“આનું નામ છે જીન્દગી” – સત્ય ઘટના પર આધારિત એક લાઈફ ચેન્જીંગ પ્રસંગ !!

અમારાં અરેન્જ્ડ લગ્ન થયાં હતાં. અને તે પણ પરંપરાઓ મુજબના હતાં. અમારાં માતાપિતાએ જ બધી ગોઠવણ કરી આપી હતી. મારી શરત ફક્ત એટલી જ હતી કે મારી થનારી પત્ની નોકરી કરતી હોવી જોઈએ.અમારી કુંડળીઓ તેમજ ફોટાઓની આપ-લે થઇ. બધું જ મળતું, બંધ બેસતું લાગેલું. મારી થનારી પત્ની બેંગ્લોરમાં પ્રાધ્યાપક હતી અને તેને હિન્દી ફિલ્મો કરતાં રસાયણશાસ્ત્રમાં વધુ રસ હતો. અમારી સગાઇ વિધી રખાઈ નહોતી. અમારાં લગ્ન માત્ર બે જ અઠવાડિયામાં નક્કી થઇ ગયાં. અને તે પછી મેં કોઈ રજાઓ વગેરે લીધાં નહોતાં, મને દસ દિવસ માટે જ રજા મેળવી શક્ય હતી.

બધું જ નક્કી થઇ ગયું. મારે માટે એ સમય ભારે દોડાદોડીવાળો હતો. અમે પરણ્યા ને તે પછી ફક્ત બે જ દિવસમાં અમારે દેશ છોડીને જવાનું હતું. મારી પત્ની તો એટલું રડી જાણે તે પછી કોઈ દિવસ ઉગવાનો જ ન હોય. તેણે મારી સાથે પ્લેનમાં વાત પણ ન કરી. મને લાગ્યું એક ભારતીય કન્યા માટે આવું થવું સ્વાભાવિક હતું. એમ પણ થયું કે તે ધીરેધીરે આમાંથી બહાર આવી જશે. ઘરે પહોંચ્યા બાદ પણ તે મારી સાથે કશું ન બોલી. ખૂણામાં બેસીને તે ટી.વી.ને તાક્યા કરતી. શરૂઆતના એક-બે દિવસ, હું મારા ચડત કામો પતાવવામાં વ્યસ્ત થઇ ગયો અને તેના પર ધ્યાન ન આપ્યું. તેની વર્તણૂંકને ગંભીરતાથી ન લીધી. પરંતુ એક અઠવાડિયા બાદ એક દિવસ હું તેની બાજુમાં બેઠો અને મેં પૂછ્યું, ” શું થયું છે ?”

“તમે મને અહીં શું કામ લાવ્યા છો ?”
” તું શું કહેવા માંગે છે ? શું થયું છે તને ?”
” મારે ઘરે જવું છે.”
” આ તારું ઘર જ છે.”
” ના, મારે ઘરે જવું છે. મહેરબાની કરી મને જવા માટેની ટિકીટ લઇ આપો.”
મેં કહ્યું, ” જો,બધાંને ઘરની યાદ આવે જ. હું જયારે પહેલીવાર અહીં આવ્યો ત્યારે મને પણ આમ થયું હતું. અને આમ થવું તે તદ્દન સ્વાભાવિક છે. તું ગોઠવાઈ જઈશ. માફ કરજે, હું મારાં કામમાં વ્યસ્ત થઇ ગયેલો…આપણે શનિ-રવિવારે બહાર જઈશું. તું મારાં મિત્રોને અને બીજા લોકોને મળજે, તેઓ એકદમ મળતાવડા છે. ચાલ, હવે એક ડાહી છોકરી બની જા. “
” હું તો આ જગ્યાને ધિક્કારું છું. મને મારુ કુટુંબ, મિત્રો, કોલેજ બધા ખૂબ યાદ આવે છે. મારી જાણીતી કોઈ વ્યક્તિ અહીં નથી. મારે ઘરે જવું છે. “
” ઘડીભર વિચારી જો. તું શું કરવા માંગે છે, કઈ વિચાર્યું છે ? તો શું તારે અહીંથી જતા રહેવું છે ને ફરી પાછું નથી આવવું ? “
” હા.”
” તું પાગલ થઇ ગઈ છે કે શું ? “
” તમને લાગતું હશે કે હું પાગલ છું, તો છું.”
” જો, હવે હું તને એક વાત પૂછું છું..તું એ સવાલનો જવાબ નહીં આપે તો પણ ચાલશે. તારી જિંદગીમાં બીજું કોઈ હતું ? “
” ના, મારે ઘરે જવું છે. જો તમે મને નહીં મોકલો તો હું ૯૧૧ ને ફોન કરીને બોલાવીશ.”
” જો ફરી એકવાર શાંતિથી વિચારી જો. તારા માતાપિતાનો વિચાર કર. હજુ આપણા લગ્નને એક મહિનો પણ નથી થયો ને તારે પાછાં જવું છે ! તને ખબર તો હતી જ ને કે તારે અહીં આવવાનું છે. જો તું ઘરે જવા માંગતી જ હો તો પછી આપણા લગ્નનું શું થશે ?”
” હું તમને દોષ નથી આપતી, વાંક મારો જ છે. હું મારાં ઘર-પરિવારથી આટલે દૂર નહીં રહી શકું. તમને જો એવું લાગતું હોય તો તમે જ ભારત પાછા ફરો.”
” અરે, પણ હવે હું ય તારો કુટુંબીજન થયો ને ! તું જે કહે છે તેમાં કશી ભલીવાર નથી. “

બીજા દિવસે પણ તેનું વર્તન એવું જ હતું. મેં મારાં કુટુંબને ફોન પર બધી વાત કરી, અને તેઓએ કહ્યું કે હું જે નિર્ણય લઈશ તેમાં તેઓ સહમત થશે. મેં તેની ટિકીટ બુક કરાવી. તેને બે દિવસમાં નીકળવાનું હતું. કોઈ રીતે હું તેને મનાવી કે રોકી ન શક્યો. તે અટલ રહી. તે નાના બાળકની માફક રડતી હતી. અંતે તે જતી રહી.

તેણે મારાં માટે કશું કર્યું નહોતું, છતાં મને તે યાદ આવતી રહી. મારો અંતરાત્મા મને કહી રહ્યો હતો કે હું કશેક ખોટો હતો. મેં આ વાતને ખંખેરી નાખવા પ્રયત્ન કર્યો. પણ જેમજેમ સમય વીત્યો તેમતેમ હું જાતને દોષી માનવા લાગ્યો. મેં તેને ફોન કર્યો. તેણે કહ્યું કે મારી બાબત તેને કઈ અજુગતું નહોતું લાગ્યું. બસ તે પોતાના શહેરને છોડવા અસમર્થ હતી. તેના માતાપિતાએ મારી ખૂબ માફી માંગી.

તેઓ પણ દીકરી આગળ લાચાર બની ગયાં હતાં. તે પછી મારાં જીવનમાં બીજી કેટલીક સ્ત્રીઓ આકર્ષણ જન્માવી ગઈ. પણ એક પણને મેં ગંભીરતાથી લીધી નહોતી. ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી વખતે મારી સાથે ટ્યુશનમાં એક છોકરી આવતી. મેં તેનો નંબર શોધીને લગાડ્યો. પછી આવી કોલેજમાં સહુથી સુંદર દેખાતી એવી એક છોકરી, જેની સાથે મેં ભાગ્યેજ એકાદવાર વાત કરી હશે.ત્યાર પછી એ છોકરી, જે મારી સાથે યુ.એસ.એ માં ભણતી અને મારાં જ ગામની હતી. હું જયારે પણ તેના ઘરે જતો ત્યારે તે ખૂબ આત્મીયતાથી વર્તતી.

એક વખત આ બધાંને મળ્યા બાદ, મેં તે બધાંને નજરઅંદાજ કર્યાં. આખરે અંજલિ મારી પત્ની હતી. હું તેને ઉવેખી ન શકું. મેં નોકરી છોડવા નિર્ણય કર્યો. હું વતન પાછો ફર્યો. ત્યાં કોઈને ખબર નહોતી કે હું પાછો ફરી રહ્યો હતો. હું મારી પત્નીને અચાનક મળવા માંગતો હતો. મેં મારી બેગ વગેરે મૂકી અને સીધો તેની કોલેજ પર પહોંચ્યો જ્યાં તે ભણાવતી હતી. પરંતુ ચોકીદારે મને દરવાજે જ રોક્યો, અને વર્ગો પૂરા થવા સુધી મારે રાહ જોવી પડી.

અંજલિ એકલી બહાર આવી. તે મંથર ગતિએ ચાલતી હતી. મહામુશ્કેલીથી તેણે તેની બેગ ઉપાડી હતી અને તે થાકેલી જણાતી હતી. તેણે બસ સ્ટોપ તરફ ચાલવા માંડ્યું. હું પણ ચુપચાપ તેની પાછળ ચાલવા લાગ્યો. પછી ધીરેથી તેની પાસે જઈને કહ્યું, ” જો તમને વાંધો ન હોય તો….તમારી બેગ હું ઉપાડી લઉં. !! “

તેણે ચોંકીને પાછળ જોયું. તેની આંખોમાં મને જોઈને ચમક આવી ગઈ. મને સમજાયું નહીં કે હું તેણે વળગી પડું કે શું કરું. હું મરક મરક હસી રહ્યો હતો અને તેની આંખોમાં હજારો સવાલો હતાં. મેં કહ્યું, ” તારી સાથે હું અહીં એક અઠવાડિયું રહેવા માંગુ છું. આ શહેરની તમામ જોવાલાયક જગ્યાઓ મને બતાવજે.” એ અઠવાડિયું જોતજોતામાં વીતી ગયું. અંજલિને તેના ઘરમાં એક નાના બાળકની જેમ રખાતી હતી. તે પરથી મને તેની આવી વર્તણૂકનો અંદાજ આવી ગયો. અંજલિને તેની કોફી તેના રૂમમાં મળી જતી. ત્યાં સુધી કે તેના કપડાં પણ તૈયાર કરી આપવામાં આવતાં.

તે નાસ્તો કરી કામે જતી. બસમાં તે બારી પાસે બેસીને કોઈ પુસ્તક વાંચતી. કોલેજ જઈને તે ભણાવતી. સાંજ પડ્યે થાકીને, ભીડવાળી બસમાં, પોતાની ભારે બેગ ઉપાડીને ઘરે આવતી. ઘરે જઇ નાસ્તો પતાવી તે એક સહેલીને ત્યાં જતી. ક્યારેક તે ઘરમાં જ રહેવાનું પસંદ કરતી, ટી.વી જોતી અથવા તો સંગીત સાંભળતી. રાત્રે જયારે તેના પિતા પાછા ફરતા ત્યારે તે લોકો સાથે બેસીને જમતા.

પછી તેની માતા તેને સુવાડતી. શનિ-રવિ પણ કઈ અલગ નહોતાં. તે મોડેથી ઉઠતી. ઉઠીને નાસ્તો કરતી અને પછી ફોન પર વાતો કરવા લાગતી. સાંજે તે મંદિરે જતી અને સંગીતના વર્ગો ભરતી. ત્યારબાદ તે બહાર જ જમીને રાત્રે મોડી ઘરે પછી ફરતી. બસ, આ જ તેની જિંદગી હતી. અને એટલે જ હું તેના માટે કોઈ ખલનાયક સમાન હતો. મેં તેને કહ્યું કે હું તેને સમજી શકતો હતો. મેં તેને પૂછ્યું કે શું તે તેના માબાપથી દૂર, એ જ શહેરમાં મારી સાથે રહી શકશે ? તેણે હા પાડી પણ શરત એ હતી કે તે મારાં માતાપિતા સાથે નહોતી રહેવા માંગતી.

એટલે અમે એક નાનકડા એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. અંજલિને કશું આવડતું નહોતું. તેને બધું જ કરી આપવું પડતું હતું. તે શીખવા લાગી હતી. તેને એ સમજાવવું ખૂબ અઘરું હતું કે તેની પણ ફરજો હતી, તેને પણ એક પતિ હતો. મારે તેને સવારે કોફી બનાવી આપવી પડતી હતી. તેણે નિયમો બનાવ્યા અને જાતે જ તોડ્યા. તે મારુ કઈ ધ્યાન રાખી શકે તેમ નહોતી. ઘણીવાર તો તે મને કહ્યા વગર જ ઘરે પાછા આવવાના બદલે સીધી પોતાના માતાપિતાને ત્યાં જ જતી રહેતી. મારે તેને લેવા જવું પડતું. ધીમે ધીમે તેને લગ્નજીવન વિશે સમજ આવવા લાગી.

તે મારાથી વહેલી ઉઠવા મંડી. રસોઈ કરવા પ્રયત્ન કરવા લાગી. મારે સાથે ફિલ્મ જોવા પણ આવતી, મારાં મિત્રોને ત્યાં આવતી, મને કોલેજ પર આવવા કહેતી, હું પણ તેને તૈયાર કરતો, તો એ વિરોધ ન કરતી, મારે સામે તે નાચતી. મને રસાયણશાસ્ત્ર સમજાવતી, મને તેની સાથે ક્રિકેટ રમવા દેતી અને મને રડાવતી પણ…!! તે હવે જવાબદાર બનવા લાગી હતી. એક દિવસ તેણે જે કઈ બન્યું તે માટે મારી માફી પણ માંગી.

પણ મેં એ વાત ધ્યાનમાં ન લીધી. છેવટે મને અંજલિ એ સ્વરૂપે મળી, જે સ્વરૂપે મને જોઇતી’તી. આજે હું ખુશ છું, મારી જિંદગીથી સંતુષ્ટ છું. અંજલિ હજુ પણ પોતાની વસ્તુઓ માટે રડે છે. હું તેને યાદ આપવું છું કે તેણે તો એકવાર પોલીસ બોલાવવા પણ ધમકી આપેલી. તે પણ હસી નાખે છે. ક્યારેક હું એ જ વિચારું છું, જો વતન પરત ન આવ્યો હોત, તો આજે મારુ જીવન જુદું જ હોત ! અને અમુક વસ્તુઓ તેમ છતાં એમની એમ જ વણબદલાયેલી છે.

આનું નામ જ જીવન છે. મુશ્કેલીઓનો સામનો કરવાના બે રસ્તાઓ છે. ” તમે મુશ્કેલીઓને બદલો, અથવા તેમનો સામનો કરવા માટે તમે બદલાઈ જાવ. “

લેખન-અનુવાદ- રૂપલ વસાવડા

આપ સૌ ને આ પ્રસંગ કેવો લાગ્યો ? કોમેન્ટ માં જણાવજો !

ટીપ્પણી