‘આરતી શણગાર હરિફાઇ’ માટે આરતી બનાવતી વખતે કામ લાગે તેવી ઉપયોગી ટીપ્સ :

જોઇ લો આ અદ્ભુત, અફલાતુન અને અવર્ણનીય આરતીઓ. ફોટામાં જોતાં જ એનાં ફિનીશીંગ, એની ક્રિએટીવિટી, એનું કલર કોમ્બીનેશન, એનાં શેપ્સ, એનાં આઇડીયાઝ, એમાં કરેલ ડિઝાઇન્સ, એમાં વાપરવામાં આવેલ વસ્તુઓ, અને એ વસ્તુઓનો પાછો જૂદી જૂદી રીતે કરાયેલ ઉપયોગ……

 

બધું જ ઉત્તમ લાગે છે ને!!! જાણે કે કોઇ પ્રોફેશ્નલ આરતી આર્ટીસ્ટ એ બનાવેલ હોય એવું બારીક કામ દરેક આરતીમાં દેખાય છે ને!! પણ આશ્ચર્યની વાત એ છે કે આ તમામ આરતીઓ કોઇ જ પ્રોફેશ્નલ આર્ટીસ્ટ દ્વારા બનાવવામાં આવેલ નથી. પણ ગોંડલ ગામની ગૃહિણીઓએ જાતે એક ‘આરતી શણગાર હરિફાઇ’ માટે પોતાનાં આઇડીયાઝ, પોતાની મહેનત અને પોતાની આવડત મૂજબ બનાવેલ આ આરતીઓ છે. પણ તમામ આરતીનું કામ કોઇપણ પ્રોફેશ્નલ આરતી મેકર કરતાં પણ ચડે એવું છે. અને એ જ તો આ હરિફાઇની વિશેષતા છે.

અને એનાં ઉપર વળી બીજી વિશેષતા એ કે તમામ આરતીઓ વળી કોમ્પીટીશનમાં ભાગ લેવાં માટેનાં નિયમ મૂજબ બનાવેલ છે. શું આપ જાણો છો કે આરતી હરિફાઇમાં ભાગ લેવાં માટે બનાવવામાં આવતી આરતીનાં શું નિયમ હોય છે??? નહી??? તો આ વાચી લો.

આમ તો હરિફાઇ શબ્દ આવે એટલે જજ શબ્દ આવે અને જજનું નામ પડે એટલે ક્યા જજને શું ગમશે અને એનો ગમો અણગમો આવે. કોઇને કાંઇ ગમતું હોય ને કોઇને કાંઇ. અંતે તો જજને જે ગમે તેને જ પ્રાઇઝ મળવાનું હોય! જેમ કે જૂનવાણી જજીસ આરતીમાં કાળા કલરનો ઉપયોગ કરો તો કાળો કલર અશુભને દર્શાવે છે એટલે આરતીમાં કાળો કલર વાપરવાની ના પાડે તો નવાં જમાનાનાં જજીસ વળી એમ કહીને એ વાત ઉડાડી દે કે હવે તો લગ્નમાં ય બધાં કાળા કપડા પહેરવા માંડ્યા છે. ખુદ દુલ્હન જ કાળા કપડા પહેરે છે તો આરતીમાં તો ખાલી કાળા કલરની વસ્તુઓ વાપરવી છે. તો એમાં શું વાંધો????

તો આવી જ રીતે ઘણાં જજ ડેકોરેશનને પ્રાયોરિટી આપતાં હોય તો ઘણાં આરતીની થાળીમાં શું શું મૂક્યું છે એને પ્રાધાન્ય આપતાં હોય. કોઇ વળી થીમ બેઝ્ડ આરતીને પ્રાયોરિટી આપે તો કોઇ વળી નીટ એન્ડ ક્લિન આરતીને પ્રાધાન્ય આપે. આવાં મતમતાંતર તો પ્રવર્તતા જ રહેવાનાં છે. પણ તો ય આરતી બનાવવાનાં મૂખ્ય નિયમો ક્યા હોય કે જેમાં અલગ અલગ મંતવ્ય અને અલગ અલગ મેન્ટાલિટી ધરાવતાં જજીસ પણ સહમત થાય જ?? વાંચો.

૧ – સૌથી પહેલી બાબત તો એ કે આરતી પ્રેક્ટીકલ હોવી જોઇએ. એટલે કે આરતી ભલે હરિફાઇમાં મૂકી હોય પણ એ આરતીને ઉતારવાનાં ઉપયોગમાં લઇ શકાય એવી હોવી જોઇએ. જેમ કે (૧) આરતી એટલી બધી વજનદાર ન હોવી જોઇએ કે જેને ઉપાડીને આરતી કરીએ તો હાથ દુ:ખી જાય અને એક વાર આરતી પૂરી થયાં પહેલાં ચાર વ્યક્તિ આરતીનું ચશકચલાંણુ ફેરવે. (૨) જેમકે આરતીની થાળી હાથમાં લેતાં જ એનું ડેકોરેશન વીખાય જવાની કે ફિનીશીંગ બગડી જશે એવી બીક રહ્યાં કરે. આરતી હાથમાં લઇને આસાનીથી ઉતારી શકાય એવી હોવી જોઇએ.

૨ – આરતી બનાવતી વખતે જે થાળીનો ઉપયોગ કર્યો હોય એની કોર્નર પર પણ જો ડેકોરેશન કરવાનાં હો તો એમાં આરતી પકડી શકાય એટલી જગ્યા રાખવી. ઘણી વાર એવું જોવા મળતું હોય કે ચારે બાજુથી કોર્નર પેક કરી દીધાં પછી આરતીને ક્યાંથી ઉપાડવી એ જ મોટો પ્રશ્ન બની જાતો હોય. અને શાણા જજીસ તો આ પણ જોતા હોય!!! એટલે પકડવાની જગ્યા રાખવી.

૩ – આરતીની અંદર દિવો/દિવા હોવાં જ જોઇએ. દિવા વગર એ આરતી નથી.

૪ – દિવા એકી સંખ્યામાં હોવાં જોઇએ. એક, ત્રણ, પાંચ, સાત…. એમ. બેકી રકમમાં નહી.

૫ – દિવો થોડો હાઇલાઇટ કરવો પણ જરુરી છે. કેમ કે થાય એવું કે એટલું બધું ડેકોરેશન થઇ ગયું હોય કે પછી દિવાની જગ્યા જ ન મળતાં દિવો સાવ નાનકડો બનાવ્યો હોય. દિવાને બદલે બાકી બધું જ મૂખ્ય લાગતુ હોય અને દિવો ગૌણ લાગતો હોય. તો એ બરાબર નથી. એટલે જજીંગ વખતે દિવો થોડો હાઇલાઇટ કરવો.

૬ – આરતીની થાળીમાં વાપરવામાં આવતી વસ્તુઓમાં દિવા સીવાય એકપણ વસ્તુ ફરજીયાત હોતી નથી. પછી ડેકોરેશન માટે ગમે તે વસ્તુનો ઉપયોગ કરો તો ચાલે. પણ બીજી કોઇ વસ્તુ ફરજીયાત નથી. ઘણાં લોકોનું માનવું એવું હોય છે કે પાણીની આચમની, ટંકોરી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા આવું ઘણું બધું ફરજીયાત છે. પણ એ સત્ય નથી. દિવા સીવાય કાંઇ ફરજીયાત નથી.

૭ – આરતીની થાળીમાં કોઇપણ દેવી દેવતાની મૂર્તી ન રાખવી. એવું જોવાં મળેલ છે કે ગણપતી દાદાની આરતી ઉતારવાં માટેની થાળી બનાવી હોય એમાં જ શિવજીને બેસાડેલ હોય. હવે આ શિવજી એટલે કે પિતાશ્રી એનાં દિકરાની આરતી ઉતારતાં હોય એવું લાગે. એ કેવું લાગે!!! આ તો એક ઉદાહરણ છે. પણ મૂર્તિ રાખવાથી આવું ઘણું થતું હોય છે.

આમાં હવેનાં અમૂક જજીસ તો દેવી દેવતાનું ચીત્ર કે પેઇન્ટીંગ પણ ચલાવતાં નથી. જૂના સમયમાં એ ચાલતું. પણ હવેની જનરેશન એની પણ ના પાડે છે. એટલે આરતીની થાળીમાં કોઇ દેવી દેવતાની મૂર્તિ ન મૂકવી. (હા, હવન કરતા બ્રાહ્મણ, ગરબે રમતી સ્ત્રીઓ, સાજ વગાડતાં વાધ્યકારો એવી કોઇ માણસની મૂર્તિઓ મૂકી શકાય, પણ દેવી દેવતાની નહિ)

૮ – દિવાની વાટ કોરે કોરી ન મૂકી દેવી. ઘી કે દિવેલ પૂરીને તૈયાર જ રખાય. (સાથે બાકસ પણ રેડી રખાય. કેમ કે બાકસની તો જરુર પડવાની જ હોય. – બાકસ ફરજીયાત નથી પણ આ થોડું પ્રેક્ટીકલ નોલેજ છે કે બાકસ રખાય)

૯ – હરિફાઇ માટેની આરતી બનાવો તો જજીંગ શરું થાય ત્યારે એને પેટાવી શકાય એવી હોવી જોઇએ. અને એ પણ ખરું કે દિવો પ્રગટાવતા આરતીમાંની વસ્તુઓ સળગવી ન જોઇએ.

૧૦ – અને સૌથી અગત્યની આ છેલ્લી વાત. આરતીની થાળીમાં ડેકોરેશન માટે ક્યારેય રેડીમેઇડ વસ્તુઓનો ઉપયોગ ન કરવો. શક્ય હોય ત્યાં સુધી કોઇપણ વસ્તુ જાતે બનાવીને આરતીમાં મૂકવી. કેમ કે રેડી મેઇડ વસ્તુઓ જ જો મૂકો તો એમાં બનાવનારની પોતાની મહેનત શું?? અને આરતી શણગારવામાં તો આપણે આપણી આવડત, આપણી ક્રિએટિવીટી, આપણી સેન્સ, આપણી ડિઝાઇન્સ, આપણાં આઇડીયાઝ બતાવવાનાં હોય છે. અને તો જ પ્રાઇઝ જીતી શકાય. રેડીમેઇડ મૂકવાથી આપણી પોતાની આવડતમાં વધારો નથી. ઉલ્ટાનાં આવા સગવડીયા ધર્મ મગજમાં ઘર કરવાં માંડે છે. માટે ફક્ત જાતે બનાવેલ વસ્તુઓ જ….. રેડીમેઇડ નહી.

તો આ છે આરતીની થાળીનાં નિયમ. બનાવતી વખતે આટલી ટીપ્સ મગજમાં રાખવી અને એ આરતીમાં પોતાની આવડત, ક્રિએટિવીટી, ફિનીશીંગ, કલર કોમ્બીનેશન, આઇડીયાઝ નો ઉમેરો કરીને આરતી બનાવવી.

(ઉપરોક્ત તમામ આરતીઓનાં ફોટા ગોંડલનાં ઓટોસ ગ્રુપની આરતી હરિફાઇમાં મૂકવામાં આવેલ આરતીનાં ફોટા છે.)

લેખક : ચેતન જેઠવા

ટીપ્પણી