આયુષી સેલાણીની કલમે, વાંચો આ ખુબ સમજવા જેવી વાર્તા…. શેર કરો અને લાઇક કરો

“લિપિ, તને શું વાંધો છે મારી બહેનના ભણતર સામે??? એ કઈ રખડવા તો નથી જતી ને.. ભણવા જાય છે અને તે પણ આપણા ખાતર..!! તું, હું અને લબ્ધ લુકઝૂરિયસ લાઈફ સ્પેન્ડ કરી શકીએ તે માટે જાય છે ને તે? તો એક વખત ખાલી એ શાક સમારીને ના ગઈ એમાં આટલી ચિડાઈ કેમ જાય છે??”

લાવ્ય રાતના અંધકાર, ઓરડાના ઉજાસ અને મનના અજંપામાં ઘેરાઈને તેની પત્ની લિપિને કહી રહ્યો હતો..

લિપિ અને લાવ્યના લવ મેરેજ હતા. લિપિ લાવ્યની બહેન લાક્ષિણી સાથે તેની કોલેજમાં ભણતી હતી. એક દિવસ લાક્ષિણી કોલેજે પોતાનું વાહન લીધા વગર ચાલતી ગયેલી.. ત્યારે લિપિ તેને ઘર સુધી મુકવા ગઈ હતી. ઘરની નીચે દરવાજા પાસે બહેનને મુકવા આવેલી યુવતીને જોઈને લાવ્ય બે ઘડી તો ચોંકી ગયેલો જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી આવી હોય તેવું લિપિનું રૂપ હતું…લાલ રંગનું સલવાર અને તેવા જ રંગની કુર્તી પર કાળા રંગનો દુપટ્ટો નાખીને આવેલી લિપિ જાણે પ્રેમના લાલ રંગને લઇને આવી હોય તેમ લાવ્ય તેના તરફ આકર્ષિત થઇ ગયો.. કમરથી લાંબા વાળ, બંને ગાલમાં પડતા નાનકડા ખંજન, દાઢી પર ડાબી બાજુએ આવેલું તલ, કથ્થાઈ રંગની નારંગીની ચીર જેવી આંખો તેમજ ઘાટીલો દેહ.. આ બધું જ લાવ્યને ચલિત કરવા માટે પૂરતું હતું… લિપિ તો લાક્ષિણીને મૂકીને ચાલી ગયેલી એટલે જેવી લાક્ષિણી ઉપર આવી કે લાવ્યએ પૂછ્યું,

“ઓયે, કોણ હતી તારી પેલી બહેનપણી? આમ ઘર સુધી કોઈને લઇ નહિ આવવાના હો..! કોણજાણે કેવા હોય.. લાવ મને એનો નંબર-નામ આપી દે એટલે હું તપાસ કરી લઉં કે તે બરોબર છોકરી છે કે નહિ..! ચાલ લક્ષી, આપ જોઈએ નંબર…!!”

ભોળા ચહેરા સાથે લાક્ષિણીએ ભાઈને લિપિનો નંબર આપીને નામ કહ્યું અને તેમની વાત યોગ્ય છે તે પણ જણાવી દીધું.. અંદરખાને તે જાણતી જ હતી કે ભાઈએ નંબર મેળવવા માટે આ બહાનું કર્યું છે… પરંતુ બાપ સમાન ભાઈને તે જતાવવા નહોતી માગતી કે તેને એ આશિકી અને દિલફેકગીરી સમજાઈ ગઈ છે. બાળપણથી જ લાવ્ય લાક્ષિણી માટે તેની માઁ અને પિતા સમાન હતો. લાવ્ય ત્યારે નવ વર્ષનો અને લાક્ષિણી પાંચ વર્ષની હતી.. લાવ્યના માતા-પિતા સાઈબાબાના દર્શન ખાતર શિરડી ગયેલા. બન્ને ભાઈ-બહેન વેકેશન હોવાથી માસીના ઘરે હતા. મામા તો હતા નહિં. શિરડી દર્શન કરીને પરત આવતા શશિકાન્તભાઈ અને સુનિતાબહેનને અકસ્માત નડ્યો અને તે અકસ્માતમાં બંને મૃત્યુને ભેટ્યા… બસ ત્યારપછી લાવ્ય જ લાક્ષિણી માટે માતા-પિતા સમાન હતો. લાવ્યના માસી ખાધે-પીધે બહુ સુખી એટલે બંને છોકરાઓને દર મહિને પૈસા મોકલાવી દેતા.. બહેન ને જીજાજીના મૃત્યુ બાદ માસીએ એક વખત અઠવાડિયું રોકાઈને કામવાળી અને રસોઈવાળીની વ્યવસ્થા કરી આપેલી.. એ સિવાય હાથખર્ચી પણ બંને છોકરાઓને મળી જતી… અમેરિકામાં રહેતા કાકા પણ બેંકમાં પૈસા જમા કરાવી દેતા. બસ સદેહે હાજર રહીને માઁની કે બાપની હૂંફ કોઈ આપી નહોતું શકતું.. બન્ને ભાઈ-બહેન એકબીજાનો હાથ પકડી જિંદગીના અઘરા રસ્તા પર છાતી કાઢીને ચાલતા શીખેલા.. પોતાનું એમબીએ પૂરું કર્યા બાદ લાવ્યને અમદાવાદમાં જ એક મલ્ટીનેશનલ કમ્પનીમાં જોબ મળી ગઈ.. ત્યારે લાક્ષિણી કોલેજના પહેલા વર્ષમાં હતી. બીકોમ સાથે સાથે આઈએએસની તૈયારી કરતી લાક્ષિણીનો ભેટો લિપિ સાથે બીજા વર્ષમાં થયેલો.. અને બસ ત્યારથી બન્ને બેસ્ટ ફ્રેન્ડ્ઝ બની ગઈ હતી.. લાક્ષિણીને જ્યારે ત્રીજા વર્ષના અંતમાં લિપિએ કહ્યું કે તે તેના ભાઈ સાથે લગ્ન કરી રહી છે ત્યારે લાક્ષિણી ખુબ જ ખુશ થઇ હતી.. આમ તો તે બંનેના પ્રેમ વિશે લાક્ષિણી બધું જાણતી.. ક્યારેક તો લિપિની હોસટેલમા પોતાનું નામ આપીને ભાઈ જોડે ફરવા પણ મોકલતી.. પરંતુ આમ એક વર્ષના રિલેશનશિપ બાદ તરત જ લિપિ પરણવાનો નિર્ણય કરશે તે લાક્ષિણી નહોતી જાણતી.. તે દિવસે પણ કોલેજમાં લિપિ લાક્ષિણીને કેટલું બોલી હતી ને..!!!

એમાં થયું એવું કે લિપિનો નંબર મેળવ્યા બાદ લાવ્યએ જોશમાં ને જોશમાં લિપિને આઈ લવ યુ બ્યુટીફૂલ કરીને મેસેજ કરી દીધો.. અચાનક અજાણ્યા નંબર પરથી આવો મેસેજ આવતા જ લિપિ ગુસ્સે થઇ ગઈ અને સીધો ફોન કર્યો લાવ્યને…! સામે છેડે લાવ્યનો જોશ ઉતરી ગયો હતો અને તેનું સ્થાન ડરે લઇ લીધું હતું.. તેનાથી ફક્ત એટલું જ બોલી શકાયું કે હું લાવ્ય છું.. લાક્ષિણીનો ભાઈ..! બસ પછી તો લિપિએ ગાળોનો વરસાદ કરેલો લાવ્ય પર અને સામે છેડે તે સાવ ચૂપ.. બીજા દિવસે લિપિએ કોલેજમાં લાક્ષિણીનો પણ ઉધડો લઇ લીધો હતો… ભાઈને બચાવવા લાક્ષિણીએ કહ્યું કે આવા મેસેજીસ ભાઈના ફોનમાંથી પોતે કરેલા લિપિને હેરાન કરવા..!!! ફ્રેન્ડશિપમાં આટલું તો કરી જ શકાય ને એવું ઈમોશનલ વાક્ય ફેંકીને લાક્ષિણી ચાલી ગઈ… એ પછી લિપિએ માફી માંગવા લાવ્ય અને લાક્ષિણી બંનેને પાર્ટી આપેલી ગ્રાન્ડ ભગવતીમાં..!!! બસ તે સમય પછી વાતચીતનો દોર શરુ થયો અને લિપિ-લાવ્યની પ્રેમકહાની પણ..! એક વર્ષના પ્રેમસંબંધ બાદ આજે લિપિએ લાક્ષિણીને લગ્નની વાત કરી હતી.. લાવ્યએ તેને પ્રપોઝ કર્યું છે અને પોતે પણ હા કહેવાની તેવું કહીને લિપિ પોતાની ભાવિ નણંદને ભેટી પડી…

પછી તો ચટ મંગની અને પટ બ્યાહ જેવું જ હતું.. માસીએ તો ભાણેજનું એમબીએ પૂરું થયું ત્યારના ભાણેજ સાથે સંબંધ પુરા કરી દીધેલા અને અમેરિકાના કાકાએ પણ લગ્નમાં આવવાની ના કહી.. લાવ્ય અને લિપિએ ફક્ત લાક્ષિણીની હાજરીમાં મંદિરમાં લગ્ન કરેલા.. છેડાછેડી બાંધનારી એ બહેનને લાવ્ય તે દિવસે રડીને વળગી પડ્યો હતો.. માસીના સંબંધ તોડ્યા બાદ અને કાકાના પૈસા બંધ થયા બાદ બંને ભાઈ-બહેને જેમતેમ કરીને ઘર ચલાવ્યું અને આજે આ સફળતા મેળવી હતી… સફળતા સાથે સાથે હવે લક્ષ્મી સ્વરૂપ વહુ પણ તેમના ઘરમાં પગલાં કરવાની હતી… એક સંપૂર્ણ પરિવારની વ્યાખ્યા પુરી થશે તેમ વિચારી લાક્ષિણી બહુ ખુશ હતી.. ભાઈ-ભાભીની એ મધુરજનીની રાતે લાક્ષિણીએ જાતે સુંદર મજાના પુષ્પો વડે આખો ઓરડો સજાવ્યો હતો.. ભાભી સમી પોતાની સખીના ઘરમાં કંકુપગલા કરાવીને લાક્ષિણી જાણે ધન્ય ધન્ય થઇ ગયેલી..

પછી તો બે વર્ષ વીત્યા.. બીકોમનું ભણતર પૂરું કરીને લાક્ષિણીએ આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી. લાવ્ય તો હંમેશ તેની હામાં હા જ કહે.. એટલે બીકોમ પૂરું કરી લાક્ષિણીએ યુપીએસસીની તૈયારી સાથે સાથે એમકોમ કરવાનું શરૂ કર્યું.. લિપિ ત્યારસુધી સંપૂર્ણપણે ગૃહસ્થીમાં ઘડાઈ ગઈ હતી.. પહેલા તો શરૂઆતમાં બન્ને બહેનપણીઓ ઘરમાં પણ એ જ મિત્રતા નિભાવતી પરંતુ ધીમે ધીમે લિપિ તરફથી તે મિત્રતામાં ખોટ વધવા લાગી.. સંબંધની ખીણ જાણે ઊંડી ઉતરતી ચાલી.. તે સમયે લિપિને પાંચમો મહિનો જતો હતો.. લિપિ-લાવ્ય કરતા વધારે લાક્ષિણી ખુશ હતી.. તેને રમવા માટે, કિલ્લોલ કરવા માટે જાણે રમકડું મળવાનું હતું.. રોજ સવારે લિપિ ઘરના બધા કામ પતાવીને જ જાય.. વાસણવાળા ને કામવાળા આવીને કચરા-પોતા-વાસણ કરી જાય.. પણ એ સિવાયનો ઢાંકો-ઢૂપો, માટલું ધોઈને ભરવું, દૂધ ગરમ કરવું, કપડાં સૂકવવા, વાસણ ગોઠવવાથી લઈને બપોરની રસોઈ બનાવવી અને તે બનાવેલી રસોઈની બે થાળી કરીને ઢાંકીને રાખી જવી એ બધું જ લાક્ષિણી કરતી.. અગિયાર વાગ્યે કોલેજ જવા નીકળે ત્યારબાદ ચાર વાગ્યે ફ્રી થઇ યુપીએસસીના ક્લાસમાં જાય… ત્યાંથી સાથ વાગ્યે ફ્રી થઇ ઘરે આવે અને આવીને બધી જ રસોઈ બનાવે.. લિપીનો સ્વભાવ એ સમયે બહુ ચીડિયો થઇ ગયેલો. તેને કોઈ પ્રકારનું કામ કરવું ના ગમતું અને ઉપરથી તે લાક્ષીણીને વાત વાતમાં ખીજાયા કરતી.. ક્યારેક લાક્ષીણીને બહુ દુખ થતું કે તેની બહેનપણી તેની સાથે આ રીતે વર્તન કરે છે પરંતુ પ્રેગનન્સી છે તેમ વિચારી તે ચુપ થઇ જતી.. પોતાના ક્લાસ અને ભણતર માટે તેને ખુબ ઓછો સમય મળતો.. બધો સમય તે લિપિનું ધ્યાન રાખવામાં તેમજ ઘરનું કામ કરવામાં અને લીપીની જરૂરીયાતોની પુરતી કરવામાં વિતાવતી..

એક દિવસ ઘરની કામવાળી નહોતી આવી એટલે તે દિવસે લાક્ષીણીએ કોલેજે રજા રાખી હતી અને બધું જ કામ તેણે કર્યું હતું. કપડા ધોવાથી લઈને, કચરા-પોતા, વાસણ ઘસવા અને રસોઈ કરવી તે બધું જ… સવારની છ વાગ્યાની જાગેલી તે બપોરે બાર વાગ્યે નવરી થઇ હતી.. હજુ તો માંડ દસ મિનીટ થઇ હશે ત્યાં લિપિના ઓરડામાંથી ચીસ સંભળાઈ… લાક્ષી દોડીને ત્યાં ગઈ અને જોયું તો લીપી જમીન પર ઉન્ધેકાંધ, પેટના બળે પડી હતી.. લાક્ષિણી બે મિનિટ માટે તો જ્યાં હતી ત્યાં જ સ્થિર થઇ ગઈ.. તેને કઈ ના સમજાયું કે આ શું થઇ ગયું.. સહેજ હોશ આવતા તે કણસતી લિપિની નજીક પહોંચી અને જલ્દીથી તેને સીધી કરી.. જોયું તો તેના શરીરનો નીચેનો ભાગ લોહીથી ખરડાઈ ગયો હતો.. ફટાફટ તેણે લાવ્ય અને ડોક્ટરને ફોન કર્રયા.. બે કલાકમાં તો સખ્ત દોડાદોડી થઇ ગઈ… ત્રણ કલાકની મહેનત બાદ હોસ્પિટલના આઈસીયૂમાંથી ડોક્ટર બહાર આવ્યા અને તેમણે લાવ્ય તથા લાક્ષિણીને સંબોધીને કહ્યું,

“માફ કરજો.. અમે તે બાળકને બચાવી શક્યા નથી.. મને એ વાતનો અત્યંત અફસોસ છે પરંતુ તે જે રીતે લપસ્યા હતા તેનાથી સીધો તેમના પેઢુમાં તેમજ પેટ પર માર વાગ્યો હતો…”

ડોક્ટરની વાત સાંભળીને લાવ્ય સુન્ન થઇ ગયો.. જાણે ચારેબાજુ સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ હોય અને તે એકલો કોઈ ખંડેરમાં ઉભો હોય તેમ તેનું મગજ સ્થિર થઇ ગયો..

“ભાઈ.. ભાઈ..”

કહીને લાક્ષિણીએ લાવ્યને ઢંઢોળ્યો… અચાનક જ લાવ્ય હોશમાં આવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.. જાણે સપનાઓનો મહેલ પડી ભાંગ્યો હોય તેવી હાલત થઇ ગઈ હતી તેની.. હજુ તો લિપિને પણ આ વાત કહીને સંભાળવાની હતી.. અડધી કલાક સુધી રડ્યા બાદ લાવ્ય શાંત થયો.. લાક્ષિણી તો એક ખૂણામાં ચુચાપ આંસુઓ સારતી બેસી રહી હતી.. લાવ્ય ભારે પગે આઈસીયુમાં ગયો.. લિપિ એકદમ નિર્દોષ થઈને નાના બાળકની જેમ ઊંઘતી હતી. લાવ્યને તેના પર વહાલ આવી ગયું.. એકદમ નિશ્ચિન્ત ચહેરે ઊંઘતી લિપિ પાસે જઈને લાવ્ય બેઠો અને એકદમ મજબુતીથી તેનો હાથ પકડ્યો. લિપિ સહેજ ઊંઘમાંથી જાગી અને એક નાનકડી મુસ્કાન સાથે લાવ્ય તરફ જોયું.. લાવ્ય તેને આંખોથી સધિયારો આપતો હોય તેમ તેની સામે લાચાર નજરે જોયું અને બોલ્યો,

“આઈ એમ સોરી લિપિ.. જાન હું આપણા બાળકને ના બચાવી શક્યો..!”

અને લિપિની આંખમાંથી એકધારા આંસુઓ વહેવા લાગ્યા. સાવ નાના બાળકની જેમ તે રડવા લાગી. આંખો પણ તેની રડીને સોજી ગઈ હતી.. કલાક સુધી રડી લીધા બાદ અચાનક લિપિએ લાવ્યને પૂછ્યું,

“લાક્ષિણી ક્યાં છે લાવ્ય??”

લાવ્યને પણ યાદ આવ્યું કે લાક્ષિણી ક્યાંય દેખાતી નથી.. તે બહાર ગયો અને ખૂણામાં નીચે બેઠેલી લાક્ષિણીને અંદર લાવ્યો.. જેવી લાક્ષી લિપિની નજરોની સામે આવી કે લિપિ ધૂંધવાતા મને બફાટ કરવા લાગી…

“ખાઈ ગઈ મારા છોકરાને તું રાક્ષસી.. સાલી પોતાના લગન નથી થયા એટલે બીજાની પણ ખુશી નથી જોઈ શકતી. જાણીજોઈને તે મારા પલંગ પાસેથી પોતા કર્યા ત્યારે ત્યાં વધારે ભીનું રાખ્યું કે જેથી હું લપસી જાવ અને મારું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ મરી જાય.. સાલી સ્વાર્થી સ્ત્રી! નીકળી જા મારી નજર સામેથી..!”

લાવ્ય લિપિની આ વાત સાંભળી બહુ ગુસ્સે થયો.. પોતાની બહેનને જે રીતે તે ગમે તેમ બોલી રહી હતી તેનાથી લાવ્યને લિપિ પર કાળ ચઢ્યો.. પરંતુ લાક્ષિણીએ જ તેને કઈ બોલવાની ના કહી અને ત્યાંથી ચાલી ગઈ…બીજા જ દિવસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા લિપિ ઘરે આવી ગઈ.. પરંતુ હવે તેનું વર્તન લાક્ષિણી સાથે એકદમ બદલાઈ ગયું હતું.. તેને લાગતું હતું કે લાક્ષી જ પોતાના બાળકની હત્યારી છે.. તે લાક્ષિણીને વાતે વાતે હડધૂત કરી મુક્તી. અને તે જ કારણોસર લાક્ષિણી તેના ભણતરમાં પણ ધ્યાન નહોતી આપી શકતી. યુપીએસસીની ફર્સ્ટ ટરાયલમા જયારે તે ફેઈલ થઇ ત્યારે તે આખી રાત પોતાના ઓરડામાં બેસીને ખુબ રડેલી. એમકોમનું તો ફર્સ્ટ યર પૂરું થઇ ગયું હતું.. પરંતુ આઈએએસ બનવા માટે આ યુપીએસસીની પરીક્ષા પાસ કરવી જરૂરી હતી અને જેમાં ફર્સ્ટ ટ્રાયલમા તે ફેઈલ થઇ હતી.. લાવ્ય ત્યારે લાક્ષિણી પાસે ગયો અને તેને સધિયારો આપતા કહેલું કે “તે જો ઈચ્છે તો લગ્ન કરીને સાસરે આરામની જિંદગી વિતાવી શકે છે.. આ રીતે બર્ડન કરીને ભણવાની જરૂર નથી..” પરંતુ લાક્ષિણીનું કહેવું હતું કે તે લિપિને અને તેને વધારે સારી જિંદગી આપવા માંગે છે.. તેથી તે આઇએએસનું ભણતર પૂરું કરીને જ રહેશે.. એક વખત ફેઈલ થયા પછી લાક્ષિણી ખંતથી ફરી મહેનત કરવા લાગી ગયેલી. તે જ સમય દરમિયાન લિપિને ફરી ગર્ભ રહ્યો.. આ વખતે તો લાક્ષિણી તેનું બહુ વધારે જ ધ્યાન રાખતી. પરંતુ લિપિ તેને ઘડી ઘડી ઉતારી પાડતી. લાવ્યની લાખ સમજાવટ છતાં પણ લિપિ કઈ જ સમજવા તૈયાર નહોતી. સવારથી કામના ઢસરડા કરીને લાક્ષીણી કલાસમાં જતી અને સાંજે થાકેલી આવી હોય ત્યારે તે ફરી રસોઈ બનાવતી અને પછી ભણતી રહેતી. તો પણ ક્યારેક ક્યારેક લિપિ તેને નાના-મોટા કામ ચીંધતી રહેતી જે એકદમ બિનજરૂરી હોય… લાક્ષિણી લિપિ સુઈ જાય પછી તેના પગ દબાવતી.. લાવ્ય લાક્ષિણીની આ ચાકરી જોઈ પોતાની બહેન પર બહુ ગર્વ કરતો.. આમનેઆમ પુરા નવ મહિને લિપિને દીકરાનો જન્મ થયો અને તેનું નામ લબ્ધ રાખ્યું બંનેએ..

ધીમે ધીમે સમય પસાર થતા લાવ્યને પોતાની ઓફિસમાં મુશ્કેલી પડવા લાગી. ત્યારે લબ્ધ છ મહિનાનો થયો હતો. એક દિવસ લાવ્ય ઘરે આવ્યો અને લિપિને કહ્યું,

“લિપિ મને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.. મારી કંપની પાણીમાં બેસી ગઈ છે.. બધું ખતમ થઇ ગયું લિપિ. બધું જ.. મેં કંપનીમાં જમા કરાવેલા આપણી બચતના ત્રીસ લાખ રૂપિયા ગયા.. મારી કંપનીએ દેવાળું ફૂંકી દીધું છે..!!”

લાવ્યની વાત સાંભળી લિપિ તૂટી ગઈ… ઘરની લોન માથે ચાલતી હતી.. એ ઉપરાંત હજુ હમણાં જ નાના બાળકનો જન્મ થયો હતો.. અને તેને બધું બેસ્ટ જ પ્રોવાઈડ કરીશું તેવી વાત લઈને લિપિ લબ્ધ પર મહિનાનો ત્રીસેક હજાર જેટલો ખર્ચો કરતી.. પૈસા વગર બધું જ નકામું છે તે લિપિ જાણી ગઈ.. તેને કહેવા ખાતર લવ્યને સધિયારો આપ્યો અને બીજી જગ્યાએ નોકરીની તપાસ કરવાનું કહ્યું.. તેના જવાબમાં લાવ્યએ કહ્યું કે,

“મારી કંપનીના કોઈને ક્યાંય નોકરી પર નહિ રાખવામાં આવે એવું માર્કેટમાં બોલાઈ રહ્યું છે… લિપિ કઈ જ રસ્તો નથી…!! આપણું સ્ટેટ્સ અને પૈસા બધું જ ખતમ…”

ભાઈ-ભાભીની આ વાત બહાર દરવાજે ઉભેલી લાક્ષિણી સાંભળતી હતી.. તેણે હવે વધારે મહેનત કરવાનું વિચાર્યું. યુપીએસસીની બીજી ત્રાયલની પરીક્ષાને હવે બે જ મહિનાની વાર હતી અને તે ગાંડાની જેમ મહેનત કરવામાં લાગી ગઈ… બીજા જ દિવસે તેણે ભાઈને પણ કહી દીધું કે તમારે કઈ જ ચિંતા કરવાની જરૂર નથી.. એક વખત હું આઈએએસ બની જાવ પછી બધી પરેશાનીઓનો અંત આવી જશે.. લિપિ પણ ત્યારે ત્યાં જ હાજર હતી.. લાક્ષિણી આ વાત સાંભળીને પણ તેણે મોઢું મચકોડ્યું. તે હજુ સુધી લાક્ષિણીને માફ નહોતી કરી શકી.. લાક્ષિણીની પરીક્ષાને બે મહિનાની વાર હતી ત્યારે પણ રોજ બધું ઘરનું કામ ખાસ કરીને રસોઈ કરીને જ જતી.. આજે ઉતાવળમાં ફર્સ્ટ લેક્ચર અટેન્ડ કરવા માટે તે રાત માટે બનાવાનું શાક સુધારીને જતા ભૂલી ગઈ હતી… બસ તે વાતને લઈને જ લિપિ લાવ્ય સાથે ઝગડો કરી રહી હતી..

“લિપિ તું સમજવાની કોશિશ કર જાન.. ભૂલી જા બધું… એ દોઢ વર્ષ જૂની વાતોને યાદ કરવાનો હવે કઈ મતલબ નથી બેબી.. હવે આપણો લબ્ધ પણ છે આપણી સાથે.. બસ હવે આ બંધ કર તારી બેસ્ટ ફ્રેન્ડ સાથે.”

લાવ્યને લાગ્યું આ સાચો સમય છે હવે લિપિને સમજાવવાનો…

“લાવ્ય, એ મારું પહેલું બાળક હતું.. એ માટે હું ક્યારેય લાક્ષિણીને માફ નહિ કરી શકું. ક્યારેય નહિ.. બસ વાત પુરી..”

ને લિપિ ત્યાંથી ચાલી નીકળી…

લાક્ષિણી ક્યારેય વાત મનમાં જ ના લેતી. ઘરમાં હોય ત્યારે ઘરનું કામ કર્યા કરતી અને લબ્ધને રમાડ્યા કરતી.. બહાર જાય , લાઈબ્રેરીમાં જ જાય અને ત્યાં બેસીને વાંચ્યા કરે.. બે જ મહિનામાં પરીક્ષા હતી અને તે માટે તે બહુ સજાગ હતી…

આખરે તે દિવસ પણ આવી પહોંચ્યો. રિટન ટેસ્ટનો ત્યારે પહેલો દિવસ હતો. લાવ્ય લાક્ષિણીને મુકવા તેની એક્ઝામના સેન્ટર સુધી જવાનો હતો.. લાક્ષિણી જતા પહેલા લિપિ પાસે ગઈ અને તેને પગે લાગી..ઉંમરમાં ભલે બંને સરખા હતા પણ સંબંધમાં તો લિપિ તેનાથી મોટી જ હતી. બસ તે જ માનીને લાક્ષિણી તેને પગે લાગી તો લિપિ મોં બગાડીને પાછળ હટી ગઈ અને ત્યાંથી ચાલી નીકળી. લાક્ષિણીને અત્યંત ખરાબ લાગ્યું પણ તે પહેલા દિવસે પોતાનો મૂડ બગાડવા નહોતી ઇચ્છતી. પછી તો એકપછી એક એમ લેખિત પરીક્ષાઓ આવતી ગઈ અને લાક્ષિણી ઉત્સાહથી પેપર પણ આપતી ગઈ… પહેલું રિઝલ્ટ આવ્યું તેમાં તે પાસ થઇ ગઈ હતી અને બીજા પ્રેક્ટિકલ અને ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે તેને બોલાવવામાં આવેલી.. લાક્ષિણી ત્યારે ખુબ ખુશ હતી.. જતા પહેલા તે ઊંઘતા લબ્ધ નજીક ગઈ અને તેને ચૂમવા સહેજ વાંકી વળી ત્યાં જ લિપિ આવી અને તાડુકી,

“લાક્ષિણી મારા દીકરાને હાથ પણ અડાડ્યો છે તો મારાથી ખરાબ કોઈ નહિ હોય… આજ પછી હવેથી તારું એને રમાડવાનું બંધ સમજી..!! તેની સામે પણ નહિ જોતી અને તેની નજીક પણ ના જતી..! લાક્ષિણીને આ વાત હૃદય સુધી ખૂંચી ગઈ.. પરંતુ અત્યારે કઈ બોલવાનું તેને મુનાસીબ ના લાગ્યું એટલે તે ઇન્ટરવ્યૂ માટે રવાના થઇ..

થોડા દિવસો પછી તેનું ઈંટરવ્યુનું રિઝલ્ટ આવ્યું તેમાં તે પાસ હતી અને તેને ટ્રેનિંગ માટે ત્રણ મહિના અમદાવાદની બહાર જવું પડે તેમ હતું.. એ વાત લાક્ષિણીએ લાવ્યને કરી તો લિપિ વચમાં બોલી ઉઠી…

“એક તો અમે અહીં ભૂખે મરીએ છીએ અને તારે બહાર જવું છે.. કોઈ પૈસા નહિ મળે તને ટ્રેનિંગના બરોબર..!”

લાવ્યએ ત્યારે પહેલી વખત લિપિ પર હાથ ઉપાડ્યો હતો.. લાક્ષિણીને થયું આ બધું પોતાના લીધે જ થાય છે.. કઈ જ બોલ્યા વગર ત્યારે તે ત્યાંથી નીકળી ગઈ.. લાવ્ય પણ લિપિ પર ગુસ્સે હતો એટલે પાછળ ના ગયો. મોડી રાત સુધી પણ પાછી ના ફરતા લાવ્યએ તેને ફોન કર્યો તો લાક્ષિણીએ જણાવ્યું કે તે ટ્રેનિંગ માટે રવાના થઇ ગઈ છે અને હવે પાછી ઘરે નહિ આવે..

લાવ્યએ બહેનને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ લાક્ષિણી પોતાના નિર્ણય પર અડગ હતી.. બે વખત તેને જઈને મળી આવ્યો અને પાછા આવવા માટે વિનંતી પણ કરી.. તો પણ પરિણામ શૂન્ય..

બસ પછીથી જાણે જીવન એક ઘરેડમાં ગોઠવાઈ ગયું.. લાવ્ય રોજ સવારે નોકરીની તલાશ માટે ચાલી નીકળતો અને લિપિ જુના જુના ફોટો જોયા કરતી અને લબ્ધને રમાડ્યા કરતી. ક્યારેક તો ઘર સાવ ગંદુ ભર્યું હોય તો પણ લિપિને કઈ ભાન ના હોય.. પૈસા વગરની જિંદગી જીવવી કેટલી અઘરી છે તે તેમને બખૂબી સમજાય રહ્યું હતું..આખરે લાવ્યને નોકરી મળી ગઈ. એક સ્થાનિક કંપનીમાં મેનેજરની નોકરી અને પગાર પંદર હજાર રૂપિયા. સામાન્ય માણસની જેમ સાવ સાદાઈથી તેમનું જીવન વીતી રહ્યું હતું.. લિપિ તો જાણે જરૂર પૂરતું જ બોલતી.

એક દિવસ કંપનીના કોઈ લીગલ કામે લાવ્યને પુના જવાનું થયું. ત્યાં કલેકટરની ઓફિસમાં કોઈ ડોક્યુમેન્ટ પર સહી કરાવા માટે કે જેથી પૂનામાં તેની ઓફિસની બ્રાન્ચ ખુલી શકે.. કલેકટરે ઓફિસે પહોંચ્યા બાદ તેને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું.. બહાર લગાડેલી નામની તક્તી વાંચતા જ લાવ્ય ચોંકી ગયો… તેને ખ્યાલ હતો કે લાક્ષિણીનું પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં છે પરંતુ પૂનામાં છે તે ખબર નહોતી. અંદર ગયા બાદ ફાઈલના ઢગલામાં ડૂબેલી લાક્ષિણી તરફ તે ગયો અને તેને અચાનક જ વળગી પડ્યો.. ઊંચી નજર કરીને ભાઈને જોતા જ લાક્ષિણીની આંખમાં પણ પાણી આવી ગયા.. પરંતુ ઓફિસની મર્યાદા જાળવી અને કામની વાત કરી લાક્ષિણીએ ભાઈને ઘરે જવાનું કહ્યું. લાક્ષિણીનું કલેકટર ક્વાટર નજીક જ હતું. એટલે લાક્ષિણીએ ડરાઇવરને પોતાના ગેસ્ટને ઘરે મૂકી આવવા કહ્યું..

બધું કામ પતાવી સાંજે લાક્ષિણી ઘરે પહોંચી તો લાવ્ય હોલમાં રાખેલા મંદિરની બાજુમાં લગાવેલા પોતાના અને લિપિના મોટા ફોટા સામે જોઈ રહ્યો હતો…

“ભાઈ, લબ્ધનો ફોટો તો હજુ પણ મોટો છે હો અંદર મારા ઓરડામાં આવો… બતાવું તમને. હવે તો મારો લબ્ધ ત્રણ વર્ષનો થઇ ગયો હશે ને… મને બહુ યાદ આવે હો એની.. છેલ્લી વખત એને ચૂમી લીધો હોત તો અફસોસ ના રહેત..!”

બહેનની વાત સાંભળી તેની આ હાલત માટે લાવ્ય લિપિને જવાબદાર સમજવા લાગ્યો. તેને ગુસ્સો તો બહુ આવતો હતો પરંતુ કાબુ કર્યો અને બોલ્યો,

“મને માફ કર બહેન મારી. મને બહુ ખરાબ લાગે છે. તારી આ હાલત માટે હું જ જવાબદાર છું. હું અત્યારે જ લિપિને ફોન કરી ઘરમાંથી કાઢી મુકું છું..”

આટલું કહીને લાવ્ય લિપિને ફોન લગાડવા લાગ્યો ત્યાં જ લાક્ષિણીએ તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને કાપવા ગઈ પરંતુ તેની જાણબહાર તે કપાયો નહોતો પરંતુ લિપિને ફોન લાગી જ ગયેલો..

“ભાઈ.. તમે ક્યાંય જવાબદાર નથી. જવાબદાર તો હું છું. હા કદાચ મેં લિપિને સાચું કહી દીધું હોત હોસ્પિટલમાં જ કે મારા કરેલ ભીના પોતા ના લીધે નહિ પરંતુ તેણે પીધેલ પાણીનો ગ્લાસ ઢોળાઈ જતા ત્યાં તેના ઓરડામાં તે દિવસે ભીનું હતું તો કદાચ તેની નફરત આ હદ સુધી ના પહોંચી હોત.. પરંતુ આવું કહીને હું તેને જતાવવા નહોતી માગતી કે તેના ગર્ભપાત માટે તે પોતે જ જવાબદાર છે…

આ ઉપરાંત તમારી નોકરી નહોતી એટલે હું તે સમયે તમારા માથે પણ પડવા નહોતી માંગતી એટલે ચાલી આવી… પણ હા લબ્ધના નામે છેલ્લા અઢી વર્ષથી હું બેંકમાં પૈસા જમા કરાવું છું તે કદાચ પાંચેક લાખ થઇ ગયા હશે. મારે તો હું એકલી જ છું.. પૈસાની ક્યાં જરૂર છે.. જે છે એ લબ્ધનું જ છે… મારો વિચાર હતો હમણાં બે મહિનામાં એ ત્રણ વર્ષનો થાય ત્યારે તમને મળવા આવું અને તમારા હાથમાં ચેક આપું. મારા ભત્રીજાને કોઈ વાતની ખોટ ના રહેવી જોઈએ..!”

લાક્ષિણીની વાત સાંભળી લાવ્ય શરમથી પાણી પાણી થઇ ગયો.. આજે તે એક માઁ, નાની હોવા છતાં પણ મોટી બહેન અને વડીલની ફરજ નિભાવી રહી હતી….

તે બોલ્યો,

“પણ બેન તારા લગ્ન???? તને કોઈ ના ગમ્યું???? હવે તો તું ત્રીસ વર્ષની થઇ.. હવે તો લગ્ન કરી લે.”

ભાઈની વાત સાંભળી લાક્ષિણીએ કહ્યું,

“હાહાહા.. હા ભાઈ છે ને મારી સાથે અહીં ક્યારેક લાઈબ્રેરીમાં આવતા લિખિત સાથે લાગણીના તંતુએ જોડાઈ છું.. પણ લગ્ન નથી કરવા.. લગ્ન કરું તો કદાચ લબ્ધ પરત્વેની ફરજ ચુકી જઈશ તેવું લાગે છે.. લિખિતને પણ કોઈ વાંધો નથી. અમારો પ્રેમ દૈહિક સંવેદનાઓથી પર છે… ”

આ છેડે ચાલુ ફોન પર લિપિ આ બધું સાંભળી ચુકી હતી.. તેની આંખમાંથી દડદડ આંસુ વહી જતા હતા.. તેને સમજાતું નહોતું કે તે શું બોલે.. આજે એકસાથે આટલા બધા ખુલાસા સાંભળીને જાણે તેનું મગજ બહેર મારી ગયું.. પહેલા તો તેણે ફોન કાપ્યો અને પછી લબ્ધ પાસે જઈને બેઠી. લબ્ધ હમણાં નવું બોલતા શીખ્યો હતો.. ક્યાંક સાંભળ્યું હશે તો યાદ રહી ગયેલું તેના નાના મગજમાં એટલે “ફુયી ફીયા“ એવું કંઈક બોલતો રહેતો.. અત્યારે પણ આવવા જ ગોટા વાળતો હતો ત્યાં લિપિ તેની પાસે આવીને બેઠી અને બોલી,

“હા મારા દીકરા તારી ફીયાને આપણે કાલે જ મળવા જઈશું.”

આ બાજુ લાક્ષિણી અને લાવ્ય એકબીજાને ભેટીને કેટલીય વાર સુધી રડયા રાખ્યા.. પછી લાવ્યએ લબ્ધના નવા ફોટા બતાવ્યા અને લિખિતના ફોટા પણ જોયા.. લાક્ષિણીના કહેવાથી લાવ્ય એક દિવસ વધારે રોકાઈ ગયો જે તેણે મેસેજ કરી લિપિને જણાવી દીધું..

બીજા દિવસે આખો દિવસની ઓફિસથી થાકીને લાક્ષિણી જ્યારે ઘરે આવી અને જોયું તો લિપિ અને લબ્ધ ઘરમાં હાજર હતા.. આખું ઘર ફૂલોથી સજાવેલું અને આંગણે સરસ મજાની રંગોળી પણ હતી.. આ ઉપરાંત હવનકુંડની સાથે સાથે પંડિતજી હાજર હતા અને લિખિત પણ શેરવાની પહેરીને તૈયાર બેઠો હતો.. આ બધું જ લાક્ષિણી માટે અત્યંત ચોંકાવનારું હતું. લિપિ તો તેને જોતા જ જઈને ભેટી પડી.. જાણે વર્ષોની ધૂળ ચઢેલી મિત્રતાને હૂંફનો હોંકારો મળ્યો હોય તેમ તેણે પોતાની નણંદને મજબુતીથી પકડી રાખી…

“લાક્ષિણી તને નવાઈ લાગતી હશે નહિ.. કાલે તે મને જે બધી વાત કરી તે સમય દરમિયાન ભૂલથી ફોન ચાલુ જ રહી ગયેલો અને લિપિએ બધું સાંભળી લીધું.. તેના પસ્તાવાનો પાર નહોતો.. સવારે જ તૈયાર થઇ તે છ વાગ્યામાં અહીં આવવા માટે અમદાવાદથી નીકળી ગઈ.. ફલાઇટમાં બે કલાકની મુસાફરી બાદ તે નવ વાગ્યે અહીં આવી અને મને ફોન કર્યો. હું તેને અને લબ્ધને લેવા ગયો.. પછી ઘરે આવીને અમે લિખિત વિશે તપાસ કરી તો માલુમ પડ્યું કે તે અહીંની કોલેજમાં પ્રોફેસર છે.. સીધા અગિયાર વાગ્યે તેની કોલેજે જઈને તેને મળ્યા અને તમારા લગ્ન વિશે કહ્યું.. તે તો બહુ ખુશ થયો.. અને હા કહી દીધી… પછી આ બધું જ તારી ભાભીએ કર્યું છે..!”

લાવ્યએ કહેલી વાત સાંભળી લાક્ષિણી ફરી લિપિને ભેટી પડી.. લિપિએ પણ પછી તો લાક્ષિણી-લિખિતના લગ્ન કરાવ્યા. આ વખતે છેડાછેડી તેણે બાંધી હતી… જાણે ઋણ ઉતારતી હોય તેમ હેતભરી નજરે પોતાની વહાલી નણંદને નીરખી રહી…!!

તે દિવસે બે સખી, બે બહેનો અને બે સ્ત્રીઓનો અનોખો મિલાપ થયો હતો…! લબ્ધનો હાથ પકડી લાક્ષિણી પોતાના ભાઈના ઘરે આવી… ફરીથી ત્યાંથી પોતાના સાસરે, લિખિતના ઘરે વિદાય થવા…!!

લેખક : આયુષી સેલાણી

મિત્રો શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી