જે મિત્રોને રાત્રે કોઈપણ ગલીમાંથી નીકળતા કુતરાઓની બીક લાગે છે એ મિત્રો ખાસ વાંચે…

કોણે કહ્યું “ભસ્યાં કૂતરાં કરડે નહિ”?

ઉનાળાનું કુતરું પાછળ દોડે નહિ (૪૪ ડીગ્રીમાં હાંફે કે ભસે!), ચોમાસાનું કૂતરું પાછળ દોડે નહિ (લપસણીયા ગારામાં દોડવું કેમ!) અને શિયાળાનું કૂતરું છોડે નહિ! અરે, ભસે, દોડે અને કરડે પણ ખરું!. એટલે તો શિયાળામાં ૧૪ ઇન્જેકશન લેવાવાળાની લાઈન લાંબી હોય છે.

જુનાગઢના અમુક લત્તાના કૂતરાં યાદ કરતાં અત્યારે પણ શરીર કંપે છે. અમુક ઓટલા, ફળિયા પાસેથી રાત્રે પસાર થવા માટે કાળજું કઠણ રાખવું પડતું. ભૂતની બીક કરતાં કુતરાંની બીક વધુ લાગતી. ગન્દ્રપવાડામાંથી શિયાળામાં મોડી રાત્રે નીકળવાનું થતું ત્યારે લાગતું કે લાકડી નહિ ચાલે, મશીનગન જ બચાવશે.

મહાભારતમાં કૂતરાનું મોઢું સાત બાણથી બંધ કર્યાનો પ્રસંગ છે. પણ, તાલુકા શાળા લેનના કે ઝાલોરાપાના કુતરાંને ભાસતાં બંધ કરવા માટે સાત બાણ ઓછા પડે. બાણનો આખો ભારો જોઈએ! એવી જ ધાક વાંઝાવાડ કે માલીવાડાના કુતરાંની. શિયાળામાં બે ફળિયાના કુતરાંઓના યદ્ધ પાસે કારગીલ યુદ્ધ પાણી ભરે. તમારી દેન છે કે ગોદડાં વિના ઈ નકાળજી ભસાભસ વચ્ચે સુઈ શકો ! શિયાળામાં રાત્રે તાર સપ્તકમાં રોતાં કુતરાંનો ડરામણો અવાજ કોઈ અમંગળ ઘટનાના એંધાણ આપે ને બાથરૂમ જવા મજબૂર કરે.

અમારા ડેલામાં મટુડી નામની કુતરી હતી. પાળેલા કૂતરાં જેવી ડાહીડમરી. અમે એના ગલુડિયા રમાડી મોટા થયા. પણ એ વિયાણા પછી શિયાળામાં કોઈની નહિ. એકવાર અમારા સ્નેહી ડોક્ટરની પાછળ એવી દોડી કે એમનો પોર્ટફોલિયો અંધારામાં જે….ફેકાણો કે બીજે દિ સવારે જડ્યો! એ દિવસથી એણે રાત્રે વિઝીટે જવાનું બંધ કરી દીધું’તું. અમારા મિત્રના હાથમાં બેડમિન્ટનનું રેકેટ હતું તોય નઝરમહંમદ લેઈનમાં શિયાળાના કુતરાંએ પગનો લવ્વો લઇ લીધેલો તે ડોક્ટર પાસે વઢાણા’તા, “એલા, હાથમાં રેકેટ હતું તોય કૂતરું કરડી ગ્યું?” સાહેબ, નીકળો તો ખબર પડે! દાના દુશ્મનનો ભરોસો કરવો પણ શિયાળામાં જેરામ મકનની દુકાનને પાટિયે લપાઈને સુતેલા ‘લાલિયા’નો ભરોસો કરવામાં જોખમ.

જુનાગઢના લત્તે લત્તે શિયાળાના કૂતરાંની ‘પલ્ટન’ આજે પણ આખી રાત ધાક જમાવતી હશે. મને તો અમદાવાદ બેઠે હજી ચિત્તાખાના ચોકના ‘ડાઘીયા’નો અવાજ સંભળાય છે.

પણ, જ્યારે કૂતરાં પકડવાની ગાડી આવતી ત્યારે અમારો જીવ તાળવે ચોંટતો, એમાં પણ જો અમારા ફળિયાનું ‘પાળીતું’ કૂતરું સાણસામાં આવી ગયું તો સાંજે જમવાનું ના ભાવતું. શિયાળો ત્યારે ચોમાસું બની જતો.

ગમે તે ગલી કે ગામ, શેરી કે શહેર હોય, માણસની જેમ, કુતરાંય બિચારાં ક્યાં જવાના?!

લેખક : અનુપમ બુચ

દરરોજ આવી અનેક વાત અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી