આખરી ખત

“હદ થઇ ગઈ સુદેશ, હવે મારાથી વધુ સહન નહી થાય. હું પરણીને આવી, ત્યારથી આજસુધી આ ઘરમાં એક નોકર, અને ભઠીયારા તરીકે જ જીવું છું, મને આઝાદી ક્યારે?

અષાઢના પ્રથમદિને આકાશમાં મેઘાડમ્બર જામ્યો હતો, કાળાડીબાંગ વાદળોએ સમગ્ર આકાશ ઉપર પોતાનો કબજો જમાવ્યો હતો સાંબેલાધારે અવિરત વરસાદ વરસી રહ્યો હતો, આકાશમાં વીજળી કડાકા સાથે ઝબૂકી રહી હતી. શહેર અને સોસાઈટીના રસ્તા સુમસામ હતા, દુર દુર વરસાદમાં ક્યાંક ભીંજાતા કુતરાનું આછું રુદન સંભળાતું હતું તે સમયે પોતાના બેડરૂમમાં રડતા,રડતા,સુરેખાએ પતિને ફરિયાદ કરી, ઘરની બહાર વરસતા વરસાદની ઠંડક હતી, ત્યારે બેડરૂમમાં સુરેખાની આંખોમાંથી વરસતા, આંસુ સાથે ઉકળાટ અને ગરમી હતા.

“વળી ફરી શું થયું ?” હરહમેશ પત્નિની ફરિયાદથી ત્રસ્ત થયેલ સુદેશે થોડા અકળાઈને પૂછ્યું .
” કેમ તને કાંઈજ ખબર નથી? આ તો રોજનોપ્રશ્ન છે,રોજ ઉઠીને બાપુજીની ફરિયાદ કરતા મને શરમ આવે છે,પણ તને તારા પિતાની ફરિયાદ સાંભળવામાં શરમ નથી આવતી. તું ગમે તે કર, પણ હવે બાપુજી આપણી સાથે નહી રહી શકે,તે મારો આખરી ફેસલો છે” સુરેખા ડુસકા ભરવા માંડી.

“બાપુજી આપણી સાથે નહી રહી શકે” ? એટલે તું શું કહેવા માગે છે ? સુદેશનું લોહી ઉકળી ઉઠ્યું. “તું કાન ખોલીને સાંભળી લે, કે બાપુજી આપણી સાથે નથી રહેતા, પણ આપણે બાપુજી સાથે રહીએ છીએ.
આ પોશ વિસ્તારના બંગલાના માલિક બાપુજી છે, આપણે નથી, તારે જે કહેવું હોય તે નીચા સ્વરમાં શાંતિથી કહે ” સુદેશે રોકડું પરખાવ્યું,

સુરેખાએ સાડીનાપાલવથી આંખ લુછતાં કહ્યું ” સુદેશ, તું જાણે છે, કે હું ઘરકામમાંથી ઉંચી આવતી જ નથી. એવામાં બાપુજીની અમુક ટેવો મને વધારે પ્રવૃત રાખે છે, મને લેશમાત્ર આરામ મળતો નથી, સવાર પડે અને તેની મોળી, ચા બનાવવી, ઘરનાપૂજા-પાઠ પતાવી મંદિરે લોટી ભરીને દૂધચડાવવા જાય, આવે એટલે તેને માટે મારે નાસ્તો તૈયાર રાખવો પડે, બપોરે તેને ગરમ રોટલીએ જમાડવા, સાંજે ફરી તેની મોળી ચા, સાંજનો નાસ્તો, અને રાત્રે તેને માટે બાજરીના બે રોટલા ટીચવા, આપણે ક્યારેક બહાર કે હોટેલમાં જમવાનું હોય ત્યારે પણ , તેના માટે તો ઘરમાં કરવુજ પડે.

તું તો ઘરમાં પગાર આપીને છૂટી જાય છે,પણ તને ખબર છે કે તારા પગારના રૂપિયા, 40,000/ તો ત્રીસ દિવસમાં ચટણી થઇ જાય છે. ઘરમાં પૈસો પોસાતો જ નથી, તેમાં વળી હમણાં હમણાં છેલ્લા પાંચ, સાત વર્ષથી દરશનિવારે,હનુંમાનજીને તેલ,અને અડદ,મંગળવારે ગાયને રોટલી સાથે ગોળનું દડબું,અને અમાસને દિવસે ચાંડાલને વાટકો ભરીને લોટ આપવાનું ભૂત વળગ્યું છે. જયારે પોતે કશું કમાતા નથી, ત્યારે આવી દાતારી શે પોષાય? આવી કારમી મોંઘવારીમાં એક પગારથી ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે તેની તને ક્યાં ખબર જ છે ?

દિવસ આખો ઢસરડો કર્યાપછી મારાનસીબે તો સવારના એક ગ્લાસ બોર્નવીટા સિવાય આખા દિવસમાં દૂધ જ નથી,અને મંદિરે ઢોળી આવવા દૂધ આપવું પડે છે, અને એટલેજ બાપુજીને સવારે પોતાની દવા,દૂધને બદલે પાણી સાથે લેવી પડે છે .”

“તારૂ વ્યાખ્યાન પૂરું થયું ? હવે હું કહું ? સાંભળ,” સુરેખાના વેણથી હાડોહાડ સળગી ગયેલ સુદેશે માનસિક કાબુ ગુમાવ્યા વિના કહ્યું, “સુરેખા, તું વડીલની આમન્યા, અને મર્યાદા ચુકી રહી છો, તું જે રીતે બોલે છે તે પરથી મને લાગે છે કે તારી ફઇએ તારુંનામ “સુરેખા” નહી, પણ “વક્રરેખા” પાડવાની જરૂર હતી. તારી આ ભાષા, અને બાપુજી પ્રત્યેનો પૂર્વગ્રહ તારા સંસ્કાર, અને માતા-પિતાએ આપેલી કેળવણીને લજવે છે.

વડીલની અને ખાસ કરીને વૃદ્ધ માતાપિતાની સેવા, તે ખુદ ઈશ્વરની સેવા છે, અને એમાં તું નવું પણ શું કરે છે ?
બાનાાં અવસાન પછીથી બાપુજી સતત વ્યગ્ર અને તણાવમાં રહેતા હતા, એટલે મેંજ સામેથી તેને પ્રેક્ટીસ બંધ કરાવી છે માણસ જીવે ત્યાં સુધી કમાય એમ તારું કહેવું છે ?”

સુદેશને આગળ બોલતા અટકાવી સુરેખા વચ્ચેબોલી,”સુદેશ, તારી સેવાની વાત કબૂલ, પરંતુ સેવાની પણ એક સીમા હોય છે, સીમાં વિનાની સેવાએ સેવા નહી, પણ વેઠ અને મજુરી કહેવાય,અને હું વેઠ કરતી હોઉં એવું મને લાગે છે “.

મારા પપ્પા,અને, બાપુજી બન્નેએ સાથે વકીલાત પાસ કરી, બન્ને એ એકજ દિવસે પ્રેક્ટીસ શરુકરી. આજે મારા પપ્પાએ મારા બન્ને ભાઈઓને “ચારબંગડીવાળી” ઓડી અપાવી છે, જયારે તું આજે પણ લોન ઉપર લીધેલું સ્કુટર ફેરવે છે .” સુદેશને સુરેખાના, તીખા વચનો રામબાણ જેવા લાગતા હતા, છતાં મગજ ગુમાવ્યા વિના, પોતાની રજુઆત ચાલુ રાખી.

“તારીવાત સાચી છે,પરંતુ બાપુજી સિદ્ધાન્તવાદી હતા,અને છે, તેઓએ,પ્રમાણિકતા,સત્ય,વફાદારી,નિષ્ઠા અને નીતિથી કમાવવા માટે થઈને કદાપી કોઈ ફોઝદારી કે ક્રિમીનલ કેસ લડ્યા જ નથી,અને છેક સુધી દીવાની અને રેવન્યુના કેસો જ હાથમાં લીધા છે જો એમ ન કર્યું હોત તો મારીપાસે પણ મર્સિડીઝ, ઉપરાંત મારા બે બંગલા હોત. બાપુજીએ એક બેનને C.A અને બીજી બેનને ડોક્ટર બનાવી વિદેશમાં સ્થિરકરી,બાની ગંભીર બીમારી,અને ઓપરેશન પાછળ પૈસો ખર્ચ્યો આપણા લગ્નપાછળ હિસાબ વિનાનો ખર્ચો કર્યો અને જયારે બા ના અવસાનબાદ તે પૂરીરીતે ભાંગી ચુક્યા,અને વિચારવાયુના માનસિક દર્દી થયા,એટલે મેં તેને વ્યવસાય મુક્ત થવા આગ્રહ કર્યો .

“તમારી બહેનોને ઉચ્ચઅભ્યાસ કરાવી,વિદેશ સ્થિરકરી,એમાં તમને શું મળ્યું ?” ઈર્ષ્યાનોસાપ સુરેખાનીઆંખોમાં આળોટ્યો
સુદેશે કહ્યું “મને ? મને આ બેન્કની પ્રતિષ્ઠિત નોકરી. હું જે છું તે બાપુજીને આભારી છે. બાપુજી બે-ત્રણ બેન્કના કાનુનીસલાહકાર (Legal Adviser ) હતા,અને તેના સારા સબંધો થકી મને બેન્કની નોકરી મળી,અને મારી કાર્યદક્ષતાથી હું આજે “જનસંપર્ક અધિકારી “(Public Relation Officer)છું પણ મને એમલાગે છે કે પબ્લિક રીલેશન્સ વધારતા મારા પ્રાઇવેટ રીલેશન આજે જોખમમાં હોય તેવું દેખાય છે ”

“સુરેખા,તું કેમ ભૂલીજાય છે કે,આ એ જ બાપુજી છે,જેણે તારી પ્રસુતિ સમયે તારો,જીવ જોખમમાં હોવાથી ઉઘાડા પગે અંબાજી દર્શન કરવાની માનતા રાખેલી,અને જયારે હેમખેમ પ્રસુતિ પારપડી ત્યારે વૈશાખના ધોમધખ્યા તાપમાં, ઉઘાડેપગે અંબાજી દર્શન કરવા ગયા હતા,દશ દિવસેપણ પગમાં પડેલ જળેળા ડાયાબીટીસને કારણે જયારે ન રુઝાયા,ત્યારે ઘેરે ડ્રેસિંગ કરવા પ્રાઇવેટ કમ્પાઉંડર આવતો, આજે એજ બાપુજીની અવસ્થાએ થોડો સહકાર આપવો એ તને મજુરી,અને વેઠ લાગે છે? આજે જો બા હોત,તો તારે આવીફરિયાદ કરવાનો,અને મારે તારા કટુવચન સાંભળવાનો મોકો જ ન આવ્યો હોત એક વાત તું કાયમમાટે યાદ રાખજે કે વૃક્ષ ભલે ફળ ન આપે,પણ છાયડો તો જરૂર આપે છે .”આટલુંબોલતા સુદેશ ભાવુક બની ગયો તેની આંખમાં ઝળઝળીયા આવી ગયા.

તેને ભાવુક બનેલો જોઈ,સુરેખા કુણી પડી. તેના ઉગ્રઅવાજ ઉપર લગામ લાગી હોય તેમ ઢીલા અવાજે બોલી,
” સુદેશ એકવાતતો નક્કી છે કે લગ્નસમયે તું જે હતો તે હવે નથી રહ્યો,તું બદલાઈ ગયો છે ”
“ના” સુદેશે જવાબવાળ્યો “સુરેખા હું નથીબદલાયો,મારો સમય બદલાયો છે,મારા સંજોગ બદલાયા છે,આપણાલગ્ન સમયે બાની હયાતી હતી,બાપુજીની આવક ચાલુ હતી,અને બા,ના જીવતા મેં કદી શાકમાર્કેટ નથીજોઈ,નથી કોઈ જવાબદારી ઉપાડી,હું જે કમાતો તે બિન્દાસ્ત રીતે આપણે વાપરતા. નથી એક પાઈની બચત કરી,આજે સંજોગ બદલાયા, બા નથી,બાપુજીની આવક નથી,ચિરાયુંના ભવિષ્ય, અને શિક્ષણની જવાબદારી ઉપરાંત,ઘરની,અને બાપુજીની જવાબદારી આવીપડી છે. “જીવન એક સંઘર્ષ છે એવું સાંભળેલું, પણ આવો કઠીન અને ભિષણ સંગ્રામ હશે,તે આજે ખબરપડે છે તારે થોડા વધુ સમજદાર અને મેચ્યોર,થવાનીજરૂર છે”
સુરેખાનીઆંખ ભીની થઇ

યુદ્ધપછીની શાંતિ જેવો માહોલ બેડરૂમમાં સર્જાયો.ઘડિયાળમાં રાત્રીનો એક વાગ્યો હતો. બહાર વરસાદ,અને પવન ફૂકાવો ચાલુ હતો, ઘરનીઅંદરનું વાવાઝોડું શમી ગયું હતું
બન્નેજણા પોતપોતાની જગ્યાએ સુઈ ગયા.

*******
સુદેશ-સુરેખાનાબેડરૂમની બાજુમાંજ પરમસુખરાયનો બેડરૂમ હતો.
રાતની નિરવશાંતિમાં પુત્ર,અને પુત્રવધુ વચ્ચે ચાલતું શાબ્દિકયુદ્ધ તેને સ્પષ્ટ સંભળાતું હતું ,પહેલેથી છેલે સુધીના શબ્દશ: સાંભળેલા સવાદોએ પરમસુખરાયને ભાંગી નાખ્યા.

પથારીમાં પડ્યા,પડ્યા વિચારે ચડ્યા,”હું આટલો બધો અકારો છું ? જેને સાતફેરા ફેરવી,મારા ઘરનો ઉંબર દેખાડ્યો,અને પુત્રવધુનો દરજ્જો આપ્યો,તેનીપાસે મારી આટલી જ કિંમત ?

શૂન્યમનસ્ક અવસ્થામાં તે પથારીમાંથીઉઠ્યા, સામે દીવાલ ઉપર લટકતી ભોળાનાથની છબી સામે હાથ જોડી બોલ્યા,
“હે,પ્રભુ, વિધુરાવસ્થા,અને વૃદ્ધાવસ્થા,બન્ને એકસાથે,તે મને આપ્યા?મારાઉપર થોડી દયા તો કરવીહતી ?અત્યારસુધી હું એમ માનતો હતો કે મનુષ્ય જીવનના ત્રણતબક્કામાં સૌથી વધુ સુંદર વૃદ્ધાવસ્થા છે,પણ તે મારો ભ્રમ હતો”

પરમસુખરાયના મનોમેદાનમાં તુમુલ મનોયુંધ્ધ ખેલાવું શરુ થયું,એક બાજુ પૌત્ર પ્રત્યેનોપ્રેમ, લાગણી,અને વિવશતા,જયારે બીજી બાજુ સ્વમાન,
અંતે સ્વમાનનો વિજય થયો,પરમસુખરાયે તત્ક્ષણ ઘર છોડી ચાલ્યા જવાનો કઠણ નિર્ણય કરી લીધો.

જતા પહેલા પૌત્ર ચિરાયુના અભ્યાસખંડ તરફ વળ્યા.
ચોમાસાની અર્ધીરાતની માદક ઠંડકમાં તે ઘસઘસાટ ઊંઘતો હતો. પરમસુખરાય તેના પલંગ પાસે જઇ ઉભા રહ્યા,ઘડીભર તેને તાકીને નિહાળ્યા બાદ, ચિરાયુના ઘટાદાર વાંકડિયાવાળ ઉપરપ્રેમથી હાથ ફેરવ્યો, કપાળે ચૂમીલીધી, ચિરાયુની ચાદર ઉપર બે ટીપાં ટપક્યા,અને ગળે બાજી આવેલ ડૂમો ડુસકા રૂપે બહાર આવે તે પહેલા,ખંડછોડી ચાલી નીકળ્યા.
પરમસુખરાયે શહેરના વિશાળ રસ્તાનીવાટ પકડી લીધી,
ભગવાન બુદ્ધપછી વિશ્વનું કદાચ આ પહેલું મહાભિનિષ્ક્રમણ હશે ,

*******
બીજાદિવસનુંપ્રભાત ઉગ્યું.

આજે અષાઢી બીજ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ.
શહેરના બધારસ્તાઓ,અગાસી,બારી,ઝરૂખા,અને અટારીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઝાંખી કરવા સમગ્ર શહેરનો માનવ મેરામણ ઉમટ્યો હતો ઢોલ,નગારા,શંખનાદ,અને બેન્ડવાજાના અવાજથી વાતાવરણમાં ધાર્મિકતા સાથે એક અજીબ સુવાસ ફેલાઈ ગઈ હતી.
સુદેશ-સુરેખા પાલખીનાદર્શન કરવા રવેશમાં આવી ઉભા.રથયાત્રા ઘર પાસેથી નીકળતા બન્નેએ ભાવથી દર્શન કર્યા સુરેખાની બિડાયેલી આંખમાંથી આંસુરૂપી પસ્તાવાના બે મોતી સરી પડ્યા.

રથયાત્રા પસાર થઇ ગઈ. દિવસ ઉપર ચડતો ગયો. ઘડીયાળનાકાંટા રેઈસના ઘોડાની જડપે દોડવા લાગ્યા. સાતવાગ્યા.સુદેશ છાપું વાંચીરહ્યો હતો,તેવામાંસુરેખાએ કહ્યું, “સુદેશ,રોજ બાપુજી,સવારના છ વાગ્યામાં ઉઠી જતા હોય છે આજે હજુ સુધી કેમ નથીઉઠ્યા ? જરા જો તો ?

સુદેશ છાપું મુકી,બાપુજીના શયનખંડમાં પ્રવેશ્યો બાપુજીનો પલંગ ખાલી જોયો,બાથરૂમ,અને ટોઇલેટમાં પણ કોઈ ન હતું સુદેશને ફાળ પડી અનેક શંકા કુશંકાઓ સાથે મનમાં વિચારવા લાગ્યો, કે નક્કી ગઈકાલની બધીજ વાત બાપુજીના કાનસુધીપહોંચી છે,અને તેથી નારાજ થઈને બાપુજીએ કોઈ અઘટિતપગલું ભર્યું હશે તેણે સુરેખાને બોલાવી બંગલાના બગીચામાં પણ તપાસ કરાવી,પણ બાપુજીનો ક્યાય પત્તો ન મળતા,તેણે કબાટ ખોલ્યો,જોતા માલુમપડ્યું કે બાપુજીના રોજીંદા કપડા, ટુવાલ અને બેગ,પણ ન હતા, સુદેશ-સુરેખાને પાકી ખાત્રી થઇ ગઈ કે બાપુજીએ ગૃહત્યાગ કર્યો છે, અને તેઓ કદાચ કોઈ સંદેશો પણ મુકતા ગયા હોય,તેવી આશંકાથી પરમસુખરાયના પલંગને ફંફોળ્યો,તેવામાં તેમના ઓશીકા નીચે એક કવર દેખાયું,
સુદેશે ઝડપભેર તે કવર ખોલ્યું,કવરમાં એક વિગતવાર પત્ર તથા પૌત્ર ચિરાયુના બચપન સમયનો તેની સાથેનો ફોટો નીકળ્યા( Pic,2).
સુદેશે પત્ર વાંચવો શરુ કર્યો.

ચિ, સુદેશ,તથા સૌ,સુરેખા,

આજરોજ હું ઘર છોડીને જાઉં છું,મારી ભાળ કાઢવાની કોશિશ ન કરતા, આવડા મોટાબંગલાના નાના એક બેડરૂમમાં પણ હું સચવાઈ શકતો નથી,પણ ઈશ્વરની આ વિશાળ દુનિયામાં મને કોઈક ખૂણો જરૂર મળી જશે તેથી મારી કોઈ ચિંતા ન કરશો, “ફળ ન આપી શકતાવૃક્ષને જગ્યા રોકવાનો અધિકાર નથી”

તને ખબર ન જ હોય તે સ્વાભાવિક છે,પણ હું પ્રેક્ટીસ કરતો હતો તે સાથે મારા પરમ મિત્ર નવરોઝ ભુરૂચાની સોલીસીટરની ફર્મમાં પાર્ટ ટાઈમ,નોકરીપણ કરતો હતો. મેં લગભગ 22 વર્ષ ત્યાં કામ કર્યું અને મને ત્યાંથી મળતો પગાર બચાવી તે રકમ મેં ચિ, ચિરાયુ જન્મ્યો તે સમયેજ તેના નામે 25 વર્ષ માટે મુકી દીધેલ. જે આ સાથે બેંકની ફિક્સ ડીપોઝીટ છે.

25 વર્ષબાદ તેના લગ્ન સમયે આ રસીદપાક્શે ત્યારે તેમાંથી એક સુંદરફ્લેટ ખરીદી શકાય તેટલીરકમ હાથમાંઆવશે,જે ખરીદીને મારાતરફથી તેને લગ્નની ભેટ રૂપેઆપશો,જેથી ભવિષ્યમાં તેને સુરેખાની જેમ વેઠ કરવા માટે વડીલો સાથે સયુંકતરહેવાની જરૂર ઉભી ન થાય, એટલુજ નહીપણ તે શરૂવાતથી જ આઝાદીનું જીવન જીવી શકે.

બાકીતો મારીઆવક અને મેં કરેલ બધાખર્ચની તમનેખબરજ છે એટલે આથી વિશેષ મારીપાસે આશીર્વાદ સિવાય આપવા જેવું કશું નથી.

હા,એક બીજી ચોખવટ કે જે મારે તમારીપાસે પહેલાજ કરવાની જરૂર હતી, જે મેં ન કર્યા બદલ મને માફ કરશો.

તમને ખબર છે કે હું જ્યોતિષ વિદ્યામાં શ્રદ્ધા ધરાવું છું,અને તે વિદ્યા મેં આત્મસાતપણ કરેલી છે,તે મુજબ

1, ચિ, ચિરાયુંના જન્માક્ષર મેં જ બનાવ્યા હોય હું જાણું છું કે તેનો શનિ નીચ સ્થાને પડ્યો હોય,અને તેનાપર રાહુની વક્રદૃષ્ટિ પડે છે,તેમજ તે “અંગારીકાયોગ”માં જન્મ્યો હોવાના કારણે,ચિ ચિરાયુના ચિર આયુષ્ય માટે શનિદેવની આરાધનારૂપે હું દર શનિવારે હનુમાનજીને તેલ અને અડદ ચડાવતો હતો.

2, તે જ રીતે સૌ,સુરેખાના જન્માક્ષરમાંચંદ્ર-મંગલની યુતિ છે,અને મંગલ ચોથે સ્થાને હોય,તેનો સ્વભાવઉગ્ર અને તામસી પ્રકૃતિ હોવાથી વાણીદ્વારા થતાનુકશાન ને અટકાવવા,ઈશ્વર તેને સદબુદ્ધી આપે,માટે તેની વિધિ અર્થે હું દરમંગળવારે ગાયને ગોળસાથે રોટલીઆપતો હતો

3 ભગવાન શંકરને દુગ્ધાભિષેકકરવાથી પરિવારનાં,સુખ,શાંતિ,અને સમૃદ્ધી બરકરાર રહે છે,તે કારણે,હું રોજ મહાદેવને દૂધચડાવવા મંદિરે જતો હતો.

4, દર અમાસે ચાંડાલને અન્નદાન કરવાથી તમારા સ્વર્ગસ્થ માતુશ્રીના આત્માને શાંતિમળે તે માટે હું દર અમાસે અન્નદાન કરતો હતો.
ઉપરોક્ત કોઈપણ દાન ધર્માદો મેં મારા અંગતહિત કે સ્વાર્થમાટે ન કરતા,પરિવારનીસુખાકારી માટે કરેલ છે.

હું જાણું છું અને સમજુપણ છું કે,આવી કારમી મોંઘવારીમાં,એકમાત્ર કમાણી ઉપર આવી દાતારી ન પોષાય,તેમછતાં, જો તમને આર્થિક રીતે પરવડે તેમ હોય,અને શ્રદ્ધા હોય તો ચાલુરાખશો ”

મારા તમારી સાથે રહેવાથી સૌ,સુરેખાને પડેલી તકલીફ,અને કષ્ટ બદલ હું દિલથી માફી માગું છું.

તમારા તથા ચિ, ચિરાયુના આરોગ્યનો ખ્યાલ રાખશો”

ઈશ્વર તમારા સહુનું કલ્યાણ કરે,તેવી પ્રાર્થના

લી.બાપુજીના આશીર્વાદ.

******
આજે વાતાવરણ સ્વચ્છ હતું. કાલરાતનું વાવાઝોડું,આંધી,તુફાન,અને વરસાદની બોછાટ બંધ થઇ ગઈ હતી. સ્વચ્છઆકાશમાં ઉઘાડ,સાથે સૂર્યનો પ્રકાશ રેલાતો હતો.

લેખક – વ્યોમેશ ઝાલા

ટીપ્પણી