નર્મદાશંકર દવે – “કવિ નર્મદ” ના જન્મદિવસ નિમિતે આટલું જાણો !!

આજનો દિવસ :- નર્મદાશંકર દવે – “નર્મદ”

‘સહુ ચલો, જીવતા જંગ, બ્‍યૂગલો વાગે,
યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’

એટલે કે આજે તેની ૧૮૪ મી જન્મ જયંતી છે,
ચાલો તેમને યાદ કરીએ.

? નામ
નર્મદાશંકર દવે

? જન્મ
૨૪ ઓગષ્ટ – ૧૮૩૩ , સુરત

? અવસાન
૨૫ ફેબ્રુઆરી – ૧૮૮૬, સુરત

? કુટુમ્બ

? માતા
નવદુર્ગા

? પિતા
લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )

? પત્ની
પ્રથમ – ગૌરી
( ૧૮૪૪, ૧૧ વર્ષની વયે !, ૧૮૫૩ માં અવસાન પામ્યા ) ;
બીજું લગ્ન ડાહીગૌરી સાથે (૧૮૫૬) ;
ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (૧૮૬૯)

? અભ્યાસ
સુરત અને મુંબાઇ
૧૮૫૦ એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ,
મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.

? વ્યવસાય

૧૮૫૮ સુધી શિક્ષણ
૧૮૬૪ ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.

? સંક્ષિપ્ત

કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક એવા કવિ નર્મદ એટલે કે નર્મદાશંકર લાભશંકર દવેનો જન્મ સુરત થાતે થયો હતો. ૨૩ વર્ષની ઉમરથી તેમણ કાવ્ય લેખનનો પ્રારંભ કર્યો હતો. તેમને સમાજ સુધારાનુ ઝનુન હતુ તેથી તેમણે ૧૮૬૪માં દાંડીયો નામથી પખવાડીક શરૂ કર્યું. અર્વાચીનયુગનો પ્રારંભ તેમનાથી થયો કહેવાય છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે. તેમણે રચેલુ જય જય ગરવી જુજરાત કાવ્ય સમગ્ર ગુજરાતને હજી પણ જાણે ગર્વ કરાવે છે.

નર્મદનો કાવ્યસંગ્રહ. ઈશ્વર સંબંધી, નીતિ સંબંધી, દેશાભિમાન સંબંધી, સ્ત્રીશિક્ષણ સંબંધી, ઘરસંસાર સંબંધી, પ્રીતિ સંબંધી, ગ્રામ તથા સૃષ્ટિ સૌન્દર્ય સંબંધી વગેરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણે નવાં ક્ષેત્રો ઊઘડ્યાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાંગ ચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં ‘જોસ્સો’ અને વધુ પડતો ‘કૃત્રિમ જોસ્સો’ ભળેલો છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે ઓડ અને બેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તનો પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યક્તિની પરિષ્કૃતતા ઘણી ઓછી હોવાથી તથા સર્ગશક્તિ ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી.

? જીવનઝરમર
૧૮૩૮ – પાંચ વર્ષની વયે ભુલેશ્વરની ગામઠી શાળામાં શિક્ષણની શરુઆત
૧૮૪૩-૪૪- સુરતમાં દુર્ગારામ મહેતાજી ની શાળામાં અભ્યાસ
૧૮૪૫ – મુંબાઇમાં અભ્યાસ
૧૮૫૦- કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘ ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
૧૮૫૬ – અભ્યાસ અધૂરો મૂકીને શિક્ષણ વ્યવસાય

? પ્રથમ કાવ્ય -આત્મબોધ
તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.

૧૮૫૮ – ૨૩મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
૧૮૬૦ – વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદ વિવાદ , જ્ઞાતિ તરફથી બહિષ્કાર.
૧૮૬૫ – આર્થિક કટોકટી , મુંબાઇ છોડી સુરતમાં નિવાસ.
૧૮૬૦ – ૬૬ ઉચ્છેદક સુધારાનો નાયક , યુગપુરુષ તરીકેના નર્મદના જીવનનો સુવર્ણ કાળ, ઘણી પશ્ચિમી રીતરસમ અપનાવી.
૧૮૬૪ – ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું
૧૮૬૫ – ૭૫ માનસ પરિવર્તન અને સુધારાવાદી વલણ ત્યજી સંરક્ષક સુધારાનો પ્રણેતા
૧૮૭૫ – ૮૫ આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક
૧૮૭૬ – મુંબાઇમાં આર્થિક સંકટ નીવારવા નાટકો લખવાનો નિષ્ફળ પ્રયાસ
૧૮૮૬ – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત સંધિવા થી મૃત્યુ.

સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી લ ઇ દયારામ સુધીના ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.

ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર

? નવી શૈલીના કવિ સમાજ સુધારક

? કૃતિઓ

? નિબંધ
નર્મગદ્ય

? કવિતા
નર્મકવિતા- આઠ ભાગ

? કોશ
નર્મકથાકોશ

? વ્યાકરણ
અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ

? આત્મકથા
મારી હકીકત

? મારી હકીકત (૧૯૩૩)
કવિ નર્મદની આત્મકથા ‘ મારી હકીકત ‘ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે. નર્મદે આ આત્મકથા ઈ.સ. ૧૮૬૬માં લખી હતી. નર્મદે ૧૮૩૩ થી ૧૮૬૬ સુધીનું પોતાના ૩૩ વર્ષના જીવનની કથા વ્યથા કહેતી જીવની લખી નાખી હતી. આત્મકથા શબ્દ પહેલા પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને ‘ સ્વજીવન’ પ્રકારનો ગ્રંથ ગણવામાં આવતો હતો. પરતું નર્મદ પોતાની આ કૃતિને આત્મકથા કરતાં ‘ ખરડો’ કહેવાનું પસંદ કરે છે. ‘મારી હકીકત’ મૂળ તો બે કોલમમાં વહેચાયેલ છે. આત્મકથામાં દસ વિરામ એટલે કે દસ પ્રકરણો છે.

? નર્મકોશ (૧૮૭૩)
કવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે. અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. ભગવત ગો મંડળનો મુળ પ્રેરણા સ્રોત.

? અમર કાવ્યો

? અવસાનસંદેશ – નર્મદાશંકર

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદાશંકર

? વર્ષા – નર્મદાશંકર

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?

આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.

– નર્મદાશંકર

? યાહોમ કરીને પડો – નર્મદાશંકર

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..

– નર્મદાશંકર

? આ તે શા તુજ હાલ, સુરત…. – નર્મદાશંકર

આ તે શા તુજ હાલ, ‘સુરત સોનાની મૂરત’,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.

– નર્મદાશંકર

? જય જય ગરવી ગુજરાત – નર્મદાશંકર

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

– નર્મદાશંકર

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન :— Vasim Landa ☺The-Dust Of-Heaven ✍

ટીપ્પણી