આઠમે નોરતે “મા મહાગૌરીનું” સ્વરૂપ અને ઉપાસનાની મહિમા જાણો….

અષ્ટવર્ષા મહાગૈરી સ્વરૂપ નવરાત્રીનાં નવ દિવસોમાં આસો સુદ આઠમનું બહુ મહત્વ છે. દક્ષ રાજાનાં યજ્ઞનો નાશ ભદ્રકાળીએ આ દિવસે કરીને મહાગૈરી રૂપ ધારણ કર્યું. અ દેવીનો વર્ણ શ્વેત છે. એમનાં ગૌરવર્ણની સરખામણી શંખ, ચંન્દ્રમાં અને કન્દ ફ઼ૂલ સાથે થાય છે. પૂર્વજનમમાં મહાગૌરી પાર્વતી હતાં. શિવને વરવા દ્રઢ પ્રતિજ્ઞા સાથે દેવીએ કઠિન તપ કર્યું. તપસ્યાનાં તાપથી તેમનું શરીર કાળું પડી ગયું. તેમની તપસ્યાથી સંતોષ થઈ પ્રસન્ન ભગવાન શિવે તેમનાં શરિરને ગંગાજળથી મસળીને ધોયું ત્યારે તે વિદ્યુતસમ પ્રભાવાન અને કાંતિમાન “ગૌર” થઈ ગયું – જેથી એમનું નામ પડ્યું.

“અષ્ઠવર્ષા બવેદ ગૈરી” મહાગૌરીની ઉંમર આઠ વર્ષ છે; તેથી આઠ વર્ષની કુમારીકા કન્યાને “ગૌરી” કહેવાય છે! ગૌરી વ્રતનો મહિમા આપણાં શાસ્ત્રમાં ઘણો છે. મા મહાગૌરીની ચાર ભુજાઓ છે. તમનું વાહન બળદ છે. એક કરમાં ત્રિશૂળ; બીજો હાથ અભયવર આપનારો, એક હાથમાં ડમરૂ, ચોથો હાથ વરદમુદ્રાવાળો છે. દેવીની મુદ્રા અત્યંત શાંત છે; જે જીવનમાં શાંતિ પ્રદાયિની છે.

મહાગરીની ઉપાસના કરનાર ભક્તનાં દુષકર્મો દૂર થઈ પાપ-સંતાપ; દૈત્ય-દુ:ખ પાસે આવતાં નથી. સાધક તમામ પ્રકારનાં અક્ષય પુણ્યોનો અધિકારી બની જાય છે. મહાગૌરી સાધનાનો મંત્ર આ પ્રમાણે છેઃ
શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિ: |
મહાગૌરી શુભં દધાન્મહાદેવ પ્રમો દધા ||

– કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

-: આજના ગરબા :-

-: પાવા તે ગઢથી :-

મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
મા ચાંપા તે નેરના ચાર ચૌટા, મા કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે
મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે
મા માળી તે આવે મલપતો, મા કાળી રે
એ લાવે ગજરાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે
મા કુંભારી આવે મલપતો, મા કાળી રે
એ લાવે ગરબાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે
મા સુથારી આવે મલપતો, મા કાળી રે
એ લાવે બાજઠની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે
મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે
તેની અંબા પૂરજો આશ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે

-: આજે આઠમની રાતડી :-
મા મહાનથી મહાન વિશ્વમાં મનાઓ છો
નાનું મરું હૈયું તોયે સહેલથી સમાઓ છો
અજબ ગજબ એ તમારી વાતડી રે…
આજે આઠમની છે રાતડી…
અંબા આવોને મારે આંગણે રે
આજે આઠમની છે રાતડી… (૨)
પલક પલક ભાસ થાય, મા તમે પધારીમાં
મલક મલક મુખ મારું થાય એ ઉલ્લાસમાં
છલક છલક થાય મારી આંખડી રે…
આજે આઠમની છે રાતડી… (૨)
વીતી મધરાત, માત કેમ ના પધારીયા
પાંખહીન પંખી જેમ જનનીને ઝંખતા
વાછડાં લવારા જેમ મા વિના ન જંપતા
તેમ હું તમારી જોઉં વાટડી રે
આજે આઠમની છે રાતડી… (૨)
આવે દિવાળી, લોક આપતાં વધામણી
તમે વિના ઓ માત, મારે અંતરે હુતાશણી
નહીં નહીં વળે મને નિરાંતડી રે…
આજે આઠમની છે રાતડી… (૨)
જેમ જેમ જાય રાત, ધૈર્ય ધરાય છે,
આશાનો વેલ મારી અંબિકે સુકાય છે,
ધડક ધડક થાય મારી છાતડી રે…
આજે આઠમની છે રાતડી… (૨)
મા, તમારી આશમાં છે રોજનો ઉજાગરો
હે દયાનિધાન ! મા ! દયા કરો ! દયા કરો !
બાળને વિસારો કેમ માવડી રે…
આજે આઠમની છે રાતડી… (૨)
ઓચિંતી ઓચિંતી ઝબકી છે વીજળી
તેજપુંજમાંથી બહુ બાળાઓ નીકળી
સકળ રૂપ રંગમાં સમોવડી રે…
આજે આઠમની છે રાતડી… (૨)
સોનલ એંઢોણી શિર ગરબા છે હેમના
રમતિયાળી આંખડીમાં ગુપ્ત ઝરણાં પ્રેમનાં
ગોરવદન, ગાલમાં રતાશડી રે…
આજે આઠમની છે રાતડી… (૨)
દિવ્ય રૂપ, દિવ્ય તેજ, દિવ્ય વસ્ત્ર શોભતાં
સંકળ બાલિકાની મધ્ય અંબિકા હસી પડ્યાં
સફળ સફળ આજ મારી જાનડી રે…
આજે આઠમની છે રાતડી… (૨)
દિવ્ય દર્શને દયાળી, દુઃખ મારા ટાળીયા
શ્રી દયા ‘કલ્યાણ’ મારા કોડને પુરાવીયાં…
આજે આઠમની છે રાતડી… (૨)
આજે આઠમની છે રાતડી… (૨)

-: માતાજીના ઊંચા મંદિર :-

માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!
રાધાગોરી, ગરબે રમવા હાલો
સાહેલી સહુ ટોળે વળી રે લોલ!

ક્યાં છે મારા રામસીંગભાઈના ગોરી
મુખલડે અમી ઝરે રે લોલ!
ક્યાં છે મારા વીરસીંગભાઈના ગોરી
હાથલડે હીરા જડ્યા રે લોલ!

ક્યાં છે મારે રૂપસીંગભાઈના ગોરી
પગલડે પદમ જડ્યા રે લોલ!
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!

ટીપ્પણી