લગભગ દરેકના ઘરમાં કે પછી બહાર ક્યાંક ને ક્યાંક આ વાર્તાઓ સજીવ રૂપે જોવા મળતી જ હશે…

સરકરી નોકરી

“મહેરબાની કરીને મારા માટે કોઈ સરકારી નોકરી વાળો મૂરતિયો ન શોધજો અને જો તમને કોઈ ન મળે તો હું શોધી આવું તેને સ્વીકારી લેજો.” સૌથી નાની દીકરી મીનુએ પુષ્પા બહેન સહીત ઘરના બધાને ચોખ્ખું સંભળાવી દીધું.

મીનુની બે મોટી બહેનો પૂજા અને આયુશીના લગ્ન એક સાથે એકજ પરિવારના બે ભાઈઓ સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન પૂર્વે બન્ને ભાઈઓ વિશે થોડી નેગેટિવ વાતો સામે આવી હતી. પરંતુ બન્ને ભાઈઓ સરકારી નોકરી કરતા હોવાથી છોકરીઓનું ભવિષ્ય સારું રહેશે અને જવાબદારી આવતાં બન્ને ભાઈઓ સુધરી જશે એવી ધારણા સાથે ઘરના વડીલોએ આ લગ્ન નક્કી કર્યા હતા, જે ત્રણ વર્ષ માંડ ટકી શક્યા.


“આજે મીનુ માટે એક વાત આવી છે. છોકરો વ્યવસ્થિત છે. સમાજમાં પરિવારનું સારું નામ છે અને છોકરો સારું કમાય છે.” પુષ્પા બહેને ઘરના સભ્યો વચ્ચે પ્રસ્તાવ મુકતા કહ્યું.

“છોકરો શું કરે છે?” સૌથી મોટી બહેન પૂજા એ પૂછ્યું.

“અ….સરકારી નોકરી છે.” પુષ્પા બહેને સહેજ અટકતા કહ્યું. ઘરના બધાજ સભ્યો સ્તબ્ધ થઈને તેમને જોવા લાગ્યા. ચારે બાજુ મૌન પથરાઈ ગયું. પૂજા અને આયુષી ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલ્યા ગયા.
– એ.જે.મેકર
* * * * *
સપનાં
“નીતુ જરા ચા લાવજે તો…”
સાંજે ૦૪:૩૦ વાગે નીતુના સસરા મુકેશ ભાઈ એ સત્સંગ પ્રોગ્રામ જોતા જોતા કહ્યું.

“એ આવી પપ્પા…”
હોલમાં ડેઈલીશોપ જોવાની સાથે કપડાની ગડી કરતા કરતા નીતુ એ કહ્યું.

સાસુના અવસાન બાદ ઘરમાં નીતુ એક જ સ્ત્રી હતી. બે બાળકો, પતિ રિષભ, સસરા અને એક દેરની જવાબદારી તેના પર હતી, જે તે ખૂબજ સારી રીતે નિભાવી રહી હતી. મુકેશભાઈને ચા આપ્યા બાદ એ પાછી હોલમાં આવી. ટી.વી.માં એક “ચા”ની એડ આવી રહી હતી જેમાં એક ગૃહિણી ચા પીતા પીતા પોતાના સપનાં પૂરા કરવા માટે પ્રેરાય છે અને પૂરા પણ કરે છે. દરેક સ્ત્રીની જેમ નીતુના પણ સપનાં હતા. તેને ડાન્સર બનવું હતું. લગ્ન પહેલા ભરતનાટ્યમના ક્લાસ પણ શરુ કરેલા પરંતુ લગ્ન થતાં તેના પર પૂર્ણવિરામ આવી ગયો. લગ્ન પહેલા રિષભએ વચન આપેલો કે “તારા સપનાં પૂરા કરવામાં હું તારી મદદ કરીશ.” પરંતુ સાસુના અવસાન બાદ સપનાં જોવા માટે પણ અવકાશ ન રહ્યો. નીતુએ નક્કી કર્યું કે તે ધારે તો હજી સાંજે ૫ વાગ્યા પછી સમય કાઢીને ક્લાસ જોઈન કરી શકે તેમ છે. આખા દિવસમાં કામ કેમ મેનેજ કરવું તે મનોમન ગોઠવી લીધું અને નક્કી કર્યું કે “આજેજ રિષભને વાત કરીશ.” બેડરૂમના કબાટમાં પડેલા પોતાના ઘૂંઘરું પણ ચેક કરવા માટે કાઢ્યા. પગમાં પહેરી જોયા ત્યારેજ રિષભનો કોલ આવ્યો.

“હેલ્લો …સાંભળ…સાંજે “૬” વાગ્યા પછી મારી સાથે થોડા ગેસ્ટ આવાના છે તો જરા ચા નાસ્તો તૈયાર રાખજે.”
નીતુએ “ઓકે” કહીને કોલ કટ કર્યો ઘૂંઘરું પાછા પોતાના બેડરૂમમાં રાખીને રસોડામાં ચા નાસ્તાની તૈયારી કરવા લાગી.
– એ.જે.મેકર
* * * * *

સાસરું
“નીતા..ઓ મહારાણી, જાગો હવે, સવાર થઇ. વહેલા ઉઠીને કામ પતાવાની તો ખબરજ નથી પડતી.”
સવારે ૦૬:૩૦ વાગે નીતાને એની સાસુ કેશરબેન એ જગાડતાં કહ્યું. નીતા ફટાફટ ઉઠીને બાથરૂમમાં ગઈ. અડધા કલાકમાં તૈયાર થઈને રસોડામાં કામે લાગી ગઈ. સસરાની ચા, પતિનું ટિફીન અને સવારનો નાસ્તો. એ એનું રોજનું સવારનું કાર્યક્રમ હતું. સાથે સાથે કેશરબેનની નાની નાની વાતોમાં લાંબુ ભાષણ અને તીખી વાતો એના માટે ડેઈલી ડોઝનું કામ કરતી.

કેશરબેન સ્વભાવે આખાબોલા હતાં. પોતે જેમ પોતાની સાસુ પાસે ઊભા પગે રહ્યા હતા, એ જ રીતે એ નીતાને પણ રાખતાં, નાની નાની વાતોમાં સંભળાવતાં, અને એ બાબત માટે ઘણી વખત પોતાની પડોશી બહેનપણીઓ સામે વટ પણ કરતાં. નીતા ક્યારેય વળતો જવાબ ન આપતી. તેણે ‘સાસરું’ આને જ કહેવાય એમ માનીને બધું સ્વીકારી લીધું હતું. પણ એક વખત નીતાને ટાઈફોડ થયો. સતત પંદર દિવસ સુધી પથારીમાં રહેવાનું આવ્યું. એ દિવસોમાં તેને સાચું સાસરું દેખાયું. હંમેશા તીખી વાતો કરતા કેશરબેન પ્રેમથી એની પાસે બેસીને વાતો કરતા, તેની ચાકરી કરતાં, નીતા કોઈ કામ કરવાનું કહે તો મીઠો ઠપકો આપીને રોકી લેતાં. નીતાનાં હાથની જ ચા પીવાનું આગ્રહ કરતા સસરાજી જાતે ચા બનાવીને પીતાં અને ઘરનાં બાકીનાં કામોમાં કેશરબેનની ઈચ્છા વિરુદ્ધ એમની મદદ કરતા. એ પંદર દિવસમાં નીતાને ક્યારેય ન લાગ્યું કે એ એનાં સાસરામાં છે. માવતર જેવું જ વાતાવરણ, પ્રેમ અને હુંફ મળ્યાં. નીતાને મનોમન થયું “શું આને જ સાસરું કહેવાય?” પોતે કરેલી ધારણા સાવ ખોટી પડતી લાગી. એ પોતાના મનને દોષી માનવા લાગી.

એકમહિનામાં નીતા એકદમ બરાબર થઇ ગઈ. દવાઓ પૂરી થઇ ગઈ અને એ પાછી સ્વસ્થ થઈને કામે લાગી. સવારે ૦૬:૩૦વાગે કેશરબેનની હાકલ થઇ. નીતા પાછી પોતાનાં કામે વળગી ગઈ. એ જ તીખી વાતો સાથે. એને થયું સાસરું આને જ કહેવાય, પણ સાથે ચહેરા ઉપર એક મુસ્કાન પણ આવી ગઈ. તેને થયું. “સાચી વાત છે સાસરું આને જ કહેવાય.”
– એ.જે.મેકર
* * * * *
આશીર્વાદ

“પપ્પા તમે આશીર્વાદ આપશો કે નહિ?” અદિતિ અને વિશાલ તરફ પીઠ ફેરવીને ઉભેલા વાસુદેવ યાજ્ઞિકને મક્કમતાથી કહ્યું. વાસુદેવ યાજ્ઞિકે કંઈ જવાબ ન આપ્યો, પુત્રી તરફ પીઠ ફેરવીને પુન સ્થિતિમાં એ યથાવત સ્થિતિમાં ઉભા રહ્યા. પતિના મૌન સામે સરલા યાજ્ઞિક પણ લાચાર હતા, એમના માટે બંને બાજુએ ન્યાય આપવો આવશ્યક હતો. સમાજમાં પતિના મોભાપર આવેલી આંચ માટે એમને ચિંતા હતી, બીજી બાજુ દીકરી માટે અપાર પ્રેમ હતો. માટે મૌન રહીને એમણે અદિતિનો સાથ ન આપ્યો, પરંતુ આશીર્વાદ આપીને એણે ભરેલા પગલાંને સમર્થન પણ આપ્યું. અદિતિ અને વિશાલ, સરલા યાજ્ઞિકના આશીર્વાદ લઈને ઘરથી બહાર નીકળી ગયા.

વાસુદેવ યાજ્ઞિક પોતાના સમાજના એક મોભેદાર વ્યક્તિહતા. પોતાના સિદ્ધાંતોના કારણે જાણીતા અને માનીતા હતા. પરંતુ એ જ સિદ્ધાંતોના કારણે ખૂબ ભણેલી, દેખાવડી અને વ્યવસ્થિત હોવા છતાં ૩૦એ પહોચવા આવેલી અદિતિ માટે યોગ્ય વર શોધી ન શક્યા. પરિણામે અદિતિએ પોતાની મરજી પ્રમાણે પિતાને જાણ કર્યા વગર બીજી જ્ઞાતિમાં લગ્ન કરી લીધા જે વાસુદેવ યાજ્ઞિકે ન સ્વીકાર્યા.

“આખરે કઈ વાતનો ગુસ્સો છે તમને અદિતિ પર? માનું છું કે એક પિતા તરીકે તમે બધા જ પ્રયત્નો કર્યા છે, પરંતુ તેમ છતાં, જો સમાજમાં સારો વર ના મળે તો અન્ય સમાજમાં લગ્નને શા માટે નથી સ્વીકારતા? માનો કે ન માનો, અદિતિના આ પગલાં પાછળ જવાબદાર તમે પણ છો…” જેવું ઘણું સરલા યાજ્ઞિકે વાસુદેવ યાજ્ઞિકને સંભળાવ્યું. પરંતુ વાસુદેવ યાજ્ઞિકનું મન બીજેજ ક્યાંક ખોવાયું હતું. એકની એક દીકરી કે જેણે ક્યારેય પિતાની કોઈ વાત ન ટાળી હોય તેના આવા પગલાં માટે શું એ જાતેજ જવાબદાર હતા? જીવનમાં ક્યારેય પોતાના સિદ્ધાંતનો છેડો ન છોડનારે શું આજે પોતાના સિદ્ધાંતો ભૂલવા જોઈએ? શું સમાજની બીકે દીકરીથી એનું સુખ છીનવી લેવું જોઈએ? અદિતિના આ પગલામાં ક્યાંક એમને પિતા તરીકે પોતાની નિષ્ફળતા દેખાતી હતી. વિચારોના વંટોળમાં તે આખી રાત ઊંઘી ન શક્યા. સરલા યાજ્ઞિકે એમની ઉડી ગયેલી ઊંઘમાં, ગડમથલ, પ્રશ્નો અને પસ્તાવાના વિચારો ઓળખી લીધા. પરંતુ એમના વિચારોમાં ખલેલ પહોચાડવાનું યોગ્ય ન લાગ્યું.

બીજા દિવસે સવારે વિશાલના ઘરની ડોરબેલ વાગી. દરવાજો ખોલતા વિશાલને આંચકો લાગ્યો. તેના દરવાજે વાસુદેવ યાજ્ઞિક ઉભા હતા. “આવો પપ્પાજી…અંદર આવો…અદિતિ..બહાર આવજે તો..” બન્ને ડ્રોઈંગરૂમમાં બેઠાં ત્યાં સુધી અદિતિ પણ બહાર આવી તેને પણ આશ્ચર્ય થયું. “હું તમને બન્નેને લેવા આવ્યો છું, અમારે ત્યાં લગ્નના બીજા દિવસે દીકરી અને જમાઈ પાછા પગ કરવા આવે એવો રિવાજ છે. એક ખોટા મોભાની ચિંતાવાળા સિદ્ધાંતવાદી બાપે કન્યાદાનનું પુણ્ય તો ગુમાવ્યું, પણ આ દીકરીના બાપને એની દીકરીને સાસરે સુખી થવાના આશીર્વાદ આપવાનો મોકો આપશોને?” વસ્સુદેવ યાજ્ઞિકની વાત સાંભળીને અદિતિ હર્ષભીની આંખો સાથે એમને ભેટી પડી.
– એ.જે.મેકર
* * * * *
ફોન કોલ
“પણ રોજ રોજ એક જ સમયે રાકેશના ફોન કોલ શા માટે?” મુકેશ એ સીમા પર બરાડા પાડતા કહ્યું.

મુકેશ અને રાકેશ ઘણા સમયથી સારા મિત્રો હતા. રાકેશની પોતાની કોસ્મેટીક્સની દુકાન હતી અને મુકેશ એક સામાન્ય કર્મચારી હતો. બન્ને પરિવારો વચ્ચે ઘર જેવો સંબંધ હતો. દરેક વાર, તહેવાર, પ્રસંગો બન્ને પરિવારો સાથે ઉજવતાં. રાકેશ, મુકેશ કરતાં વધુ કમાતો અને ક્યાંક ફંકશન કે પિકનિકમાં વાપરતોય ખરો. મુકેશને ક્યારેક એ વાતની ઈર્ષા થતી. રાકેશનો સ્વભાવ ખૂબજ ખુશ મિજાજી હતો. એ ઘણીવખત સીમા સાથે ટીખળ કરતો અને સીમા પણ સારા જવાબ આપતી. મુકેશને રાકેશની વધુ પડતી મજાક ક્યારેક ખટકતી પણ એ કહી ન શકતો.

આજે અનાયાસે સીમાનો ફોન તેના હાથમાં આવ્યો જેમાં રાકેશનો મિસ્ડ કોલ હતો. કોલ હિસ્ટ્રી તપાસતા ખબર પડી કે દરરોજ બપોરે ૦૩:૦૦ વાગે રાકેશનો કોલ આવે છે. એજ વાત તેના મનમાં ઘર કરી ગઈ. રાકેશની ટીખળ, વધુ પડતાં ખર્ચ, પ્રસંગોપાત અપાતી મોંઘી ભેટો એ બધીજ વાતોના અનુસંધાન બંધાયા અને શંકાનું બીજા રોપણ થયું. તેણે સીમા પર સવાલોનો મારો શરુ કર્યો, ન કહેવાના ઘણા શબ્દો કહ્યાં. જવાબમાં સીમાએ આપેલી સફાઈ તેણે માન્ય ન રાખી અને રંગેહાથ બન્નેનું પ્રકરણ પકડી પાડવા તેણે સીમાનો ફોન જપ્ત કર્યો. બીજા દિવસે બરાબર ૦૩:૦૦ વાગે સીમાના ફોન પર રાકેશનો કોલ આવ્યો જે મુકેશે રીસીવ કર્યો.


“હેલ્લો ભાભી, ૦૩:૦૦ વાગી ગયા છે રોશની બાળકોને ટ્યુશન મુકવા ઘરેથી નીકળે છે તમે ટીનુને તૈયાર કરી દેજો.” આટલું કહીને રાકેશે કોલ કટ કર્યો. મુકેશના હાથમાંથી ફોન સરકી પડ્યો, જાત પ્રત્યે નફરત થવા લાગી તેની આંખો ભીંજાઈ ગઈ અને તેના ઘરે ટીનુને રોશની સાથે મોકલીને સીમા કેરોસીનથી ભીંજાઈ ગઈ.
– એ.જે.મેકર
* * * * *

લેખક : એ.જે.મેકર

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી