આપનું રસોડું આપનું ઔષધાલય, જાણો કઈ વસ્તુ આપણને ક્યાં ક્યા ઉપયોગી છે

આપનું રસોડું આપનું ઔષધાલય

આયુર્વેદ એક સ્વાવલંબી સારવારનું વિજ્ઞાાન છે. આપણી આસપાસની વનસ્પતિ અને આજુબાજુમાં

થી મળતા મરી મસાલા, શાકભાજી, સૂંઠ, મરી, અજમો, જીરૃ, હિંગને હળદર જેવા દ્રવ્યો પણ ઔષધની ગરજ સારે છે. આપણા રસોડામાં જ એટલા બધા ઉપયોગી આહાર દ્રવ્યો અને મસાલા હોય છે કે રોજિંદા રોગોને મટાડવા માટેનું નાનકડું એક ઔષધાલય ઘરમાં જ ઊભું થઈ જાય.

મહર્ષિ ચરકે નિત્ય નિરોગી રહેવા માટેનું એક સુંદર સૂત્ર આપ્યું છે – ‘સર્વદા સર્વ રસાભ્યાસઃ આરોગ્ય કરાણામ્’ અર્થાત્ આરોગ્ય આપનારા જે કોઈ સાધનો કે ઉપાયો છે તેમાં રોજે રોજ, બધા જ રસ આવી જતા હોય તે રીતનું ભોજન કરવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ગળ્યો, ખારો, ખાટો, તીખો, તૂરો ને કડવો એ છ રસ છે. આપણા રસોડામાં આ છ રસ આવી જાય છે. સામાન્ય માણસ પણ પોતાના રોજિંદા ભોજનમાં છ એ છ રસ મેળવી શકે એવું આયોજન આપણા આહાર શાસ્ત્રીઓએ કર્યું છે.

દાળ-શાકમાં જે વઘારની પ્રથા છે તે છ એ છ રસ આવી જાય એવા સંતુલિત આહાર આયોજનનો એક ઉત્તમ નમૂનો છે. દાળ શાકમાં તીખા રસ માટે મરચું, લસણ અને આદું આવી જાય છે. ખારા રસ માટે મીઠું, ખારા રસ માટે આમલી, કોકમ કે લીંબુ. ગળ્યા રસ માટે ગોળ કે ખાંડ. તૂરા રસ માટે હળદર, ધાણાજીરૃ તથા કડવા રસ માટે મેથી, રાઈ, હિંગ અને હળદર. દુનિયામાં ક્યાંય આવી સંતુલિત અને છએ રસના સમાવેશ સાથેની આહાર વ્યવસ્થા નથી. ‘વઘાર’ એ ભારતીય આહાર-વિજ્ઞાાનની આગવી શોધ અને પોતિકી પરંપરા છે. જુદા જુદા શાક, કઢી, દાળ અને સૂપમાં અનેક જાતના મસાલા આવી જાય છે. સ્નિગ્ધતા માટે તેલ અને ઘી તથા પાચનતંત્ર સુધારવા માટે લસણ, આદું, મીઠો લીમડો, તમાલપત્ર, કોથમીર, ફુદીનો અને એવા જ બીજા ગરમ તથા સુગંધી મસાલા આવી જાય છે.

આપણા આહારમાં દાળ શાક સિવાય બીજી રીતે પણ બધા રસ આવી જતાં હોય છે. રસોઈમાં વૈવિધ્યનો તો આપણે ત્યાં કોઈ પાર નથી. રોટલી, પૂરી, ભાખરી, પરોઠા, રોટલા, થેપલા, પૂડલા અને પુરણ પોળી, અનેક પ્રકારની મીઠાઈ, જુદા જુદા શાક, ચટણી, કચુંબર, પીપડ, રાયતા, દહીં અને છાશ, ખમણ, ખાંડવી, ભજિયા, મૂઠિયા, કટલેસ અને એમ અનેક પ્રકારના ફરસાણ, જુદી જુદી જાતના અથાણા, ભાજી-પાંવ, ઈડલી-સંભાર, હાંડવો, દહીંવડા….આમ વિવિધ પ્રકારની રસોઈથી ભોજનમાં રૃચિ, વૈવિધ્ય અને સ્વાદ પણ લાવી શકાય છે. અને આ રીતે આપણને બધા રસ રોજે રોજ મળી રહેતા હોય છે.

આપણે ત્યાં આહાર પોતે પણ ઔષધની ગરજ સારે એ રીતની રસોઈ વ્યવસ્થા ગોઠવાઈ છે.
અસહ્ય મોંઘવારીના આ જમાનામાં માંદગી તથા દવા પાછળ થતો ખર્ચ સામાન્ય માણસને પરવડે તેમ નથી. આથી ઘરમાં કે રસોડામાં જે આહાર-દ્રવ્યોને મસાલા ઉપલબ્ધ છે તેનું જ્ઞાાન જો ગૃહિણીને મળી જાય તો રોગોને થતા પહેલા જ અટકાવી શકાય. પરિવારના સદસ્યોની પ્રકૃતિ કઈ છે અને દરેક સભ્યોની પ્રકૃતિ પ્રમાણે તેને કેવા આહાર અનુકૂળ આવી શકે તથા કઈ ઋતુમાં કેવો આહાર લેવામાં આવે તો માંદગી સામે આગોતરું રક્ષણ મેળવી શકાય તેનું જ્ઞાાન દરેક ગૃહિણીને હોવું જોઈએ.

આપણા રસોડામાં જ આહાર ઉપરાંત ઔષધ તરીકે પણ વાપરી શકાય એવા ઘણા દ્રવ્યો છે. આમાંથી કેટલાંક જરૃરી દ્રવ્યોની વાત આજે આપણે કરીશું.

અજમો એ મોટા ભાગના રસોડામાં મળી આવે એવું એક ઉપયોગી ઔષધ છે. ગુવારના શાકમાં અને ચણાના લોટમાંથી બનતા ઘણા ફરસાણમાં અજમો વપરાય છે. રસોઈ ઉપરાંત મુખવાસમાં પણ અજમો વપરાય છે. સુવાદાણા અને વરિયાળી સાથે અજમો મેળવીને સ્વાદિષ્ટ મુખવાસ બનાવી શકાય છે. જમ્યા બાદ આવો મુખવાસ લેવાથી ખોરાકનું પાચન થાય છે. અને ગેસ, ગોળો કે પેટનો દુઃખાવો થતો નથી. પેટમાં ચૂંક આવતી હોય કે આફરો ચડયો હોય તો અજમો ફાકી જવાથી તરત રાહત થાય છે. શરદી કે કફ થયેલ હોય તો હળદર-અજમાવાળું દૂધ પીવાની આપણે ત્યાં પ્રથા છે. પેટના દુઃખાવામાં અજમો, સુવા અને સંચળની ફાકી અકસીર છે. માથાના દુઃખાવામાં વપરાતા મોટા ભાગના પેઈન બામમાં અજમાનો અર્ક નખાતો હોય છે. છાતીમાં દુઃખતું હોય તો ચપટીક અજમો અને મીઠું ફાકી જવાથી તત્કાળ રાહત થાય છે.

પગની એડીના દુઃખાવામાં શેકેલી મેથી અને અજમો સરખે ભાગે ખાંડી ફાકડી લેવાથી લાભ થાય છે. સાંધાના દુઃખાવામાં અજમો, સૂંઠ અને મેથીનું ચૂર્ણ બનાવી લાંબા સમય સુધી લેતા રહેવું. આયુર્વેદના આધારભૂત ગ્રંથ ચક્રદત્તમાં શીળસ માટે સાત દિવસનો પ્રયોગ આપવામા આવેલ છે. તેમાં જૂના ગોળ સાથે પાંચથી દસ ગ્રામ અજમો સવારે સાંજે લેતા રહેવાનો છે. પ્રસૂતા સ્ત્રીને અજમો, સૂંઠ, ગોળ ખવરાવવાથી તેની પાચનક્રિયા વેગીલી બને છે અને ભૂખ પણ સારી લાગે છે. સરળતાથી અપનવાયુ છૂટે છે અને તેથી કમરનો દુઃખાવો દૂર થાય છે.

અજમાની જેમ જ રસોડામાં વપરાતું જીરૃ પણ એક ઉત્તમ ઔષધ છે. તેના નિયમિત સેવનથી ભૂખ ખૂલે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ખાધેલા ખોરાકનું પાચન થાય એ માટે આપણે ત્યાં છાશમાં ધાણાજીરૃ કે એકલા જીરૃનું ચૂર્ણ નાખીને પીવાની પ્રથા છે. છાશ કે દહીંમાં જીરૃ નાખીને લેવાથી ઝાડા, ઊલટી અને અરુચિ દૂર થાય છે. ધાવણ બગડયું હોય કે ન આવતું હોય ત્યારે સુવાવડ બાદ જીરાપાક ખવરાવવામાં આવે છે. તે ગર્ભાશયને પણ શુદ્ધ કરે છે. શરીર ધોવાતું હોય અને શ્વેતપ્રદર કે લોહીવાની તકલીફ હોય તો અડધી ચમચી જીરાના ચૂર્ણમાં એટલી જ ખાંડ મેળવી ફાકી જવાથી અને ઉપર ચોખાનું ધોવરામણ પીવાથી ફાયદો થાય છે.

હિંદીમાં એક કહેવત છે – ‘ઠંડીકું જીરા ઔર ગરમીકુ હીરા’ અર્થાત્ ગરમીના કારણે થતાં રોગોમાં ઠંડક લાવવા જીરૃ અને શરીરમાં ગરમી લાવવા માટે હીરાહિંગ વાપરવી.

આપણા રસોડામાં આગવું સ્થાન ધરાવતી અને વઘારમાં વપરાતી હિંગ પણ એક ઉત્તમ ઔષધ છે. વઘારમાં વપરાતી હોવાથી સૌરાષ્ટ્રમાં હિંગને ‘વઘારણી’ પણ કહેવામાં આવે છે. આપણે બજારમાંથી જે તૈયાર હિંગ લાવીએ છીએ તે મોટે ભાગે ભેળસેળવાળી હોય છે. આથી શક્ય હોય તો ગાંધીને ત્યાંથી સારી હિરાહિંગ લાવી ઘીમાં સાંતળીને શુદ્ધિકરણ કર્યા પછી જ વાપરવી. ઘીમાં સાંતળવાથી હીરાહિંગની ઉગ્રતા ઓછી થાય છે. સારી હિંગનો વઘાર કરવાથી પેટમાં વાયુ કે ગેસ થતો નથી. આફરો ચડયો હોય કે પેટમાં દુઃખાવો થતો હોય તો દીવેલમાં મેળવી સહેજ ગરમ કરેલી હિંગ નાભિની આજુબાજુ લગાવવી. આયુર્વેદના આચાર્યોએ હિંગને શૂળનું પ્રશમન કરનારા દ્રવ્યોમાં શ્રેષ્ઠ ગણી છે. તે વાયુને નીચે તરફ ધકેલતી હોવાથી આંતરડામાં ગેસને એકઠો થવા દેતી નથી. હિંગ વગેરે આઠ દ્રવ્યોના સંયોજનથી આપણે ત્યાં હિંગાષ્ટક ચૂર્ણ બને છે. અને તે ગેસ, પેટનો દુઃખાવો, ગોળો, આફરો અને કૃમિને દૂર કરે છે. સખત હેડકી આવતી હોય કે શ્વાસ ચડયો હોય તો હિંગ, અડદ, મરી અને હળદરની ધુમાડી આપવાથી હેડકી અને શ્વાસમાં તત્કાળ રાહત થાય છે.

લેખન – વત્સલ વસાણી

આયુર્વેદને લઈને ઘરગથ્થું માહિતીઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ

ટીપ્પણી