જેઠાણીજી જરા ધીરા ખમો – દરેક મહિલાએ ખાસ વાંચવી આ વાર્તા અને સમજો… અને ધ્યાન રાખજો…

“જેઠાણીજી જરા ધીરા ખમો”

“અરે ભૈસાબ અમારે નાની વહુ એટલા ધીરા છે કે વાત ના પૂછો.. તમે વળી ક્યાં એને લોટ લાવવાનું કહ્યું.. એ તો કલાક કરશે બાપા..! એના કરતા મારી મોટી વહુને હું કહું છું….!! એ હમણાં ફ્ટાકે આવશે..!! તમે બેસો મીરાબહેન..!”

સુમિત્રાબહેને તેમની બાજુમાં રહેતા મીરાબહેનને સંબોધીને કહ્યું.. ને તરત કાવ્યાન્શીને લોટ લાવવા મોકલી..!!

સુમિત્રાબહેન અને કૌશિકભાઈને બે દીકરા.. કલશ અને કર્તવ્ય.. કૌશીકભાઈને માર્કેટિંગ યાર્ડમાં અનાજનું મોટું કામકાજ હતું.. પૈસેટકે સુખી કૌશિકભાઈ ભગવાનના ઘરના માણસ અને સામે એમના ધર્મપત્ની સુમિત્રાબહેન એટલા જ જબરા.. તેમના સમાજમાં લોકો તેમની હોશિયારી અને જબરાઈ માટે તેમને બહુ વખોડતા.. પણ સુમિત્રાબહેન પોતાના પતિના પૈસાના જોરે જાતજાતના દાન-ધર્મ કરી બધાને ચુપ કરી દેતા. પહેલા દીકરા ક્લશનો જન્મ થયો ત્યારે તેઓએ પોતાના આખા ગામને જમાડ્યું હતું. એ પછી બીજી દીકરીનો જન્મ થયો ને એ તરત જ કમળો થવાને લીધે મૃત્યુ પામી. ને પછી બીજા ત્રણ વર્ષ પછી કર્તવ્યનો જન્મ થયો… નાનપણથી કલશ અને કર્તવ્ય સંપીને રહેતા.. કોઈ જ બાબતમાં એકબીજાની ઈર્ષ્યા કે વેરઝેર ક્યારેય ના કરતા.. તેમને લોકો રામ-લક્ષ્મણની જોડી કહેતા.. સુમિત્રાબહેન તેમના સમાજમાં વાતો કરતા કે તેઓ બન્ને દીકરાની એવી વહુ શોધશે કે બધા જોતા રહી જાય.. કૌશિકભાઈ ક્યારેય સુમીત્રાબહેનના વ્યવહારમાં વચ્ચે નાં આવતા.. બન્ને દીકરાઓએ એન્જીનીયરીંગ જ કર્યું હતું અને ત્યારબાદ તેમના પિતાએ બંનેને અલગ ધંધો કરી આપ્યો હતો.. સુમીત્રાબહેનને તેઓ નોકરી કરે એ પસંદ નહોતું અને તેથી જ તેઓએ કૌશીક્ભાઈને બંને માટે અલગ ઓફીસ કરી આપવા દબાણ કર્યું હતું.. એક વાર તે બંનેની ઓફીસ થઇ એ પછી સુમિત્રાબહેને બંને માટે છોકરી શોધવાનું શરુ કર્યું.. આમ તો તેઓ અત્યંત અભિમાની એટલે દીકરી લેવાની હોવા છતાય સામેથી જવાનું તેમને ના પોસાય. પરંતુ મોટી વહુને નોતરવા તેમને સામેથી જવું પડ્યું…

એમાં થયું એવું કે કાવ્યાન્શીને તેઓ સમાજના એક મેળાવડામાં મળ્યા હતા.. તે સમયે તે ઓરેગેનાઈઝીંગ કમિટીમાં હતી એટલે તેણે જ બધું મેનેજ કરેલું. એ મેળાવડાની વ્યવસ્થા અને કાવ્યાન્શીથી સુમિત્રાબહેન ખુબ જ પ્રભાવિત થયેલા.. દેખાવે પણ સુંદર, અપ્સરાનેય આંટી મારે તેવી અને સંસ્કારી એવી કાવ્યાંશી તેમને કલશ માટે મનમાં વસી ગઈ..બીજા જ દિવસે કાવ્યાન્શીના પરિવાર વિશે બધી તપાસ કરીને તેઓએ કાવ્યાનશીના પિતા સોહમભાઈને ફોન કર્યો અને મળવાનું ગોઠવ્યું..

કાવ્યાંશી તેના પિતાની એકની એક દીકરી. સોહમભાઈ એક સરકારી શાળામાં અધ્યાપક હતા અને કાવ્યાંશી આર્ટ્સમાં બેચલર કરીને એક કોલેજમાં લાઈબ્રેરીયન તરીકે જોડાઈ હતી.. એ ઉપરાંત તે તેના સમાજની કમિટીમાં લીડર પણ હતી.. તે દિવસે રવિવાર હતો.. સુમિત્રાબહેન, કૌશિકભાઈ, કલશ તેમજ કર્તવ્ય કાવ્યાન્શીના ઘરે પાંચ વાગ્યે પહોચ્યા.. શરૂઆતમાં થોડી વાતચીત અને એકબીજાના કુટુંબની ઓળખ બાદ કલશ અને કાવ્યાંશી એકલા મળ્યા.. સુમીત્રબહેનને તો કાવ્યાન્શીને મળીને જ ખબર પડી ગયેલી કે દરેક કામમાં પરફેક્ટ છે તેમજ કામ કરવામાં પણ તેનો ફટાકો છે. તેનામાં દરેક વસ્તુને સમજવાની અને પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શોધવાની પણ આવડત છે.. હા થોડી ઉતાવળી ખરી.. પણ એ તો લાભદાયી વાત હતી..!!! સુમીત્રાબહેનને ખાતરી થઇ ગઈ કે તેમના પરિવાર માટે કાવ્યાન્શીથી વિશેષ વહુ મળી જ નાં શકે..!! હા તેઓ આર્થિક રીતે તેમના પરિવાર કરતા ઘણા ઉતરતા હતા પરંતુ એ બાબતને અવગણીને તેઓએ ફક્ત કાવ્યાનશીના ગુણોને જ વખાણ્યા..

ને પછી તો કાવ્યાંશી અને કલશને એકબીજા પસંદ આવી ગયા ને તરત જ તેમના લગ્ન લેવાયા.. અને ત્રણ જ મહિનામાં કાવ્યાંશી કલશની પત્ની બનીને આવી ગઈ. એ પછી સુમિત્રાબહેને બધું જ કાવ્યાન્શીના હાથમાં સોપી દીધું.. હંમેશથી પોતાનું જ ધાર્યું કરવા વાળા સુમિત્રાબહેન હવે બધું તેમની મોટી વહુ કાવ્યાન્શીને પૂછી પૂછીને જ કરતા.. ત્યાં સુધી કે સવારે અને રાતે જમવાનું શું બનાવવું, દૂધ ગરમ કરવા કઈ તપેલી લેવી કે પછી પ્લેટફોર્મ ક્યાં કપડાથી સાફ કરવું એ પણ હવે તેઓ કાવ્યાન્શીને પૂછીને કરતા.. આ બધા બદલાવનું કારણ તેમને જે કાવ્યાંશી માટે અભિમાન હતું તેનું પરિણામ હતું. તેમને હતું કે કાવ્યાંશીએ તેમના પરિવારને ચાર ચાંદ લગાડી દીધા છે.. તેની સુંદરતા અને ચતુરાઈ વડે..!! કાવ્યાંશી આમ તો બહુ ડાહી હતી પરંતુ તેની એક આદત હતી.. જે હતી તેનો ઉતાવળિયો સ્વભાવ.. તે હમેશા કોઈને કોઈ કામમાં રોકાયેલી જ હોય.. અને તેને બધું જ જલ્દીથી કરવાની આદત..!!

 

“કાવ્યા, આજે કર્તવ્યને તારું કંઇક કામ હતું સવારે.. જરા એને મળી લેજે ને.. એ તને શોધતો હતો..!!”

એક દિવસ રાતના ઓફિસથી ઘરે આવીને કલશે કાવ્યાન્શીને સંબોધીને કહ્યું.

“અરે હા એ મને પરમ દિવસે કંઇક કહેતા હતા પણ પછી મમ્મીએ મને કામ માટે બોલાવી એમાં વાત અધુરી રહી ગયેલી.. ને એ દિવસ પછી અમે મળ્યા જ નહિ. ગઈકાલે એ આવ્યા ત્યારે હું સુઈ ગયેલી ને સવારે કામથી બહાર ગઈ હતી.. ચાલોને આજે રાતના જ કર્તવ્યભાઈને મળી લઈશ..” કહેતા કાવ્યાંશી તેના ઓરડામાંથી બહાર નીકળીને કર્તવ્યના ઓરડામાં ગઈ..

કર્તવ્ય ત્યારે કોઈ પુસ્તક વાંચતો હતો. કાવ્યાંશી ઉતાવળે પગલે અંદર આવી અને તેણે સાદ દેતા બોલી,

“કર્ત્વ્યભાઈ કલશ કહેતા હતા કે તમારે મને કંઇક કહેવું હતું.. તો બોલો શું કામ હતું?? મારે પછી તમારા બેડરૂમની ચાદર લઈને જવાનું છે.. પલાળી દઉં ને અત્યારે ગરમ પાણીમાં તો સવાર થતા સરસ પલળી જશે. એટલે જરા વાત કહેવામાં ઉતાવળ રાખજો..!!”

“ભાભી હું એમ કહેતો હતો કે… એક છોકરી છે…!!!”

ને કર્તવ્યની વાત અડધેથી કાપીને કાવ્યાંશી જરા ઉકળીને બોલી,

“હાય હાય.. પ્રેમ કર્યો તમે?? અરરર… હે માં મમીને ખબર પડશે તો શું હાલત થશે તમારી? કોણ છે છોકરી?? કઈ નાતની છે?? કેવી દેખાય છે??”

“અરે અરે ભાભી શાંત થાવ.. બધા સવાલના જવાબ આપું છું તમારા.. એ જ કહેવા તો તમને બોલાવ્યા છે.. આખી વાત તો સાંભળો તમે મારી..!!” ને કાવ્યાંશી કર્તવ્યની સામે જોઇને જરા મલકાઈ…

પોતાની વાત આગળ વધારતા કર્તવ્ય બોલ્યો,

“ભાભી એનું નામ કર્તવી છે. ફેશન ડીઝાઇનિંગ કર્યું છે. તેના માસ અને માસી સાથે રહે છે.. તેના મમી-પપ્પા તે નાની હતી ત્યારે એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા પછી તે તેના માસા અને માસી પાસે રહીને જ મોટી થઇ છે.. મને ખુબ જ પ્રેમ કરે છે. અમે બન્ને એક કોમન ફ્રેન્ડ થ્રુ મળ્યા હતા.. અને હા મેઈન વાત.. એ આપણી જેમ જ વૈષ્ણવ છે અને તેની નાત પણ આપણી જેમ વાણીયાની જ છે.. એ કોઈ જ વાંધો નથી.. બસ મારી ઈચ્છા છે કે તમે મમીને કોઈ પણ રીતે તૈયાર કરો અમારા લગ્ન માટે.. કેમક ભલે બધું સારું હશે તો પણ લવ મેરેજનું નામ સાંભળીને મમી કદાચ ગુસ્સો કરે.. એટલે હવે તમારે જ કંઇક કરવાનું છે..”

કાવ્યાન્શીએ તરત જ જઈને કર્તવ્યના કાન ખેચ્યા.. અને હસતા હસતા તેને ટાપલી પણ મારી દીધી..

“કર્ત્વ્યભાઈ તમે તો છુપારુસ્તમ નીકળ્યા હો.. પ્રેમ કરી લીધો ને અમને જાણ પણ ના કરી.. વાહ ભાઈ વાહ.. પણ ચાલો કઈ વાંધો નહિ.. હું તમારા જેવી નહિ થાવ. આપણે નાત એક જ છે એ બહુ મોટો ફાયદો છે ને એટલે જ વાત હું અરેંજ મેરેજની જેમ જ ચલાવીશ અને મમીને કહીશ કે મારા કુટુંબ તરફથી વાત આવી છે.. ચિંતા ના કરો આપણે કોઈને ખબર નહિ પડવા દઈએ.” કાવ્યન્શીની વાત સાંભળીને કર્તવ્યને હાશ થઇ..

બીજા દિવસથી શરુ થઈ કાવ્યાન્શીની રમત.. વાતવાતમાં તે કર્તવ્યને પરણાવાની અને તેના લગ્ન કરાવાની પૂર્વભૂમિકા બાંધતી રહી.. ને આખરે દસેક દિવસ પછી તેણે કર્તવી સાથે અને તેના માસા-માસી સાથે સુમિત્રાબહેન અને કૌશીકભાઈને મળાવી દીધા.

ચાર-પાંચ મુલાકાતોમાં બધું નક્કી થયું અને છ મહિનામાં કર્તવ્ય અને કર્ત્વીના લગ્ન પણ થઇ ગયા..

જે દિવસે ઘરમાં કર્તવી વહુ બનીને આવી એ દિવસે સુમિત્રાબહેને વિચાર્યું કે હવે તેઓને કોઈ વાતની ખોટ નહી પડે.. પોતાનું બધું જ બંને વહુઓને સોંપીને તેઓ શાંતિથી પોતાના બંગલામાં મહાલશે..

અને થયું પણ એમ જ.. કાવ્યાંશી ધીમે ધીમે કર્તવીને તેના સાસરાના નિયમો અનુસાર ઢાળતી ગઈ.. કર્ત્વીનો સ્વભાવ કાવ્યાંશી જેવો ઉતાવળિયો નહોતો.. પરંતુ તે જે કરતી એ પરફેક્ટ જ હોય..!! કાવ્યાન્શીને આ ખુચી રહ્યું હતું.. ધીમે ધીમે તેને લાગ્યું કે આ તો કર્તવી પોતાની જગ્યા લઇ લેશે.. એટલે તે બધાને એમ કહેતી ગઈ કે કર્તવી સાવ ઢીલી ને ધીરી છે.. તેનું કોઈ કામ સમયસર પૂરું જ નાં થાય.. ને એટલે જ શરૂઆતમાં તો બધું સમુસુતરું ચાલ્યું હતું પરંતુ ધીરે ધીરે મુસ્બીતોએ માથું ઉચક્યું..

સાતમ-આઠમનો સમય હતો એટલે બન્ને વહુઓ સાથે મળીને નાસ્તા બનાવતી હતી.. કાવ્યાંશી તો સ્વભાવે જ ઉતાવળી એટલે તેની દરેક વાતમાં, દરેક બાબતમાં ફટાકો જ હોય.. પરંતુ  કર્તવી જરા કામ કરવામાં ઢીલી હતી.. હા તેનો મતલબ એવો બિલકુલ નહોતો કે કામ ના કરતી કે તેનું કામ વ્યવસ્થિત ના હોય.. પરંતુ તે કઈ પણ કરે સાવ ધીમે ધીમે ગોકળગાયની જેમ કરે.. તે દિવસે બંનેએ સાથે મળીને ફરસી પૂરીનો લોટ બાંધ્યો. તહેવાર હોવાથી ઘરના દરેક નોકરો રજા પર હતા.. બસ એ બંને વહુઓ જ હતી નાસ્તો બનાવામાં.. લોટનો મોટો પિંડો બાંધી કાવ્યાન્શીએ ઉભા થઈને તેલ ગરમ મુક્યું.. તે પુરીઓ તળવા માટે.. તેલ ગરમ થાય એટલી વારમાં તેણે એકબાજુ સક્કરપારાનો લોટ બાંધી લીધો અને કર્ત્વીને પુરીઓ વણવા કહેલું…

કર્ત્વીએ વીસ-પચીસ પુરીઓ વણીને કાવ્યાન્શીને આપી. કાવ્યાન્શીને લાગ્યું હવે વાંધો નહિ આવે.. કર્તવી પુરીઓ વણતી જશે અને પોતે તેને તળતી જશે. કાવ્યાન્શીએ ચાર-પાંચ ઘાણવા તળી લીધા હતા.. તે ઘડી ઘડી કર્ત્વીને હાકલ કરતી હતી કે પુરીઓ લાવ… પરંતુ કર્તવી, “હા જેઠાણીજી” કરીને ચુપ થઇ જતી.. કાવ્યાન્શીનો તો દરેક વાતમાં ફટાકો જ હોય.. તેના હતી એ બધી પુરીઓના ઘાણવા તળાઈ ગયા હતા.. તેલ ઉકળી રહ્યું હતું.. છતાય હજુ સુધી કર્ત્વીએ બાકીની પુરીઓ નહોતી આપી.. કાવ્યાન્શીનો પીતો છટક્યો…

“અલી એય, કલાક કરીશ કે શું??? અહી મારે કેટલી ઉતાવળ છે.. જોતી નથી તેલ ઉકળે છે.. ને તારું કામ હજુયે મંદગતિએ જ ચાલે છે હે??? કેટલી ધીરી છે તું તો બાપ..!!”

કર્ત્વીને જેઠાણીજીનો એ સ્વભાવ જોઈ નવાઈ લાગી.. અચાનક રણચંડી બની ગઈ હોય તેમ કાવ્યાંશી તેના પર ગુસ્સો કરી રહી હતી.. સુમિત્રાબહેન ત્યારે ઘરમાં નહોતા.

“શું થયું ભાભી? જરા વાર તો લાગે ને વ્યવસ્થિત ગોળ પુરીઓ વણવામાં.. કેમ આવું કરો છો..!! બસ આપું જ છું.. જો થઇ ગઈ છે..!!”

કર્ત્વીએ કાવ્યન્શીને શાંતિથી જવાબ આપતા કહ્યું..

“રહેવા દે હવે.. આ તેલ જો ને ઉકળી ઉકળીને કાળું પડી ગયું.. નથી જોઈતી મારે હવે એ પુરીઓ.. કર તું જાતે જ.. મારે બીજા ઘણા કામ પડ્યા છે..”

કહેતા કાવ્યાંશી ત્યાંથી ચાલી ગઈ..

કર્તવીને ખબર જ નાં પડી કે આ થોડી વારમાં અચાનક કાવ્યાન્શીને શું થઇ ગયું..

વિચારમાં વિચારમાં તેણે બધું કામ પતાવ્યું અને રાતનું જમવાનું પણ બનાવ્યું..

રાતના સમયે ઓરડામાં કર્તવી કર્તવ્યને સંબોધીને કહી રહી હતી..

“કર્તવ્ય, આ ભાભીનો સ્વભાવ કેવો છે?? મને તો સમજાતું જ નથી.. બધી વાતમાં ઉતાવળ.. ઉતાવળ ને ઉતાવળ.. તેમના જીવને જરાય શાંતિ નથી હો.. અને વાત વાતમાં મારા પર ગુસ્સે થઇ જાય છે..!!”

“કર્તવી, આપણા લગ્ન એમના જ કારણે શક્ય બન્યા છે.. એટલે એમને કઈ જ કહેવાનો મતલબ નથી.. એ જે ક એમ તારે કરે રાખવાનું..!! પ્લીઝ વધારે કઈ નાં વિચાર.. મને લાગશે જ્યારે બોલવા જેવું, ત્યારે સામેથી જ હું તેમને કહીશ બસ..!!

ને એ રાત્રે વાત ત્યાં જ પૂરી થઇ ગઈ.. હા કર્ત્વીએ એક ગાંઠ ચોક્કસ બાંધી લીધી કે તે ક્યારેય કાવ્યન્શીને કઈ નહિ કહે..!!

પરંતુ કાવ્યાન્શીનો કર્તવી પ્રત્યેનો ત્રાસ વધારે વધી ગયો.. બધી વાતમાં તેને ઉતાવળ હોય જ્યારે કર્ત્વીને એ નાં ફાવતું.. સુમિત્રાબહેન પણ કાવ્યાન્શીના પક્ષે જ રહેતા.. તે બંને વહુઓને રોજ કોઈ ને કોઈ બાબતને લઈને ઝગડવાનું થઇ જતું..

એ નાસ્તા વાળો બનાવ બન્યો એના બે જ દિવસ પછી ફરીથી કંઇક એવું જ થયું ને..

કાવ્યાંશી અને કર્તવી બંને સવારના છ વાગ્યામાં જાગી જાય.. ત્યારબાદ બંને વહુઓ પોતાનું બધું કામ પતાવી, પરવારીને, આઠ વાગ્યે રસોડામાં આવે.. ત્રણેય પુરુષોને જવાનો સમય નવ વાગ્યાનો હોય એટલે આવીને તરત માટલું ભરવું, દૂધ ગરમ કરવું, ને ગરમ નાસ્તો બનાવવો.. આ બધા કામ કાવ્યાંશી સંભાળે.. અને કર્તવી ડાઈનીંગ ટેબલ સરખું કરે.. તેમજ બધું ઊંચું-નીચું કરી લે.. ત્યારબાદ દીવાબતી પણ તે જ કરે.. હવે તે દિવસે કાવ્યાન્શીને એના પપ્પાને મળવા જવાનું હોય તે કંઇક વધારે પડતી ઉતાવળમાં હતી.. આમ તો રોજ તે ઉતાવળમાં જ રહેતી.. પરંતુ તે દિવસે તેના પપ્પાનો જન્મદિવસ હતો એટલે તેને સવારમાં વહેલું જવું હતું.. કારણકે અગિયાર વાગ્યે તો તેના પપ્પા કોલેજ જતા રહે.. તેણે ગરમ નાસ્તો બનાવાનું કર્તવી પર છોડ્યું અને પોતે તૈયાર થવા અંદર ચાલી ગઈ..

હવે તે દિવસે ગરમ નાસ્તામાં ભાખરી બનાવાની હતી.. ઉતાવળી કાવ્યાંશીએ ભાખરીના લોટમાં નિમક નાખવાની જગ્યાએ ખાંડનું બુરું નાખી દીધું. કર્તવીએ તો આવીને ગરમ ગરમ ભાખરી જ ઉતારવાની શરુ કરી.. તેને કઈ ખબર નહોતી..

જ્યારે બધા નાસ્તો કરવા બેઠા ત્યારે બધો વાંક કર્તવી પર આવી ગયો.. તેને પોતાની જેઠાણીનું નીચું નોહ્તું દેખાડવું એટલે બધો વાંક પોતાના માથે લઇ લીધો.. પરંતુ કાવ્યાંશી તો આ બાબતમાં પણ તેને દોષ દેતી રહી.. કે તેણે લોટ ચાખીને ભાખરી બનાવવી જોઈએ..! લોટ કોણ ચાખે..!! પરંતુ દલીલ કરવામાં તો કાવ્યાંશી જરાય ઉતરે એવી નોહતી એટલે તેણે અનઘડ દલીલ જ કરી લીધી.. કર્તવી ચુપચાપ બધાની વાતો સાંભળતી રહી..

બે દિવસ પછી ફરી કપડાની વાતને લઈને કંઇક એવું થયેલું.. કાવ્યાન્શીએ પાણીની ડોલમાં પાવડર રાખીને નળ ચાલુ કર્યો હતો.. ડોલ ભરાઈ ગઈ એ તેને યાદ જ નાં રહ્યું.. એ ઉતાવળી તો ફરી તેના કામમાં લાગી ગઈ.. બીજા કપડાને ધોકા મારવા લાગી.. કર્ત્વીનું ધ્યાન જતા જ તેણે પાણીનો નળ બંધ કર્યો.. બધો પાવડર ઢોળાઈ ગયેલો.. ફીણ પણ નીચે રેલાઈ ગયા હતા.. અચાનક કાવ્યાન્શીએ ત્યાં આવીને જોયું તો તેણે બધું જ કર્તવી પર ઢોળી દીધું.. હમેશની જેમ જ..!!

કર્તવી ધીરે ધીરે કાવ્યાન્શીની કરતુત સમજવા લાગી હતી પરંતુ.. તે કઈ બોલતી નોહતી.. તે એક સુંદર પરિવારને વિખેરવા નહોતી માગતી..!! લગભગ સાત-આઠ મહિના વીતી ગયા..

એક દિવસ કર્ત્વીએ સવારના પહોરમાં સૌને એકઠા કરીને ખુશખબરી આપતા કહ્યું કે “તે માં બનવાની છે..!!” ગઈકાલે રાત્રે જ તે અને કર્તવ્ય રીપોર્ટસ લઇ આવ્યા અને તે રીપોર્ટસ પોઝીટીવ આવ્યા હતા..

કાવ્યાંશી આ વાત સાંભળીને સળગીને રાખ થઇ.. તેના લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા હતા.. છતા હજુ સુધી તે માતૃત્વને નહોતી પામી શકી.. અને કર્તવી તો લગ્નના સવા જ વર્ષમાં સુવાવડી બની ગઈ..

તે દિવસે તો સુમિત્રાબહેન પણ બહુ જ ખુશ હતા.. કૌશિકભાઈએ પણ તેમની વહુને આશીર્વાદ આપ્યા.. કલશ પણ તેના નાના ભાઈની ખુશીમાં દિલથી શામિલ થયો હતો.. એક કાવ્યાંશી જ આ બાબત સહન ના કરી શકી..

તે રાત્રે તે એકલી બેસીને બહુ રડી.. તેણે પણ કલશ પાસે પોતાની ઈચ્છાઓ પ્રગટ કરી.. ને એ રાત તેમના પ્રેમના આવેગમાં ઢળી ગઈ..

સમય પસાર થતો રહ્યો..  કર્ત્વીને પાંચમો મહિનો ચાલતો હતો અને એક દિવસ કાવ્યન્શીએ પણ બધાને ખુશખબરી આપી..

સુમિત્રાબહેન તો આ સાંભળી બહુ ખુશ થયા.. તેમને તો એકસાથે બંને વહુઓ સુવાવડી થઇ હતી.. તેમનો હરખ નોહ્તો માતો.. તેઓએ પોતાનો ખરાબ સ્વભાવ તો ક્યારનો છોડી દિધો હતો.. પરંતુ હવે તો તેઓ આખો દિવસ પ્રભુ-ભક્તિમાં લીન રહેતા..

ને આખરે એ સમય પણ આવી ગયો.. કર્ત્વીની કુખે કલૈયા રાજકુંવર જેવો દીકરો અવતર્યો.. બધા અત્યંત ખુશ હતા.. સુમિત્રાબહેન તો હરખઘેલા થઇ ગયેલા.. કૌશિકભાઈએ આખા શહેરમાં પેંડા વહેચ્યા.. કર્તવ્ય તો પાગલ જ થઇ ગયેલો.. કાવ્યાંશી બસ પોતાના બાળકની રાહ જોતી હતી..

ને છ જ મહિના પછી કાવ્યાન્શીની કુખે પણ એક સુંદર મજાનો દીકરો અવતર્યો..

કૌશિકભાઈ ને સુમીત્રબહેનના પરિવારમાં બેવડી ખુશીઓ છવાયેલી હતી.. બન્ને વહુઓને પહેલા જ ખોળે દીકરાઓ અવતર્યા હતા.. આથી વધુ સુખ બીજું શું હોઈ શકે..!!! કાવ્યાંશી થોડા સમય માટે બધું જ ભૂલી ગયેલી.. તે પોતાના માતૃત્વને માણવામાં જ રચીપચી રહેતી..

વર્ષો વિતતા રહ્યા.. બંને દીકરાઓ પણ મોટા થતા ગયા.. કલશ-કાવ્યાન્શીના દીકરાનું નામ તેમને ક્વનીશ અને કર્તવ્ય-કર્ત્વીના દીકરાનું નામ તેમણે કૃત રાખ્યું..!!

પાંચ વરસ થઇ ગયા હતા.. તે બન્ને છોકરાઓ મોટા થઇ ગયા હતા… છ જ મહિનાનો તફાવત હોવાથી તે બંને ભાઈઓ એકબીજા સાથે બહુ સારી રીતે હળી ગયેલા.. કાવ્યાન્શીને આ વાત જરા ખૂંચતી.. પરંતુ તે વધારે કઈ ના બોલતી..!!

હા કાવ્યાન્શીનો સ્વભાવ બિલકુલ બદલાયો હતો.. પરંતુ તે કર્તવી પ્રત્યે.. કે પહેલા જેટલી કચકચ હવે તે કર્ત્વીને ના કરતી.. બાકી તેને દરેક વાતમાં ઉતાવળ તો રહેતી જ હતી..!!

એક દિવસ કાવ્યાંશી કવનીશને તૈયાર કરતી હતી.. ઉતાવળે તૈયાર કરવામાં તે ભૂલી ગઈ કે કવનીશને તેની દવા આપવાની હતી.. કવનીશને તાવ હતો થોડો અને એટલે જ તેની થોડા દિવસની દવા ચાલતી હતી.. તેની દવાઓ ત્યાં જ પલંગ પર પડી હતી. કવનીશને તૈયાર કરતા જ અચાનક જ તેને યાદ આવ્યું ગેસ પર દૂધ છે.. ટેબલ પરથી ગોળી લઈને ઉતાવળમાં ક્વનીશને ખવડાવીને પોતે ઉભી થઈને સીધી રસોડા તરફ દોડી..

કવનીશ રમતા રમતા કર્ત્વીના ઓરડામાં જઈ ચઢ્યો.. કૃત ત્યારે પોતાના રમકડાથી રમતો હતો.. કર્ત્વીએ કવનીશને બોલાવ્યો અને બન્ને ભાઈઓને સાથે બેસાડ્યા.. બન્ને રમતમાં ખોવાઈ ગયેલા.. થોડી જ વારમાં ક્વનીશની આંખો ઘેરાવા લાગી.. એને ઢંઢોળવા કૃતે જરા તેને હાથ અડાડ્યો અને એ બેભાન થઇ ગયો.. કર્તવી તો ગભરાઈ ગઈ.. તેણે બધાને બુમો પાડીને બોલાવ્યા.. કૌશિકભાઈએ તરત ડોક્ટરને ફોન કર્યો અને એમ્બ્યુલન્સને પણ બોલાવી.. હજુ એમ્બ્યુલન્સ આવી નાં હતી.. કાવ્યાંશી ક્વનીશની બાજુમાં બેસીને રડતી હતી.. આવેશમાં તેણે કર્ત્વીને નાં કહેવાનું ઘણું કહી નાખ્યું..“કર્તવી.. આ તારા ઓરડામાં આવીને જ મારા છોકરાને શું થયું??? અચાનક આમ બેભાન થઇ ગયો.. શું કર્યું તે ને તારા છોકરાએ??? મને સાચે સાચું કહી દે..!!”

તે સમયે કાવ્યાન્શીની વાત સાંભળી સુમીત્રાબહેનને પણ લાગ્યું કે નક્કી કર્તવીએ જ કઈ કર્યું હશે.. બધાએ સાથે મળીને તેને બહુ બધું સંભળાવ્યું..

કર્તવી કઈ જવાબ આપવા જાય એ પહેલા નાનકડો કૃત તેની કાલી-ઘેલી ભાષામાં બોલ્યો,

“મેં માલ્યો.. મેં માલ્યો તો ભાઈ પડ્યો.. યે… યે..!!!”

ને બસ વાત પતી ગઈ.. કાવ્યાન્શીએ જઈને કૃતને બે થપ્પડ મારી દીધી.. હમેશા ચુપ રહેલી, વર્ષોથી, લગ્નની શરૂઆતથી જ બધું સહન કરતી આવેલી કર્ત્વીનો આજે મગજ ગયો.. તેના દીકરા પર વગર વાંકે કાવ્યાન્શીએ હાથ ઉપાડ્યો હતો..

“ભાભી બસ હવે બહુ થયું.. તમે સમજો છો શું તમારા મનમાં??? મારો દીકરો એટલો બધો તાકાતવાળો લાગે છે તમને કે એનો હાથ પડે ને તમારો દીકરો બેભાન થઇ જાય.. વર્ષોથી મારા વાંક વગર તમે મને ફસાવતા આવ્યા છો.. હું ક્યારેય કઈ નથી બોલી.. પરંતુ મારા દીકરાની બાબત હશે તો હું ચુપ નહિ રહું.. તેઓ કઈ વાંક નથી.. હા તેણે કવનીશને હાથ અડાડ્યો હતો પરંતુ એ તેની આંખો ઘેરાતી હતી તે જોઇને તેણે સહેજ જગાડવા માટે હલાવ્યો હતો.. તે બંને સાથે મળીને રમતા હતા.. અચાનક ક્વનીશને શું થયું એ મને નથી ખબર.. પરંતુ એમાં મારા દીકરાનો કઈ જ વાંક નથી…!! તમે જે કર્યું અત્યારે એ બહુ જ ખોટું કર્યું.. આટલા નાનકડા બાળક પર હાથ ઉપાડીને તમે શું સાબિત કરી રહ્યા છો એ મને નથી સમજાતું..પરંતુ મારા દીકરાને જ્યાં આટલી ક્રુરતાથી મારવામાં આવતો હોય ત્યાં રહેવામાં મને જરા પણ રસ નથી..!!!”

ને કોઈની વાત સાંભળ્યા વગર કર્તવી ત્યાંથી ચાલી નીકળી.. એને બોલાવવા કોઈ જાય એ પહેલા જ એમ્બ્યુલન્સ આવી ગઈ.. ને ક્વનીશને લઈને બધા હોસ્પીટલે પહોચ્યા.. કલશ અને કર્તવ્ય ઓફિસથી સીધા જ ત્યાં આવી ગયેલા.. કાવ્યાન્શીએ કર્તવ્યને જોઈ મોઢું મચકોડ્યું અને સીધી ક્લશને જઈને વળગી પડી… આઈસીયુમાં ક્વનીશની ટ્રીટમેન્ટ શરુ થઇ..

કૌશિકભાઈએ કર્તવ્યને બધી વાત કરતા કર્તવ્યએ કર્તવીને ફોન કર્યો.. પરંતુ સામેથી કોઈ જવાબ નાં મળ્યો.. તે નિરાશ થઇ ગયો.. આખરે તેણે હોસ્પીટલમાં રહેવું મુનાસીબ માન્યું.. તેને લાગ્યું કે હોસ્પીટલમાં તેની વધારે જરૂર છે..

ત્રણ કલાકના ઓપેરેશન બાદ અઈસીયુંની લાઈટ્સ બંધ થઇ.. કાવ્યાન્શીની આંખો રડીરડીને સુજી ગયેલી.. ડોક્ટરને જોતા જ તેણે પૂછ્યું..

“શું થયું સાહેબ?? મારો દીકરો..!!!!???”

“બહેન.. તમારા ઘરમાં કોઈ ઊંઘની હાઈ ડોઝ વાડી ગોળી લે છે??”

ડોકટરનો સવાલ સાંભળી કાવ્યાંશી મૂંઝાઈ ગઈ.. તેણે કલશની સામે જોયું કેમકે તે એ ગોળીઓ લેતો હતો.. ક્લશે જવાબ આપતા કહ્યું,

“હા સાહેબ હું લઉં છું..!! કેમ??”

“તો ભાઈ.. તમારા દીકરાએ એ જ ગોળી લઇ લીધી છે.. કેવી રીતે એ ખબર નથી.. પરંતુ તેણે ઊંઘની હાઈ ડોઝ વાડી ગોળી લઇ લેતા તેનું નાજુક શરીર એ સહન નાં કરી શક્યું અને તેથી જ એ બેભાન થઇ ગયો.. હજુ પણ ભાનમાં આવતા તેને થોડી વાર લાગશે.. અને ત્યારબાદ પણ નબળાઈ તો રહેશે જ..!!

હા તમે લોકો એને જોવો હોય તો અંદર જઈને જોઈ શકો છો..!!”

કહીને ડોક્ટર ચાલ્યા ગયા.. ને કાવ્યાંશી અચાનક ધ્રસકે ને ધ્રુસકે રડી પડી..

“શું થયું કાવ્યા?? કેમ રડે છે.. જો આપણા દીકરાને કઈ નથી થયું.. એ અત્યારે બેભાન ભલે હોય પરંતુ હમણાં ભાનમાં આવી જશે.. તું ચિંતા નાં કર ચલ.. આપણે એને મળી લઈએ..!!” ક્લશે કાવ્યાન્શીને શાંત્વના આપતા કહ્યું..

“નાં કલશ.. હું તેની ગુનેગાર છું.. ઉતાવળમાં મારાથી જ તેણે ઊંઘની ગોળી અપાઈ ગઈ.. એ મને હવે યાદ આવ્યું.. તમારી અને તેની ગોળી બન્ને એકસરખી જ દેખાઈ છે.. એટલે મને ધ્યાન ના રહ્યું.. એમાય પાછુ મારા મગજમાં ગેસ પર મુકેલું દૂધ છવાયેલું હતું.. એટલે વધારે કઈ ના દેખાયું મને..! હું જ હું જ મારા દીકરાની…..!!!”

ને એટલું બોલતા જ તે રડી પડી… હોસ્પીટલમાં જમીન પર બેસીને તે અફાટ રુદન કરવા લાગી.. અચાનક તેને યાદ આવ્યું કે તેણે પોતાની ભૂલના કારણે એક કુમળા બાળકને બે થપ્પડ મારી દીધી હતી.. જેનો કોઈ વાંક નોહ્તો એને વગરવાંકે માર ખાવો પડ્યો હતો.. અને કર્તવી પણ ઘર છોડીને ચાલી ગઈ હતી..

પહેલી વખત કાવ્યાન્શીને પસ્તાવો થયો.. તેને યાદ આવ્યું આટલા વર્ષોથી કર્ત્વીને પોતાને કારણે કેટલું સાંભળવું પડ્યું છે.. કોઈ દિવસ તે સામે કઈ જ નથી બોલી..!! કાવ્યાન્શીને પોતાની ભૂલનો એહસાસ થતા જ તેણે તરત કર્ત્વીને ફોન લગાવ્યો..

સામે છેડે કર્તવી ફોન ઉપાડતા જ બોલી,

“ભાભી, કેમ છે મારા ક્વનીશને??? હું આવું છું હમણાં તેને મળવા.. તમારે જે સંભળાવું હોય તે મને સંભળાવી દેજો બસ.. હજુ મન હળવું કરી લેજો.. પણ મારા દીકરાનો કઈ વાંક નથી ભાભી..!!!”

કાવ્યાંશી વિચારી રહી..

“કઈ માટીની બની હતી આ સ્ત્રી… તેને અત્યારે પણ પોતાના દીકરા ક્વનીશની ફિકર હતી.. ક્વનીશની ચિંતા હતી.. અને ઉપરથી હજુ મન હળવું કરવા કહેતી હતી..!! ગજબ સહનશક્તિ છે તેનામાં..!!!”

તેને જવાબ આપતા કાવ્યાંશી બોલી,

“મારી બહેન.. મને માફ કરી દે… પાછી આવી જા જલ્દી.. અને હા કૃતને લઈને જ આવજે..!!!! બધી વાત તને નિરાતે કરીશ.. બસ અત્યારે તું મને માફ કરી દે..!!”

કર્ત્વીને હોસ્પિટલ આવ્યા બાદ બધી જ જાણ થઇ.. તેણે હસતા હસતા પોતાના જેઠાણજીને માફ કરી દીધા.. જે તે વર્ષોથી કરતી આવી હતી..

અઠવાડિયા સુધી હોસ્પીટલમાં રાખ્યા બાદ ક્વનીશને ઘરે લવાયો… એ સમયે ઘરના દરવાજે કાવ્યંશી હાજર હતી.. તેણે પોતાની દેરાણીને હાંક મારીને કહ્યું,

“શાંતિથી આરતીની થાળી લાવજે.. હા આપણે જરાય ઉતાવળ નથી. મારા દીકરાનું આ ઘરમાં ફરી સ્વાગત એની નાની મમી કરશે..!!”

ને અંદરથી કર્તવી હસતા હસતા બહાર આવી..

એ દિવસ પછીથી કાવ્યાન્શીએ ક્યારેય કોઈ બાબતમાં ઉતાવળ નથી કરી.. હા તેનું દરેક કામ ચોક્સાઇપૂર્વકનું જ હોય.. સમય બગાડ્યા વગર જ કરે…. બસ તે ક્યારેય હવે ખોટી ઉતાવળ નાં કરતી પહેલાની જેમ..!!

લેખક : આયુષી સેલાણી

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી