આશાપુરા માતાએ માત્ર ૫ (પાંચ) જ સેકન્ડની અંદર ‘પતરી વિધિ’ નો અંત કર્યો – શું તમે આ વિષય માં જાણો છો ?

- Advertisement -

આજકાલ તમે બધાએ સમાચારપત્રોમાં વાંચ્યું હશે કે આશાપુરા માતાએ માત્ર ૫ (પાંચ) જ સેકન્ડની અંદર ‘પતરી વિધિ’ નો અંત કર્યો પરંતુ તમને પતરી વિધિ બાબતે જાણકારી ખરી ??

જો ન હોય તો ચિંતા ન કરશો. આજે તમે જાણવા જઇ રહ્યા છો ચમત્કાર રૂપે થતી ‘પતરી વિધિ’.

પતરી વિધિ એ કચ્છના રાજ પરિવાર દ્વારા કરાતી વિધિ છે. વર્ષ ૨૦૦૯માં મહારાવ પ્રાગમલજી બહાર હોવાથી તેમણે તેમના મામાઇ ભાઈને આ વિધિ કરવા માટે કહ્યું હતું, પરંતુ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ આમ કરવાની સખત મનાઈ કરી અને કહ્યું કે આ વિધિ માત્ર રાજવી પરિવારના વંશજો જ કરી શકે તેથી હજારો વર્ષોથી થતી વિધિ વર્ષ ૨૦૦૯માં ન થઈ શકી, પરંતુ ત્યાર બાદ દર વર્ષે નિયમિત કરવામાં આવે છે.

આ વિધિ માત્ર અને માત્ર કચ્છમાં જ કરવામાં આવે છે. એક માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન તથા બીજી ભુજના આશાપુરા મંદિરમાં કરવામાં આવે છે.

આ વિધિ નવરાત્રિ દરમિયાન સાતમના હવન ની સમાપ્તિ બાદ સાતમા નોરતાં ની રાત એટલે કે આઠમા નોરતાંની વહેલી સવારે કરવામાં આવે છે. આ વિધિને એક પરીક્ષા સમાન ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી આ પતરી રાજવી પરિવાર દ્વારા ઝીલવામાં ન આવે ત્યાં સુધી નોરતાં સમાપ્ત થતા નથી.

આ પતરી વિધિ 3 તબક્કામાં થાય છે, જેનો પ્રથમ તબક્કો છે ‘ચામર યાત્રા’.. ચામર યાત્રા પાંચમા નોરતાંના રોજ કરવામાં આવે છે. આ યાત્રાની શરૂઆત ચાચરા કુંડથી કરવામાં આવે છે. ચાચરા કુંડમાં સ્નાન કર્યા બાદ ખુલ્લા પગે રાજપરિવારની ગાદી સંભાળનાર વ્યક્તિ ચામર લઇ પગપાળા માતાના મઢે પહોંચે છે અને પ્રથમ તબક્કો પૂર્ણ કરે છે….

હવે વાત કરીએ ચામરની ! ‘ચામર’ એટલે શું એવો પ્રશ્ન કદાચ તમને ઉદ્દભવ્યો હશે! ચામર એ મયૂરપંખ (મોરના પીંછા) વડે બનાવેલી રચના છે. આ ચામરને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પહેલાના સમયમાં નવરાત્રિના પાંચમા દિવસથી ભુજના દરબારગઢથી આ ચામરને ધીમી ગતિએ માતાના મઢ પહોંચાડવામાં આવતી અને આજે પણ ભુજના દરબારગઢથી જ ચામર યાત્રાનો પ્રારંભ થાય છે.

હવે બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કામાં ચામર વડે આશાપુરા માં ને હવા નાખવામાં આવે છે. આ વિધિ તેમને હંમેશાં માતાજીના સેવક તરીકેનો ભાવ જાળવી રાખવા માટે કરવામાં આવે છે. અહીં રાજા પણ સામાન્ય વ્યક્તિની જેમ માતાજી ની સેવા કરે છે. આવી રીતે બીજો તબક્કો પૂરો થાય છે.

અને હવે ત્રીજો એટલે કે છેલ્લો તબક્કો.

જેમાં જવારા (એક ખાસ પ્રકારનું ઘાસ) દ્વારા એક ‘પતરી’ બનાવવામાં આવે છે અને તેને માતાજીના જમણા ભાગ પર લગાવવામાં આવે છે અને ડાકના નાદ સાથે માતાજીના જયજયકારભેર આ વિધિની શરૂઆત થાય છે. આ પતરી માતાજીના શરીર પર લગાવ્યા બાદ રાજા ગર્ભગૃહની અંદર માતાજીના ચરણો માં ઉભા રહી ઉપેણી વડે ખોળો પાથરે છે અને તપશ્ચર્યા સ્વરૂપ એક જ જગ્યાએ બેસી રહે છે. જ્યારે માતાજી પ્રસન્ન થાય એટલે તે પતરી છૂટી પડે અને રાજાની ગોદમાં પડે છે અને આવી રીતે નવરાત્રિ સમાપ્ત થાય છે.

લોકોના કહ્યા પ્રમાણે જો નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા-અર્ચનામાં કોઈ ભૂલચૂક થઇ હોય તો એ પતરીને પડતાં વાર લાગે છે. આ એક ચમત્કાર જ કહેવાય કે માતાજી પ્રસન્ન થાય ત્યારે જ તે પતરી વિધિ સંપન્ન કરે.

આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે અને ભક્તોની માતાજી પ્રત્યેની શ્રદ્ધા જળવાઈ રહી છે. આ વિધિ જોવા હજારો લોકો નવરાત્રિના સાતમા દિવસે ત્યાં હાજર રહે છે અને આ ચમત્કાર અને માતાજીની દિવ્ય શક્તિ નો સાક્ષાત અનુભવ કરે છે.

આ વર્ષે પણ આ વિધિ કરવામાં આવી હતી અને આ વર્ષે રાજા પ્રાગમલજી ત્રીજાના આદેશ બાદ આ વિધિ તેરા જાગીરના મયૂરધ્વજસિંહ જાડેજાએ માતાજીનું શાસ્ત્રોક્ત પૂજન કરીને પતરી ઝીલવા ખોળો પાથર્યો હતો. ડાક અને ઘંટારવ વચ્ચે માત્ર પાંચ જ સેકન્ડમાં માતાજીએ પતરી આપતાં આનંદથી ઝૂમી ઉઠેલા બહોળી સંખ્યામાં ઉપસ્થિત માઇભક્તોએ જયજયકાર બોલાવ્યો હતો.

જો તમે આવો અનુભવ ન કર્યો હોય તો એક વખત જરૂરથી કરજો. તમારો આવી શક્તિ પરનો ભરોસો બમણો થઈ જશે.

લેખક – ઉદય ભાનુશાલી

ટીપ્પણી