મહેનતુ અને હોશિયાર યુવાન કેવો હોય ? – વાંચો….

0
2

 

અમેરિકાના એક સ્ટેટમાં રહેતો યુવાન કલર્ક તરીકે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવા ગયો. તે યુવાન બહુ મહેનતુ અને હોશિયાર હતો પણ તે ગરીબ કુટુંબમાંથી આવતો હતો. એટલે તેણે બહુ સાધારણ કપડાં પહેર્યાં હતાં. તેનો ઈન્ટરવ્યૂ લેનારા સાહેબોએ જાતભાતના સવાલ પૂછ્યા. યુવાને એ તમામ સવાલોના સંતોષકારક ઉત્તર આપ્યા. ઈન્ટરવ્યૂ પૂરો થયા પછી ઈન્ટરવ્યૂ લેનારાઓ પૈકી એક સાહેબે તેને કહ્યું, ‘ઠીક છે. અમે તમને ફોનથી જાણ કરી દઈશું કે તમને અમારી કંપનીમાં નોકરી આપવામાં આવી છે કે નહીં.’

યુવાને ખચકાઈને કહ્યું, ‘પણ સાહેબ, મારા ઘરમાં ફોન નથી.’

‘કંઈ વાંધો નહીં અમે તમને તમારા મોબાઈલ ફોન પર જાણ કરી દઈશું,’ એક વાચાળ અધિકારીએ કહ્યું, ‘પણ સાહેબ મારી પાસે તો મોબાઈલ ફોન પણ નથી,’ યુવાને કહ્યું.

ઈન્ટરવ્યૂ લેનારા અધિકારીઓએ એકસાથે કહ્યું, ‘સોરી. પણ અમે ઈચ્છીએ ત્યારે તમારો સંપર્ક ન કરી શકીએ તો તમને નોકરીએ રાખવાનો કોઈ અર્થ નથી.’

એ યુવાને વીલા મોંએ ત્યાંથી નીકળી જવું પડ્યું, પરંતુ એ હિંમત હાર્યો નહીં. તેણે નોકરી ન મળે ત્યાં સુધી બીજી કોઈ પ્રવૃત્તિ કરવાનો વિચાર કર્યો. અને થોડા દિવસમાં એણે નાના પાયે ધંધો શરૂ કરી દીધો. તે ફેરિયા તરીકે સાઈકલ પર રોજિંદા ઉપયોગમાં લેવાતી જીવનોપયોગી ચીજવસ્તુઓ વેચવા નીકળી પડતો. સવારથી સાંજ સુધી તે જુદા જુદા વિસ્તારોમાં ફરતો રહેતો. એની મહેનત, સરળતા અને પ્રામાણિકતા અને સરળ સ્વભાવને લીધે થોડા સમયમાં તે જ્યાં જ્યાં ફરીને ચીજવસ્તુઓ વેચતો હતો ત્યાં એટલો લોકપ્રિય બની ગયો કે લોકોએ તેને સામે ચાલીને મદદની ઓફર કરી. યુવાને તેના ગ્રાહકોની સહાયથી એક નાનકડી દુકાન ભાડે લીધી અને ત્યાંથી ધંધો ચલાવવા માંડ્યો.

એ યુવાને પોતાના જેવા બે મહેનતુ અને સરળ સ્વભાવના બે માણસોને નોકરીએ રાખ્યા. તેણે તે કર્મચારીઓને કહ્યું કે, ‘હું આર્થિક રીતે સધ્ધર નથી કે તમને બંનેને ઊંચો પગાર આપી શકું. હું તમને પગાર ઓછો આપીશ, પણ તમે જે વસ્તુઓ વેચશો એના નફામાંથી હું તમને ત્રીજો ભાગ કમિશન તરીકે આપીશ’.

બંને કર્મચારીઓ વધુ કમિશન મેળવવાના આશયથી અને દુકાનદાર બનેલા યુવાનના પ્રોત્સાહનને કારણે ખંતથી કામ કરવા લાગ્યા. અને દુકાનદાર બની ગયેલા યુવાનની આવક ખાસ્સી વધી ગઈ. અગાઉ તે પોતે એકલો સાઈકલ પર સામાન વેચતો હતો. અને હવે તેના બે કર્મચારીઓ સાઈકલ ઉપર ફરીને ચીજવસ્તુઓ વેચતા હતા એટલે તેઓ નવા વિસ્તારો પણ આવરી લેતા હતા. એ ઉપરાંત ગ્રાહકો તેની દુકાને આવીને પણ ખરીદી કરી જતા હતા. આમ દિનપ્રતિદિન યુવાનનો ધંધો વિકસવા લાગ્યો. એ પછી તેના જ બે કર્મચારીઓ સાઈકલ પર ફરીને સામાન વેચતા હતા એમને યુવાને ભાગીદારી આપીને એમની બીજી દુકાન શરૂ કરાવી દીધી. અને તેમની જગ્યાએ નવા કર્મચારીઓને નોકરી પર રાખ્યા.

એ રીતે એ યુવાનની અનેક દુકાનો અને પછી શો-રૂમ્સ ખૂલવા માંડ્યા. પાંચેક વર્ષમાં તો તે યુવાનના અનેક શો-રૂમ્સ ધમધમતા થઈ ગયા. હવે તે યુવાન અત્યંત સફળ અને ધનાઢ્ય માણસ બની ગયો. તેને અનેક સમારંભોમાં અતિથિવિશેષ કે મુખ્ય મહેમાન કે ઉદ્ઘાટક તરીકે આમંત્રણ મળવા માંડ્યુ. જોકે તે બહુ ઓછા સમારંભોમાં હાજરી આપવા જતો હતો.

એક દિવસ એ યુવાનને એક સમારંભમાં પેલી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મળી ગયા જેમણે ફોન કે મોબાઈલ ન હોવાને કારણે આ યુવાનને નોકરી નહોતી આપી. થોડી આડીઅવળી વાતો કર્યા પછી એ અધિકારીએ તેને કહ્યું કે આપણે સાથે મળીને કોઈ ધંધો વિકસાવીએ. વાસ્તવમાં એ કંપનીનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં હતાં એટલે આવા કોઠાસૂઝવાળા યુવાનની સાથે જોડાણ કરીને કંપનીને ફરી વાર સધ્ધર બનાવવાનો વિચાર એ મેનેજિંગ ડિરેક્ટરસાહેબના મનમાં રમી રહ્યો હતો. એમને તો આ યુવાનનો ચહેરો પણ યાદ નહોતો. અને તેમણે ક્યારેક એ યુવાનને નોકરી આપવાની ના પાડી હતી એ વાત પણ એમના દિમાગમાંથી નીકળી ગઈ હતી. પરંતુ, યુવાનને એ સજ્જનનો ચહેરો બરાબર યાદ હતો. જોકે એમ છતાંએ યુવાને મોકળા મનથી એ સજ્જન સાથે ધંધા વિશે વાત કરી.

છૂટાં પડતી વખતે એ સજ્જન એટલે કે મેનેજિંગ ડિરેક્ટરે યુવાન પાસે તેનો મોબાઈલ નંબર માગ્યો. પણ એ યુવાન મોબાઈલ નંબર રાખતો નહોતો. તેણે જીવનમાં ઘણો સંઘર્ષ જોયો હતો અને તેના કારણે તેણે ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાનો નિયમ અપનાવ્યો હતો. એટલે તેણે નમ્રતાથી કહ્યું, ‘સાહેબ, હું મોબાઈલ ફોન વાપરતો જ નથી.’

પેલા સજ્જન આશ્ર્ચર્યચકિત થઈ ગયા. તેમણે યુવાનને કહ્યું કે, ‘ભલા માણસ મોબાઈલ વિના તમે આટલી સફળતા મેળવી શક્યા છો તો વિચારો કે તમારી પાસે મોબાઈલ ફોન હોત તો તમે આજે ક્યાંના ક્યાં પહોંચી ગયા હોત!’

‘તો હું મામૂલી કારકુન તરીકે આપની કંપનીમાં નોકરી કરતો હોત!’ યુવાને સરળતાથી જવાબ આપ્યો. ક્યારેક માણસે ધાર્યું હોય એથી તદ્દન ઊંધું બને ત્યારે એ હતાશામાં ડૂબીને બેસી રહે એના કરતા બમણા ઝનૂનથી પ્રયાસો શરૂ કરી દે તો એણે પોતે પણ કલ્પના ના કરી હોય એવી સફળતા તેને મળે છે! !!!!!!!

સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here