“સફેદ સદરો” – એક નાના બાળકનો તેના દાદા પ્રત્યેનો પ્રેમ.. ખુબ સુંદર વાર્તા..

અમાસનો તે દિવસ હતો ને ચંદ્રએ રીસામણા લીધા હતા.. તે દિવસે અગાસીમાં વ્રજદ અને વર્દય બેસીને તારલાઓ જોઈ રહ્યા હતા.. દસ વર્ષનો વર્દય હવે તારાઓને અને બ્રહ્માંડને સમજવા લાગ્યો હતો.. ભણવામાં આવતા અમુક શબ્દો તેને હવે ઉત્સુકતા પ્રદાન કરતા.. પપ્પા તેના ફ્રેન્ડ જ હતા.. આમ તો તેને હજુ એક વર્ષ પહેલા સુધી મૃત્યુ શું ને જીવન શું એની ગતાગમ પણ ના હતી.. પરંતુ જ્યારથી તેના દાદાનું મૃત્યુ થયું હતું ત્યારથી તે બહુ ધીરગંભીર બની ગયો હતો.. દસ વર્ષની ઉંમરે જાણે બ્રહ્માંડના સઘળા તાગ મેળવવા માગતો હોય તેમ તેના મગજમાં જાતજાતના પ્રશ્નો ઉદભવતા.. એમાંય જયારે ખબર પડી કે મૃત્યુ બાદ માણસ તારો બની જાય છે, ત્યારે તેને વધારે કુતુહલ થયું હતું ને બસ તે જ તારામાં પોતાના દાદાને શોધવા તે અહીં અગાશી પર આવેલો. વાતો કરતા કરતા ને આકાશમાં ચમકતા તારલાઓને જોઈને નાનકડા વર્દયે તેના પપ્પાને પૂછ્યું,

“તો પપ્પા મારા દાદા પણ આ તારામાં જ છે??”

દીકરાનો નિર્દોષ સવાલ સાંભળી વ્રજદના ચહેરા પર મુસ્કાન અને આંખોમાં વિષાદ છવાઈ ગયો..! પોતાના પિતાજીને યાદ કરતા, હસતું મોઢું રાખીને દીકરાએ પૂછેલા સવાલનો જવાબ આપતા કહ્યું,

“હા મારા દીકરા.. દાદા પણ આ તારામાં જ છે…! તને જોવે પણ છે અત્યારે…!”

પપ્પાનો જવાબ સાંભળી વર્દયના બાળમાનસમાં વિચાર આવ્યો અને તે વિચારને પ્રશ્નરૂપે વ્યક્ત કરીને વર્દય બોલ્યો…

“પણ પપ્પા આ તારો તો અહીંથી સહેજ બ્લુ બ્લુ દેખાય છે.. દાદા તો સફેદ સદરો પહેરતા ને?? તો તારો પણ સફેદ લાગવો જોઈએ..!”

એટલે તમે ખોટું કહો છો.. મારા દાદા નથી આ તારામાં..

જાવ કિટ્ટા તમારી..!”

કહીને વર્દય મોં બગાડીને પોતાના ઓરડામાં ચાલ્યો ગયો.. ને વ્રજદ પોતાના અતીતમાં.

પોતે સાત વર્ષનો હતો ત્યારે માતાનું ટીબીના કારણે અવસાન થયેલું. એ પછી લોકોના કહેવાથી અને પોતાને એક માઁ મળે તે હેતુથી વ્રજદના પિતા વનરાજભાઈએ બીજા લગ્ન કરેલા. વ્રજદને લાગયું કે તેની સાવકી માઁ સીરિયલમાં બતાવે તેના જેવી ક્રૂર તો જરાય નથી. ઉલટાની એ તો સગી માઁથીયે વધુ વહાલ કરતી પોતાને.. પણ કુદરતને જાણે પોતે માની મમતા માણે કે પછી પિતાજીને પત્નીનો પ્રેમ મળે તે મંજુર જ નહોતું. લગ્નના બીજા જ વર્ષે ગર્ભવતી સાવકી માઁ પણ એક અકસ્માતમાં મૃત્યુ પામી. આ વખતે વનરાજભાઈને બેવડો આઘાત લાગ્યો હતો.. પહેલી પત્નીના મૃત્યુ પછી જેમતેમ કરીને જીવેલા વનરાજભાઈ બીજી પત્નીના મૃત્યુ પછી સાવ ખલાસ થઇ ગયા.. મગજથી અને હૃદયથી પણ…! બીજી પત્નીનું સોળમું પત્યું એ પછી તેઓએ એક નિયમ લઇ લીધો.. હંમેશ સફેદ કપડાં પહેરવાનો. સફેદ રંગ વિરહને સમજતો હતો, સાધનાનો રંગ હતો તેવું તેમને લાગતું.. પાંત્રીસ વર્ષની ઉંમરે પાંસઠના થઇ ગયા હોય તેમ તેમનો ચહેરો વિલાઈ ગયો અને જીવતર દોજખ થઇ ગયું.. કરિયાણાની દુકાને નામ પૂરતા જ જતા વનરાજભાઈએ હંમેશ માટે સદરો પહેરવાનું વિચારી લીધું. સફેદ સદરો અને સફેદ લેંઘો હવે જાણે તેમની ઓળખાણ બની ગઈ હતી.

ધીમે ધીમે વ્રજદ મોટો થતો ગયો.. બાવીસ વર્ષે એન્જીનીયરીંગ કર્યા બાદ તેણે પોતાની સાથે ભણતી વન્ધીક્ષા સાથે લગ્ન કર્યા અને પોતાનો સંસાર માંડ્યો..

શરૂઆતમાં તો બધું ઠીક હતું પરંતુ સમય જતા, પૈસા વધારે આવતા ગયા તેમ વ્રજદ પણ મોડર્ન થતો ગયો.. સફેદ સદરો પહેરીને બધે આવતા તેના પિતાજી હવે તેને જુનવાણી લાગતા હતા. કોઈ પ્રસંગ હોય કે હરખના બીજા કોઈ ઉત્સવ…!!! વનરાજભાઈ હંમેશ સફેદ સદરામાં સજ્જ રહેતા.. વ્રજદ તેમને ઘણી વખત બીજા કપડાં પહેરવા કહેતો પરંતુ વનરાજભાઈ એકના બે ના થાય.. વન્ધીક્ષાને પણ લાગતું હતું કે આવું વેદિયાપણું હવે સસરાજીએ ના રાખવું જોઈએ.. ક્યારેક તેના ઘરે તેની બહેનપણીઓ આવે તો તે સસરાજી સાથે તેમની ઓળખાણ કરાવાનું પણ ટાળતી..

બે વર્ષ બાદ વર્દયનો જન્મ થયો..

વનરાજભાઈ હવે જાણે જીવવા ખાતર જીવતા હોય તેમ શ્વાશ લેતા હતા.. વર્દય સાથે તેઓ હંમેશા વાતો કરતા ને મસ્તીમજા કરતા.. બસ તેટલો સમય તેઓ ખુશ રહે.. દસ વર્ષનો વર્દય તેમની સાથે રહીને, તેમના સંસ્કાર મેળવીને મોટો જ થયો હતો… વર્દયને દાદાનો એ સફેદ સદરો બહુ ગમતો.. તેને હંમેશા થાય કે દાદા કેમ આ સફેદ સદરો જ પહેરી રાખે છે..!
પરંતુ ક્યારેય તે વિશે પૂછતો નહિ.. સફેદ સદરાના કારણે ઘણી વખત મમી-પપ્પાનું મોઢું બગડી જતા પણ તેણે જોયું હતું..

એક દિવસ વનરાજભાઈ ક્યાંક પ્રસંગમાં જવા માટે તૈયાર થઇ રહ્યા હતા.. એ જ સદરો ને એ જ લેંઘો. તે દિવસે વ્રજદને બહુ ગુસ્સો આવેલો હતો.. પ્રસંગ આમ તો વનરાજભાઈના જ એક મિત્રનો હતો પરંતુ વ્રજદ નહોતો ઈચ્છતો કે પપ્પા તે સફેદ સદરો પહેરીને આટલા બધા લોકો વચ્ચે આવે… ઘણી માથાકૂટના અંતે વનરાજભાઈ પાત્રીંસ વર્ષે પહેલી વખત શર્ટ-પેન્ટ પહેર્યા..

તે દિવસે પ્રસંગ તો હેમખેમ પતી ગયો પરંતુ વનરાજભાઈના મગજમાં એક તણખો રહી ગયો.. એ દિવસે રાત્રે વનરાજભાઈ સુતા અને બીજા દિવસે સવારે જાગ્યા જ નહિ.. વ્રજદ પપ્પાના મૃત્યુ પર અનહદ રડેલો.. તેમનું મન મારીને, પોતાની ખુશી માટે તેઓએ જે કર્યું હતું તેની સામે પોતે પપ્પાને સખ્ત દુઃખ આપ્યું..

આજે બે મહિના પછી અચાનક વર્દયના સવાલ તેને તે બધી જ વાતો યાદ કરાવી દીધી.. વ્રજદ રિસાઈને ચાલ્યા ગયેલા દીકરાને મનાવવા તેની પાછળ તેના ઓરડામાં પહોંચ્યો અને અદંરનું દ્રશ્ય જોયું તો ચોંકી ગયો…

પપ્પાનો સફેદ સદરો પહેરીને અરીસામાં જોઈ રહેલો વર્દય બિલકુલ વનરાજભાઈ જેવો લાગતો હતો… તેના ગોઠણથી પણ નીચે પહોંચતો સદરો એમ તો તેના પર અવ્યવસ્થિત જ લાગતો હતો.. પરંતુ તેના ચહેરા પણ જાણે એક તેજ હતું.. એક ચમક હતી અને એક વિશ્વાસ હતો.. પાપા પોતાને આ સફેદ સદરો બદલવાનું નહિ કહે તેવો વિશ્વાસ..!

“પપ્પા, આ જુઓ તો મસ્ત લાગે છે ને.. બિલકુલ દાદા જેવો જ લાગુ છું ને હું..??

હેં પપ્પા મારા દાદા પાછા આવી જાય તો કેવું સારું થાય નહિં..?!”

નાનકડા દીકરાની નિરદોષ વાત સાંભળીને વ્રજદને તેના ઉપર વહાલ આવી ગયું.. કદાચ બાળપણથી દાદા સાથે રહેલા વર્દયનો એ પ્રેમ હતો..

તે રાતે વન્ધીક્ષા સાથે કંઈક નક્કી કરીને તે બે મહિને પહેલી વખત સુખેથી સૂતો.. સંતોષની એ ઊંઘ હતી..

બીજા દિવસે તે વહેલો જાગી ગયો.. વન્ધીક્ષાએ પણ જાગીને વર્દયને તૈયાર કરી દીધો હતો.. ત્રણેય જણા ગાડી લઈને બહાર નીકળ્યા…

“આશ્રય વૃધાશ્રમ” ના આંગણે ગાડી પાર્ક કરીને વ્રજદ અંદર પહોંચ્યો.. હાથમાં રહેલા મસમોટા થેલાની વસ્તુઓ તે ઓફિસમાં રહેલા કર્મચારી સાથે વાત કરીને દરેક વૃદ્ધને વહેંચી દીધી..

હજુ તો તેઓ બહાર બેઠા જ હતા કે અચાનક વર્દય બોલી ઉઠ્યો,

“પપ્પા આટલા બધા દાદા… મારા દાદા પાછા આવી ગયા… એક નહિ આટલા બધા દાદા આવી ગયા…!”

સામેથી આવતા સદરામાં સજ્જ વૃધોને જોઈને વ્રજદ પણ પ્રફુલ્લિત થઇ ગયો..! દરેક વૃદ્ધને સફેદ સદરો અને લેંઘો આપીને વ્રજદે જાણે પોતાના પિતાજીને પાછા મેળવ્યા હતા..!

તે રાત્રે આકાશમાં રહેલા એક મોટા સફેદ તારાને જોઈને વર્દયે કહેલું કે,

“મારા દાદા કેવા ખુશ છે..!”

ને વ્રજદની આંખમાંથી આંસુઓ સરી પડ્યા.. કદાચ આ વખતે તે આનંદના અશ્રુ હતા..!

લેખક : આયુષી સેલાણી

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી