આલુ ચીલ્લા – આજે બનાવીએ બટાટાનાં પુડલા જે બનાવવામાં ખુબ જ સરળ ને ટેસ્ટમાં સ્વાદિષ્ટ છે …

આલુ ચીલ્લા

ચણા ના લોટ ના પુડલા કે ઘઉં ના લોટ ના પુડલા આપણે બધા એ ખાધા જ છે. આજે આપણે કાંઈક નવીન બનાવીએ બટેટા ના પુડલા . નાસ્તા માં કે જમવા માં પણ પીરસી શકાય .છીણેલા બટેટા માંથી બનતા આ પુડલા ખૂબ જ સરળ છે અને ઇન્સ્ટન્ટ છે. લાબું પલાળવાની ની જંજટ નથી. બાળકો ને તો બહુ જ ભાવશે. છેલ્લે આપેલ નોંધ જરૂર થી વાંચશો

સામગ્રી :
1. 4 નંગ મોટા બટેટા,
2. 2 ચમચી તીખા લીલા મરચા,
3. 1 ચમચી જીરા નો ભૂકો,
4. 1/2 ચમચી મરી નો ભૂકો,
5. 1/4 વાડકો બારીક સમારેલી ડુંગળી,
6. મીઠું,
7. 2 મોટા ચમચા ચણા નો લોટ,
8. 2 મોટા ચમચા કોર્નફ્લોર,
9. શેકવા માટે તેલ.

રીત :

સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી સરસ ધોઈ લો.

જીણી ખમણી ની મદદ થી એકસરખું ખમણી લો. ખમણી ને પાણી માં પલાળો. 5 થી 7 મિનિટ માટે પલાળવું. ત્યારબાદ હાથ થી સરસ રીતે નીચોવી ને બીજા બાઉલ માં છીણ લઇ લો.

બટેટા માં પાણી નો ભાગ ના રહે એ વાત નું ધ્યાન રાખવું નહીં તો લોટ વધારે ઉમેરવો પડશે. બાઉલ માં બેય લોટ , લીલા મરચા, ડુંગળી , જીરા નો ભૂકો , મરી નો ભૂકો અને મીઠું બધું ભેગું કરો.

એક પણ ટીપું પાણી ઉમેર્યા વગર સરસ મિક્સ કરતા જાઓ. આપ જોશો કે ધીરે ધીરે બટેટા માંથી જ પાણી છૂટશે અને બેટર બની જશે. 5 મીનીટ માટે રહેવા દો. જો બહુ ઢીલું લગે તો 1 ચમચી લોટ ઉમેરવો.

નોનસ્ટિક નો તવો ગરમ કરો. ચમચા ની મદદ થી બેટર ને તવા પર પાથરો. શક્ય હોય એટલું પાતળું પાથરવાની ટ્રાય કરવી. ગેસ ની આંચ ધીમી થી મધ્યમ રાખવી.

પુડલા ની કિનારી પર થોડા ટીપા તેલ રેડો અને ઢાંકી દો .

મધ્યમ આંચ પર કડક થવા દો. કડક થાય એટલે ઉથલાવો અને ફરી શેકો.ગ

ગરમ ગરમ પીરસો.. સાથે ચટણી , ટામેટા નો સોસ અને ડુંગળી પીરસી શકાય. આશા છે આપને પસંદ આવશે.


નોંધ : આ પુડલા માટે આપ કોર્નફ્લોર ના બદલે ચોખા નો લોટ પણ વાપરી શકો.
જો બાળકો ને પીરસવા હોય તો લીલા મરચા ને બદલે થોડું લાલ મરચું ઉમેરવું.
બેટર માં બારીક સમારેલી કોથમીર પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી