પ્રમુખસ્વામીની દિવ્યશક્તિથી થયા હતા પ્રભાવિત, ડો. અબ્દુલ કલામે બાપા વિશે કહેલી વાતો…

વિદ્વાન, વિજ્ઞાનવિદ અને ઉચ્ચ કોટીના મનુષ્ય, ભારતના 11માં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે 27 જુલાઈ, 2015નાં રોજ શિલોંગ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પહેલી પુણ્યતિથિના દિવસે તેમને કરોડો લોકો દ્વારા પ્રેમભરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. ડો. કલામ બાળકો તથા યુવાનોમાં ખૂબ લોકપ્રિય હતા. કલામને પ્રમુખસ્વામી પ્રત્યે ઊંડો આદરભાવ હતો. હાલ સાળંગપુર મંદિર ખાતે પ્રમુખસ્વામીની તબિયત પણ સુધારા પર છે. ત્યારે ડો.કલામે પ્રમુખસ્વામી વિષે કહેલી કેટલીક વાત અહીં રજૂ કરુ છું.

ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પણ પ્રમુખસ્વામી મહારાજને અનેક વાર મુલાકાત લીધી છે. તેઓ પ્રમુખસ્વામીની દિવ્ય શક્તિની અનેક વાર ચર્ચા પણ કરી ચુક્યા છે. દિલ્હી ખાતેના અક્ષરધામ મંદિરના ઉદ્દઘાટન પ્રસંગે અબ્દુલ કલામ હાજરી આપી ત્યારે પ્રમુખસ્વામી દ્વારા નિર્માણ થયેલ મંદિર જોઈને તેઓ પણ મંત્રમુગ્ધ થયા હતા અને બાપા સાથે આધ્યાત્મિક મુદ્દે ચર્ચા કરી હતી. બાપાના જન્મ દિવસના પ્રસંગે જાણીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિએ પ્રમુખસ્વામી મહારાજ વિશે કરેલી વાતો….

પ્રમુખસ્વામી મહારાજ પ્રત્ય મને ઊંડો આદર છે. હું તેમને અનેક વખત મળ્યો છું. અને તેમની સાથે વિવિધ પ્રકારની ગહન ચર્ચા કરી છે. મને સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત લાગી છે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું સર્જન. અક્ષરધામ એક અજોડ રચના છે. તે સર્જન છે કલાનું, સર્જન છે શ્રદ્ધાનું, એ સર્જન છે સભ્યતાનું. એ સંસ્કૃતિની એક સભ્યતા, માનવજીવનની એક સભ્યતા, આપણે બધા જ એ દિવ્ય સર્જન માટે ગૌરવ અનુભવીએ છીએ.તેના સર્જનહાર ખરેખર તો પ્રમુખસ્વામી જ છે. મે જ્યારે તેમને આ વાત કહી ત્યારે તેમણે કહ્યું, ‘ના હું નહીં’, એમ કહેતા તેઓ પોતાનો હાથ ઉતર તરફ લઈ ગયા અને કહ્યું, ‘સર્જનહાર સ્વામિનારાયણ ભગવાન છે’.

અનેક વખત તેમની સાથેની વાતચીત દરમ્યાન મેં તેમની આ અપાર નમ્રતાનો અનુભવ કર્યો છે. સાથે સાથે તેમના હ્યદરમાં લોકોનાં હિતની ચિંતા હતી, લોકોનાં દુ:ખોની ચિંતા પણ અનુભવી છે. પાંચ જ વર્ષમાં આટલી ભવ્ય સ્થાપત્યકલા પ્રમુખસ્વામીજી સિવાય કોઈ કરી જ ન શકે. રાષ્ટ્રને આ સૌથી મહાન ભેટ પ્રમુખસ્વામીજીએ આપી છે. એટલું જ નહીં, આ કાર્ય સમગ્ર રાષ્ટ્રને આત્મવિશ્વાસ પ્રેરશે અને પ્રેમણા આપશે કે કોઈ પણ મહાન કાર્ય જો ધારીએ તો થઈ શકે છે.

પ્રમુખસ્વામી જેવા યુગદ્રષ્ટા પ્રેરણાપુરુષનું નેતૃત્વ મળે તો ભારતની વિકાસકૂચ પ્રવેગી કેમ ન બને, મને જ્યારે 17 વર્ષથી નીચેનો કોઈ પણ યુવાન મળે ત્યારે હું બધાને એક જ વાત કરૂ છું. કે આ દુનિયામાં સૌથી વધુમાં વધુ કોઈ પણ શક્તિ હોય તો તે છે ‘પ્રજ્વલિત મન’. જો મન જાગ્રત થાય તો માણસ ગમે તે કામ કરી શકે છે. અક્ષરધામ અને સ્વામીજીનું કાર્ય જોઉ છુ ત્યારે મને થાય છે કે તેઓ આધ્યાત્મિકતાનો સંપૂર્ણ પુંજ છે. તેમનામાં આધ્યાત્મિકતા અવતરેલી છે. તેમની પાસે એટલી દિવ્ય શક્તિ છે કે આ કામ જોઈને મને એમ લાગે છે કે આ દુનિયામાં બધું જ શક્ય છે.

13 જૂન, 2001નાં રોજ દિલ્હીમાં હું પ્રમુખસ્વામીજીને મળ્યો હતો. એ પ્રમુખસ્વામીજી સાથેની મારી એક અદ્દભુત મુલાકાત હતી. અને 90 મિનિટ કરતાંય વધુ સમય માટે બેઠા હતા. તે એ સમય હતો કે જ્યારે અમે ‘ભારત 2020’ નો ખ્યાલ વિકસાવી રહ્યાં હતા. તે માટે હું ઘણા લોકોને પાસે આપણા દેશના 500 નિષ્ણાતોએ તૈયાર કરેલી એક યોજના હતી એ યોજના સાથે હું પ્રમુખસ્વામી મહારાજને કહી રહ્યો હતો કે ‘ભારત પૂર્ણ વિકસિત દેશ બનવો જોઈએ’.

પ્રમુખસ્વામીજીએ મારી વાત ખૂબ શાંતિથી સાંભળી. લગભગ ત્રીસ મિનિટ સુધી મારાં પુસ્તકો, આલેખો, કોમ્પ્યુટર પ્રિન્ટો વગેરે સાથે મેં આ બધું તેમની સમક્ષ રજૂ કર્યું. અંતે તેમણે મને એક પ્રશ્ન પૂછ્યો, એમનો એ એક પ્રશ્ન ખરેખરે આજેય મનમાં ગુંજે છે. તેમણે કહ્યું કલામ! ‘વિકાસનાં આ પાંચ ક્ષેત્રોમાં કંઈક ખૂટે છે’ . મે તેમને પૂછ્યું સ્વામીજી શું ખૂટે છે?

‘તમારે આધ્યાત્મિક તત્વને આ પાંચ ક્ષેત્રોની સાથે ઉમેરવું જોઈએ’. એ વખતના સ્વામીજીના શબ્દો આજેય મારા મનમાં ગુંજ્યા કરે છે. પ્રમુખસ્વામીજી સાથેની એ મુલાકાત પછી મારે ચોક્કસ તારણ પર આવવું પડ્યું. ભારત પાસે જે સંસ્કૃતિનો એક મહાન વારસો છે તે, મૂલ્યોનું એક ચોક્કસ તંત્ર કે મૂલ્યોની એક ચોક્કસ વિભાવના છે. આપણી બધી વિકાસ પ્રક્રિયાઓમાં આ મૂલ્યો વણાયેલાં હોવાં જ જોઈએ.

આ આધ્યાત્મિક તત્વને આપણે કેવી રીતે સાંકળી શકીએ?

તમે જાણો છો કે હું ભારતમાં લગભગ તમામ ધાર્મિક સ્થળો અને ધાર્મિક નેતાઓને મળ્યો છું. દરેક ધર્મની મુલાકાત લેતી વખતે મને એક એવી લાગણી થાય છે કે દરેક ધર્મ એક સુંદર ઉપવન છે. પરંતુ જ્યારે હું એ ધર્મોનાં ઉપવનોમાંથી બહાર આવું છું. ત્યારે મને લાગે છે કે બધાં જ ઉપવનો એક સ્વતંત્ર ટાપું જેવાં છે. આ બધા ટાપુઓને કેવી રીતે જોઈ શકાય, અહિં કરૂણા અને પ્રેમના સેતુની જરૂર પડે. જ્યારે હું પ્રમુખસ્વામી મહારાજને મળ્યો ત્યારે મને એમ અનુભવ થયો કે સ્વામીજી એક એવા મહાન આધ્યાત્મિક આત્મા છે, કે જેમને બીજા સૌ પ્રત્યે કરૂણા અને પ્રેમ છે, જેઓ પોતામાંથી સૌ પ્રત્યે આધ્યાત્મિક ઉર્જા વહાવ્યા જ કરે છે.

દિલ્હી ખાતેના અક્ષરધામ મંદિરના ઉદ્દઘાટન સમારોહમાં તે સમયના ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વિરોધપક્ષના નેતા સહિત સૌ કોઈનાં મન-મસ્તિષ્કમાં અક્ષરધામ, આ ઉદ્દઘાટન સમારોહ અને તેના સર્જક પ્રમુખસ્વામી મહારાજનો એક અજોડ અને દિવ્ય પ્રભાવ છવાયો હતો. ભારતીય સંસ્કૃતિના ઈતિહાસનું એ અદ્વિતીય પૃષ્ઠ હતું. મંચ પરથી નીચે ઉતરીને સ્વામીજી સાથે આગળ વધતા કલામે આત્મીયભાવે સેવક તરીકે સ્વામીજીને પોતાનો હાથ આપ્યો અને ભાવવિભોર થઈ તેઓ અનુભૂતિ કહેવા લાગ્યા‘ જ્યારથી અક્ષરધામમાં મેં પ્રવેશ કર્યો ત્યારથી મને એક પ્રશ્ન સતત રહ્યા કરતો હતો કે લાખો લોકો દ્વારા પાંચ વર્ષમાં આવું ભલ્ય અને દિવ્ય કામ કેવી રીતે બને, અને મને અંતરમાંથી એનો જવાબ મળ્યો કે સ્વામિનારાયણ ભગવાને આપના આત્મામાં સંપૂર્ણ પ્રવેશ કર્યો છે અને એમાંથી જ સમગ્ર અક્ષરધામ ખીલી ઉઠ્યું, સાહજિક રીતે.’ સ્વામીજી કહ્યું ’ભગવાન જ કામ કરે છે ને એ જ બીજા દ્વારા કામ કર્યાં કરે છે’.

કલામે કહ્યું. ‘આપ સંપૂર્ણ આધ્યાત્મિકતાના પુંજ છો. આપની પાસે એટલી દિવ્ય શક્તિ છે કે આ કામ જોઈને મને એમ લાગે છે કે આ દુનિયામાં બધું જ શક્ય છે’. ત્યારે બાપાએ કહ્યું કે ‘ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપનામાં પણ એવી દિવ્યશક્તિ છે તો તમામરા દ્વારા રાષ્ટ્રની ખૂબ પ્રગતિ થાય’.

સૌજન્ય : દિવ્યભાસ્કર

શેર કરો સ્વામીબાપાની આ વાત તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી