આયુર્વેદની દ્રષ્ટિએ ભારતભરમાં રસોડાનું વૈદુ એ શ્રેષ્ઠ વૈદુ છે…

આયુર્વેદની દ્રષ્ટિએ ભારતભરમાં રસોડાનું વૈદુ એ શ્રેષ્ઠ વૈદુ છે. આપણા રસોડામાં રોજીંદા વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા મરી – મસાલાનું જો યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો ભલભલા રોગ અને શારીરિક દુખાવાથી છુટકારો મળે છે. જેમાંથી તજ અને મધ, એ બંને મહત્વની ભૂમિકા ભજવે છે. મધ શરીરનું સુગર લેવલ જાળવવાની સાથે સાથે કોલેસ્ટ્રોલને અંકુશમાં રાખવા મદદ કરે છે. જ્યારે તજ પાચનક્રિયાને વધારે છે તથા મેટાબોલીસ્મને સરખું રાખે છે. તો આજે આપણે તજ અને મધના વિવિધ ફાયદા વિશે જાણીએ.

તજ અને મધની ચા :

તજ અને મધ એ બંને આપણા ઘરોમાં આસાનીથી મળી જતી અને ઔષધ તરીકે કામ કરતી અત્યંત ઉપયોગી ચીજ છે. સવારે ઉઠીને ખાલી પેટે હુંફાળા પાણીમાં એક ચમચી તજ અને મધ નાખીને પીવામાં આવે તો વધારાની ચરબી ઝડપથી ઓગળે છે અને શારિરીક તંદુરસ્તી જળવાઈ રહે છે.

ઘૂંટણ તથા કમરનાં દુખાવામાં રાહત :

ઉંમરની સાથે આપણા શરીરમાં જાતજાતના દુખાવાની ફરિયાદ રહે છે. ખાસ કરીને ૫૦ વર્ષ વટાવી ચૂકેલા સ્ત્રી અને પુરૂષોને ઘૂંટણમાં અને કમરમાં દુખાવો થતો હોય છે. આવા સંજોગોમાં એક નાની વાટકીમાં થોડું પાણી લઈ એને ઉકાળવાનું. તેમાં બે ચમચી મધ નાખવું. પછી પેસ્ટ બને એટલું ઘટ્ટ થાય, એટલો તજનો બારીક ભૂકો નાખવો. પછી તેની પેસ્ટ બનાવી જ્યાં દુખાવો થતો હોય, ત્યાં એનો હળવા હાથે લેપ કરવો. ચાર – પાંચ કલાક એને એમ જ રાખવું. આમ કરવાથી, થોડા દિવસ પછી દુખાવામાં રાહત રહે છે અને સાંધા પણ દુખતા નથી.

વજન ઘટાડવામાં ઉપયોગી :

તજ અને મધનું યોગ્ય પ્રમાણમાં સેવન, શરીરમાં જમા થયેલી ચરબી ઓગાળે છે અને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં તજ, લીંબુ અને મધ નાખીને પીવાથી વધારાની ચરબી દૂર થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.

પેટનાં રોગો સામે રક્ષણ :

પેટમાં અપચાની સમસ્યા જેમને વારંવાર રહેતી હોય એમને માટે તજ અને મધ આશીર્વાદ સમાન છે. કબજિયાત તથા ઉલ્ટી જેવી પરિસ્થિતિમાં તજનું સપ્રમાણ માત્રામાં સેવન કરવાથી તેમાં આરામ રહે છે. માત્ર એક ચમચી મધ અને તજ મિકસ કરીને લેવાથી, પેટમાં દુખાવા કે એસિડિટીમાં રાહત મળે છે. જમવાના પાચનમાં મદદરૂપ એવા આ તજ અને મધ, ભૂખની સમસ્યાઓનું નિવારણ લાવવામાં એક્સપર્ટ છે.

માટે, સજાગ રહેવું અને સ્વસ્થ રહેવું એ આપણી ફરજ તો છે જ પણ સાથે સાથે તેને જાળવવાની તકેદારી રાખવી, એ પણ એક કર્તવ્ય છે.
તમને આ નુસખા ઉપયોગી લાગ્યા હોય તો મને લખો અને આર્ટિકલ શેર કરી બીજાને મદદ કરો.
અસ્તુ!!

લેખન સંકલન : પ્રાપ્તિ બુચ

દરરોજ અવનવી આયુર્વેદિક અને સ્વાસ્થ્યને ઉપયોગી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો આપણું પેજ.

ટીપ્પણી