આ એક એવો હથિયાર છે, જે અપનાવશો તો તમારૂ બધુ કામ ચપટીમાં કરાવી આપશે… જાણવા કરો ક્લિક

જ્ઞાનના દરિયામાંથી એક ટીપું…

થોડા સમય પહેલા આવેલી મુવી ‘૨ સ્ટેટ્સ’માં માં પોતાના દીકરાને કહે છે: ‘બટર ખાયા જાતા હે, લગાયા નઈ જાતા!’ અચાનક આ વાક્ય યાદ આવી ગયું. દિવસ દરમ્યાન કેટલી બધી વખત એક વ્યક્તિ અન્ય વ્યક્તિના પોતાના સ્વાર્થ માટે વખાણ(ખોટા!) કરતી હશે? અને વખાણ સાંભળનાર પણ તરત જ કેટલો બધો પ્રભાવિત થઇ જાય છે! એ જ રીતે નિંદા કરનાર વ્યક્તિ પણ અન્ય વ્યક્તિના જીવનને અસર કરે છે. સાચી નિંદા પર ચોક્કસ મનન કરી, એ બાબતમાં સુધારો કરવો જોઈએ પરંતુ અન્ય કારણ વગરની ‘આગળ વધેલાની પગ ખેંચવાવાળી’ નિંદાને અવગણવી જોઈએ. ખોટી નિંદા કે વખાણ કરનાર વ્યક્તિ એ તાકમાં જ હોય છે કે વ્યક્તિ ક્યારે મારી વાતને સાચી માની તેને અનુસરે.

દુનિયાભરનું બધું જ જ્ઞાન ગીતામાં છે. કોઈ પણ કાર્ય કરવા માટે, સમજવા માટે, મુશ્કેલી સામે ઉભા રહેવા કે દુઃખ દુર કરવાના ઉપાયો ગીતા પાસે છે. એ જ્ઞાનના દરિયામાંથી એક ટીપું આજે લઈએ. ભગવદગીતામાં ૧૨મા અધ્યાયનો એક શ્લોક છે. ‘તુલ્યનિંદાસ્તુતિમૌની સંતુષ્ટો યેન કેનિચત/ અનિકેત: સ્થિરમિતભક્તિમાન્મે પ્રિયો નર:’ આપણા સમાજમાં એ શક્ય છે કે કોઈ વખત વ્યક્તિની ખુબ પ્રસંશા થાય તો કોઈ વખત ખુબ નિંદા થાય. ક્યારેક સુખ હોય તો ક્યારેક દુઃખ. બને પરિસ્થિતિઓમાં મનુષ્યે નિરપેક્ષ ભાવે રહેવું જોઈએ. અહી ’મૌની’ એટલે મૌન રહેવું એમ કહ્યું છે. મૌન એટલે એમ નહિ કે કશું બોલવું જ નહિ, પરંતુ મૌની એટલે કે અર્થહીન વાતો ન કરવી. કોઈ કહે કે તમારા જેવું કોઈ કામ કરી જ ના શકે. એટલે સમજી જવાનું કે અહી પડવા જેવું નથી! અન્ય કોઈ કહે કે તમારાથી તો આ કામ થઇ જ ના શકે, તમે અગાઉ આવું ક્યાં કર્યું જ છે? તો અહી કઈ જ સાંભળવાનું નથી! તમે સાંભળેલી પ્રસંશા પર બહુ રાજી થવા, ફુલાવા બેસો કે નિંદા પર વિચારવા કે સામે જવાબ આપવા બેસો તો બનેમાં તમારો જ સમય બગડવાનો છે. માટે બધી જ વાતોમાં બહુ બધા રિ-એક્શન ન આપવા. દરેક વ્યક્તિને પ્રતિભાવો આપવામાં સમય ન વેડફવો. કામ કરવું. એ અર્થમાં મૌન રહેવું. શ્લોકમાં તો આગળ કહે છે કે કીર્તિ એટલે કે તમને મળેલું ‘ફેમ’ અને અપકીર્તિ એટલે કે ‘ડીશગ્રેસ’ બનેમાં તટસ્થ ભાવે રહેવું. ધીરજ રાખવી. કારણકે આપણે મળેલો-કોઈએ કોઈ કાર્ય માટે આપેલો ‘યશ’, આપણી નામના, ખ્યાતિ કશું જ કાયમી નથી. ક્યારે યશ અપયશમાં, નામના બદનામીમાં ફેરવાઈ જાય કોઈ જાણતું નથી.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

 

ભગવદગીતાના દરેક શ્લોકમાં ઘણું જ કહેવાયું છે. આ શ્લોકમાં આગળ કહ્યું છે કે લાલચુ, લોભિયા, કંજૂસ નહિ થવું. ‘ઘણું મળ્યું તો હજુ વધારે જોઈએ’ એવી લાલચુ વૃતિ નહિ રાખવી. સર્વે સંજોગોમાં સંતુષ્ટ રહેવું. કોઈ વખત ખુબ જ સ્વાદિષ્ટ ભોજન મળે છે, અને કોઈ વાર નથી મળતું. છતાય તે વ્યક્તિ સંતોષી છે. અને ‘સંતોષી નર સદા સુખી’ ઉક્તિ પ્રમાણે સંતોષી વ્યક્તિને સુખ શોધવા કશે જવું પડતું જ નથી. અહી ‘અનિકેત’ શબ્દ છે. એનો સામાન્ય અર્થ ‘ઘર વિનાનું’ એવો થાય છે. સ્ટારપ્લસ પર હાલ ‘મહાભારત’ આવે છે. એના એક એપિસોડમાં જે રીતે સુભદ્રા અર્જુનને કહે છે કે ‘મારા ભાઈ જે બોલે છે, એનો એક અર્થ હોતો જ નથી’ એ જ રીતે કૃષ્ણના મુખેથી કહેવાયેલી  ગીતામાં શ્લોકોના શબ્દોના એક અર્થ કઈ રીતે હોઈ શકે? ‘અનિકેત’ નો અન્ય એક અર્થ થાય છે રમતારામ કે ભટકતું! એવી વ્યક્તિ કે જે સન્યાસી જેવી હોય! સન્યાસી એટલે કે તેનું કોઈ નિશ્ચિત રહેઠાણ હોતું નથી. તે કોઈ પણ વ્રુક્ષ તળે નિવાસ કરી શકે છે, તો કયારેક ભવ્ય મકાનમાં પણ રહે છે. પરંતુ તેને ક્યારેય એ સ્થળ પ્રત્યે મોહ કે આસક્તિ આવતી નથી. તે પોતાના કામમાં દ્રઢ હોય છે. જય વસાવડાએ તેમના સુંદર પુસ્તક ‘જે. એસ. કે.’ માં અનિકેત માટે એક સરસ શબ્દ વાપર્યો છે ‘માઈગ્રેટર’. તેઓ કહે છે કે માઈગ્રેટર એટલે એવો વ્યક્તિ કે જેણે ઘાટઘાટનું પાણી પીધું છે. એ કયારેય હારતી-થાકતી નથી. તે એક સ્થાનની મમતા રાખતો નથી. તે હમેશા નવા પડકાર ઝીલવા તૈયાર જ હોય છે.

પોતાની નિંદા સાંભળી, સાચી હોય તો સુધારી શાંત રહેવું. પ્રસંશા સાંભળી ખુબ ફૂલાવાને બદલે નિશ્ચલ રહેવું. કીર્તિ- અપકીર્તિ, યશ-અપયશ કે ફાયદા-નુકશાનના સમયમાં નિરપેક્ષ રહેવું. આટલું કરવાથી પોતે ધારેલ કાર્ય માટે નિશ્ચય વધુ દ્રઢ બનશે અને કાર્ય સરળતાથી થઇ શકશે. અને આમ કરનાર મનુષ્ય ભગવાનને અતિ પ્રિય છે, એ યાદ રાખવું!

પાર્થ દવે

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી