણ સુંદર હતો!!

“મને તમે પસંદ છો, વિશ્વાસ રાખજો તમે જ એક મારા શ્વાસ હશો.” અને સુરભિની આંખો ભીની થઇ ગયેલી. અને એજ વખતે સુરભિનો જમણો હાથ પકડીને કેવલ એટલું જ બોલેલો.

“બહું જલ્દીથી હું રાહ જોઈ રહ્યો છું મારા ઘરમાં તારા પગલાં પડે એની”

અને પછી બહું જ ઝડપથી ગોઠવાઈ ગયું. સંબંધ થયો. સુરભિને હવે આગળ ભણવું નહોતું. કોલેજ છોડી દીધી. અને એ જ ઉનાળામાં બને પરણી ગયાં. પરણ્યા પછી બને હનીમુન માટે મન્નાર,કોચીન અને પેડુઆર ગયેલાં. સુરભી અમદાવાદ આવતી લગભગ બંધ થઇ ગઈ. સસરા કહેતા.

“બેટા તારે જવું હોય તો મમ્મી પાપા પાસે જઈ આવ”

“ના પાપા મને હવે ત્યાં ના ફાવે અને આમેય તમે આ બંગલાનું નામ જ ‘સુરભી’ રાખેલ છે તો મારું સાચું ઘર તો આજ કહેવાય ને અને મન થાય ત્યારે હું ફોન પર વાત કરી જ લઉં છું ને મને ત્યાં ના ગોઠે” સુરભીના મમ્મી પાપાને શાંતિ હતી.દીકરી એકદમ સેટ થઇ ગઈ હતી. માં બાપ ને આખરે જોઈએ શું! સંતાનો સુખી તો માતા પિતા આપોઆપ સુખી જ ગણાય. આમેય સુરભી અમદાવાદ ના જતી એનું બીજું કારણ એ પણ હતું કે પેલો સમીર !! આમ તો એને ભૂલી ગઈ હતી પણ તોય ક્યારેક મનમાં ને મનમાં થતું કે કેવલ સાથે હશે ને ક્યારેક એનો ભેટો થશે તો?? એ નાલાયકનું કશું જ નક્કી નહિ!! આવા લોકો છેલ્લે જાત પર જઈને જ ઉભા રહે છે!! મને સુખી જોઇને એ મારા લગ્નજીવનમાં રોડા નાંખે તો.?? શરૂઆતમાં આવો ડર રહેતો પણ આજે તો એ ડર પણ જતો રહ્યો.!!

“ સુરભી બેટા કેમ સુતી છો, ??તબિયત તો સારી છેને”?? કમળાબેનના અવાજે સુરભિને તંદ્રામાંથી જગાડી.!! ભૂતકાળમાંથી સુરભી વર્તમાનમાં પાછી આવી.!!

“ના મમ્મી એવું કશું જ નથી , ખાલી સુતી હતી” સુરભી રસોડામાં ગઈ, મો ધોયું, ફટાફટ

રસોઈ બનાવી. મમ્મી પાપાને જમાડી પોતાની કાર લઈને એ કંપનીની ઓફિસે ગઈ હતી. આ કાર સુરભિને ગયાં જન્મદિને કેવલે ભેટ આપી હતી. ઓફિસે લંચ લઈને એ કેવલને લઈને આજવા નીમેટા તરફ ગઈ. આજે એ ખુબજ ખુશ હતી.

બે મહિના પછી એ અને કેવલ અમદાવાદ જવા રવાના થયા. એક કર્મચારીના દીકરાના લગ્ન હતાં. ઘણાં સમય પછી એ અમદાવાદ જઈ રહી હતી જતી વખતે કમળાબેન બોલ્યાં.

“બે દિવસ રોકાજે કેવલ તારા સસરાને ત્યાં,!! તું રોકાઈશ તો જ સુરભી રોકાશે. એમના મમ્મી પાપાને પણ સારું લાગે અને સુરભી બેટા અમારી ચિંતા ના કરતી સાચવીને જજો બેટા,વેવાઈને યાદી આપજો અને બને તો એમને સાથે લઇ આવજો મહિનો સુધી ભલે અહી રોકાય ને આગ્રહ કરીને લેતા આવજો.”

બપોરે તેઓ અમદાવાદ પહોંચી ગયાં. સુરભિને જોઇને એનાં પાપા અને મમ્મી રાજી થઇ ગયાં.

“બેટા તારું શરીર વધી ગયું છે, એકદમ ટાચકા જેવી થઇ ગઈ છો તું,!! દીકરીને સાસરું સદી જાય એવું ભાગ્ય બહું ઓછાં માં બાપને મળતું હોય છે” સુરભીના મમ્મી રંજનબેન બોલ્યાં.

“સાચી વાત છે રંજન તારી એટલે જ દીકરીને બાપનું ઘર સાંભરતું નથી,!! કેવલ કુમાર ધંધા પાણી કેમ ચાલે છે”?? સુરભીના પાપા દીપકભાઈ બોલ્યાં. અને પછી તો પ્રાસંગિક વાતો થઇ. સાથે લાવેલ લીલો ચેવડો સુરભીએ મમ્મી અને પાપાને ખવડાવ્યો. બધાં જ ખુશ હતાં. સાંજે તેઓ લગ્નમાં ગયાં, બીજે દિવસે જાન જવાની હતી. સુરભી અને કેવલ પોતાની કાર લઈને ગયાં. બાપુનગર વિસ્તારમાં તેઓ પહોંચ્યા. સુરભી માટે તો આ વિસ્તાર થોડો અજાણ્યો હતો પણ અચાનક તેને નિશા દેખાણી અને સુરભિની આંખો ચાર થઇ.! નિશાએ જેવી સુરભિને જોઈ કે અવળું મોઢું કરી ગઈ.!! સુરભી એની તરફ ગઈ કે નિશા બીજી બાજુ જતી રહી. સુરભિને મજા આવતી હતી, એને હજુ પણ પેલી ગાંધીનગરના બગીચા વાળી કિસ યાદ આવતી હતી જે સાવ નફફટ બનીને એણે સમીરને કરી હતી.!!આજ મોકો મળ્યો છે નિશાને ખખડાવવાનો!!

થોડી વાર પછી એ મકાનની અગાશી પર એણે નિશાને જોઇને અને સુરભી ધડાધડ દાદર ચડી ગઈ. નિશા ઝડપથી જ દાદર ઉતરી રહી હતી અને વચ્ચે જ સુરભીએ પકડી પાડી.

“કેમ ભાગો છો મેડમ”?? સુરભીએ કહ્યું અવાજમાં એક જાતનો વ્યંગ હતો.

“ના એવું કશું નથી થોડુક કામ હતું એટલે,કેમ છે તને સુરભી?? સાસરે બધાને કેમ છે? નિશા બોલતી હતી પણ આંખોમાં એક લાચારી હતી.

“શરીર પરથી તને નથી લાગતું કે હું ખુશ છું? અને હા એક વાત તો તને પૂછવાની ભૂલી જ ગઈ કે પેલો બોરડીવાળો તો અવસાન પામ્યો નહિ,?? તો પછી હવે તે બીજે બોરડી ગોતી કે નહિ??,જીવનમાં એમજ એન્જોયમેન્ટ ચાલે છે કે પછી એનાથી પણ આગળ પ્રગતિ થઇ છે”?? સુરભી એક શ્વાસે બોલી ગઈ. નિશાની આંખ ભીની થઇ રહી હતી પણ કાળજું કઠણ કરીને નિશા માંડ માંડ આંસુ રોકી રહી હતી.

‘એ ભૂતકાળ થઇ ગયો સુરભી!! વાતને બે વરસ વીતી ગયાં હવે શા માટે એને તું ખોતરે છે?? ભૂતકાળને ખોતરાઈ જ નહિ એ હમેશાં દુઃખ જ આપે છે”!! નિશા આટલું જ બોલી શકી.

“ઓકે તારી ફિલોસોફી મને ગમી પણ એક વાત મને કહે તું એને પ્રેમ જ કરતી હતી તો તે મને ચેતવી કેમ નહિ,?? તારે મને તો કહેવું હતું. હું તો એને સાચા દિલથી ચાહતી હતીને!! એનો અંજામ જોયો?? મને હવે એ કહે કે એનું મોત કેમ થયું?? કુદરતી રીતે થયું કે પછી બીજી રીતે” સુરભી ઝટ દઈને એનો પીછો છોડે એમ નહોતી.

“મારે મોડું થાય છે નીચે કામ છે પ્લીઝ, તું મને હવે જવા દઈશ,?? હું તને ફરી ક્યારેક એ વિષે જણાવીશ પણ અત્યારે મારે નીચે જવું છે” નિશાએ રીતસરની આજીજી કરી. અને સુરભીએ બે હાથ પહોળા કર્યા અને બોલી. સુરભિને નિશાની આંખમાં કશુક રહસ્ય જેવું જોયું. એક પીડા જોઈ.

“ ના કહે તો તને સમીરના સોગંદ છે, તારા સમીરના સોગંદ છે, મારો તો એ હતો જ નહિ પણ તારો તો એ સમીર હતોને?? એનાં સોગંદ નહિ પાળે”?? અને નિશા એ ઝડપથી ડોકું ઊંચું કર્યું એની આંખોમાં આંસુ ધસી આવ્યા.

“સાંભળવું છે તારે એમને?? બધું, સહન કરવાની તાકાત છે તારામાં,?? ચાલ આજે તે સોગંદ આપ્યાને એટલે હવે કહીજ દઉં, આમ તો હું વચનભંગ કરું છું સમીરનો!! પણ ચાલ હવે હું કહી જ દઉં”

એમ કહીને નિશાએ સુરભિનો હાથ પકડ્યો અને એને ખેંચીને એ અગાશી પર લઇ ગઈ. થોડીવાર એ ગળું ખંખેરીને એ બોલી.

“તને કદાચ ખબર નહિ હોય હું સમીર પ્રાથમીકમાંથી સાથે ભણતાં. હાઈસ્કુલમાં આવ્યાં ત્યારે થોડી સમજણ આવેલી ત્યારે મને એનાં પ્રત્યે લાગણી થયેલી પણ એકરાર કરેલો નહિ. અગિયાર બારમાં તું અમારી સાથે ભળી. તું અને સમીર નજીક આવ્યાં પણ હું ચુપ જ રહી. કોલેજમાં તમે બને સાથે ફરતાં હું બધું જ જોતી. મને મારી સુંદરતા ઓછી લાગેલી અને તું વધારે સુંદર હતી એટલે સ્વાભાવિક છે કે સમીર તને પસંદ કરે. હું ને સમીર ફક્ત સારા મિત્રો હતાં. અમારા ઘર પણ એક જ સોસાયટીમાં હતાં એ તો તને ખબર હશે. તને સમીર ખુબ ચાહતો!! ખુબ જ ચાહતો એ મને ઘણી વાર કહેતો.

“નિશા હું ભાગ્યશાળી છું કે સુરભી જેવી છોકરી મને મળી છે. એ પણ મને ખુબજ ચાહે છે” હું હસતી અને મનોમન આનંદ પામતી ખબર નહિ પણ જેને આપણે ચાહતા હોઈએ અને એ આનંદમાં રહે એ તો ગમેજ ને, એણે મને પેલી વાત પણ કરેલી કે તું ઇન્દ્રોડા પાર્કમાં એનાં કહેવાથી કુદી ગયેલી. એ ઘટના બન્યા પછી એક રાતે સમીર મને મળવા આવ્યો મારા ઘરે.!! અમારા બંને કુટુંબો વચ્ચે એટલો ઘરોબો કે અમે બને એક બીજાના ઘરે અવઢવ રાખ્યા વગર જઈ શકીએ. સમીર પાસે કેટલાક કાગળિયાં હતાં. એણે મને બતાવ્યા અને વાત કરી તો હું ચોંકી ગઈ.” નિશા વાત કરતી હતી સુરભી સંભાળતી હતી આંખનુય મટકું માર્યા વગર, નિશા એ વાત આગળ ચલાવી.

“ એ કાગળ આજે પણ મારી પાસે છે. સિવિલ હોસ્પિટલના એ રીપોર્ટ હતાં અને સમીરને ફેફસાનું કેન્સર છેલ્લાં સ્ટેજે હતું, એ વધુમાં વધુ એક વરસ જ જીવે એમ હતો એણે મને કીધું કે સુરભી મારા મર્યા પછી પણ બીજા લગ્ન નહિ કરે અને આખી જિંદગી મારા ઘરે ગાળશે એવું એ કહેતી.!! હું નથી ઇચ્છતો કે એ પોતાનું જીવન બરબાદ કરે, કશુક તો કરવું છે કે એ મારાથી દૂર થાય. સુરભી એ નાટક અને એકટીંગ પાછળ ગાંડો હતો ને અને એણે જીવનની બેસ્ટ એકટીંગ કરી છેલ્લે છેલ્લે!! હું તો એને ચાહતી હતી મને એણે સમજાવી અને હું માની ગઈ..એ હવે લાંબુ જીવવાનો તો નહોતો જ!! એણે એક નવું કાર્ડ લીધું અને મો પર રૂમાલ રાખીને તને ફોન કરતો!! એક એકટર માટે તો આસાન જ ગણાય ને!! અને છેલ્લે જે બગીચામાં ભજવાયું એ એનાં જીવનની છેલ્લી એકટીંગ હતી!! તું એને તિરસ્કારે તો જ તું બીજા લગ્ન કરે અને એ એકટીંગ એણે આબાદ ભજવી જાણી. તને કદાચ ખબર નહિ હોય પણ તું બગીચામાંથી ગઈ પછી એ કાઈ રોયો છે ના પૂછ વાત!!” નિશાએ સુરભી સામે જોયું. સુરભિની આંખમાંથી આંસુની ધાર હતી. નિશાએ આગળ વાત ચલાવી.

“પછી એ કોલેજ આવતો બંધ થઇ ગયો. એનાં મમ્મી પાપાને એણે બધી જ વાત કરી દીધી હતી. વચનમાં લીધા કે કોઈને વાત ના કરશો. આ વાત અમારા ચાર વચ્ચે જ રહી. હું પણ થોડો સમય કોલેજ આવી તારા વિષે એ મને પૂછતો. જે દિવસે તારા લગ્ન થયા એ દિવસે એ આખો દિવસ ભદ્રકાળીના મંદિરે ખાધા પીધા વગરનો બેઠો હતો.!! હું પણ સાથેજ હતી.!!તું સુખી થાય એ માટે એ પ્રાર્થના કરતો.!!પછી તો એ ક્યાય લગભગ બહાર જ ના નીકળતો.!! હું સાંજે એનાં ઘરે બેસવા જાવ.!! જેમ તે એની સાથે બે વરસ ગાળ્યા એમ છેલ્લાં બે વરસ મેં એમની સાથે ગાળ્યાં!! પ્રેમ શું હોય એ મને પણ સમજાઈ ગયું છે!! અજબ સંબંધો અને લાગણીની દુનિયા છે નહિ !! નાટક તરીકે પણ મેં એને જે કિસ કરી એ મારા જીવનની એક માત્ર કિસ હતી.!! બસ આ સિવાય અમારા બને વચ્ચે કશું જ નહોતું,!!

હું તો એને ચાહતી હતી!! મને આજે પણ ખબર છે કે એણે મને એક દોસ્ત ગણી હતી.!! અને હું એને એક પ્રેમી તરીકે જોતી હતી. મેં પણ મારા ઘરે કહી દીધું કે મારે લગ્ન નથી કરવા. માતાપિતાને સમજાવી દીધાં મેં પણ!! સોસાયટીમાં સાચી ખોટી વાતો પણ થઇ પણ હું પછી લગભગ સમીરના ઘરે જ રહેતી. બસ તેને સંગાથ આપતી.. એક વખત એની તબિયત ખુબ બગડીને એણે રટણ કર્યું કે મારે ચાણોદ કરનાળી જવું છે!! હું તેનાં મમ્મી પાપા અને સમીર ચાણોદ કરનાળી ગયાં. એનો જન્મ ચાણોદમાં થયો હતો!! એવું એની માતા એ કહેલ ત્યાં અમે લગભગ મહિનો રોકાયા રોજ સાંજે હું અને સમીર નર્મદાના કિનારે બેસતા, એણે મને પૂછેલું કે તારે હવે પરણી જવું જોઈએ હું કહું છું એટલે!!

મેં એને પૂછેલું કે તું મને કઈ રીતે કહી શકે ક્યાં અધિકારથી?? અને એ ચુપ થઇ ગયો હતો. પણ તોય એ સતત તારી ચિંતા કરતો કે સુરભિને ભગવાન બધું જ સુખ આપે!! અને આજથી બે માસ પહેલાં જ એણે ચાણોદ અને કરનાળીમાં જ દેહ છોડી દીધો. ત્યાં જ તેનાં અંતિમ સંસ્કાર કરેલાં. અમે ત્રણ જ હતાં અંતિમ સંસ્કાર માટે!! અને હા એક વાત અમે જયારે ચાણોદ આવતાં હતાં ત્યારે એણે એક પત્ર લખેલો તારા માટે એમ એનાં પાપાને કીધેલું કે મને ઊંડે ઊંડે મનમાં એમ થાય છે કે સુરભી એક વખત તો અહી આવશેજ..!! જો એ આવે તો એને આ પત્ર આપજો એમ કીધેલું. એ પત્ર સમીરના ઘરે છે”

નિશા એ વાત પૂરી કરી સુરભી સાંભળતી રહી!! વાતાવરણમાં ઘેરી સ્તબ્ધતા વ્યાપી ગઈ કોઈ કશું બોલ્યું નહિ. નીચે જમણવાર શરુ થઇ ચુક્યો હતો. બને નીચે ઉતરી. સુરભીએ મો ધોયું. કેવલ શોધતો હતો એને

“ આ નિશા છે મારી દોસ્ત અમે લોકો અગાશીમાં વાતો કરતાં હતા” સુરભીએ કહ્યું. કેવલે હાથ જોડીને નમસ્તે કર્યા.ઈચ્છા તો નહોતી પણ તોય નિશાના આગ્રહથી સુરભીએ દાળ ભાત ખાધા!! જમીને તરત સુરભીએ કહ્યું.

“કેવલ હું અને નિશા એનાં ઘરે જઈએ છીએ કલાકમાં આવી જઈશું .ગાડી હું લઇ જાવ છું”કેવલે એને ચાવી આપી. સુરભી સીધી નિશા પાસે ગઈને કીધું કે મને સમીરને ઘરે લઇ જા. બને ગાડીમાં ગોઠવાઈ અને સમીરના ઘર તરફ રવાના થયા.

“નિશા તું આજીવન લગ્ન નહિ કરે? “સુરભીએ પૂછ્યું.

“ના અત્યારે એક ખાનગી શાળામાં જાવ છું પેટ પુરતું કમાઈ લઉં છું ક્યારેક મારા ઘરે રહું ક્યારેક સમીરના ઘરે સમીરના પાપા પણ નિવૃત થઇ ગયાં છે એમને સારું લાગે છે હું ત્યાં હોવ તો, સુરભી યાદો ભૂતાવળ જેવી હોય છે એ જીવનભર જતી નથી. સમીર સાથે ગાળેલા છેલ્લાં બે વરસમાં અમે તનથી તો નજીક નથી આવ્યાં પણ મનથી એકદમ નજીક આવી ગયાં છીએ. એની યાદો એ જ મારો નિજાનંદ છે. કોઈ અફસોસ નથી.!! સારા સારા માગાં આવેલ છે અને હજી આવે છે પણ નહિ મારે જિંદગી આમ જ ગાળવાની છે!! બચપણથી સમીરનું નામ કોતરાઈ ગયેલ છે એ જીવનભર નહિ જાય.!! ઘણાં માણસો આવે જીવનમાં પણ હાર્ટમાં તો એક જ માણસ રોકાઈ એટલી જ જગ્યા હોય છે.”!! સમીરનું ઘર આવી ગયું. બને નીચે ઉતર્યા. સમીરના પીતાં હિંચકે બેઠા હતાં. નિશા એ પરિચય આપ્યો.

“પાપા આ સુરભી છે” અને ધીરજ લાલ અચાનક ઉભા થયા

“આવ બેટા આવ, અલી મંજુ જોતો કોણ આવ્યું છે.?? અંદરના ઓરડામાં થી સમીરના માતાજી બહાર આવ્યાં,

“સુરભી છે!! સમીરના રૂમ માં લઇ જા” ધીરજલાલ ગળગળા થઇ ગયાં.

“બેટા અમારે તો આભ તૂટી પડ્યું ,!! સુખનું વાદળ વરસ્યા વગર જ ચાલી ગયું,!!બેટા ખુબ સુંદર છો,!! સમીર તારા ખુબ જ વખાણ કરતો હતો. તું સુખી તો છોને મારા દીકરા”!! મંજુબેન સુરભિને બાથમાં લઈને રોઈ પડ્યા. બધાં સમીરના રૂમમાં આવ્યાં. દીવાલ પર એક ફોટો લટકતો હતો. સુરભી એકીટશે જોઈ રહી. સુરભિને લાગ્યું કે સમીરની આંખોમાંથી હેત વરસી રહ્યું હતું. દીવાલ પાસે એક ટેબલના ખાનામાંથી ધીરજલાલે એક પરબીડિયું કાઢીને સુરભિને આપ્યું. સુરભીએ પરબીડિયું તોડ્યું!! અંદર એક ટૂંકો પત્ર હતો.

“વહાલી સુરભી,

પત્ર મળશે ત્યારે હું હયાત નહિ હોવ, માફ કરી જ દઈશ એવો વિશ્વાસ છે. જીવનરૂપી નાટકમાંથી અણધારી વિદાય લેવી પડે છે. હશે.!! કુદરતે આ જ ધાર્યું હોય તો આપણે શું કરી શકવાના.?? તારા માટે પ્રાર્થનાઓ કરી છે અને સાંભળ્યું છે કે સ્વાર્થ વગરની પ્રાર્થનાઓ સફળ જ હોય છે. જીવનમાં તું સુખી થજે. મારી નાયિકા મારા ગયાં પછી પણ સુખી જ થાય એવી લાગણી સાથે મારે જીવનની એ છેલ્લી એક્ટિંગ કરવી પડેલી છે. નિશાને કહેવાનો કોઈ હક નથી મારે, તેમ છતાં કહીશ કે એ પણ પરણી જાય. મારા જીવનમાં આવેલી એ શ્રેષ્ઠ દોસ્ત છે! જો નિશાનો સાથ ના હોત તો મારી એક્ટિંગ શક્ય નહોતી.

બસ તારો સમીર

સુરભીએ પત્ર વાંચીને નિશાને આપ્યો. નિશા પણ વાંચીને રોઈ પડી. થોડી વાતો થઇ. જતી વખતે મંજુબેને સુરભિને ૧૦૦ રૂપિયા આપ્યા અને કીધું કે તું પહેલીવાર આ ઘરમાં આવી છો અને ફરીથી ભેટ્યા અને સદા સુહાગણ રહે દીકરા એવા આશીર્વાદ આપ્યા. નિશા અને સુરભી લગ્નસ્થળે પાછા આવ્યાં. કેવલ એની રાહ જોતો હતો. સુરભિને ભેટીને નિશા રડી. કેવલ અને સુરભી એમના ઘર તરફ જઈ રહ્યા હતાં. સુરભી આંખો મીંચીને બેઠી હતી.

કેવલે કારમાં એફ એમ શરુ કર્યું, ગીત વાગી રહ્યું હતું!!

“તું ઇસ તરહ મેરી જીન્દગીમે સામીલ હો

જહા ભી જાઉં તો લગતા હૈ તેરી મહફિલ હૈ “

સુરભીએ આંખો ખોલી આકાશમાં બે વાદળા દેખાયા અને સુરભિને લાગ્યું કે વાદળની અંદરથી સમીરની બે આંખો તેમનાં પર હેત વરસાવતી હતી.!! ઘણીવાર આપણા જીવનમાં જે કોઈ સુખ આવે છે એ બીજાઓની સતત પ્રાર્થનાને કારણે પણ આવતું હોય છે!!

“યાદો એ ભૂતાવળ જેવી હોય છે એ જલ્દીથી પીછો નથી છોડતી”

લેખક મુકેશ સોજીત્રા, ૪૨, શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ, ઢસાગામ

મિત્રો !! આપ સૌ ને આ સ્ટોરી કેવી લાગી ? કોમેન્ટ કરી અચૂક જણાવજો !

ટીપ્પણી