સપનાંને કહો આમ ન પજવે મને – એક વ્યક્તિ છેલ્લી ચાર રાતથી તેના સપનામાં આવી ને તેને પરેશાન કરતો હતો..

સપનાંને કહો આમ ન પજવે મને

‘ગઈકાલની રાત ચોથી રાત હતી કદાચ! એકનું એક દ્રશ્ય અને એકના એક ચહેરા. સમજાતું નહોતું કે ત્રણ ત્રણ રાત થઈ જવા છતાં આ જીદ્દી સપનું મારો પીછો કેમ નહોતો છોડી રહ્યું.’ સિધ્ધાંતે શરૂ કરેલી આ તેના સપનાં વિશેની વાત મને શરૂઆતથી જ હંબક લાગતી હતી. ‘લાગે છે સિધ્ધાંતને સવારથી હું જ મળ્યો છું મુર્ખ બનાવવા માટે!’ મેં વિચાર્યું. માણસ ઊંઘમાં હોય ત્યારે તેને સપનાંઓ આવે કબૂલ, ઘણી વ્યક્તિઓને તે સપનાંમાં દેખાયેલી ઘટના યાદ રહી જાય છે એ પણ કબૂલ, કોઈક વાર તેમાં દેખાયેલી વ્યક્તિના ચહેરા પણ યાદ રહી જતાં હશે એવું સાંભળ્યુ હતું. અરે, ક્યારેક એવું પણ સાંભળ્યુ છે કે એક સપનું જોતા દરમિયાન ક્યારેક આંખ ખુલી જાય તો તે સપનું અટકી જાય છે પણ ફરી જ્યારે આંખ લાગે અને ઊંઘમાં સરકી પડ્યે ત્યારે પેલું અટકી ગયેલું સપનું ફરી જ્યાંથી અટક્યુ હોય ત્યાંથી જ શરૂ થઈ જાય છે. ઓ.કે. બાબા… આ બધીજ સાંભળેલી વાતો કબૂલ પરંતુ, સિધ્ધાંતતો હમણાં મને કહી રહ્યો હતો કે, તેને એકનું એક સપનું છેલ્લી ચાર રાતથી આવે છે. અને તેમાંય વળી ઘટના, માણસોના ચહેરા કંઈજ બદલાતુ નથી! આ તે વળી કેવી વાત. શક્ય છે સિધ્ધાંતે ક્યાંક આવીજ કોઈ ઘટના વિશે વાતો સાંભળી હોય અને તેણે તેના દિમાગમાં તેનું આબેહુબ ચિત્ર ઘડી લીધું હશે. અને તે વિશે કેટલાંક દિવસોથી એટલાં વિચારો કર્યા કરતો હશે કે તેને આમ તે જ ઘટના સ્વપ્નમાં પણ દેખાય છે. એમ ધારી મેં મન મનાવી લીધું અને શાંતિથી તેની વાતો સાંભળી લીધી. સાંભળવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. કારણકે, જ્યારે મેં તેને મારી આ ધારણા વિશે કહ્યું ત્યારે કહે, ‘મારો વિશ્વાસ કર દોસ્ત, એવું કશુંજ નથી. મેં ક્યારેય આવી કોઈ જ ઘટના વિશે કોઈ પાસે સાંભળ્યુ નથી અને વિચારો પણ નથી કરતો. બસ ચાર રાત પહેલાં ખબર નહીં કઈ રીતે મને આમ સપનું આવ્યું અને હું જાગી ગયો. પછી તો છેલ્લી ચાર રાતથી બસ આમ જ એકનું એક સપનું અને ત્યારબાદ મારી ઊંઘ.
‘સિત્તેર વર્ષની આસ-પાસનો એક વૃધ્ધ, જેણે હાથમાં એક જૂનો-પુરાણો તંબુરો પકડી રાખ્યો છે. જેનાં તાર પણ તૂટી ગયા છે, તંબુરાના હાથા પર ઈન્સુલીન ટેપ વડગાડી હોય અને ઉપરની બાજૂ એકાદ જૂના નેપકીન જેવું કપડું વિટીં રાખ્યું હોય, એટલે તે તંબુરો કોઈ સૂર છેડી શકે તેવી તો શક્યતાં જ નથી. અરે, મનેતો એમ પણ નથી લાગતું કે તે ડોસો તંબુરો જેવું વાજીંત્ર વગાડી પણ શકતો હશે. મને લાગે છે કે ભીખ માગવાની એક પ્રોપર્ટી તરીકે તેણે તે હાથમાં પકડી રાખ્યો હશે. મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની બહાર હું જાણે વર્ષોથી આમ જ તેને ભીખ માગતા જોઉં છું, ક્યારેય તેની તરફ ખાસ ધ્યાન પણ નથી આપ્યું. એક ફાટેલો જૂનો ટોવેલ જેના પર તે બેઠો હોય, માથા પર ગાંધી ટોપી પહેરી હોય. અને શરીર નગ્ન નહીં રખાય એ નિયમ માત્ર માટે એક ફાટેલો જૂનો પુરાણો સદરો અને નીચે પાયજામો પહેર્યો હોય. આ વૃધ્ધ ભીખ માગે ખરો પરંતુ તે માટે કોઈ માર્કેટીંગ સ્પીચ જેવું ક્યારેય તેણે તૈયાર નથી કર્યું. બસ હાથ લાંબો કરે અને આવતાં-જતાં કોઈક તે હાથમાં એકાદ-બે રૂપિયાનું પરચૂરણ મૂકી જાય તો ઠીક અને નહીં મૂકી જાય તો પણ ઠીક. તે ડોસલોતો બસ પોતાની મસ્તીમાં મસ્ત બેઠો રહે. અને મારા જેવા અનેક રાહગીર ત્યાં નીચે જમીન પર કોઈ માણસ નહીં પણ કંઈ વસ્તુ પડી હોય એમ લક્ષ્ય આપ્યા વિના તેની બાજૂમાંથી પસાર થઈ જાય.’
સિધ્ધાંત બોલ્યે જતો હતો. અને હું મનોમન વિચાર કરતો હતો. કેટલું જુઠ્ઠુ બોલે છે આ મારો મિત્ર! તેણે હમણાં જ કહ્યું કે આવી કોઈ ઘટના વિશે તેણે ક્યારેય કોઈ પાસે સાંભળ્યુ નથી પરંતુ તે જે પ્રમાણે આ એક ભીખારીનું પાત્ર વર્ણન કરી રહ્યો છે, તેવો એક ડોસો તો સાચે જ ચર્ચગેટ સ્ટેશન પર હોય છે. મેં પોતે મારી આંખે તેને અનેકવાર જોયો છે. આ વિચારને કારણેજ હવે મને તેનું આ જુઠ્ઠાણું આગળ સાંભળવામાં કોઈ રસ નહોતો રહ્યો. હું તેને આગળ બોલતાં અટકાવા જ જતો હતો ત્યાં તે બોલ્યો, ‘તને થશે કે આ બધી સપનાંની વાત નથી પરંતુ વાસ્તવિકતા છે. કારણ કે આવો એક વૃધ્ધ તો સાચે જ ચર્ચગેટ સ્ટેશન પર છે. બરાબર ને?’ તેણે પૂછ્યું અને હું કંઈ જવાબ આપું તે પહેલાં જ તેણે પોતાનો ઘટના પરિચયનો કાર્યક્રમ આગળ વધાર્યો. ‘હા, તારી ધારણા સાચી જ છે કે આવો એક ડોસો ખરેખર જ ત્યાં બેઠો હોય છે. પરંતુ, મારા સપનાંની મુંઝવણ હવે પછી છે. મેં પોતે પણ એ ડોસાને અનેકવાર ત્યાં જોયો છે એ સાચું પણ મેં ક્યારેય તેની તરફ લક્ષ્ય નથી આપ્યું. કે નથી ક્યારેય તેને એક રૂપિયાની પણ ભીખ આપી. છતાં છેલ્લી ચાર રાતથી મને સપનામાં કંઈક એવું દેખાય છે કે મારી આંખ ખુલી જાય છે. મને દેખાય છે કે, હું રોજની જેમ જ મારી ઓફીસથી ચર્ચગેટ સ્ટેશન તરફ જઈ રહ્યો છું અને જેવો તે ડોસાની નજીકથી પસાર થાઉં છું કે અચાનક તે મારો પગ પકડી લે છે અને કહે છે કે, બાબુ… બાબુ… ચાર હજાર રૂપિયા જોઈએ છે. આપો ને મને ભાઈ. ફરી ક્યારેય એક રૂપિયો નહીં માગૂ તમારી પાસે, પણ હમણાં મને ચાર હજાર આપતા જાવને, પ્લીઝ. અને તું નહીં માને પણ સપનાંમાં હું જોઉં છું કે તેજ દિવસે મને ઓફીસમાંથી મારા ઈન્સેન્ટીવનું ચાર હજાર રૂપિયાનું કવર મળ્યુ છે. મને સમજાતું નથી કે આ ડોસલાને ક્યાંથી એ વાતની ખબર મળી હશે! કેવી રીતે તેને ખબર પડી ગઈ કે મારા ગજવામાં હમણાં ચાર હજાર રૂપિયા પડ્યા છે. અને એથીય મોટી વાત તો એ કેહું એ ડોસાને કોઈ પણ સવાલ પૂછ્યા વિનાતેને તે ચાર હજારનું કવર આપી દઉં છું.’
બસ ભાઈ સિધ્ધાંત, બસ હવે. હું વર્ષોથી તને ઓળખું છું કોઈ દિવસ મારા જેવા પરમ મિત્રને દસ રૂપિયાનું એક વડાપાઉં પણ ખવડાવ્યું નથી અને તેં પેલા અજાણ્યા ભીખારી ડોસલાં ને ચાર હજાર રૂપિયા આપી દીધા? હદ છે યાર, તારા સપનાંની અને તારી કલ્પનાઓની પણ. હવે બસ કર ભાઈ. હું મનોમન બોલ્યો. પણ સિધ્ધાંતને તો જાણે તેના સપનાંની વાત વહેલી તકે મને કહી દેવાની જ ઉતાવળ હોય તેમ તેણે પોતાની એ વાહિયાત કહાણી હજીય ચાલૂ જ રાખી હતી. ‘કેવી નવાઈની વાત છે ને? મારા પોતાના પર સો રૂપિયા ખર્ચવા પહેલાં પણ હું એક હજાર વાર વિચાર કરું છું અને આ ડોસલાંને આમજ વગર કારણે ચાર હજાર રૂપિયા? શક્ય જ નથી.’ તે બોલ્યો. ‘હા, શક્ય જ નથી!’ હું પણ મનોમન આજ વાત વિચારી રહ્યો હતો. પરંતુ, સિધ્ધાંત આખરે તો મારો મિત્રો હતો, તેને આમ મોઢા પર કઈ રીતે કહી દઉં કે હા, સાચી વાત છે તું એક નંબરનો મખ્ખીચૂસ માણસ છે. મારા જેવા દોસ્તને કોઈ દિવસ પાંચસો રૂપિયા નથી આપ્યા તો આમ કોઈ અજાણ્યાને અને તેમાંય વળી કોઈ ભિખારીને તું ચાર હજાર રૂપિયા કઈ રીતે આપી શકે, શક્યજ નથી. પણમેંઆવીકળવીવાતકહેવાકરતાંહળવા આશ્વાસનનો વિકલ્પ સ્વીકાર્યો અને તેને કહ્યું, ‘આવા બધાં ભિખારીઓ આલાદરજ્જાના કલાકારહોય છે, સિધ્ધાંત. રાહદારીઓપાસે પૈસાપડાવવામાંતેઓમાહેરહોય છે. અને આમ પણ તેં ક્યાં સાચે જ તેને પૈસાઆપી દીધા છે? આ તો માત્ર તારું એક સપનું જ છે ને! સો રિલેક્સ.’

અઠવાડીયા પહેલાં ઓફીસ જતી વેળા સવારે અમારી વચ્ચે આ રીતનો સંવાદ થયો હતો. ત્યાર બાદ હું તો આ વાત ભૂલી પણ ગયેલો. સિધ્ધાંત બે દિવસની રજાબાદ આજેફરી આવ્યો એટલે મેં પૂછ્યુ, ક્યાં ફરે છે ભાઈ? બે-બેદિવસની રજાઓ કોઈ ફોન નહીં, વાત નહીં. લાગે છે બંદા કોઈટૂર પર જઈ આવ્યા છે!’ સિધ્ધાંત હસ્યો, ‘અરે નારે યાર, રજાઓ ગાળવા ક્યાંક ફરવાજઈ શકાય એટલા પૈસા જ ક્યાં છે!’ તે બોલ્યો. ‘અરે યાર, આની આ પૈસા માટે રડતા રહેવાની આદત ક્યારે સુધરશે?’ મેં મારી જાતનેજ પ્રશ્ન પૂછ્યો પણ સ્વાભાવિક રીતેજ કોઈ જવાબ નહીં મળતા હું ફરી મારા કામે વળગ્યો. લંચનો સમય થયો અને અમે બધાં ઓફીસના મિત્રો લંચ માટે બેઠાં ત્યાં સિધ્ધાંતે મને પૂછ્યુ, ‘અરે યાર, મારે તારું એક કામ હતું, સાંજે વાત કરીએ, આજનો એક દિવસ ઓફીસથી નીકળતી વેળા મારા માટે થોભશે? થોડી વાતો કરવી છે.’ મિત્રને કઈ રીતે ના પાડુ, મેં ‘હા’ કહી દીધી.
સાંજ પડી અને હું અને સિધ્ધાંત ઓફીસથી સ્ટેશન તરફ જવા માટે સાથે નીકળ્યા. ‘યાર, યાદ છે તને મેં પેલા સપના વિશે વાત કહી હતી?’ તેણે પૂછ્યું. ‘આરે યાર, શીટ! આ વેદીયો પાછી એજ વાત શરૂ નહીં કરે તો સારું.’ મેં મનોમન પ્રાર્થના કરી. ‘ગયા મંગળવારે શાંતિભાઈએ સાચે જ મારી પાસે પૈસા માગ્યા અને તે પણ ચાર હજાર પુરા!’ સિધ્ધાંત બોલ્યો. મારી આંખો પહોળી થઈ ગઈ. તેની વાત પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આ શું ગપ્પા હાંકે છે! સિધ્ધાંત શું મને મુર્ખ જ સમજતો હશે? પહેલાં સપનાની વાત અને હવે કહે છે કે સાચેજ કોઈકે તેની પાસે પૈસા માગ્યા. ‘કોણ શાંતિભાઈ?’ મેં પૂછ્યુ. ‘પેલા ચર્ચગેટ સ્ટેશનવાળા, મેં તને નહોતું કહ્યું, પેલા તંબુરા વાળા ભિખારી વિશે?’ સિધ્ધાંતના ચહેરા તરફ મેં જોયું તે સાચેજ મજાક તો નથી કરી રહ્યો ને? ‘તું મજાક કરે છે ને, સિધ્ધાંત?’ મેં પૂછ્યુ. ‘અરે, યાર આવી વાતમાં તે કંઈ હું મજાક કરતો હોઉં? સાચે જ શાંતિભાઈએ મારી પાસે પૈસા માગ્યા હતા’ તેણે કહ્યું. યાદ છે સોમવારે મન્થ એન્ડ હતો અને આપણાં એકાઉન્ટમાં તે જ દિવસે ઈન્સેન્ટીવના પૈસા જમા થયા હતાં. દીકરો ઘણાં સમયથી એક નવા પેન્ટ-શર્ટ માટે જીદ્દકરે છેતો આજે તેને લઈ દઉં એમ વિચારી મંગળવારે ઓફીસથી નીકળતી વખતે એ પૈસા મેં વિડ્રો કર્યા હતાં અને ત્યાં જ ચર્ચગેટ સ્ટેશન પર શાંતિભાઈ ભટકાઈ ગયા. મને કહે “ભાઈ, મને ચાર હજાર રૂપિયાની ખુબ જરૂર છે, આપતા જાવને! હું ખોટુ નથી બોલતો ભાઈ, આજે ભગવાન મારી કસોટી કરી રહ્યો છે, તમે આટલી મહેરબાની કરશો તો મારો મહાદેવ તમારા પર કૃપા વરસાવશે, તમારા બૈરી-દીકરા સુખી રહેશે! ભાઈ.” તે ડોસલો બોલ્યે જતો હતો અને મને મનમાં થતું હતું કે કોઈ દિવસ આ ભિખારી આ રીતે આમ માગતો નથી અને આજે આમ શું કામ વળગી પડ્યો હશે? અને તે પણ મને જ?
મને મારુ સપનું યાદ આવી ગયુ? પણ મેં નક્કી કર્યું હતું કે આમ તે વળી કોઈને આટલા બધાં રૂપિયા આપી દેવાઈ? હું ત્યાંથી ચાલતો થયો અને મારી ટ્રેન પકડી લીધી. પણ તુ માનશે મને કેમેય કરી ચેન નહીં પડે. હું ચાલૂ ટ્રેનથી ઉતરી પડ્યો અને તે ડોસા પાસે જઈ મેં સાચે જ ચાર હજાર રૂપિયા આપી દીધા.’ ‘આ શું બોલી રહ્યો છે તું સિધ્ધાંત? સાચે જ?’ મારા આશ્ચર્યનો પાર નહોતો. આ કંજૂસ, મખ્ખી ચૂસ સિધ્ધાંત આમ કોઈને પૈસા આપી દે અને તે પણ ક્યારેક માત્ર સપનામાં જોયેલી ઘટના છે એટલા વિચાર માત્રથી? તેની વાત મારા ગળે નહોતી ઉતરી રહી. પણ સિધ્ધાંત મારા મનમાં ડોકીયું ક્યાં કરી શકતો હતો કે તેને મારા આ બધા વિચારની ખબર પડે. તે તો બસ બોલ્યે જતો હતો. ‘હવે મારે તારી એક મદદની જરૂર છે, ભાઈ!’ તેણે કહ્યું અને મને મનમાં ફાળ પડી, નક્કી આ મારી પાસે પૈસા માગશે. પણ હું તો કહી દઈશ મારી પાસે કઈ પૈસા મફતના નથી આવતા કે હું એમ કોઈ રસ્તે રખડતા પર લૂટાવી દઉં. મેં જવાબ પહેલેથીજ મનોમન નક્કી કરી લીધો. પણ આજે સિધ્ધાંતે જાણે નક્કીજ કર્યું હતું કે મારા પર એક પછી એક બોમ્બ ફેંકવા છે. તેણે કહ્યું, ‘યાર, તું લેખો લખે છે, તને તો ઘણાં માણસો ઓળખતા હશે ને? કોઈ સારો ડોક્ટર છે જે નજીવા પૈસા લઈને કોઈ ગરીબની સરવાર કરી આપે?’ ‘શું? ડોક્ટર, મુંબઈમાં, અને કોઈ ગરીબની સારવાર? તારું દિમાગ તો ઠેકાણે છે ને ભાઈ? પ્લીઝ હવે એમ નહીં કહેતો કે તારા શાંતિભાઈની તબિયત બગડી છે.’ મેં થોડાં કંટાળા અને વધુ આશ્ચર્ય સાથે કહ્યું. ‘ના તબિયત શાંતિભાઈની નથી બગડી, દોસ્ત. એ ગરીબતો અલખનો ભેખ ધારી છે. પોતે ભીખ માગી પેટ ભરે છે, પણ…!’ સિધ્ધાંતે કહ્યું અને તે દિવસે શું બન્યું તેની આખીય કહાની સંભળાવી.
‘તે ડોસાને મેં ચાર હજાર રૂપિયા આપ્યા એટલે તે તો પોતાનો તંબુરો અને તેણે પાથરેલી ચાદર ત્યાંજ મૂકી ને દોડ્યો. અને ચાર હજાર રૂપિયા જેવી મોટી રકમ મેં તેને આમજ કંઈ પણ પૂછ્યા વિના આપી દીધી આથી મારુ પણ મન માનતુ નહોતું. હું તેને ખબર નહીં પડે તેમ તેની પાછળ-પાછળ ગયો. તું માનશે? મારી પાસે પૈસા લઈને તે ડોસલાં એતો રોડ પર નીકળી સીધીજ ટેક્સી પકડી લીધી!’ ‘શું વાત કરે છે?’ મારાથી બોલાઈ ગયું. ‘હા, મને લાગ્યું કે આ ડોસો નક્કી જુગાર રમવા કે દારૂ પીવા નીકળી ગયો લાગે છે, આપણાંપૈસા તો ગયા. તેનીપાછળ મેં પણ ટેક્સી લીધી અને પીછો કર્યો. ડોસાની ટેક્સી સીએસટી સ્ટેશન પાસે પહોંચી અને ડોસો તેમાંથી ઉતરી ગયો. હવે મને બરાબર ખાતરી હતી કે ડોસો સીએસટી પરથી ટ્રેન પકડશે અને તેનો જ્યાં અડ્ડો હશે ત્યાં પહોંચશે. મેં પણ નક્કી કર્યું હતું કે આજે તો મારે તેને રંગે હાથ પકડવોજ છે. આથી હું પણ ત્યાંજ ઉતરી ગયો. તે ટેક્સીમાંથી ઉતરી સીધો જ સીએસટી સ્ટેશનની સામેની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ઘૂસી ગયો. ઉતાવળે જનરલ વોર્ડ પાસેની લોબીમાં પહોંચ્યો, હું પણ તેની પાછળ પાછળ ત્યાં સુધી ગયો અને લોબીના જમણી તરફના વળાંક પાસેના પીલર પાછળ ઊભો રહી ગયો. ત્યાંથી હું એ ડોસા પર બરાબર નજર રાખી શકું એમ હતું. તે એકદસ-અગિયાર વર્ષનો છોકરો જે લોબીમાં નીચે બેઠો હતો તેની પાસે જઈ અટક્યો. તે છોકરો પણ તેના જેવોજ ભિખારી જણાતો હતો. ડોસામાં જાણે અચાનક ક્યાંકથી તાકાત આવી ગઈ હોય તેમ તેણે પેલાં છોકરાને ખભે ઉંચકી લીધો અને દોડ્યો. તેની પાછળ-પાછળ એજ દિશામાં હું પણ દોડ્યો. મેં જોયું કે તે છોકરાના ડાબા પગમાં ઘૂંટણની નીચે પર્સ અને લોહીથી ખદબદતો એક મોટો ઘાવ જેવો દેખાઈ રહ્યો હતો જેના પર માખીઓ અડીંગો જમાવીને બણ-બણ કરી રહી હતી. હું આખીય વાત પામી ગયો. મેં તે ડોસાને અટકાવી પૂછ્યું. કોણ છે આ? અને આ ઘાવ, તમે? તેણે કહ્યું, મોટા ભાઈ આ શીન્યો છે, અમારી હારે જ ચર્ચગેટ પર રહે. એક દિવસ તેને ચર્ચગેટના બસસ્ટોપ પાસે પડેલું પતરું વાગ્યું અને આ ઘાવ થઈ ગયો કોણ જાણે કેમ મહિનો ભર થઈ ગયો હશે પણ સારુંજ નહીં થાતું, ડોક્ટર કહે છે કે ડાયાબિટીસ છે, આ પગ સડી જશે. કાપવો પડશે. તમેજ કહો ભાઈ આવડા નાના પોયરાને ડાયાબિટીસ ક્યાંથી હોય? હવે હું એને કઈ રીતે સમજાવુ કે ડાયાબિટીસ થવા માટે કોઈ ઉંમર નથી હોતી. પણ ડોસલો તો તેની જ રામકહાણીમાં પડ્યો હતો. તેણે કહ્યું, ડોક્ટર કહે છે કે ઓપરેશન કરવું પડશે. પણ મારી પાસે પૈસા…’
સિધ્ધાંત, હાહરીનો કંજૂસ-મખ્ખીચૂસ… આટલું બધુ કરી આવ્યો અને મને હજીય તેની વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. અને એથીય મોટું આશ્ચર્ય એ વાતનું હતું કે હાહરું આસપનાનું વિશ્વ ખરેખર આટલું સચોટ પણ હોતું હશે?

લેખક : આસુતોષ દેસાઈ

આપના અમુલ્ય અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી