“મુકેશ સોજીત્રા” લિખિત આ સ્ટોરી તમને રડાવશે ! વાંચો, “એકટીંગ” – સાચા પ્રેમની પરાકાષ્ઠા આવી હોય !

અલકાપુરી વડોદરાનો એક ભવ્યાતિભવ્ય કહી શકાય તેવો વિસ્તાર!! અલકાપુરીના હાર્દ સમાન એક વિસ્તારમાં આવેલા એક બંગલામાં સુરભી સવારનો નાસ્તો બનાવી રહી હતી. સાસુ સસરા જાગી ગયાં હતાં. સાસુ કમળાબેન તુલસીને પાણી પાઈ રહ્યા હતાં. સસરા નરોતમભાઈ પોતાના રૂમમાં બેસીને એક પુસ્તક વાંચી રહ્યા હતાં. સુરભીએ આજે થેપલા બનાવ્યાં હતાં!!આમેય એને મેથીના થેપલા ખુબ જ ભાવતા હતાં..! કેવલ હજુ ઉઠ્યો નહોતો. થેપલાં તૈયાર કરીને એ પોતાના બેડરુમમાં ગઈ!! કેવલ જાગી ગયો હતો.
“તમારું સ્વાગત છે, લાગે છે કે થેપલા બની ગયાં છે” એમ કહીને સુરભિનો હાથ પકડીને કેવલે પોતાની બાજુ માં ખેંચી.

“તમેય શું સાવ, સવાર સવાર માં!! ચાલો નાહી લો, તમારા કારણે મમ્મી પાપા પણ નાસ્તો મોડો કરે છે, આ તો ઘરમાં કોઈ કહેવાવાળું નથી એટલે દિવસે ને દિવસે તમે બગડતા જાવ છો” મીઠો છણકો કરીને સુરભી હસતાં હસતાં ચાલી ગઈ. સાસુ કમળાબેન તુલસીને પાણી પાઈને સામાં મળ્યાં. સાસુ વહુ મીઠું હસ્યાં, અને કમળા બહેન પુજાના ઓરડામાં ગયાં. થોડીવારમાં કેવલે નાહી લીધું.

અડધી કલાકમાં “સુરભી” બંગલાના ભોજનખંડમાં આ ચારેય નાસ્તો કરતાં હતાં. ચાર એટલે સુરભી, એનો પતિ કેવલ, સાસુ કમળાબેન અને સસરા નરોતમભાઈ!! ફક્ત ચાર જણાનું એક સયુંકત કુટુંબ!! સુરભી અને કેવલના લગ્ન થયે બે વરસ થયા હતાં. લગ્ન વખતે જ આ બંગલો બનાવ્યો હતો. અને લગ્ન પછી બંગલાની ઉપર એક સોનેરી તકતી લગાવી હતી “સુરભી”..
જયારે તકતી લગાવવાની વાત આવી ત્યારે કેવલને સુરભીએ કહ્યું હતું.
“પણ તમેય શું મારા નામની તકતી લગાવવાની,!! આજુબાજુ વાળા દાંત કાઢશે દાંત!! મમ્મી પાપા કેવું વિચારશે”
“મમ્મી પાપાનું જ સુચન છે કે આ બંગલાનું નામ ‘સુરભી’ રાખવું. અને આમેય સુરભી એટલે ગાય થાય, અથવા તો સુવાસ થાય!! એટલે મમ્મી પાપાનો નિર્ણયને હું ના ફેરવી શકું. અને એક સ્મિત સુરભીના ચહેરા પર દોડી ગયું!!

સાસરે આવ્યાં પછી સુરભિને પિયર સાવ ભુલાઈ જ ગયું હતું. પિયર કરતાં પણ વધુ લાડ અને સ્વતંત્રતા એને અહી પ્રાપ્ત થયાં હતાં!! એવું સુખ કે જેની તેણે કલ્પના પણ નહોતી કરી. નરોતમભાઈનું માન આ વિસ્તરમાં સારું હતું. કેવલ એનો એકમાત્ર દીકરો હતો!! એક મોટી કંપનીનો માલિક હતો. પણ કોઈ અભિમાન જ નહિ. એકદમ શાંત અને સરળ!! કંપનીમાં તમામ કર્મચારી એને દિલથી ચાહતા!! લગ્ન પછી કંપનીમાં જ રીસેપ્શન ગોઠવ્યું હતું!! બધાં કર્મચારીઓ વારફરતા આવીને શુભેચ્છા પાઠવતા હતાં. અને ભેટ આપતા હતાં. બધાની આંખોમાં એક માનની લાગણી હતી. છેલ્લે એક સીતેરક વરસનાં વૃદ્ધ કહી એવા મનજી દાદા આવ્યાં. કેવલ અને સુરભી એને પગે લાગ્યાં.

“આ મનજી દાદા છે, પાપાએ જ્યારે કંપનીની સ્થાપના કરી હતી ત્યારે એ પહેલાં કર્મચારી હતાં. એમનાં તમામ સંતાનો આપણી કંપનીમાં જ કામ કરે છે, નાનો હતો ત્યારે મનજીદાદાના ખોળામાં હું રમેલો છું. અને મનજી દાદા એ સુરભીને બાજુમાં લઇ ગયાં અને કીધેલું.

“તને આ ઘરમાં કોઈજ તકલીફ નહિ પડે, બસ એક જ વિનંતી છે કે જીવનમાં કેવલ ક્યારેય ઉદાસ નથી થયો, બસ હવે તારી જવાબદારી છે કે કેવલ ખુશ રહેવો જોઈએ,ભગવાન તમને સદા સુખી રાખે” આટલું કહીને મનજીદાદાની આંખો ભીની થઇ ગયેલી.

બસ પછી તો સુરભીના સુખના દિવસો શરુ થઇ ગયેલાં!! સવારે સાસુ સસરાને જમાડીને સુરભી ટીફીન લઈને કંપનીએ જતી અને કેવલની ઓફિસમાં તેઓ સાથે લંચ કરતાં. સુરભીને જયારે પહેલી વાર કીધુને ત્યારે સુરભીને નવાઈ લાગેલી!!

“કોઈને કેવું લાગે કે હું તમને ઓફિસમાં ટીફીન દેવા આવું એનાં કરતાં તમે ઘરે જમી જાવ તો સારું”
“પાપા એમ કહેતા કે પેલાં સ્ત્રીઓ વાડીયે ભાત લઈને જતી એનાં પતિને જમાડવા તો તારે એમ સમજવાનું કે હું ભાત લઈને જાવ છું, અને પતિ સાથે જમવું કોઈ ખરાબ કામ નથી તું ઓફિસમાં કોઈને પણ પૂછી લે જે પાપા જયારે કામ કરતાં ત્યારે મમ્મી પણ આ રીતે જ જમાડવા આવતી” કેવલે આવું કીધુને ત્યારે એ રોમાંચિત થઇ ગઈ હતી અને ટીફીન લઈને ઓફિસે જતી

બધાં કર્મચારીઓ એને સસ્મિત આવકારતા. લંચ કરીને કેવલ એને કાયમ કાર સુધી મુકવા આવતો. સાંજે કોઈની પાર્ટીમાં જવાનું હોય તો એ સુરભિને પૂછે કે તારે આવવું હોય તો જ પાર્ટીમાં જવું છે..નહીતર નહિ!! સાસુ સસરા પણ ખુબ જ ખુશ હતાં.. એક સુખી અને સ્નેહથી મઘમઘતો પરિવાર હતો.!!!

નાસ્તો કરીને કેવલ કંપનીમાં ચાલ્યો ગયો. કમળાબેન બાજુમાં બેસવા જતાં રહ્યા અને નરોતમભાઈ પણ રેલવે સ્ટેશન બાજુ લટાર મારવા નીકળી ગયાં. દીવાનખાનામાં પડેલું છાપું સુરભિએ વાંચવાનું શરુ કર્યું.. અલપ ઝલપ નજર કરતી હતી અને અચાનક એક સમાચાર વાંચીને તેની આંગળી ધ્રુજી ગઈ!! ચહેરા પર એક તિરસ્કારની રેખા આવી ગઈ,!! એનાં હોઠ વંકાયા!! અને ફરીથી એ સમાચાર વાંચી ગઈ!! એ એક અવસાન નોંધ હતી. સ્વ.સમીર ધીરજલાલ પટેલનું અવસાન થયું હતું. સુરભી એક ધૃણાથી એ ફોટા તરફ જોઈ રહી હતી. સાલો ફોટામાં કેવો હસતો હતો. ગજબનો નાટક બાજ નીકળ્યો હતો. સુરભીએ કચકચાવીને છાપનો ઘા કર્યો અને મનમાં બોલી.
“ સારું થયું કે જતો રહ્યો નહીતર મારા જેવી કેટલીય ને બરબાદ કરત!! જોકે હું તો છટકી ગઈ હતી એની જાળમાંથી, ભલું થજો એ ફોન કરવાવાળાનું કે બચી ગઈ અને સમયસર ચેતી ગઈ. જાણે કેટલીય સાથે ચક્કર હશે એનું, આહીના કરેલાં આહીજ ભોગવવાના હશે ને પણ આમ કુદરતી મોતે તો ના મર્યો હોય એ!! સાલો સડી સડીને મરવો જોઈએ,!! જરૂર એમ જ થયું હશે. અને પેલી નિશાડી નું શું થયું હશે!! એ પણ નફફટની જેમ જ હસતી હતી ને, આવા તો જન્મીને જ વળી જતાં હોય ને તો સારું”

સુરભીનો મૂડ બગડી ગયો હતો. થોડીવાર પછી એ રસોઈઘરમાં ગઈ પણ મનમાં ઘમાસાણ ચાલતું હતું. બે વરસ પહેલાં ના એ ત્રણ વરસ યાદ આવી ગયાં!! જયારે એ કોલેજમાં હતી!! અત્યારે ખુશ હતી એવી જ ખુશ એયને બિન્દાસ ગુજરાત કોલેજ!! સમીરનું એ પેશન બાઈક!! કાંકરિયાની તળાવની પાળે સમીર સાથે વિતાવેલી પળો!!એની સાથે માણેલા નાટકો!! સુરભી રસોડામાંથી બહાર આવી બેડરુમમાં ગઈ અને ધબ્બ દઈને પથારીમાં પડી!! આખો ભૂતકાળ એની નજર સામે તરવરવા લાગ્યો…

સુરભી અને સમીર આમતો અગિયારમાં થી સાથે જ હતાં. સુરભી અત્યંત રૂપાળી. સપ્રમાણ શરીર અને વાચાળ પણ ખરી. સમીર પણ દેખાવડો અને નાટકોનો શોખીન. બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી બરાબરની જામી ગઈ. બંને કોલેજમાં આવ્યાં ત્યારે દોસ્તીની કેમેસ્ટ્રીમાં પ્રેમ નામનું રસાયણ ભળી ચુક્યું હતું!!! વાર્ષિક ઉત્સવ હોય કે યુવા મહોત્સવ સમીર હમેશાં એક્ટિંગમાં બાજી મારી જતો. સમીર એક સાધારણ કુટુંબમાંથી આવતો હતો. જયારે સુરભીના પિતા એક ગર્ભ શ્રીમંત હતાં. સમીરના પિતાજી બેંકમાં કેશિયર હતાં. સમીરથી મોટી બને બહેનો પરણી ચુકી હતી. સુરભીના પિતાજી બિલ્ડર હતાં.

સુરભી અને સમીર કોલેજમાં કાયમ સાથે જ હોય. કોલેજમાં ઘણાં ધનાઢ્ય છોકરાઓ એ પુરતા પ્રયત્નો કરી લીધેલા સુરભી સાથે મિત્રતા કરવાના પણ સુરભી બધાને કહી દેતી.

“યુ નો સમીર સાથે હું કમીટેડ છું, પછી નાહકની માથાકૂટ શું કામ”?? સુરભી મનોમન સમીર સાથે રંગીન જીવનની કલ્પના કરી હતી. કોલેજના બીજા વરસમાં ફોર્મલ એકરાર થઇ ચુક્યો હતો. સમીરનું પ્રપોઝ એણે સ્વીકારી લીધું હતું. સાથે જીવવા મરવાના કોલ દેવાઈ ગયાં હતાં. એક દિવસ બને કોલેજ માં ગાપચી મારી ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં ફરવા ગયાં. પક્ષીઓના વિભાગમાં એક વીસેક ફૂટ ઉંચો ટેકરો હતો ત્યાં સુરભી ચડી અને સમીર તેનાં ફોટા પાડતો હતો.અને અચાનક સમીરે પૂછ્યું.

“સુરભી તું મને કેટલો પ્યાર કરે છે”

“આટલો બધો, અનંત અને અપાર પ્રેમ ,તું કહે એ કરવા તૈયાર છું” સુરભીએ બે હાથ પહોળા કરીને ટાઈટેનિકની ભાષામાં કહ્યું.

“એમ!!!?? હું કહું એ તું કરે ખરી?? તો ત્યાંથી કુદી જા પાછળ ખાઈ છે તેમાં” સમીરે આમ તો સાવ મજાકમાં જ કહેલું અને સુરભીએ ગંભીરતાથી લઈને વગર વિચાર્યે કુદી ગઈ. અને સમીર સ્તબ્ધ થઇ ગયો. પણ સદભાગ્ય એવા કે એ ખાઈ કચરો ભરેલી હતી,!! પાણીની ખાલી બોટલો જ હતી!! એટલે સુરભિને ખાસ કશું વાગ્યું નહિ. પણ સમીરના તો મોતિયા જ મરી ગયેલાં!! આમ સુરભી ભલે મોડર્ન હતી પણ એનો પ્રેમ ભાદર તારા વહેતા પાણી જેવો હતો.!! આ બનાવ પછી સુરભી અને સમીર વધુ નજીક આવી ગયાં. ઇન્દ્રોડા પાર્કથી ઘરે જતાં હતાં ત્યારે સમીરની પાછળ બાઈક પર બેઠેલી સુરભી એ કહેલું.

“સમીર ક્યારેય મારા પર શંકા ના કરતો!! તું જ મારું સર્વસ્વ છો!! માન કે આપણા લગ્ન પછી તને કાઈ થઇ જાય તો આ સુરભી આજીવન તારા ઘરમાં રહીને તારા મમ્મી પાપાની સેવા કરશે,!! તું એવું ના માનતો કે હું બીજે પરણી જઈશ, પ્રેમના મામલામાં હું અઢારમી સદીનું છું!!!”

પછી તો આત્મીયતા વધી અને બીજું વરસ પુરુ થવા આવ્યું, એક મહિનો બાકી રહ્યો હશે વાર્ષિક પરીક્ષાને અચાનક એક દિવસ એક ફોન આવ્યો સુરભીના મોબાઈલમાં!! નંબર અજાણ્યો હતો.

 

“કોણ સુરભી બોલે છે”

“હા આપ કોણ” સુરભી એ જવાબ આપ્યો.

“ મેડમ તમારી સાથે દગો થઇ રહ્યો છે” અજાણ્યા માણસે કહ્યું.

“શું ?? શેનો દગો,??? મિસ્ટર તમે કોઈ રોંગ નંબર જોડ્યો છે. સુરભીએ કહ્યું.

“ ના એવું નથી, મારી વાત માનો સમીર બીજી એક છોકરી સાથે પ્રેમાલાપ કરે છે અત્યારે તેઓ કાંકરિયા ગેટ નંબર ૩ પાસે છે મારી વાત સાચી ના લાગે તો આપ ત્યાં જઈને જોઈ આવો.” અને ફોન કટ થઇ ગયો.

સુરભી અવાચક બની ગઈ. સમીરને ફોન લગાવ્યો ફોન બંધ આવતો હતો. આજ બીમાર છું એવું કહીંને સમીર કોલેજ નહોતો આવ્યો. સુરભી કાંકરિયા પહોંચી અને હજુ શોધખોળ કરે ત્યાંજ એણે બાઈક પર સમીરને જોયો પાછળ એક છોકરી બેઠી હતી. એણે બુકાની બાંધેલી હતી. એટલે સુરભી એનું મોઢું જોઈ ના શકી. સુરભિની આંખો વિશ્વાસ ના કરી શકી!! બીજે દિવસે કોલેજના કેન્ટીનમાં વાત થઇ ને સમીરે બચાવ કર્યો.

“મારી ભત્રીજી હતી, આણંદથી આવી હતી, મારી તબિયત સારી નહોતી તોય એણે જીદ પકડી. એટલે હું એને ફરવા લઇ ગયો, બીલીવ મી પ્લીઝ!! જેમ તું મને પ્રેમ કરે છે એમ હું તને પ્રેમ કરું છું” અને સુરભી માની ગયેલ. બધું રાબેતા મુજબ ચાલતું હતું. એવા માં રવિવારે પાછો કોલ આવ્યો એ જ અજાણ્યો નંબર!! સવારમાં ૫ વાગ્યે ફોન આવ્યો!!

“સુરભી આજ સમીર તેની પ્રેમિકા સાથે ગાંધીનગર ના સેકટર અઠ્ઠાવીસના બગીચા માં સવારે આઠ વાગ્યે ફરવા જવાનો છે”

“પણ તું મને શું કામ ફોન કરે છે?? તને આ બધી વાતની ખબર કેમ છે,??તું સમીરની પીછો કેમ કરે છે,?? આખરે તું છે કોણ”?? સુરભી પેલાં પર રીતસરની બગડી.

“ ઓકે હવે પછી ફોન નહિ કરું, આ છેલ્લી વાર, સમીરે મારી બહેનની જિંદગી બગાડી હતી. છોકરીઓને પાગલ કરવી એ એનો શોખ છે ધોરણ દસથી એ આ જ ધંધા કરે છે એનામાં એવું તો કશુંક છે કે જે છોકરી સાથે સંબંધ બાંધે પછી એ છોકરી એને જ ભાળે, એ સારો એકટર જ નહિ પણ ઉંચી કક્ષાનો લફરાબાજ પણ છે, તને જયારે ખબર પડશે ને ત્યારે ખુબ મોડું થશે. હું એની જાસુસી એટલાં માટે કરું છું કે મારી બહેનને એણે ખુબ આઘાત પહોંચાડ્યો હતો” આટલું કહીને પેલો રડવા લાગ્યો અને ફોન કટ થઇ ગયો. પાગલ જેવી થઇ ગઈ સુરભી!! એણે તરત જ એકટીવાને કિક મારી અને નાહ્યા વગરની જ ગાંધીનગર તરફ ચાલી નીકળી.!!ઘરે મમ્મી પાપાને કીધું કે કાંકરિયા જાવું છું વોકિંગ કરવા!!

રસ્તામાં સુરભી વિચારતી રહી કે બાર વાગ્યે તો આજે એ અને સમીર વાઈડ એન્ગલ માં ફિલ્મ જોવા જવાના હતાં અને પછી બને એક મિત્રના બર્થડેમાં જવાના હતાં. શું સાચે જ સમીર આવો લફરાંબાઝ હશે. એકટીવા બગીચામાં પહોંચી ગયું. છુપાતા છુપાતા એણે દૂર ખૂણા માં જોયું એક છોકરી અને એક છોકરો એક ઝાડ નીચે બાહુ પાશમાં બેઠા હતાં. સુરભી ત્યાં પહોંચી અને જોયું તો સમીર અને બુકાની બાંધેલ છોકરી. સુરભી રીતસરની ધ્રુજવા લાગી.

“સમીર આ ક્યાં ગામની ભત્રીજી છે તારી”??

“એવું કશું નથી જસ્ટ ફ્રેન્ડ છે “ સમીર થોથવાયો અને સુરભીએ તો ઝાપટ મારીને પેલી ની બુકાની ખેંચી અને નીકળી નિશા”

“નિશા મેં તને આવી નહોતી ધારી” સુરભી એ કહ્યું.

“ તો કેવી ધારી હતી” નિશા એ આંખો નચાવતા કહ્યું. સુરભીએ સમીર નો કાંઠલો પકડ્યો અને કહ્યું.

“ મારા પ્રેમમાં એવું શું ઘટે છે કે તું બીજી બધી સાથે રખડે છે”

અને જવાબમાં ખડખડાટ હસ્યો સમીર અને પછી જે બોલ્યો એ રૂંવાડા ખડા થઇ જાય એવું હતું.

‘તું જાણે છે ને ડાર્લિંગ કે હું નાટક નો માણસ અને નાટકમાં નિયમ હોય કે એનો નાયક અલગ અલગ નાયિકાઓ સાથે રોમાન્સ કરે!! દરેક નાટકમાં અલગ અલગ નાયિકાઓ હોય!! આટલુય નથી સમજતી તું!! કોલેજના વરસો માણી લેવાના હોય!! બહું સીરીયસલી નહિ લેવાનું!! અને હા એક વાત ની ખાતરી આપું છું કે એક વાર મારી પાસે જે આવે એ પછી તડપી તડપીને આવે એને ક્યાય શાંતિ ના મળે આ નિશાને ય એવું થયેલું પછી એણે સ્વીકારી લીધું ને એને કશો જ વાંધો નથી. કોઈને વાંધો નથી!! સહમતી થી બધું જ શક્ય છે!! કેમ નીશું ડાર્લિંગ એમ આઈ રાઈટ ઇફ યસ, ગીવ મી કિસ બેબી પ્લીઝ ગીવ મી કિસ!!” અને નિશાએ કિસ કરી સમીર ને!! અને સુરભીનો મગજ ફાટીને ધુમાડે ગયો એક લાત મારી સમીર ને!!

“આઈ હેઈટ યુ!! રાસ્કલ !! આઈ હેઇટ યુ!!” સમીરના મોઢા પર એ થૂંકી અને પેલી નિશા પણ હસતી હતી. સુરભી પગ પછાડતી પછાડતી જતી હતી. ત્યાં જ સમીર બોલ્યો.

“જઈ રહી છો પાછી આવવા માટે જ જા છો તું !! કદાચ તારા મેરેજ પછી પણ મને તું મળવા આવીશ,!! મારા વગર તને શાંતિ તો નહિ મળે, મારી પાસે પ્રૂફ છે!! આરતી અને કાજલ લગ્ન પછી પણ મારી સાથે સંબંધ છે,!!નથી માનતીને?? તો આ નિશાને પૂછ!! આનુય એન્ગેજ તો થઇ ગયું છે તોય મારી સાથે એને ફાવે છે એની ટાઈમ વેલકમ માય ડીયર એની ટાઈમ વેલકમ!! જ્યાંથી ખુશી મળે ત્યાં લઇ લેવાય!! આ તો ગમતાનો કરીએ ગુલાલ એવું છે!! ગમતું મળે તો એને ગુંજે ના ભરવાનું હોય!! જીવનભર એક જ બોરડીના બોર થોડાં ખવાય!! અલગ અલગ બોરડી અલગ સ્વાદ!! હહાહાહા

“તું શું માને છે કે તારા જેવા માટે હું તડપીશ, ભૂલે છે ભૂલે !! હું એ સમીરને ચાહતી હતી કે જે મારા સપનાનો હતો!! તારા જેવા નાટકબાજ ને તો હું ધિક્કારું છું!! અને તને ખબર નહિ પ્રેમ માં જયારે તિરસ્કાર ભળે ને ત્યારે એ બમણો તિરસ્કાર હોય છે. પ્રેમ જયારે ધિક્કારનું સ્વરૂપ લે ને ત્યારે એ ધિક્કાર જ એટલો પ્રબળ હોય કે અગાઉનું બધું જ બળીને ખાખ!! તારા વગર હું નહિ જીવી શકું એવું માનતો હોય તો તું ખાંડ ખાંડ ખાય છે ખાંડ!! હું મારી રીતે જીવી લઈશ!! હું તારા ભૂતકાળની છોકરીઓ જેવી તો નથી જ કે જે હવે તારી પાસે પાગલ થઇ જાય છે!! માય ફૂટ !! બ્લડી હેલ!!” અને એ ચાલી ગઈ. સમીર અને નિશા અવાચક થઇ ગયેલાં. એણે આવી પ્રતિક્રિયા તો ધારેલી જ નહિ.

પછી તો દસેક દિવસ સુરભી કોલેજ ના ગઈ. પરીક્ષા ટાઈમે ગઈ. પણ આ બનાવ બન્યા બાદ એ અંદરથી મક્કમ થઇ ગયેલી. મનોમન એણે આભાર માનેલો કે એ સંબંધોમાં એટલી આગળ નહોતી વધી કે પસ્તાવું પડે.!! કોલેજમાં એને નિશા એક બે વાર મળેલી પણ એવી નજર કરેલી કે પેલી તો પોબારા જ ગણી ગયેલી.!! નિશાને એ બારમાં ધોરણથી જ ઓળખતી હતી.!! દેખાવે બહું સુંદર નહોતી પણ હોંશિયાર તો હતી જ. સમીર જે સોસાયટીમાં રહેતો એજ સોસાયટીમાં એ રહેતી. આમ તો ભોળી અને પારેવા જેવી લાગતી નિશા આટલી બિન્દાસ હશે એની કલ્પના પણ સુરભીએ નહોતી કરી.!! શાંત પાણી તો ઊંડા જ હોય ને એવું તે વિચારતી!!

પછી તો ઘટનાઓ ઝડપી બની. એક સાંજે સુરભીના પિતાએ કીધું કે

“તારા માટે વડોદરાથી એક માંગુ આવ્યું છે, છોકરાને પોતાની કંપની છે, છોકરાએ તને બે મહિના પહેલાં વડોદરા લગ્નમાં આપણે ગયાં હતાં ત્યાં જોયેલી છે, એનાં મમ્મી પાપા એ પણ તને જોયેલી છે. મમ્મી તો જમતી વખતે તારી પાસે ઉભા હતાં, પણ તને ખબર નહિ હોય. સારું કુટુંબ છે, પણ ફાઈનલ ઈચ્છા તારી છે બેટા!! તે તારી રીતે કોઈ છોકરો પસંદ કર્યો હોય તો કહી દેજે, હું જ્ઞાતિ બાધમાં પણ માનતો નથી!! તારી પસંદ એ ફાઈનલ હશે બેટા”!!

“ના પાપા એને બોલાવી લો, અમે એક બીજા સાથે વાતો કરી લઈશ” બસ સુરભિને હવે અમદાવાદમાં રહેવું ગમતું નહોતું એ જલ્દીથી આ શહેર છોડી જવા માંગતી હતી. બે દિવસ માં તો વડોદરાથી કેવલ આવ્યો. બંને વચ્ચે વાતચીત થઇ એકદમ ટૂંકી!!

“બીજું તો મારે કશું કહેવું નથી મેં તને લગ્નમાં જ જોઈ લીધી છે અને એક વાતની ખાતરી આપીશ કે મારા ઘરમાં તને કોઈ તકલીફ નહિ પડે, છતાં તે કોઈ પસંદ કરી લીધો હોય તારા પપ્પાને તું કહી શકતી ના હોય તો પણ ખુલીને કહી દે જે અત્યારે, હું એમ કહીને નીકળી જઈશ કે સુરભી મને પસંદ નથી. હું આ રીયલી કહું છું કે બીજા કોઈ સાથે કોઈ પણ સંબંધ હોય તો હું આડો નહિ આવું પણ હું મદદરૂપ થઈશ” અને આવું સાંભળી ને સુરભી અવાક થઇ ગયેલી. કેવલ દેખાવમાં જ સુંદર નહોતો અંદરથી પણ સુંદર હતો!!

“મને તમે પસંદ છો, વિશ્વાસ રાખજો તમે જ એક મારા શ્વાસ હશો.” અને સુરભિની આંખો ભીની થઇ ગયેલી. અને એજ વખતે સુરભિનો જમણો હાથ પકડીને કેવલ એટલું જ બોલેલો.

“બહું જલ્દીથી હું રાહ જોઈ રહ્યો છું મારા ઘરમાં તારા પગલાં પડે એની”

અને પછી બહું જ ઝડપથી ગોઠવાઈ ગયું. સંબંધ થયો. સુરભિને હવે આગળ ભણવું નહોતું. કોલેજ છોડી દીધી. અને એ જ ઉનાળામાં બને પરણી ગયાં. પરણ્યા પછી બને હનીમુન માટે મન્નાર,કોચીન અને પેડુઆર ગયેલાં. સુરભી અમદાવાદ આવતી લગભગ બંધ થઇ ગઈ. સસરા કહેતા.

“બેટા તારે જવું હોય તો મમ્મી પાપા પાસે જઈ આવ”

“ના પાપા મને હવે ત્યાં ના ફાવે અને આમેય તમે આ બંગલાનું નામ જ ‘સુરભી’ રાખેલ છે તો મારું સાચું ઘર તો આજ કહેવાય ને અને મન થાય ત્યારે હું ફોન પર વાત કરી જ લઉં છું ને મને ત્યાં ના ગોઠે” સુરભીના મમ્મી પાપાને શાંતિ હતી.દીકરી એકદમ સેટ થઇ ગઈ હતી. માં બાપ ને આખરે જોઈએ શું! સંતાનો સુખી તો માતા પિતા આપોઆપ સુખી જ ગણાય. આમેય સુરભી અમદાવાદ ના જતી એનું બીજું કારણ એ પણ હતું કે પેલો સમીર !! આમ તો એને ભૂલી ગઈ હતી પણ તોય ક્યારેક મનમાં ને મનમાં થતું કે કેવલ સાથે હશે ને ક્યારેક એનો ભેટો થશે તો?? એ નાલાયકનું કશું જ નક્કી નહિ!! આવા લોકો છેલ્લે જાત પર જઈને જ ઉભા રહે છે!! મને સુખી જોઇને એ મારા લગ્નજીવનમાં રોડા નાંખે તો.?? શરૂઆતમાં આવો ડર રહેતો પણ આજે તો એ ડર પણ જતો રહ્યો.!!

“ સુરભી બેટા કેમ સુતી છો, ??તબિયત તો સારી છેને”?? કમળાબેનના અવાજે સુરભિને તંદ્રામાંથી જગાડી.!! ભૂતકાળમાંથી સુરભી વર્તમાનમાં પાછી આવી.!!

“ના મમ્મી એવું કશું જ નથી , ખાલી સુતી હતી” સુરભી રસોડામાં ગઈ, મો ધોયું, ફટાફટ

રસોઈ બનાવી. મમ્મી પાપાને જમાડી પોતાની કાર લઈને એ કંપનીની ઓફિસે ગઈ હતી. આ કાર સુરભિને ગયાં જન્મદિને કેવલે ભેટ આપી હતી. ઓફિસે લંચ લઈને એ કેવલને લઈને આજવા નીમેટા તરફ ગઈ. આજે એ ખુબજ ખુશ હતી.

બે મહિના પછી એ અને કેવલ અમદાવાદ જવા રવાના થયા. એક કર્મચારીના દીકરાના લગ્ન હતાં. ઘણાં સમય પછી એ અમદાવાદ જઈ રહી હતી જતી વખતે કમળાબેન બોલ્યાં.

“બે દિવસ રોકાજે કેવલ તારા સસરાને ત્યાં,!! તું રોકાઈશ તો જ સુરભી રોકાશે. એમના મમ્મી પાપાને પણ સારું લાગે અને સુરભી બેટા અમારી ચિંતા ના કરતી સાચવીને જજો બેટા,વેવાઈને યાદી આપજો અને બને તો એમને સાથે લઇ આવજો મહિનો સુધી ભલે અહી રોકાય ને આગ્રહ કરીને લેતા આવજો.”

બપોરે તેઓ અમદાવાદ પહોંચી ગયાં. સુરભિને જોઇને એનાં પાપા અને મમ્મી રાજી થઇ ગયાં.

“બેટા તારું શરીર વધી ગયું છે, એકદમ ટાચકા જેવી થઇ ગઈ છો તું,!! દીકરીને સાસરું સદી જાય એવું ભાગ્ય બહું ઓછાં માં બાપને મળતું હોય છે” સુરભીના મમ્મી રંજનબેન બોલ્યાં.

“સાચી વાત છે રંજન તારી એટલે જ દીકરીને બાપનું ઘર સાંભરતું નથી,!! કેવલ કુમાર ધંધા પાણી કેમ ચાલે છે”?? સુરભીના પાપા દીપકભાઈ બોલ્યાં. અને પછી તો પ્રાસંગિક વાતો થઇ. સાથે લાવેલ લીલો ચેવડો સુરભીએ મમ્મી અને પાપાને ખવડાવ્યો. બધાં જ ખુશ હતાં. સાંજે તેઓ લગ્નમાં ગયાં, બીજે દિવસે જાન જવાની હતી. સુરભી અને કેવલ પોતાની કાર લઈને ગયાં. બાપુનગર વિસ્તારમાં તેઓ પહોંચ્યા. સુરભી માટે તો આ વિસ્તાર થોડો અજાણ્યો હતો પણ અચાનક તેને નિશા દેખાણી અને સુરભિની આંખો ચાર થઇ.! નિશાએ જેવી સુરભિને જોઈ કે અવળું મોઢું કરી ગઈ.!! સુરભી એની તરફ ગઈ કે નિશા બીજી બાજુ જતી રહી. સુરભિને મજા આવતી હતી, એને હજુ પણ પેલી ગાંધીનગરના બગીચા વાળી કિસ યાદ આવતી હતી જે સાવ નફફટ બનીને એણે સમીરને કરી હતી.!!આજ મોકો મળ્યો છે નિશાને ખખડાવવાનો!!

થોડી વાર પછી એ મકાનની અગાશી પર એણે નિશાને જોઇને અને સુરભી ધડાધડ દાદર ચડી ગઈ. નિશા ઝડપથી જ દાદર ઉતરી રહી હતી અને વચ્ચે જ સુરભીએ પકડી પાડી.

“કેમ ભાગો છો મેડમ”?? સુરભીએ કહ્યું અવાજમાં એક જાતનો વ્યંગ હતો.

“ના એવું કશું નથી થોડુક કામ હતું એટલે,કેમ છે તને સુરભી?? સાસરે બધાને કેમ છે? નિશા બોલતી હતી પણ આંખોમાં એક લાચારી હતી.

“શરીર પરથી તને નથી લાગતું કે હું ખુશ છું? અને હા એક વાત તો તને પૂછવાની ભૂલી જ ગઈ કે પેલો બોરડીવાળો તો અવસાન પામ્યો નહિ,?? તો પછી હવે તે બીજે બોરડી ગોતી કે નહિ??,જીવનમાં એમજ એન્જોયમેન્ટ ચાલે છે કે પછી એનાથી પણ આગળ પ્રગતિ થઇ છે”?? સુરભી એક શ્વાસે બોલી ગઈ. નિશાની આંખ ભીની થઇ રહી હતી પણ કાળજું કઠણ કરીને નિશા માંડ માંડ આંસુ રોકી રહી હતી.

‘એ ભૂતકાળ થઇ ગયો સુરભી!! વાતને બે વરસ વીતી ગયાં હવે શા માટે એને તું ખોતરે છે?? ભૂતકાળને ખોતરાઈ જ નહિ એ હમેશાં દુઃખ જ આપે છે”!! નિશા આટલું જ બોલી શકી.

“ઓકે તારી ફિલોસોફી મને ગમી પણ એક વાત મને કહે તું એને પ્રેમ જ કરતી હતી તો તે મને ચેતવી કેમ નહિ,?? તારે મને તો કહેવું હતું. હું તો એને સાચા દિલથી ચાહતી હતીને!! એનો અંજામ જોયો?? મને હવે એ કહે કે એનું મોત કેમ થયું?? કુદરતી રીતે થયું કે પછી બીજી રીતે” સુરભી ઝટ દઈને એનો પીછો છોડે એમ નહોતી.

“મારે મોડું થાય છે નીચે કામ છે પ્લીઝ, તું મને હવે જવા દઈશ,?? હું તને ફરી ક્યારેક એ વિષે જણાવીશ પણ અત્યારે મારે નીચે જવું છે” નિશાએ રીતસરની આજીજી કરી. અને સુરભીએ બે હાથ પહોળા કર્યા અને બોલી. સુરભિને નિશાની આંખમાં કશુક રહસ્ય જેવું જોયું. એક પીડા જોઈ.

“ ના કહે તો તને સમીરના સોગંદ છે, તારા સમીરના સોગંદ છે, મારો તો એ હતો જ નહિ પણ તારો તો એ સમીર હતોને?? એનાં સોગંદ નહિ પાળે”?? અને નિશા એ ઝડપથી ડોકું ઊંચું કર્યું એની આંખોમાં આંસુ ધસી આવ્યા.

“સાંભળવું છે તારે એમને?? બધું, સહન કરવાની તાકાત છે તારામાં,?? ચાલ આજે તે સોગંદ આપ્યાને એટલે હવે કહીજ દઉં, આમ તો હું વચનભંગ કરું છું સમીરનો!! પણ ચાલ હવે હું કહી જ દઉં”

એમ કહીને નિશાએ સુરભિનો હાથ પકડ્યો અને એને ખેંચીને એ અગાશી પર લઇ ગઈ. થોડીવાર એ ગળું ખંખેરીને એ બોલી.

“તને કદાચ ખબર નહિ હોય હું સમીર પ્રાથમીકમાંથી સાથે ભણતાં. હાઈસ્કુલમાં આવ્યાં ત્યારે થોડી સમજણ આવેલી ત્યારે મને એનાં પ્રત્યે લાગણી થયેલી પણ એકરાર કરેલો નહિ. અગિયાર બારમાં તું અમારી સાથે ભળી. તું અને સમીર નજીક આવ્યાં પણ હું ચુપ જ રહી. કોલેજમાં તમે બને સાથે ફરતાં હું બધું જ જોતી. મને મારી સુંદરતા ઓછી લાગેલી અને તું વધારે સુંદર હતી એટલે સ્વાભાવિક છે કે સમીર તને પસંદ કરે. હું ને સમીર ફક્ત સારા મિત્રો હતાં. અમારા ઘર પણ એક જ સોસાયટીમાં હતાં એ તો તને ખબર હશે. તને સમીર ખુબ ચાહતો!! ખુબ જ ચાહતો એ મને ઘણી વાર કહેતો.

“નિશા હું ભાગ્યશાળી છું કે સુરભી જેવી છોકરી મને મળી છે. એ પણ મને ખુબજ ચાહે છે” હું હસતી અને મનોમન આનંદ પામતી ખબર નહિ પણ જેને આપણે ચાહતા હોઈએ અને એ આનંદમાં રહે એ તો ગમેજ ને, એણે મને પેલી વાત પણ કરેલી કે તું ઇન્દ્રોડા પાર્કમાં એનાં કહેવાથી કુદી ગયેલી. એ ઘટના બન્યા પછી એક રાતે સમીર મને મળવા આવ્યો મારા ઘરે.!! અમારા બંને કુટુંબો વચ્ચે એટલો ઘરોબો કે અમે બને એક બીજાના ઘરે અવઢવ રાખ્યા વગર જઈ શકીએ. સમીર પાસે કેટલાક કાગળિયાં હતાં. એણે મને બતાવ્યા અને વાત કરી તો હું ચોંકી ગઈ.” નિશા વાત કરતી હતી સુરભી સંભાળતી હતી આંખનુય મટકું માર્યા વગર, નિશા એ વાત આગળ ચલાવી.

“ એ કાગળ આજે પણ મારી પાસે છે. સિવિલ હોસ્પિટલના એ રીપોર્ટ હતાં અને સમીરને ફેફસાનું કેન્સર છેલ્લાં સ્ટેજે હતું, એ વધુમાં વધુ એક વરસ જ જીવે એમ હતો એણે મને કીધું કે સુરભી મારા મર્યા પછી પણ બીજા લગ્ન નહિ કરે અને આખી જિંદગી મારા ઘરે ગાળશે એવું એ કહેતી.!! હું નથી ઇચ્છતો કે એ પોતાનું જીવન બરબાદ કરે, કશુક તો કરવું છે કે એ મારાથી દૂર થાય. સુરભી એ નાટક અને એકટીંગ પાછળ ગાંડો હતો ને અને એણે જીવનની બેસ્ટ એકટીંગ કરી છેલ્લે છેલ્લે!! હું તો એને ચાહતી હતી મને એણે સમજાવી અને હું માની ગઈ..એ હવે લાંબુ જીવવાનો તો નહોતો જ!! એણે એક નવું કાર્ડ લીધું અને મો પર રૂમાલ રાખીને તને ફોન કરતો!! એક એકટર માટે તો આસાન જ ગણાય ને!! અને છેલ્લે જે બગીચામાં ભજવાયું એ એનાં જીવનની છેલ્લી એકટીંગ હતી!! તું એને તિરસ્કારે તો જ તું બીજા લગ્ન કરે અને એ એકટીંગ એણે આબાદ ભજવી જાણી. તને કદાચ ખબર નહિ હોય પણ તું બગીચામાંથી ગઈ પછી એ કાઈ રોયો છે ના પૂછ વાત!!” નિશાએ સુરભી સામે જોયું. સુરભિની આંખમાંથી આંસુની ધાર હતી. નિશાએ આગળ વાત ચલાવી.

“પછી એ કોલેજ આવતો બંધ થઇ ગયો. એનાં મમ્મી પાપાને એણે બધી જ વાત કરી દીધી હતી. વચનમાં લીધા કે કોઈને વાત ના કરશો. આ વાત અમારા ચાર વચ્ચે જ રહી. હું પણ થોડો સમય કોલેજ આવી તારા વિષે એ મને પૂછતો. જે દિવસે તારા લગ્ન થયા એ દિવસે એ આખો દિવસ ભદ્રકાળીના મંદિરે ખાધા પીધા વગરનો બેઠો હતો.!! હું પણ સાથેજ હતી.!!તું સુખી થાય એ માટે એ પ્રાર્થના કરતો.!!પછી તો એ ક્યાય લગભગ બહાર જ ના નીકળતો.!! હું સાંજે એનાં ઘરે બેસવા જાવ.!! જેમ તે એની સાથે બે વરસ ગાળ્યા એમ છેલ્લાં બે વરસ મેં એમની સાથે ગાળ્યાં!! પ્રેમ શું હોય એ મને પણ સમજાઈ ગયું છે!! અજબ સંબંધો અને લાગણીની દુનિયા છે નહિ !! નાટક તરીકે પણ મેં એને જે કિસ કરી એ મારા જીવનની એક માત્ર કિસ હતી.!! બસ આ સિવાય અમારા બને વચ્ચે કશું જ નહોતું,!!

હું તો એને ચાહતી હતી!! મને આજે પણ ખબર છે કે એણે મને એક દોસ્ત ગણી હતી.!! અને હું એને એક પ્રેમી તરીકે જોતી હતી. મેં પણ મારા ઘરે કહી દીધું કે મારે લગ્ન નથી કરવા. માતાપિતાને સમજાવી દીધાં મેં પણ!! સોસાયટીમાં સાચી ખોટી વાતો પણ થઇ પણ હું પછી લગભગ સમીરના ઘરે જ રહેતી. બસ તેને સંગાથ આપતી.. એક વખત એની તબિયત ખુબ બગડીને એણે રટણ કર્યું કે મારે ચાણોદ કરનાળી જવું છે!! હું તેનાં મમ્મી પાપા અને સમીર ચાણોદ કરનાળી ગયાં. એનો જન્મ ચાણોદમાં થયો હતો!! એવું એની માતા એ કહેલ ત્યાં અમે લગભગ મહિનો રોકાયા રોજ સાંજે હું અને સમીર નર્મદાના કિનારે બેસતા, એણે મને પૂછેલું કે તારે હવે પરણી જવું જોઈએ હું કહું છું એટલે!!

મેં એને પૂછેલું કે તું મને કઈ રીતે કહી શકે ક્યાં અધિકારથી?? અને એ ચુપ થઇ ગયો હતો. પણ તોય એ સતત તારી ચિંતા કરતો કે સુરભિને ભગવાન બધું જ સુખ આપે!! અને આજથી બે માસ પહેલાં જ એણે ચાણોદ અને કરનાળીમાં જ દેહ છોડી દીધો. ત્યાં જ તેનાં અંતિમ સંસ્કાર કરેલાં. અમે ત્રણ જ હતાં અંતિમ સંસ્કાર માટે!! અને હા એક વાત અમે જયારે ચાણોદ આવતાં હતાં ત્યારે એણે એક પત્ર લખેલો તારા માટે એમ એનાં પાપાને કીધેલું કે મને ઊંડે ઊંડે મનમાં એમ થાય છે કે સુરભી એક વખત તો અહી આવશેજ..!! જો એ આવે તો એને આ પત્ર આપજો એમ કીધેલું. એ પત્ર સમીરના ઘરે છે”

નિશા એ વાત પૂરી કરી સુરભી સાંભળતી રહી!! વાતાવરણમાં ઘેરી સ્તબ્ધતા વ્યાપી ગઈ કોઈ કશું બોલ્યું નહિ. નીચે જમણવાર શરુ થઇ ચુક્યો હતો. બને નીચે ઉતરી. સુરભીએ મો ધોયું. કેવલ શોધતો હતો એને

“ આ નિશા છે મારી દોસ્ત અમે લોકો અગાશીમાં વાતો કરતાં હતા” સુરભીએ કહ્યું. કેવલે હાથ જોડીને નમસ્તે કર્યા.ઈચ્છા તો નહોતી પણ તોય નિશાના આગ્રહથી સુરભીએ દાળ ભાત ખાધા!! જમીને તરત સુરભીએ કહ્યું.

“કેવલ હું અને નિશા એનાં ઘરે જઈએ છીએ કલાકમાં આવી જઈશું .ગાડી હું લઇ જાવ છું”કેવલે એને ચાવી આપી. સુરભી સીધી નિશા પાસે ગઈને કીધું કે મને સમીરને ઘરે લઇ જા. બને ગાડીમાં ગોઠવાઈ અને સમીરના ઘર તરફ રવાના થયા.

“નિશા તું આજીવન લગ્ન નહિ કરે? “સુરભીએ પૂછ્યું.

“ના અત્યારે એક ખાનગી શાળામાં જાવ છું પેટ પુરતું કમાઈ લઉં છું ક્યારેક મારા ઘરે રહું ક્યારેક સમીરના ઘરે સમીરના પાપા પણ નિવૃત થઇ ગયાં છે એમને સારું લાગે છે હું ત્યાં હોવ તો, સુરભી યાદો ભૂતાવળ જેવી હોય છે એ જીવનભર જતી નથી. સમીર સાથે ગાળેલા છેલ્લાં બે વરસમાં અમે તનથી તો નજીક નથી આવ્યાં પણ મનથી એકદમ નજીક આવી ગયાં છીએ. એની યાદો એ જ મારો નિજાનંદ છે. કોઈ અફસોસ નથી.!! સારા સારા માગાં આવેલ છે અને હજી આવે છે પણ નહિ મારે જિંદગી આમ જ ગાળવાની છે!! બચપણથી સમીરનું નામ કોતરાઈ ગયેલ છે એ જીવનભર નહિ જાય.!! ઘણાં માણસો આવે જીવનમાં પણ હાર્ટમાં તો એક જ માણસ રોકાઈ એટલી જ જગ્યા હોય છે.”!! સમીરનું ઘર આવી ગયું. બને નીચે ઉતર્યા. સમીરના પીતાં હિંચકે બેઠા હતાં. નિશા એ પરિચય આપ્યો.

“પાપા આ સુરભી છે” અને ધીરજ લાલ અચાનક ઉભા થયા

“આવ બેટા આવ, અલી મંજુ જોતો કોણ આવ્યું છે.?? અંદરના ઓરડામાં થી સમીરના માતાજી બહાર આવ્યાં,

“સુરભી છે!! સમીરના રૂમ માં લઇ જા” ધીરજલાલ ગળગળા થઇ ગયાં.

“બેટા અમારે તો આભ તૂટી પડ્યું ,!! સુખનું વાદળ વરસ્યા વગર જ ચાલી ગયું,!!બેટા ખુબ સુંદર છો,!! સમીર તારા ખુબ જ વખાણ કરતો હતો. તું સુખી તો છોને મારા દીકરા”!! મંજુબેન સુરભિને બાથમાં લઈને રોઈ પડ્યા. બધાં સમીરના રૂમમાં આવ્યાં. દીવાલ પર એક ફોટો લટકતો હતો. સુરભી એકીટશે જોઈ રહી. સુરભિને લાગ્યું કે સમીરની આંખોમાંથી હેત વરસી રહ્યું હતું. દીવાલ પાસે એક ટેબલના ખાનામાંથી ધીરજલાલે એક પરબીડિયું કાઢીને સુરભિને આપ્યું. સુરભીએ પરબીડિયું તોડ્યું!! અંદર એક ટૂંકો પત્ર હતો.

“વહાલી સુરભી,

પત્ર મળશે ત્યારે હું હયાત નહિ હોવ, માફ કરી જ દઈશ એવો વિશ્વાસ છે. જીવનરૂપી નાટકમાંથી અણધારી વિદાય લેવી પડે છે. હશે.!! કુદરતે આ જ ધાર્યું હોય તો આપણે શું કરી શકવાના.?? તારા માટે પ્રાર્થનાઓ કરી છે અને સાંભળ્યું છે કે સ્વાર્થ વગરની પ્રાર્થનાઓ સફળ જ હોય છે. જીવનમાં તું સુખી થજે. મારી નાયિકા મારા ગયાં પછી પણ સુખી જ થાય એવી લાગણી સાથે મારે જીવનની એ છેલ્લી એક્ટિંગ કરવી પડેલી છે. નિશાને કહેવાનો કોઈ હક નથી મારે, તેમ છતાં કહીશ કે એ પણ પરણી જાય. મારા જીવનમાં આવેલી એ શ્રેષ્ઠ દોસ્ત છે! જો નિશાનો સાથ ના હોત તો મારી એક્ટિંગ શક્ય નહોતી.

બસ તારો સમીર

સુરભીએ પત્ર વાંચીને નિશાને આપ્યો. નિશા પણ વાંચીને રોઈ પડી. થોડી વાતો થઇ. જતી વખતે મંજુબેને સુરભિને ૧૦૦ રૂપિયા આપ્યા અને કીધું કે તું પહેલીવાર આ ઘરમાં આવી છો અને ફરીથી ભેટ્યા અને સદા સુહાગણ રહે દીકરા એવા આશીર્વાદ આપ્યા. નિશા અને સુરભી લગ્નસ્થળે પાછા આવ્યાં. કેવલ એની રાહ જોતો હતો. સુરભિને ભેટીને નિશા રડી. કેવલ અને સુરભી એમના ઘર તરફ જઈ રહ્યા હતાં. સુરભી આંખો મીંચીને બેઠી હતી.

કેવલે કારમાં એફ એમ શરુ કર્યું, ગીત વાગી રહ્યું હતું!!

“તું ઇસ તરહ મેરી જીન્દગીમે સામીલ હો

જહા ભી જાઉં તો લગતા હૈ તેરી મહફિલ હૈ “

સુરભીએ આંખો ખોલી આકાશમાં બે વાદળા દેખાયા અને સુરભિને લાગ્યું કે વાદળની અંદરથી સમીરની બે આંખો તેમનાં પર હેત વરસાવતી હતી.!! ઘણીવાર આપણા જીવનમાં જે કોઈ સુખ આવે છે એ બીજાઓની સતત પ્રાર્થનાને કારણે પણ આવતું હોય છે!!

“યાદો એ ભૂતાવળ જેવી હોય છે એ જલ્દીથી પીછો નથી છોડતી”

લેખક – મુકેશ સોજીત્રા, ૪૨, શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ, ઢસાગામ

મિત્રો !! આપ સૌ ને આ સ્ટોરી પસંદ પડી હોય તો કોમેન્ટ માં લખજો “વાહ મુકેશભાઈ વાહ” !!

ટીપ્પણી