આખી ડુંગળીનું શાક – ટેસ્ટમાં બેસ્ટ છે એકવાર જરૂર ટ્રાય કરો

આખી ડુંગળીનું શાક

સામાન્ય રીતે શાકભાજીને કાપીને શાક બનાવવામાં આવે છે, પણ એ જ શાકભાજીને કાપ્યા વગર આખે-આખા બનાવવામાં આવે તો તેનો સ્વાદ પણ અલગ જ હોય છે અને રૂટિન કરતા કંઈક હટકે પીરસવાથી બધાને ખાવાની ખુબ મજા પણ આવે, માટે જ તો આજે હું આખી ડુંગળીનું શાક કંઈક અલગ અંદાજથી બનાવું છું, જે આપ સૌને ખુબ જ પસંદ આવશે.

સામગ્રી :

(1) 15-20 નંગ નાની-નાની ડુંગળી(કાંદા) લીલી અથવા સૂકી,
(2) 4 નંગ મોટી ડુંગળી ગ્રેવી માટે,
(3) 2 નંગ મીડીયમ સાઈઝના ટમેટા,
(4) 50 ગ્રામ નમકીન ચવાણું,
(5) 2 ટેબલ સ્પૂન સીંગદાણા નો ભુક્કો,
(6) 1 ટેબલ સ્પૂન આદુ, મરચા, લસણ ની પેસ્ટ,
(7) 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર,
(8) 1 ટેબલ સ્પૂન હળદર,
(9) 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો,
(10) 1/2 ટેબલ સ્પૂન લીંબુનો રસ,
(11) મીઠું સ્વાદપ્રમાણે ,
(12) તેલ,
(13) કોથમીર ગાર્નિશિંગ માટે.

તૈયારી :

# 4 નંગ મોટી ડુંગળીને મિક્સર જારમાં લઇ પેસ્ટ બનાવી લેવી
# ટમેટાની પણ પેસ્ટ બનાવી લેવી
# નમકીન ચવાણુને ક્રશ કરી લેવું
# બધી નાની ડુંગળીને ક્રોસમાં કાપા પાડી લેવા અથવા તો ફોર્કથી કાણા પાડી લેવા

રીત :

એક કડાઈમાં 4 ટેબલ સ્પૂન તેલ નાખી, મીડીયમ આંચ પર ગરમ કરવું. તેલ ગરમ થાય તેટલે તેમાં નાની ડુંગળીઓ નાખી સાંતળવી. ડુંગળીઓ તેલમાં નાખી તુરંત ઢાંકણ ઢાંકી દેવું કારણ કે આ રીતે સાંતળવાથી તેલના છાંટા ઉડે છે. ડુંગળી ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી સાંતળવાની છે.

ડુંગળીને પ્લેટમાં લઇ તે જ કડાઈમાં વધેલા તેલમાં સીઝનિંગ કરી લેવાનું છે. સૌ પ્રથમ આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી એક મિનટ માટે સાંતળો.

ત્યારબાદ તેમાં કાંદાની પેસ્ટ ઉમેરો, તેમાં અડધો ગરમ મસાલો, હળદર અને લાલ મરચાં પાવડર નાખી મિક્સ કરો. પછી તેમાં મીઠું અને ટમેટાની પેસ્ટ નાખી મિક્સ કરો. ઢાંકણ ઢાંકીને 5 મિનિટ્સ સુધી ચડવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

પછી તેમાં નમકીન ચિવડા અને સિંગદાણાનો ભુક્કો ઉમેરી બરાબર મિક્સ કરો, તેનાથી ગ્રેવી ઘટ્ટ થશે અને સબ્જી સરસ ટેસ્ટી બનશે. ત્યારબાદ તેમાં 250 મિલી જેટલું પાણી ઉમેરો.

ઢાંકણ ઢાંકી 2 મિનિટ્સ ચડવા દો. પછી તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરો, તેમાં સાંતળેલી ડુંગળી નાખી હળવા હાથે મિક્સ કરો. અંતે કોથમીર થી ગાર્નિશ કરો.

તો તૈયાર છે સ્વાદિષ્ટ આખી ડુંગળીનું શાક, તેને રોટી કે પરોઠા સાથે સર્વ કરો.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી