“કદરૂપી”- વાર્તા વાંચો અને શેર કરો… આયુષી સેલાણીની કલમે લખાયેલ વાર્તા…

“આ જુઓને મોમ… મને કેટલું મોટું પિમ્પલ થયું છે.. એક તો કાલે મારે ફ્રેન્ડની પાર્ટીમાં જવાનું છે. અને એમાં તમે મને ત્યાં આવવા માટે ફોર્સ નહિ કરો પ્લીઝ હા..!”

સ્વૈરાગી તેના મમીને સવારના પહોરમાં કહી રહી હતી. બારમા ધોરણમાં અભ્યાસ કરતી સ્વૈરાગીના પિતા શહેરના પ્રખ્યાત વકીલ હતા. તેના માઁ-બાપની તે એકની એક દીકરી હતી એટલે બાળપણથી તેને બધાએ ખુબ લાડ લડાવેલા. તે જે માંગે તે હાજર થઇ જતું।. તેને ગમતું તેવું જ તેના ઘરમાં થતું।. પપ્પાંથી નાના બન્ને ભાઈ એટલે તેના કાકાને પણ બે-બે દીકરા હતા.. અને મામા-માસીને પણ એક-એક દીકરો।. છ ભાઈની એકની એક બહેન એવી સ્વૈરાગીને હંમેશ બધું સમય પહેલા મળી ગયેલું।. બસ આ વહાલ અને પ્રેમની અસરના કારણે જ તે અઢાર વર્ષની થતા જ બેકાબુ બની ગઈ હતી. પોતાની સ્કિન માટે કોન્સિયસ રહેતી સ્વૈરાગીનો મહિનાનો ખર્ચો લગભગ પચાસ હજાર થઇ જતો.. દસ દિવસે તો પાર્લરમાં આઈબ્રો કરાવવા પહોંચી જતી.. હાથમાં કોઈ રુવાંટી ના હોય તો પણ સ્પેશિયલ ચોકલેટ વેક્સ કરાવતી।. ફેસિયલ ને મેનિક્યોર ને પેડિક્યોર તો ખરા જ.. એ સિવાય જાતજાતની મેકઅપ પ્રોડક્ટ્સ, હેર ટ્રિટમેન્ટ્સ અને પાર્લરના તેના અગણિત ખર્ચ હતા..!

આવતીકાલે તેમના કુળદેવીને ત્યાં જમણવાર હતો અને જ્ઞાતિના સન્માનીય અને ખજાનચી હોવાને કારણે સ્વૈરાગીના પિતાને કુટુંબ સાથે ચીફ ગેસ્ટ તરીકે ત્યાં જવાનું હતુ. પરંતુ પોતાના ફેસ પર નીકળી આવેલા પિમ્પલને જોઈને સ્વૈરાગીને જવાની જરા પણ ઈચ્છા ના હતી.. પિમ્પલ વાળું મોઢું લઈને ત્યાં જાય તો પોતાના ફોટોઝ ખરાબ આવે ને ત્યાં હાજર લોકો પોતાના વિશે શું વિચારે।..

“બેટા, તું વાતને સમજવાની કોશિશ તો કર. આપણને જવાનું સપરિવાર આમંત્રણ મળ્યું છે. તું નહિ આવે તો બધાને ખરાબ લાગશે. આવી નાની અમથી પિમ્પલ જેવી વાતને લઈને તું બહાનું કર એ ના ચાલે..”

તેના મ્મીએ તેને સમજાવતા કહ્યું।.

“મોમ પ્લીઝ. નો મિન્સનો…! મને એક તો ત્યાં નાના ગામડામાં ગમતું પણ નથી અને ઉપરથી મારા પિમ્પલને જો સહેજ પણ બહારની ધૂળ લાગશે તો તે વધી જશે.. એટલે નો પ્લીઝ..!”

સ્વૈરાગીના મમી તેને સમજાવીને થાકી ગયા હતા પરંતુ તે પોતાની વાત પર અડગ હતી. હજુ તે આગળ કંઈ કહેવા જાય તે પહેલા જ સ્વૈરાગીના પપ્પા ત્યાં આવ્યા અને કહ્યું,

“દીકરા… તમારે આવવાનું છે. નો મોર આર્ગ્યુમેન્ટ્સ ઓન ધીસ.”

પિતાજીનું વાક્ય એટલે બ્રહ્મવાક્ય એ સ્વૈરાગી જાણતી હતી. મમીને તો તે વાતે વાતે ઉતારી પાડતી પણ પપ્પા પાસેથી તો પૈસા લેવાના હોય.. એમની વાત ના માને એ તો કેમ ચાલે।.!!હંમેશાથી સ્વૈરાગી તેના મમીને તે ક્યારેય ના ગણકારતી। જાણે હંમેશા તેનું અહિત ઇચ્છતા હોય તેમ તેમની સાથે આર્ગ્યુમેન્ટ્સ કરતી।. . પણ અત્યારે પપ્પાનો મિજાજ જોઈ અને તેમની વાત સાંભળી નાછૂટકે સ્વૈરાગી જવા માટે તૈયાર થઇ.

બીજા દિવસની સવારે સ્વૈરાગીને છ વાગ્યામાં જાગવું પડ્યું. તેમના કુળદેવીનું ગામ ઝાંઝરી અમદાવાદથી એશી કિલોમીટર આવેલું હતું. સવારના નવ વાગ્યાનો જમણવાર હોવાથી સાત વાગ્યે તો નીકળવું પડે તેમ હતું. હંમેશા સવારે છ વાગ્યે ઘરે આવતી સ્વૈરાગીને આજે છ વાગ્યામાં તૈયાર થઇ જવું પડ્યુ.. આ બધા માટે તે પોતાની માઁને જવાબદાર સમજી રહી હતી. મેકઅપનો લપેડો કરી ગોઠણથી ઊંચું વન પીસ પહેરી સ્વૈરાગી તૈયાર થઇ. નાનપણથી જ તે હંમેશા ટૂંકા કપડાં પહેરતી એટલે અત્યારે પણ તેણે પોતાના એવા જ ફેન્સી કપડાં પહેર્યા..

ઝાંઝરી બહુ નાનું ગામ હતું. માંડ પાંચેક હજાર જેટલી વસતી ધરાવતા આ ગામમાં તેમના કુળદેવી હતા.. ગામને પાદર વહેતી નદીને કિનારે કુળદેવીની સ્થાપના હતી. અને જમણવાર પણ નદીના તે પટમાં જ રાખવામાં આવેલો.. આજુબાજુના સાત-આઠ ગામથી દસેક હજાર જેટલું માણસ જમવા આવેલું.

તે લોકો નવ વાગ્યે તે પહોંચ્યા અને સ્વૈરાગીના પિતાજી શ્રીકાંતભાઈએ માતાજીની આરતી કરી અને પૂજાવિધિ તથા હવન સંપન્ન કર્યા. તે બધા જ સમય દરમિયાન સ્વૈરાગી મોઢે દુપટ્ટો બાંધીને છાયામાં, આગળ બાંધેલા માંડવા નીચે બેસી રહેલી. શ્રીકાંતભાઈ પૂજનમાં વ્યસ્ત હોવાના કારણે સ્વૈરાગીને માતાજીથી દૂર બેસીને પોતાના ચહેરાને બચાવાનો ચાન્સ મળી ગયેલો. પૂજન સમાપ્ત થતા જ પછી સ્થાપન પાસે આવેલી નદીમાં નહાવાનો રિવાજ હતો. દર વર્ષે શ્રીકાંતભાઈની નાતના દરેક સદસ્ય તેમાં નાહીને માતાજીને અર્ધ્ય આપતા.. દૂર બેઠેલી સ્વૈરાગી પર શ્રીકાંતભાઈની નજર પડતા જ તે ત્યાં ગયા અને કહ્યું,

“ચલો દીકરા.. નદીમાં નહાવાનો રિવાજ તમારે પૂરો કરવાનો છે.. આપણા કુટુંબના દરેક સદસ્ય જે આ નદીમાં નહાય છે તેને માતાજીના આશીર્વાદ મળે છે. ચાલો તમે પણ કપડાં બદલાવીને આવી જાવ.”

પિતાજીની વાત સાંભળી સ્વૈરાગી ચોંકી ગઈ. આવું તો કંઈ કયારેય સાંભળ્યું નહોતું. અચાનક નહાવાની વાત ક્યાંથી આવી..

તેણે પોતાના પિતાને કહ્યું,

“ડેડ કમ ઓન.. આ રીતે આવા ગંદા પાણીમાં હું નહાવા નહિ આવું. ઈન ફેક્ટ મારા ફેસ પર પિમ્પલ થયું છે. આ પાણી ટચ થાય તો એ વધારે મોટું થઇ જશે. હું મારી સ્કિન સાથે કોઈ કૉંપ્રોમાઈઝ નહિ કરું.”

તેના પિતાજી તે સાંભળીને હજુ કઈ બોલે ત્યાંજ પાછળથી અવાજ આવ્યો..

“ઍય હાલો.. છબછબિયાં કરવા. આ મજાના પાણીમાં નહાવા.. કેવી મજા આવે છે… ભાઈ જિંદગી તો અહીં જ છે. આ પાણીમાં નહાઈને સ્વર્ગની અનુભૂતિ થાય છે..”

સ્વૈરાગી અને શ્રીકાંતભાઈએ પાછળ જોયું તો એક લઘરવઘર કપડાં પહેરેલી, અવ્યવસ્થિત વાળ ઓળેલી અને જેના આખા ચહેરા પર લાલ-સફેદ ચકામાં અને ડાઘા હતા તેવી યુવતી આ વાક્યો બોલી રહી હતી..

શ્રીકાંતભાઈએ ત્યાં હાજર રહેલી વ્યક્તિને પૂછ્યું તો તેણે કહ્યું કે,

“એ છોકરી એક સમયની હિરોઈન હતી.. હંમેશા પોતાના ફિલ્મ થકી ચાહકોની ચાહના મેળવનારી તે છોકરીને અચાનક એક દિવસ ચહેરા પર કંઈક નીકળી આવ્યું.. ચાર-પાંચ દિવસ સુધી પણ તે ના જતા તેણે તપાસ કરાવી અને તેને સોરાયસીસ હોવાનું માલુમ પડ્યું. અચાનક જ તેને ફિલ્મ્સ મળતી બન્ધ થઇ ગઈ અને તેનો ચાહક વર્ગ ક્યાંય ગાયબ થઇ ગયો. જે તેની પર મરતા હતા તે જ લોકો તેને બદસુરત અને કદરુપીના નામે સંબોધવા લાગ્યા.. ક્યાંય તેનું માન ના રહ્યું અને તે ઈન્ડસ્ટ્રીમાંથી ફેંકાઈ ગઈ.. બસ ત્યારથી અહીં ઝાંઝરીમાં આવીને રહે છે. એક સમયે એક ફોડકી નીકળતા પણ ડરવા વાળી આ છોકરી આજે આવા ચહેરા સાથે સુખની જિંદગી જીવે છે. લોકોના ઘરે કામ કરે છે અને પૈસા કમાય છે. “

તે ભાઈની વાત સાંભળી સ્વૈરાગીને કંઈક ખુંચ્યુ.. જે પાણીથી તે પિમ્પલના નામે ડરી રહી હતી તે જ પાણીમાં પિમ્પલથી પણ ભયાનક રોગ ધરાવતી એક છોકરી જિંદગીની મજા લઇ રહી હતી. પોતાના ચહેરાની ચિંતા છોડીને, સઘળું ભૂલીને મનની ખુબસુરતી માણી રહી હતી. કઇ જ વિચાર્યા વગર સ્વૈરાગી દોડી અને તેણે તે ઠંડા પાણીમાં કૂદકો લગાવ્યો.. એ બેફકરાઈનો કૂદકો હતો.. મનના વિશ્વાસનો અને દિલની સુંદરતાનો કૂદકો હતો. એક નાનકડું પિમ્પલ તે દિવસે તેને ઘણું શીખડાવી ગયું.. જીવતા શીખડાવી ગયું..

તે દિવસ પછીથી દર અઠવાડિયે ત્રણ વખત સ્વૈરાગી ચહેરાના કોઈ પણ રોગથી પીડાતા દર્દીઓને મળવા જવા લાગી.. તેમની સાથે બેસીને તેમને હસાવવાના, તેમજ જીવાડવાના પ્રયત્નો કરતી.. અને હા એ જતી તો મેકઅપ કર્યા વગર જ….!!!!!

લેખક : આયુષી સેલાણી

શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી