આનંદના ગરબા પાછળનો ઈતિહાસ અને માહાત્મ્ય જાણો

0
27

જ્યાં જ્યાં જુગતે જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા…

જિજીવિષા સભર મનુષ્ય અવતાર મળ્યો છે તો બધું જ જાણી, માણી, જીવી લેવાની લોલુપતા થઈ આવે એ સ્વાભાવિક છે. નિસ્પૃહ તો કોઈ સ્થિતપ્રજ્ઞ મહાત્મા જ હોઈ શકે.
જે કોઈ જ્ઞાનવર્ધક માહિતી મળે, કોઈ પુસ્તકનાં સ્વરૂપમાં કે પછી કોઈ સંતવાણી, સત્સંગ કે આજનાં ઈલેક્ટ્રોનિક જમાનામાં સોશિયલ મિડીયા સાઈટ્સમાં પિરસાતી અલ્પ સમજણ કે જરા સરખું સત્વગુણ મેળવી લેવાની જાણે હોડ લાગતી હોય છે.
આવામાં આખું કોઈ મહાગ્રંથ કે વેદ-પુરાણ વાંચીને પરિતૃપ્ત થાય એ તો નિશંક છે. હોજમાં છબછબિયાં કરીને નહાયાનો આનંદ લેવો છે સૌને. જલનિધિમાં ઝંપલાવીને હાથપગનાં હલેસાં હંકારીને કાંઠે પહોંચવું કાઠું પડે. સૌને ટૂંકો રસ્તો શોધવો છે, ભલેને પછીએ ટૂંક સમય માટે જ ગ્રાહ્ય હોય. બે મિનિટની મેગી નવી પેઢીને લોકપ્રિય છે અને કલાકો સુધી હાંડલામાં રંધાતી ઘી ફિણેલી ખિચડી અભક પડી છે.
‘ઈલ્મ’ ઉર્દુ ભાષામાં જાણ હોવી કે જ્ઞાન હોવું. ઈલ્મી – જ્ઞાની હોવું. એક માન્યતા સાંભળી છે કે ધાર્મિક પુસ્તકો ઈલ્મી કહેવાય. તો એવું કે કોઈ ધાર્મિક પુસ્તક હાથમાં લઈને આપણાં મનમાં ઉદ્ભવતા કોઈ પણ પ્રશ્નને વાગોળીએ અને જે પાનું ખુલે એમાં જે તથ્ય લખાયેલું એ તે પ્રશ્નનો તોડ નીકળે. બની શકે આ પ્રયોગ માત્ર નહિ બલ્કે શત પ્રતિશત દ્રઢ અનુભવ હોય. ત્યારે ઈચ્છા થઈ આવે કે આવો કોઈ જ્ઞાનકોષ મારી પાસે પણ હોય તો? એવી કોઈ માહિતીની પેટી જેની કૂંચી મને મળી જાય તો? એ મળે તો એ ક્ષણે આનંદની છોળ માંહ્લાંમાં સમાવી ન શકાય ખરુંને?
બીજો એક તર્ક એ પણ સ્ફુરે કે સેંકડો વર્ષો પૂર્વે લખાયેલાં ગ્રંથો ખરેખર આજનાં કળયુગ કહેવાતા જમાનામાં કઈ રીતે ઉપયોગી નિવડશે?
આ બધા જ બૈદ્ધિક પ્રશ્નો એક તરફ, વધુ એક તાર્કિક વલણ ઉમટે, કે જો ખરેખર એવો કોઈ જ્ઞાન વર્ધક કે સૂચક ગ્રંથ – મંત્ર – સ્ત્રોત્ર મળી આવે તો એને કેટલી હદે અનુસરવાની આપણાંમાં ત્રેવડ છે?
ઘણાંય મજાક ખાતર કહી દેતા હોય છે કે શ્રાવણમાં પિતાજીને રાજી કર્યા, ભાદરાવામાં પુત્ર ગણેશને અને આસોમાં માતાજીને મનાવવાનાં. ખરું છે. જેમ ઋતુ મુજબ પહેરણ એમ માસ પ્રમાણે પૂજન અર્ચન. હેંને?
આવું જ બધું વિચારતે નવરાત્રિનાં મહાપર્વને ઉજવવાની તૈયારીરૂપે ઘરનાં પૂજાનાં ગોખલાની સાફસફાઈ આદરી. કેટલાંય નવાં, જૂનાં ને જર્જરીત પૂસ્તકો જણસની જેમ સાચવેલા પડ્યા રહે છે. એવું કેમ? એવું જાતને પૂછતે ગરબાનાં, સ્ત્રોત્રોનાં અને પૂજાપાઠનાં પુસ્તકો કાઢ્યાં, ખંખેર્યાં અને ફરી ગોઠવાઈ ગયાં એજ ગોખલામાં. અનેક ગ્રહસ્થ પરિવારમાં આ ચીલો હશે જ. ગરબાની રમઝટ ગણગણી અને સ્ત્રોત્રો ઋચાનાં ઉચ્ચારો કાનમાં ગૂંજવા માંડ્યા. ત્યાં તો હાથમાં એક નાની પુસ્તીકા આવી, આનંદનાં ગરબાની. બહુચર માનાં ફોટા સાથે પૂર્ણકળાએ ખીલેલો કૂકડો જોયો. કાયમ દર્શન કરીયે પણ આજે જાણે એ કંઈક કહેતું હોય મને એવું ભાસ્યું અને એ પુસ્તક ખોલ્યું.
શક્રાદય સ્તુતિ બોલ્યા બાદ અને ગરબાઓનાં ગાન પછી કાયમ સાંભળેલું, “વલ્લભ ધોળા કી જય.” પણ એ વલ્લભ ધોળા કોણ? એ વાંચ્યું.
વિ.સં. ૧૬૯૬ના આસો સુદ આઠમ, નવરાત્રિનાં દિવસે પુષ્યાંક યોગમાં મેવાડાનાં બ્રાહ્મણ એવા ભટ્ટ પરિવારમાં બે પુત્રોનું જોડકું જન્મ્યું. એકનું નામ વલ્લભ અને બીજાનું નામ ધોળા રાખ્યું. તેઓ પાંચ વર્ષનાં થયા ત્યારે નજીકમાં વસતા બ્રહ્મચારીજીને અભ્યાસ માટે સોંપ્યા. પરંતુ તેઓનું મન અભ્યાસમાં ન લાગતાં ફક્ત નિર્વાણમંત્રનો ઉપદેશ મેળવીને ત્યાંથી વિદાય લીધી. બંને ભાઈઓ માત્ર ‘ૐ એં હિં ક્લીં’ એવા બીજ અક્ષરોનો મંત્ર જાપ કરતા. આ બીજાદિ મંત્ર જાપથી પાંચ વર્ષ, પાંચ માસ અને પચ્ચીસ દિવસનાં સતત તપથી પ્રભાવિત એક ગેબી અવાજ એમનાં કાનમાં સંભળાયો. બંને ભાઈઓ, વલ્લભધોળાને સાક્ષાત ઈશ્વરી બાળા સ્વરૂપે દર્શન આપ્યાં.
દર્શન માત્રથી સંતૃપ્તિ પામેલા બંને ભાઈઓને ઈચ્છીત વરદાન માગવા કહ્યું, પરંતુ ઈચ્છિત સિદ્ધિ દર્શન માત્ર થકી છે. જગતના નાશવંત પદાર્થ શું આપનાર સમર્થ છે? એવું એમણે માતાજીને હાથ જોડીને કહ્યું. પ્રસન્ન થયેલ જગદંબાએ આનંદનો ગરબો ગાવાની આજ્ઞા કરી. અને કહ્યું કે, મારા આનંદ સ્વરૂપની જ ઈચ્છા છે તો તમો આનંદનો ગરબો ગાવ કે જેમાં પરમ આનંદની શક્તિ સદા રહેલી છે.
અધૂરો અભ્યાસ છોડેલ બાળકો આ અલભ્ય આનંદનાં ગરબાનું ગાન કરે શી રીતે?
માતાજીએ જાતે જ એમની જીભનાં અગ્રભાગે બિરાજમાન થઈને વાણીનો પ્રવાહ કર્યો. આ શુભદિવસ વિ.સં. ૧૭૦૯, ફાગણ સુદ ત્રીજ અને બુધવારનાં દિને અવસર્યો હતો.
૧૧૮ છંદ સમૃદ્ધિ સંકલિત મા આનંદનો ગરબામાં આ શુભદિનાંક કહેલ છે. માત્ર તેર વર્ષની બાલ્યવયમાં જગતજનનીનો સાક્ષાત્કાર મેળવીને ભક્ત જોડકું વલ્લભ ધોળા ભટ્ટને ધન્યતા સહ પ્રણામ.
આજે વિ.સં. ૨૦૭૨મું ચાલી રહ્યું છે ત્યારે આ ‘આનંદનાં ગરબા’ની ઉત્પત્તિને ૩૬૩ વર્ષ થયાં. સેંકડો વર્ષ વિત્યા પછી પણ એક એક પંક્તિનો સંપૂર્ણ અભ્યાસ કરીએ તો આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
વેદ – પુરાણનાં પૂરાવા સમાં આ મહા ગાનમાં, રામ, કૃષ્ણ, પરશુરામ, બળરામ, પાંડુકુમારો અને દશમસ્તક રાવણને આવરી લેવાયો છે. ઋષિમુનિઓનાં કથનો સમાવાયાં છે. ભૂકંપ, ત્સુનામી અને વાવાજોડા જેવાં કુદરતી આફતોની વાત વણાઈ છે. ભૂત – ડાકીણી જેવા ભયસ્થાનો વિશે ઉલ્લેખ છે. વ્યાધિ ટાળીને સંકટને તપ થકી સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનો જાણે એક માર્ગ સૂચવ્યો.
“વ્યંઢળને વળી નાર, પુરુષ પણે રાખ્યાં,” આજનાં યુગમાં ચર્ચાતો ‘જેન્ડર બાયસ્ડ’ એટલે કે જાતિય અસમાનતા ભરેલ પક્ષપાતનો મુદ્દો એ સમયે પણ એટલો જ મહત્વનો હશે જ. ધનધ્યાન્ય અને માણેક જેવા પ્રલોભનો છતાંય મૂલ્યવાન હોવાનો અણસાર છે. વનસ્પતિનું ઉગવું પ્રકૃતિનો શ્રેષ્ટ વરદાન છે. મોહ, મદ, કામ, લોભને ટાળવાનું એક સાધન સાધના છે એ સાબિત થયું. દસેય દિશાઓથી ચારેય પ્રહરે નર- નારી, પશુ-પક્ષી દરેકને ઈશ્વરદત્ત આશિષ અપાય છે.
માતાજીનાં નામનું રટણ જ કલ્પતરુ છે એવો ઈશારો એમાં ચોક્કસ મળે છે. નવી પેઢીનાં એક પ્રતિનિધિનાં તરીકે અથવા એક અભ્યાસુ ફિલસૂફની નજરે આ આખા ગરબાનું પઠન કરીએ તો જેટલી વખત વાંચીશું એટલી વખત નવા જ અભિગમ સાથે સાર્થક લાગશે.
મહામાહેશ્વરીએ તૃણથી માંડીને ચૌદભૂવન સુધીની દરેક બાબતોને આ ૧૧૮ પંક્તિમાં સમાવીષ્ટ કરીને જાણે એક આખું સંપૂટ આપ્યું છે, ભક્ત વલ્લભધોળાનાં માધ્યમ થકી. એકેક પંક્તિને અંતે ‘મા’ શબ્દ ઉચ્ચાર એમ ૨૩૬ વખત માને યાદ કરાય છે. જેમ દરેક બાળકને માનું શરણ પક્ષપાત વિનાંનું છે. માનાં ખોળામાં માથું મૂકીને શરણાંગતિ કરીએ એટલે સઘળાં સંતાપ નષ્ટ.
મહા, ચૈત્ર, અષાઢ અને આસો ચારેય નવરાત દરમિયાન, ખાસ તો આસો નોરતામાં અનુષ્ઠાન પૂર્વક યોગ્ય પૂજાપા સાથે પ્રથમ પ્રહરમાં જ આનંદનાં ગરબાનું ગાન ઊર્જા આપનારું છે. ઉપવાસ, એકટાંણાં કે અલૂણાં ન પણ થાય પણ માનું નામ ચોક્કસથી ગાઈ શકાય. સ્થાપન, નૈવેદ્ય, આરતી અને નોમનાં ઉત્થાપન કરીને ૧૦૮ વખત આનંદનાં ગરબાનું તપ કરવું ખૂબ ફળદાયી નિવડે.
કદાચ, ઝડપી દોડતી જિંદગીમાં આકરા જપ – તપ ન થઈ શકે તો પણ સમયાનુકૂળતાએ આનંદનો ગરબો ગાઈને અદકેરો આનંદ ચોક્કસ મળશે. તણાવયુક્ત માહોલમાં આનંદમાં રહેવાનો ગૂઢ સંદેશો માતાનાં મુખેથી સદીઓ પહેલાં જ મળેલો છે.
આનંદનાં ગરબાની છેલ્લી પંક્તિ ત્રણ વાર ઉચ્ચારતાં મનમાં ગૂંજે છે; મેવાડાનાં બ્રાહ્મણ ભટનાં પુત્ર વલ્લભધોળા કહે છે; દુર્લભને સુલભ કરીને જીવવામાં આનંદ છે.
છે કોઈ બીજું ગૂઢ રહસ્ય આ સિવાય?
– કુંજલ પ્રદીપ છાયા. ‘કુંજકલરવ’

શ્રી વલ્લભ ભટ્ટ રચીત
આઈ શ્રી આનંદનો ગરબો

આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા
ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા [૧]

અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા
છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા [૨]

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા [૩]

તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા
અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા [૪]

નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા
કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા [૫]

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા
મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા [૬]

મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા
કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા [૭]

પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા
પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા [૮]

અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા
પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા [૯]

રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા
ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા [૧૦]

મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા
જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા [૧૧]

અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા
માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા [૧૨]

જશ તૃણ વત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ મા
ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ મા [૧૩]

પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ મા [૧૪]

આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા
તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી મા [૧૫]

શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા [૧૬]

માતંગી મન મુક્ત, રમવા કીધું મન મા
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન મા [૧૭]

નીર ગગન ભૂ તેજ, હેત કરી નિર્મ્યા મા
માત વશ જે છે જ, ભાંડ કરી ભર્મ્યા મા [૧૮]

તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા
ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા [૧૯]

પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક મા
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા [૨૦]

પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો મા
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો મા [૨૧]

મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી મા
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા [૨૨]

જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન મા
બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન મા [૨૩]

વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો મા
ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા [૨૪]

અજ રજ ગુણ અવતાર, આકારે આણી મા
નિર્મિત હત નર્નાર, નખ શિખ નારાયણી મા [૨૫]

પન્નંગ ને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા
જુગ જુગ માહેં ઝંખી, રૂપે રૂદ્રાણી મા [૨૬]

ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચન આસન ટીકી મા
જણાવવા જન મન્ય, મધ્યમાત કીકી મા [૨૭]

કણચર તૃણચર વાયુ, ચર વારી ચરતાં મા
ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં મા [૨૮]

રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા
ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાત મા [૨૯]

જ્યાં જ્યાં ત્યાં તમ રૂપ, તેજ ધર્યું સઘળે મા
કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે મા [૩૦]

મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા
બાળી બહ્ચર માય , આદ્ય વસે વાસો મા [૩૧]

ન લહે બ્રહ્મા ભેદ, ગૃહય ગતિ ત્હારી મા
વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા [૩૨]

વિષ્ણુ વિલાસી મન, ધન્ય જ ઉચ્ચરિયા મા
અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા [૩૩]

માને મન માહેશ, માત મયા કીધે મા
જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે મા [૩૪]

સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા
નામ ધર્યુ નાગેષ, કીર્તિ તો વ્યાધી મા [૩૫]

મચ્છ; કચ્છ, વારાહ, નૃસિંહ વામન થઈ મા
અવતારો તારાહ, તે તુજ મહાત્મ્ય મહી મા [૩૬]

પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ મા
બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ મા [૩૭]

મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું મા
તેં નાખી મોહ જાળ, બીજું કોઈ ન્હોતું મા [૩૮]

કૃષ્ણ કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું મા
ભક્તિ મુક્તિ દાતાર, થઈ દર્શન દીધું મા [૩૯]

વ્યંઢળ ને વળી નાર, પુરૂષપણે રાખ્યા મા
એ અચરજ સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં મા [૪૦]

જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા
મા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ મા [૪૧]

મહિરાવાણમથિ મેર, કીધે રવૈયો સ્થિર મા
કાઢ્યાં રત્ન એમ તેર, વાસુકિના નેતર મા [૪૨]

સુર સંકટ હરનાર; સેવક ના સન્મુખ મા
અવિગત અગમ અપાર, આનંદા દધિસુખ મા [૪૩]

સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધેં મા
આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે મા [૪૪]

આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા મા
દશમસ્તક ભુજ વીશ, છેદી સીત મળ્યા મા [૪૫]

નૃપ ભીમકની કુમારી, તૂમ પૂજ્યે પામી મા
રૂક્ષમણિ રમણમુરારિ, મનમાયો સ્વામી મા [૪૬]

રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા
સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે મા [૪૭]

બાંધ્યો તનપ્રદ્યુમન, છુટે નહી કોથી મા
સમરિપુરી સનખલ, ગયો કારા ગૃહથી મા [૪૮]

વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી મા
શક્તિ સૃષ્ટી મંડાણ, સર્વ રહ્યાં રાખી મા [૪૯]

જ્યાં જ્યાં જુગતે જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા
સમવિત ભ્રમતિ ખોઈ, કહી ન શકું કેવી મા [૫૦]

ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવાની મા
આદિ મધ્ય અવસાન, આકાશે અવની મા [૫૧]

તિમિહરણ શશિશૂર, તે તારો ધોખો મા
અમિ અગ્નિ ભરપુર, થઈ પોખો શોખો મા [૫૨]

ષટ ઋતુ રસ ષટ માસ, દ્વાદશ પ્રતિસંઘે મા
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંઘે મા [૫૩]

ધરતીતળ ધન ધાન્ય, ધ્યાન ધરે નાવો મા
પાલન પ્રજા પ્રજન્ય, અણ ચિતવ્યાં આવો મા [૫૪]

સકળ સિધ્ધિ સુખદાઈ, પચ દધિ ધૃતમાંહિ મા
સર્વે રસ સરસાઈ, તુજ વિણ નહિ કાંઈ મા [૫૫]

સુખ દુઃખ બે સંસાર, ત્હારા ઉપજાવ્યાં મા
બુદ્ધિબળની બલીહારી, ઘણું ડાહ્યા વાહ્યા મા [૫૬]

ક્ષુદ્યા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃધ્ધ મા
શાંતિ શૌર્ય ક્ષમાય; તું સઘળે શ્રધ્ધા મા [૫૭]

કામ ક્રોધ મોહ લોભ, મદમત્સર મમતા મા
તૃષ્ણા સ્થિરતા ક્ષોભ; ધૈર્ય ધરે સમતા મા [૫૮]

ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા મા
વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા મા [૫૯]

ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી મા
ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદેથી મા [૬૦]

હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્યકવિતવિતતું મા
ભાવ ભેદ નિજ ભાસ્ય, ભ્રાન્ત ભલી ચિત્ત તું મા [૬૧]

ગીત નૃત્ય વાજીન્ત્ર, તાલ તાન માને મા
વાણી વિવિધ ગુણ અગણિત ગાને મા [૬૨]

રતિરસ વિવિધ વિલાસ, આશ સફળ જગની મા
તન મન મધ્યે વાસ, મહં માયા મન ની મા [૬૩]

જાણે અજાણે જગત, બે બાઘા જાણે મા
જીવ સફળ આસક્ત, સહુ સરખાં માણે મા [૬૪]

વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું મા
ગરથ સુરથ નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા [૬૫]

જડ થડ શાખ પત્ર, ફુલ ફળે ફળતી મા
પરમાણું એક માત્ર, રસ રગ વિચરતી મા [૬૬]

નિપટ અટપટી વાત, નામ કહું કોનુ મા
સરજી સાતે ઘાત, માત અધીક સોનુ મા [૬૭]

રત્ન મણિ માણેક, નગ મુકીયાં મુક્તા મા
આભા અઢળ અનેક, અન્ય ન સંયુક્તા મા [૬૮]

નીલ પિત આરક્ત, શ્યામ શ્વેત સરખી મા
ઉભય વ્યક્ત-અવ્યક્ત, જગતજને નિરખી મા [૬૯]

નગ જે અધિકુળ આઠ, હિમાચલ આઘે મા
પવન ગવન ઠઠિ ઠાઠ, અરચીત તું સાધે મા [૭૦]

વાપી-કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા
જળતારણ જેમ નાવ, તમ તારણ બધું મા [૭૧]

વનસ્પતિ ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં મા
કૃત કૃત તું કિરતાર કોશ વિઘાં કુંભાં મા [૭૨]

જડ ચેતન અભિધાન, અંશ અંશ ધારી મા
માનવી માટે માન એ કરણી ત્હારી મા [૭૩]

વર્ણ ચાર નિજ કર્મ, ધર્મ સહિત સ્થાપી મા
બે ને બાર અપર્મ, અનુચર વર આપી મા [૭૪]

વાંડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે મા
તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા [૭૫]

લક્ષ ચોરાશી જન, સહુ તારા કીધાં મા
આણી અસુરોનો અંત, દંડ ભલા દીધા મા [૭૬]

દુષ્ટ દમ્યાંકૌં વાર, દારૂણ દુઃખ દેતા મા
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞ લેતા મા [૭૭]

સુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુળ લીધું મા
ભૂમી તણો શિર ભાર, હરવા મન કીધું મા [૭૮]

બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા
સંત કરણ ભવ પાર, સાધ્ય કરે સ્વાહા મા [૭૯]

અધમ ઉધારણહાર, આસન થી ઉઠી મા
રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી મુઠી મા [૮૦]

આણી મન આનંદ, મહિ માંડ્યાં પગલાં મા
તેજ કિરણ રવિચંદ, થૈ નના ડગલાં મા [૮૧]

ભર્યા કદમ બે ચાર, મદ માતી મદભર મા
મન માં કરી વિચાર, તેડાવ્યો અનુચરમા [૮૨]

કુકર્ટ કરી આરોહ, કરૂણાકર ચાલી મા
નગ પંખી મહિ લોગ, પગ પૃથી હાલી મા [૮૩]

ઉડી ને આકાશ, થઈ અદ્‌ભુત આવ્યો મા
અધક્ષણમા એક શ્વાસ, અવનીતળ લાવ્યો મા [૮૪]

પાપી કરણ નિપાત, પૃથ્વી પડ માંહે મા
ગોઠ્યું મન ગુજરાત, ભીલાં ભડ માંહે મા [૮૫]

ભોળી ભવાની માય; ભાવ ભર્યા ભાલે મા
કીધી ઘણી કૃપાય, ચુંવાળે આળે મા [૮૬]

નવખંડ ન્યાળી નેટ, નગર વજર પેઠી મા
ત્રણ ગામ તરભેટ, ઠેઠ અડી બેઠી મા [૮૭]

સેવક સારણ કાજ, સન્ખલપુર સેડે મા
ઉઠ્યો એક આવાજ, દેડાણા નેડે મા [૮૮]

આવ્યા શરણ શરણ, અતિ આનંદ ભર્યો મા
ઉદિત મુંદિત રવિ કિર્ણ, દશ દીશ યસ પ્રસર્યો મા [૮૯]

સકળ સમૃદ્ધ જગ માત, બેઠાં ચિત સ્થિર થઈ મા
વસુધા મા વિખ્યાત, વાત વાયુવિધિ ગઈ મા [૯૦]

જાણે જગ સહુ જોર, જગજનની જોખે મા
અધિક ઉડાડ્યો શોર, વાસ કરી ગોખે મા [૯૧]

ચાર ખુંટ ચોખાણ, ચર્ચા એ ચાલી મા
જન જન પ્રતિમુખ વાણ, બહુચર બિરદાળી મા [૯૨]

ઉદો ઉદો જય કાર, કીધો નવ ખંડે મા
મંગલ વર્ત્યા ચાર, ચૌદે બ્રહ્માંડે મા [૯૩]

ગાજ્યા સાગર સાત, દુધે મેહ ઊઠ્યા મા
અધર્મ ધર્મ ઉત્પાત, સહુ કીધા જુઠ્ઠા મા [૯૪]

હરખ્યા સુર નર નાગ, મુખ જોઈ માનુ મા
અવલોકી અનુરાગ, મન મુનિ હરખાનું મા [૯૫]

નવગૃહ નમવા કાજ, પાગ પળી આવ્યા મા
ઉપર ઉવારણ કાજ, મણિમુક્તા લાવ્યા મા [૯૬]

દશ દિશના દિગપાળ, દેખી દુઃખ વામ્યાં મા
જન્મ મરણ જંજાળ, મટતાં, સુખ પામ્યા મા [૯૭]

ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા મા
સુર સ્વર સુણતાં કાન, ગતિ થઈ ગઈ સ્તંભા મા [૯૮]

ગુણ નિધિ ગરબો જેહ, બહુચર માત કેરો મા
ધારે ધારી દેહ, સફળ ફરે ફેરો મા [૯૯]

પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતાં મા
નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતાં મા [૧૦૦]

શસ્ત્ર ન અડકે અંગ, આદ્યશક્તિ રાખે મા
નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા [૧૦૧]

ક્ષણ જે અકળ આઘાત, ઉતારે બેડે મા
ક્ષણ ક્ષણ નિશદિન પ્રીત, ભવ સંકટ ફેડે મા [૧૦૨]

ભુત પ્રેત જંબુક, વ્યંતરી ડાકિણી મા
નાવે આડી અચુક, સમર્યા શાકિણી મા [૧૦૩]

ચરણ કરણ ગતિ ભંગ, ખંગ અંગ વાળે મા
ગુંગ મુંગ મુખ અંગ, વ્યાધી બધી ટાળે મા [૧૦૪]

સેંણ વિહોણા નેણ, ન્હેનેણા આપે મા
પુત્ર વિહોણાં કેણ, કૈ મેણાં કાપે મા [૧૦૫]

કળી કલ્પતરૂ વાડ, જે જાણે ત્હેણે મા
ભક્ત લડાવે લાડ, પાડ વિના કહેને મા [૧૦૬]

પ્રકટ પુરૂષ પુરૂષાઈ, તું આપે પળમાં મા
ઠાલા ઘર ઠકુરાઈ, દો દળ હળબળમાં મા [૧૦૭]

નિર્ધન ને ધન પાત્ર, તું કરતાં શું છે મા
રોગ દોષ દુઃખ માત્ર, તું હરતાં શું છે મા [૧૦૮]

હય ગજ રથ સુખપાલ, આલ વિના અજરે મા
બરૂદે બહુચર બાળ, ન્યાલ કરો નજરે મા [૧૦૯]

ધર્મ ધ્વજા ધન ધાન્ય, ન ટળે ધામ થકી મા
મહિપતિ દે સુખ માન્ય, મા ના નામ થકી મા [૧૧૦]

નર નારી ધરી દેહ, કે જે જે ગાશે મા
કુમતિ કર્મ કુત ખેહ, થઈ ઉડી જાશે મા [૧૧૧]

ભગવતિ ગીત ચરિત્ર, નિત સુણશે કાને મા
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા [૧૧૨]

તું થી નથી કો વસ્તુ, તેથી તને તર્પુ મા
પૂરણ પ્રકટ પ્રશશ્ત, શ્રી ઉપમા અર્પું મા [૧૧૩]

વારં વાર પ્રણામ. કર જોડી કીજે મા
નિર્મળ નિશ્ચળ નામ, જન નિશ દિન લીજે મા [૧૧૪]

નમો નમો જગ માત, નામ સહસ્ત્ર તારાં મા
સાત નાત ને ભાત, તું સર્વે મ્હારા મા [૧૧૫]

સંવત શત દશ સાત, નવ ફાલ્ગુન શુધ્ધે મા
તિથી તૃતિયા વિખ્યાત, શુભ વાસર બુધ્ધે મા [૧૧૬]

રાજ નગર નિજ ધામ, પુરે નવિન મધ્યે મા
આઈ આદ્યવિશ્રામ, જાણે જગત મધ્યે મા [૧૧૭]

કરી દુર્લભ સુર્લ્લભ, રહું છું છે વાંડો મા
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો મા [૧૧૮]

॥ બહુચર માતની જય ॥

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here