તકલીફોને સ્વીકારીને…લડવું, ટકવું અને ઊભા રહેવું! વાંચો એવો લેખ જે તમને જીવન માં ક્યારેય હારવા દેશે નહિ

જયારે માણસની શ્રદ્ધા ડગમગી જાય કે પરિસ્થતિ કે સંજોગોથી હારી જાય ત્યારે જીવનમાં આવતા પ્રશ્નોને, ઘટનાઓને વિશાળ પરીપ્રેક્ષ્યમાં જોવાનું શરુ કરવું જોઈએ. પોતાના દુઃખને જ જોવાને બદલે સમગ્ર સૃષ્ટીનાં દુઃખને પોતાની સામે રાખવું જોઈએ. જેથી આવતા વિકટથી અતિવિકટ અવરોધો કદાચ સામાન્ય લાગે અને ડગી ગયેલી શ્રદ્ધા ટકાવવાનું બળ મળે. આ બ્રહ્માંડની વિશાળતા, વિરાટતા અને એમાંય આપણું એક બિંદુથી યે નાનકડુ સ્થાન, આ બે નો વિચાર કરીએ તો પણ આપણા કેટલાક સંશયો ટળી શકે. બાકી, દુનિયામાં શુભ-અશુભ, ઈષ્ટ-અનિષ્ટ, સદ્-અસદ્… આ દ્વન્દ્ધ તો રહેવાના જ. એનાથી છૂટકો નથી.

~ ‘અસૂર્યલોક’નાં પાનાં નં. ૩૬૨ અને ૩૬૫ પરનાં છૂટાછવાયા વાક્યો, ફેરફાર સાથે.

આજે ત્રણેક અલગ અલગ વાતો કરવી છે. શરૂઆત એક વાર્તાથી કરીએ.

કેટલાક વર્ષ પહેલાં અમેરિકાના સીએટલ શહેરમાં એક વિશેષ પ્રકારની ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન થયું હતું. એક દિવસ નવ સ્પર્ધકો દોડની સ્પર્ધા માટે ખડા થઇ ગયા. તે નવે નવ જણ જન્મથી જ  શારીરિક કે માનસિક મંદત્વના શિકાર બનેલાં હતાં. તેમ છતાં તે નવ ભાઈ-બહેન એકસો મીટરની દોડ માટે એક કતારમાં ઊભા રહી ગયાં  હતાં. પિસ્તોલનો અવાજ સાંભળીને બધાંએ દોડવાનું શરુ કર્યું. દોડવાનું તો શું- લથડતા પગે બીજા છેડે પહોંચવા માટે બધાં નીકળી પડ્યાં. તે સ્પર્ધામાં કોણ પહેલું આવશે તે જોવાનું હતું.

બધાં ધીરે ધીરે આગળ વધતાં હતાં. પણ તેઓમાં એક સાવ નાનો છોકરો હતો. તે થોડેક સુધી તો ખૂબ મહેનત કરીને બધાંની સાથે ચાલ્યો, પણ પછી લથડીને વચ્ચે જ પડી ગયો. નાનો હતો, રોવા લાગ્યો.

બીજાં આઠેક જેઓ થોડાંક આગળ નીકળી ચૂક્યાં હતાં, તેમણે આનો રોવાનો અવાજ સાંભળ્યો. એટલે પોતાની ગતિ ધીમી કરી નાખી અને પાછળ ફરીને જોયું. પછી એ બધાં પાછા ફરી ગયા અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડ્યાં. તે આઠમાં એક છોકરી હતી, જે પોતે પણ બૌદ્ધિક મંદત્વની શિકાર હતી. પેલા છોકરા પાસે આવીને તેણે નીચે નમીને તેનો હાથ પકડ્યો, તેને બેઠો કરી દીધો. અને પ્રેમથી તેને ચૂમી લેતાં એ બોલી, “ચાલ, હવે તને કશો વાંધો નહીં આવે.”

ત્યાર બાદ ફરી એ બધાં નવ સ્પર્ધકો એકબીજાના હાથ પકડીને દોડના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યાં અને બધાંએ મળીને એક સાથે દોરડું પાર કર્યું.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

તે વખતે ત્યાં હાજર રહેલાં દર્શકોએ આ આખું દ્રશ્ય જોયું હશે. અને વિચારતાં હશે કે આ નાનકડી જિંદગીમાં આપણે કેવળ પોતાની જ જીત માટે કોશિશ કરતાં રહીએ છીએ. પણ એ પૂરતું નથી. આપણે સહુ આ જિંદગીમાં બીજાને જીતાડવામાં પણ મદદરૂપ બનીએ એ જરૂરી છે. પછી ભલે ને એમ કરવા માટે આપણી પોતાની ગતિ થોડીક ધીમી કરવી પડે, પાછા ફરવું પડે કે પોતાની રાહ થોડી બદલવી પડે.

એકબીજાનો હાથ પકડીને, થોડો ‘એડજેસ્ટ’ થઈને -સાથે ચાલીને રસ્તો પાર કરવાનું -અંતિમ છેડે પહોંચીને દોરડું પાર કરવાનું માણસ લગભગ ભૂલતો જાય છે. અને ત્યાં બેઠલ દર્શકો માનસિક કે શારીરિક રીતે સક્ષમ હતાં જ બધું સમજવા માટે. મંદબુદ્ધિનો શિકાર બનેલી એ છોકરી પ્રેમથી નાનાં છોકરાને હોંસલો આપી, બેઠો કરી શકતી હોય-આટલું સમજતી હોય તો આપણે તો ‘સાજા-સારા’ માનવી છીએ અને પાછા કેટકેટલું સમજીએ છીએ!

ઉપરોક્ત વાર્તા લખી છે ડેનિયલ માઝગાંવકરે, જે મને સાહિત્યજ્ઞાનનાં ભંડારસમા પુસ્તક ‘અરધી સદીની વાચનયાત્રા’માંથી જડી આવી. શારીરિક કે માનસિક તકલીફ હોવી અને તે સ્વીકારીને જીવવું બંને કદાચ અલગ બાબતો છે. અને ત્રીજી વાત એ કે તકલીફોથી ઘેરાયેલા, માંદગી વેઠતા એ વ્યક્તિઓને આપણે કઈ રીતે સ્વીકારીએ છીએ. મગજથી કે શરીરથી લાચાર વ્યક્તિ બહારી દુનિયા જોવામાં, બધું સમજવામાં થાપ ખાઈ શકે છે, ખાય છે પણ આપણે બધું જાણતાં હોવાં છતાં, એવાઓને નથી સાંભળી કે નથી સમજી શકતાં.

તમે મગજ કે શરીરથી થાકેલા વ્યક્તિની નજીક રહો, એની તકલીફનાં મૂળને જાણો-સમજો તો કદાચ તમારી એને અને દુનિયાને જોવાની દ્રષ્ટીમાં બદલાવ આવી શકે. ‘ચલ્લો દિલ્લી’ મુવીના નાયકનો એક તકિયાકલામ હોય છે: ‘કૌન સી બડી બાત હો ગઈ?’ એ દરેક વાતને બહુ જ સરળ, શાંતિ, અને સાહજીકતાથી લેતો હોય છે. એ નફકરાઈથી, સાવ હળવાશથી પોતાની મસ્તીમાં જિંદગી જીવે છે. એની સાથે સફરમાં જેનો ભેટો થાય છે એ સ્ત્રીપાત્ર એને બેફિકરો, અણસમજુ જેવો માને છે. પણ મુવીના અંતમાં એનું દરેક સંજોગોને-બધું જ ‘ઈઝીલી’ લેવાની વૃતિનું રહસ્ય ખુલે છે. એની પત્ની છેલ્લા ૨ વર્ષથી કોમામાં હોય છે. એ એની સેવા-ચાકરી કરીને, માંદગીમાં સાથે રહીને પોતાની અને બહારની સમગ્ર દુનિયાને સહેલાઈથીથી લઇ શકતો થઇ ગયો હોય છે. એને જીવનને સહેલાઈથી લેવાની, અચાનક આવી પડતી આપત્તિ કે આફતને હસતે હસતે સ્વીકારવાની ટેવ પડી ગઈ હોય છે. કારમો આઘાત, અત્યંત દુઃખ કે નિકટનાં સ્વજનની ખરાબ હાલત જોઈને માણસમાં આપોઅપ એક પ્રકારની સમજણ આવી જતી હોય છે. દરેક સારા-ખરાબ સંજોગોને શાંતિથી અને સાધારણ રીતે જોવાની આંતરિક શક્તિ આવી જાય છે. બદલાવ આવવાનો જ હોય તો માણસમાં આ રીતે પણ આવતો હોય છે!

‘ચલો દિલ્લી’માં જયારે નાયકને પૂછવામાં આવે છે કે, ‘તમે પહેલાં આ(પત્નીની બીમારી) વિશે કહ્યું કેમ નહી?’ ત્યારે એ એટલી જ હળવાશ પણ થોડી ગમગીનીથી કહે છે કે, કોઈ ને કહેવાથી શું ફાયદો? હું જેટલા લોકો ને વાત કરીશ એટલા લોકો અફસોસ કરશે, એ લોકો ને જોઈને મને અફસોસ થશે. અને મને આખું જીવન અફસોસ કરીને પસાર નથી કરવું.’

સાચી વાત તો એ છે કે જે સંજોગો કે પરિસ્થિતિ આપણા હાથમાં નથી એ વિશે વિચારીને અફસોસ કરવો, અફસોસ કરીને જીવવું એ મૂર્ખામી છે. જે છે એને બદલો અને જો એમ ન થઇ શકે તો સ્વીકારી લો. પણ મનથી ન હારો, શ્રદ્ધાને ન છોડો.

~ પાર્થ દવે

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

 

ટીપ્પણી