લિંગ અને યોનિની પૂજા કરતા સમાજમાં સંવનન વિશે સંવાદ નથી થતો…

લિંગ અને યોનિની પૂજા કરતા સમાજમાં સંવનન વિશે સંવાદ નથી થતો

હિન્દુ શાસ્ત્રોત્ક સમજ અનુસાર સૃષ્ટિના સૌથી મોખરાના દેવ મહાદેવના શિશની પૂજા આકાશલોકમાં થાય છે અને ચરણોની પૂજા પાતાળલોકમાં. હવે ધરતીની ઉપર આવેલા આકાશલોકમાં શિવનું શીશ અને ધરતીના પેટાળમાં આવેલા પાતાળલોકમાં તેમના ચરણો હોવાને કારણે ધરતીના હિસ્સે આવે છે શિવજીના શરિરનો મધ્યભાગ. આથી ધરતીલોક પર શિવના લિંગની પૂજા થાય છે. હવે આ સમજને ધ્યાનમાં લઈ શિવલિંગના આકાર અને પ્રતિક વિશે થોડી વધુ સમજ શાસ્ત્રો દ્વારા જ મેળવવાની કોશિશ કરીએ તો એવું માનવામાં આવે છે કે શિવલિંગમાં જે ઊભા સ્તંભ જેવો આકાર છે એ શિવના લિંગનું પ્રતિક છે અને તેની નીચે જે ગોળાકાર એકતરફ મુખવાળો સર્પાકાર આકાર હોય છે એ યોનિનું પ્રતિક છે. મતલબ કે આપણે શિવલિંગ પર જે અભિષેક કરીએ છીએ એ વહી જવા માટે જે મુખનું સર્જન કરવામાં આવ્યું એ યોનિમુખ ગણાય.


વિચાર કરો કે આપણાં શાસ્ત્રોમાં અને આપણી સંસ્કૃતિમાં જે એક મહાપૂજનિય સ્વરૂપ છે એ લિંગ અને યોનિનું સ્વરૂપ છે. પ્રકૃત્તિનો સૌથી શક્તિશાળી સ્ત્રોત, સૌથી સર્જનાત્મક સ્ત્રોત એટલે લિંગ અને યોનિ. જ્યાંથી આખીય સૃષ્ટિનું સર્જન થયું છે, થતું રહે છે અને થતું રહેશે. પુરાણોકાળથી આપણો સમાજ, આપણી સંસ્કૃતિ એટલી આધુનિક વિચારશરણીવાળી અને તાર્કિક સ્વીકારવાળી સંસ્કૃત્તિ રહી છે કે આખીય દુનિયાને સમજવામાં, સ્વીકારવામાં વર્ષો લાગી ગયા તે બાબત આપણે પુરાણોકાળથી સ્વીકારી છે એટલું જ નહીં તેને પૂજનીય ગણી છે. અને આ બધાથીય સૌથી મહત્વની બાબત એ કે ઈશ્વર એટલો પરમકૃપાળુ છે કે તેણે સૃષ્ટિના, શક્તિના સર્જનની આ પ્રક્રિયાને જ અથવા પ્રવૃત્તિને જ યા એમ કહો કે તે સ્થાનને જ દુનિયાનો સૌથી મહત્તમ આનંદ એટલે કે પરમાનંદની અનુભૂતિ કરાવી શકનારું કેન્દ્ર બનાવ્યું છે.


અને આટલી વિશાળ સમજવાળા આપણાં આ સમાજ માટે એ કેટલી શરમજનક બાબત કહેવાય કે આ અતિમહત્વના મુદ્દે જ સંવાદ કરવામાં, સમજ કેળવવામાં આપણે નાલેશી અનુભવીએ છીએ, શરમ અનુભવીએ છીએ અને આ નાલેશી કે શરમ આપણે એ હદ સુધી વધારી મૂકી છે કે તે વિશે વિચાર કરવો, સંવાદ કરવો તેને આપણે ગંદી ગણાવવા માંડ્યા. આ વિશે વાત કરતીવેળા વડીલ લેખકશ્રી ગૂણવંત શાહે કહેલી એક વાત યાદ આવે છે, તેમણે ક્યારેક લખ્યું છે કે ‘જે વ્યક્તિ પ્રકૃતિનું સમ્માન કરતો નથી, તેની જાળવણી કરતો નથી એ દિવસમાં ગમે એટલીવાર મંદીરે જતો હોય અને પોતાની જાતને આસ્તિક ગણાવતો હોય છતાં તે સૌથી મોટો નાસ્તિક વ્યક્તિ છે.’ તેમના આ જ વાક્યની સમજને થોડી અલગ રીતે વિચારીએ તો, હું એમ કહીશ કે જે વ્યક્તિ કે સમાજ સંવનન પ્રવૃત્તિ કે સેક્સ વિશે સંવાદ કરી શકતો નથી, તે વિશેની સમજ કેળવવી જોઈએ, કેળવાવી જોઈએ તેમ માનતો નથી અથવા કરતો નથી તેને શિવલિંગની પૂજા કરવાનો કે તેને ઈશ્વરના સ્વરૂપ તરીકે સ્વીકારવાનો પણ અધિકાર નથી.


માનવીના શારિરીક અને માનસિક વિકાસ એટલે કે ઉંમર વધતાની સાથે થતાં કેટલાંક સ્વાભાવિક ફેરફાંરને આપણે એ રીતે અવગણીએ છીએ અથવા આંખ આડા કાન કરીએ છીએ કે જાણે છત્રી ઓઢી લઈ આપણે એ સ્વીકારી લીધું હોય કે વરસાદ પડતો જ નથી. એક સાવ સામાન્ય કિસ્સા દ્વારા આ વાત રજૂ કરવાનો પ્રયત્ન કરું તો, યુવાન મા-બાપ અને તેમના નાના દીકરા સાથે એક પરિવાર વેકેશન ગાળવા ક્યાંક ફરવા ગયો હતો. તેમના આ પ્રવાસ દરમિયાન તે આખોય પરિવાર એક મ્યુઝિયમની મુલાકાતે જાય છે જ્યાં ભારતિય સંસ્કૃત્તિના અલભ્ય નમૂનાઓનું પ્રદર્શન મૂકાયુ છે. મ્યુઝિયમમાં પ્રવેશદ્વાર પછીના પહેલાં જ વિશાળ કમરાની બરાબર મધ્યમાં એક વિશાળ કાચની પેટીમાં ૧૫મી સદીમાં બનાવવામાં આવેલું શિવલિંગ મૂકવામાં આવ્યું હતું. ૧૧ વર્ષના પેલા નાનકાએ તેની મમ્માને કહ્યું, ‘જો મમ્મા, મહાદેવ દાદા!’ મા અને દીકરા બંનેએ એ શિવલિંગ તરફ શીશ નમાવ્યું. તે શિવલિંગની પૂર્વ તરફની દિવાલ પર કાચના જ એક મોટા કેસમાં વર્ષો પહેલાં રચાયેલું એક ચિત્ર મૂકવામાં આવ્યું હતું, જેની ઉપર લખાયું સંસ્કૃત અને સાથે અંગ્રેજીમાં લખાયું હતું, “મહાઋષિ વાત્સ્યાયન રચિત કામાસૂત્ર, એપ્રોક્ષ, 600 BCE to 539 CE” આ લખાણની નિચે મૂકયેલા વર્ષો પુરાણા તે ચિત્રમાં કામક્રિડાના અનેક આસનો દર્શાવતા અલગ અલગ ચિત્રો દેખાતા હતાં.

પેલો દીકરાની બાળસહજ જીજ્ઞાસા કામે લાગી જાય છે, તેને સમજાતુ નથી કે આ શું છે સાથે જ તેને એ પણ સમજ નથી પડતી કે આ વિશે પૂછવું કઈ રીતે. આથી તે પોતાની મા તરફ અને ત્યારબાદ પપ્પા તરફ નજર ફેરવતાં પૂછે છે. મમ્મા આ…? ડેડા, વાત્સ્યાયન શું છે? મા-બાપની નજર મળે છે અને બંનેના ચહેરા પર એક હળવું સ્મિત આવી જાય છે. ત્યારબાદ તે દીકરાના પિતા તેના લાડકાને બની શકે એટલી સરળ ભાષામાં અને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરે છે કે, ‘દીકરા, આ રૂમની મધ્યમાં આપણે જે શિવલિંગ જોયું ને, એ જ શિવલિંગના આ અલગ-અલગ પ્રકારો છે. આપણે ખાવાનું ખાઈએ છીએ, પાણી પીએ છીએ તેને કારણે આપણું શરિર આપણામાં સતત એનર્જીનું પ્રોડક્શન કરતું રહેતું હોય છે. જેને કારણે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, વાતો કરીએ છીએ એટ્સેટ્રા… એટ્સેટ્રા…! આ બધાં ચિત્રોમાં એ એનર્જી ટ્રાન્સફર અને તેનું ટ્રાન્સફોર્મેશન દર્શાવ્યું છે. જો તને સમજાવું… ડેડા પોતાની એનર્જી મમ્માને આપે અને મમ્મા પોતાની એનર્જી ડેડામાં ટ્રાન્સફર કરે. આમ કરવા માટે આ મહાદેવદાદાનું જે શિવલિંગ દેખાય છે ને તે રીતે મમ્મા અને ડેડા પણ ભેગા મળે અને આ ચિત્રમાં જે અલગ અલગ રીત દર્શાવી છે તે રીતનું કોઈ આસન કરે તો એકબીજાની એનર્જી ટ્રાન્સફર કરી શકે. અને તેને કારણે પછી ધીમે ધીમે મમ્માની વોમ્બમાં એક બેબી ક્રીએટ થાય. તો મમ્મા અને ડેડા જ્યારે આ આસન કરે ત્યારે તેને સેક્સ કર્યુ એમ કહેવામાં આવે.

‘આઆ…સેક્સ? પણ એ તો ગંદૂ કહેવાય ડેડા, આવી વાતો નહીં થાય!’ પેલું બાળક કહે છે. ‘ના બેટા, એ જરાય ગંદૂ નથી અને તેની વાતો પણ ગંદી વાતો નથી. તારા ડેડા અને મમ્માએ આમ એનર્જી વહેંચવા માટે સેક્સ કર્યુ ત્યારે જ તો મમ્માના વોમ્બમાં તુ બન્યો હતો.’ તેના પિતાએ કહ્યું. ‘તો પછી ડેડા સેક્સ કોઈ પણ કરી શકે? હું પણ કરી શકું ને?’ હા દીકરા કરી શકે, તું પણ કરી શકે, પરંતુ હમણાં નહીં, એ માટે તારે હજી મોટા થવું પડશે. જેમ સ્કૂટર ચલાવવા માટે આપણાં દેશની સરકારે ૧૮ વર્ષની ઉંમર નક્કી કરી છે ને, તે જ રીતે સેક્સ કરવા માટે મહાદેવદાદાએ પણ આપણાં દરેક માટે એક ઉંમર નક્કી કરી છે. તું મોટો થશે એટલે આપોઆપ તને પણ સેક્સ કરવાની ઈચ્છા થશે. તને મહેસૂસ થશે કે હું પણ સેક્સ કરી શકું છું. પરંતુ, તે માટે માત્ર તારી ઈચ્છા હોય એટલું જરૂરી નથી. આવા આસન કરવા માટે કોઈ છોકરીને પણ તારી સાથે એનર્જી વહેંચવાનું મન થવું જોઈએ. તો તમે બંને સેક્સ કરી શકો. એમાં કંઈજ ખોટું નથી.’

પણ ડેડા… પેલું મ્યુઝિયમ બાજૂ પર રહી ગયું અને ફરવાનું પણ… પછી તો મા-બાપ અને દીકરા વચ્ચે ખૂબ લાંબી અને રસપ્રદ ચર્ચા ચાલી. બાળક પોતાના મનની પેલી જીજ્ઞાસા નામની પોટલીમાંથી એક પછી એક પ્રશ્ન કાઢ્યે જતો હતો અને ક્યારેક મા તો ક્યારેક બાપ તેને સાવ સાદી ભાષામાં બને એટલી સારી રીતે સમજાવતા જતાં હતાં. પ્રશ્નો અનેક હતાં, જવાબો પણ અનેક હતાં અને તે આપવાની રીતો પણ અનેક હતી. સાવ સીધી-સરળ ભાષા અને એક-એક પ્રશ્નનો જવાબ સમજાવવા માટે અનેક સીધા-સરળ, સમજાય જાય એવા દ્રષ્ટાંતો સાથેની તે મા-બાપ અને દીકરા વચ્ચે ચર્ચાસંસદ રચાઈ હતી. અને તમે નહીં માનો, તે બાળક બધી જ વાતો એ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, શબ્દે શબ્દને એ રીતે ગ્રસી રહ્યો હતો જાણે તે કોઈ મહાન બુધ્ધિજીવી જીવ હોય. તેની સમજ કેળવાતી જઈ રહી હતી અને તેથી જ નવા નવા પ્રશ્નો પણ આવતા જઈ રહ્યા હતાં.

હવે તને નહીં માનો, તે મ્યુઝિયમમાં જ્યારે બાપ-દીકરા વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે યોગાનુંયોગ ફરતાં ફરતાં તે બાપ-દીકરાની બાજૂમાં એક બીજો ગુજરાતી પરિવાર પણ આવી પહોંચ્યો. તેમણે આ બંને વચ્ચે થઈ રહેલી વાતો આછી-પાતળી સાંભળી અને જાણે પગ નીચે સાપ જોઈ ગયા હોય તે રીતે બધા ત્યાંથી દૂર ભાગી ગયા. એટલું જ નહીં, દૂર જઈ પહોળી આંખે એક બીજા સાથે કાનાફૂસી કરવા માંડ્યા કે, છી આટલા નાના બાળક સાથે પેલો કેવી કેવી ગંદી-ગંદી વાતો કરે છે. આવા છોકરાઓ પછી મોટા થઈને બળાત્કારી નહીં તો બને તો બીજું શું બને…! હાય હાય રામ… આ દુનિયા ક્યાં જઈને અટકશે. સમજમાં અને તેની સાથે સંકળાયેલી વાસ્તવિકતામાં કેટલો મોટો વિરોધાભાષ છે. બળાત્કાર સમજ કેળવાયેલા યુવાનો દ્વારા નહીં પરંતુ સમજ નહીં કેળવાયેલા યુવાનો દ્વારા મહદાંશે થતો હોય છે. આ હું નથી કહેતો, રિસર્ચ અને સર્વેના આંકડાઓ કહે છે.

અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં કહેવાયુ છે કે ભારતમાં બળાત્કારના દર ૧૦ કેસોમાંથી ૫૦% જેટલા કિસ્સાઓમાં સેક્સ પ્રત્યેની અણસમજ, જૂગુપ્સા અને ડોમિનેટ કરી લેવાની લાગણી જવાબદાર હોય છે. બીજી એક ચર્ચામાં કહેવાયું હતું કે, બળાત્કાર કરનારા આરોપીઓની માનસ સ્થિતિની તપાસ અટલે કે સાયકોલોજીકલ ટેસ્ટ કરતી વેળા મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યુ છે કે તેમના ઉછેર દરમિયાન ક્યારેય સેક્સ વિશે વાત-ચીત કરવામાં નહોતી આવી અથવા તેને એક શરમજનક, ગર્ભિત, રહસ્યમયી કે છૂપાવવા યોગ્ય પ્રવૃત્તિ તરીકેની જ છાપ તેમના કુટુંબ કે સમાજ દ્વારા ઊભી કરવામાં આવી હતી.
લંડનના એક ગાયનેકોલોજીસ્ટ અને મેડીકલ કોલેજના વિઝીટર લેકચરારનું કહેવું છે કે, ભારતમાં સેક્સ તો બંધ બારણે થાય છે પરંતુ તે વિશે ચર્ચા તો બંધ બારણે પણ નથી થતી. જર્મન સાયકોલોજીકલ રિસર્ચે ૨૦૦૪ની સાલમાં ભારત અને જર્મનીમાં એક જ સમયે એક સર્વે અને રિસર્ચ કરવામાં આવ્યો હતો, જેના પરીણામની નોંધ લખતા તેમણે જણાવ્યુ હતું કે, ભારતના યુવાનોમાં સેક્સ વિશેની પૂર્ણ સમજ ૩૦ વર્ષની ઉંમરે પહોંચી જવા છતાં પણ હોતી નથી. એટલું જ નહીં આ રિસર્ચ રિપોર્ટમાં તેમણે સાતમા મુદ્દામાં જે કહ્યું તે વધુ ઈન્ટરેસ્ટીંગ છે. તેમણે નોંધ્યુ હતું કે, ભારતનું કોઈ એક બાળક પોતાની સ્કૂલમાંથી ૩.૫%, ઘરમાંથી ૭.૫% અને સમાજમાંથી ૦.૧% સેક્સ એજ્યુકેશન મળવે છે. અને આ જ અનુસંધાનમાં બીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે આ સિવાય મિત્રો પાસે કે બીજા સ્ત્રોત દ્વારા મેળવવામાં આવતું સેક્સ જ્ઞાન ક્યાં તો અધુરું, ખોટું અથવા મહદાંશે બળાત્કાર, બિનજરૂરી આવેશ કે માલિકીહક્કની ભાવના જેવા ગુનાહિત કાર્યો તરફ પ્રેરી જતી લાગણીઓને પ્રોત્સાહન આપનારું સાબિત થયું છે.

આ તો બધાં સર્વે અને રિસર્ચના આંકડાઓ અને તારણો છે પરંતુ, આપણે આપણી વાત કરીએ તો શું તમને એમ નથી લાગતું કે ધર્મ, આધ્યાત્મ, સેક્સ, પાપ-પૂણ્ય જેવા નાજૂક છતાં સુંદર વિષયો પર જો આપણે જાતે જ બાળકો સાથે, કિશોરો સાથે ચર્ચા કરતાં થઈશું તો તેમણે આવતીકાલે કોઈ બળાત્કારી કે દંભી બાબા, ઈમામ-મૌલવી કે પાદરી પાસે નહીં જવું પડે. ઈનફેક્ટ કોને ખબર કદાચ એવા બાબાઓ, મૌલવીઓ કે પાદરીઓનું પ્રમાણ પણ ઓછું થઈ જાય, કારણ કે તેમના ઘરે પણ આ વિશે ખુલ્લા મને અને સમજણપૂર્વકની ચર્ચાઓ થવા માંડી હશે.
આપણાં દરેકનામાં એક સૌથી મોટી ગેરમાન્યતા છે અને તે એ કે, હજી તો તે નાનો / નાની છે. હમણાં આવી ચર્ચા થોડી જ થાય. મોટો થશે એટલે આપોઆપ બધું સમજાય જશે. ખોટું સાવ ખોટું… અહીં જ આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ. અરે ભલા માણસ તમારે એ સમજવું પડશે કે તેને આ વિશે પ્રશ્ન થયો મતલબ કે તેની સમજવાની ઉંમર થઈ ગઈ. આવા પ્રશ્નો તેના મનમાં ઉદ્‍ભવવા માંડ્યા એટલે કે જવાબો મેળવી લેવાનો સમય પાકી ગયો છે. હવે આપણી જવાબદારી એ નથી કે “હજી તો નાનો છે, આવું નહીં પૂછાય, આવું નહીં બોલાય કે ગંદૂ કહેવાય!” જેવા શબ્દો કહી તેને અને તેની જીજ્ઞાસાને ડાબી દઈએ. આપણી જવાબદારી એ છે કે તેને સમજાય તેવી ભાષામાં તેવા દાખલાઓ આપીને આ બધા વિષયો વિશે તેને શાંતિથી અને સાચી રીતે સમજાવીએ. ઘોડીયા (બાખોડીયા ભરતું) કરતું બાળક જ્યારે ચાલતા શીખવા માટે ઊભા થવાનો પ્રયત્ન કરે ત્યારે તેને ‘હજી તેની ઉંમર નથી’ કહી રોકી નથી લેતાં આપણે. તેને આપણાં હાથની આંગળી પકડાવી આધાર પૂરો પાડીએ છીએ.

જ્યાં ખુદ ઈશ્વરે જ જે પ્રવૃત્તિમાં પરમાનંદની અનુભૂતિ મૂકી હોય ત્યાં તમે તે પ્રવૃત્તિને ગંદી, ક્ષોભજનક કે અવગણનાપાત્ર કઈ રીતે ઠરાવી શકો? જરૂર યોગ્ય સમજની, સંવાદની અને ઉદભવતા પ્રશ્નોનો ખુલ્લા મને સ્વીકાર અને તેના જવાબોની ખુલ્લા મને ચર્ચાની છે. ઢાંકપીછોણાંની નહીં. નહીં તો આવતીકાલે ઘરમાં રમતાં રમતાં તમારા બાળકના હાથમાં ક્યાંકથી કોન્ડોમ આવી ગયું તો તમે એ રીતે ગભરાઈ જશો કે આંખ ચુરાવશો જાણે કોઈ ખૂન કરી નાખ્યું હોય.

લેખક : આશુતોષ દેસાઈ

મિત્રો આમાં શરમાવા જેવી કોઈ વાત નથી તમને આ માહિતી કેવી લાગી અને તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો.

દરરોજ આવી સમજવા જેવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી