સાત + એક = શૂન્ય : પ્રકરણ 5

- Advertisement -

આગલા ભાગ અહીં વાંચોઃ ભાગ ૧ , ભાગ ૨, ભાગ ૩, ભાગ ૪

………………………………………………………………………………

નિશાની ટકોર પછી અજિત પાલીવાલે કૃત્રિમ હાસ્ય કરતા કરતા થોડી વાર આડીઅવળી વાતો કરી અને પછી તેઓ ‘એક્સક્યુઝ મી’ કહીને કોલ કરવાને બહાને થોડે દૂર ગયા અને તેમણે મોબાઇલ ફોન કાને માંડ્યો. ટેરેસની દીવાલ પાસે ઊભા રહીને ફોન પર વાત કરતી વખતે તેમનું ધ્યાન નિશા અને કરણ તરફ જ હતું. મોબાઇલ પર વાત પૂરી કર્યા પછી તેમના ચહેરા પર ખંધુ હાસ્ય તરી આવ્યું.

* * *

ફિલ્મ ફાયનાન્સર-પ્રોડ્યુસર રણજિત વાધવાના મોબાઇલ ફોનમાં વાઇબ્રેશન આવ્યું. ટેરેસ પાર્ટીમાં મ્યુઝિકના અવાજને કારણે તેમણે પોતાનો મોબાઇલ ફોન વાઇબ્રેટર પર મૂકી રાખ્યો હતો. મોબાઇલ ફોનનું વાઇબ્રેશન અનુભવીને તેમણે ડિઝાઇનર શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન બહાર કાઢ્યો. મોબાઇલ ફોનના સ્ક્રીન પર ફ્લેશ થયેલો નંબર જોઇને તેમણે તેની સાથે વાત કરી રહેલા મ્યુઝિક ડિરેક્ટર સમીર-કરીમને ‘એક્સક્યુઝ મી’ કહ્યું અને થોડે દૂર જઇને મોબાઇલ ફોન પર વાત કરી. એ પછી મોબાઇલ ફોન ચાલુ રાખીને તેઓ નિશા પાસે ગયા. તેમણે નિશાને એક બાજુ બોલાવીને કંઇક કહ્યું અને પછી નિશાના હાથમાં પોતાનો મોબાઇલ ફોન આપ્યો. નિશાએ ટેરેસથી લિવિંગ રૂમમાં જવાના દરવાજા તરફ ચાલતા ચાલતા મોબાઇલ ફોન પર વાત શરૂ કરી.
નિશા જે રીતે લળી લળીને ફોન પર વાત કરી રહી હતી અને તેનો રૂપાળો ચહેરો જે રીતે ટેન્સ થતો હતો એ જોઇને ટેરેસના ગ્લાસ હાઉસ પાસે ઊભેલા પ્રોડ્યુસર અજિત પાલીવાલે અનુમાન કર્યું કે નિશા કોની સાથે વાત કરી રહી હશે.

અજિત પાલીવાલ જાણતા હતા કે નિશા ફિલ્મ ફાયનાન્સર રણજિત વાધવાની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ સાઇન કરવાની ના પાડી ચૂકી છે. ફિલ્મ ફાયનાન્સર રણજિત વાધવાએ અંડરવલ્ડૅ કનેક્શન વિશે બૉલીવુડમાં બધા જાણતા હતા. વાધવાએ અંડરવલ્ડૅ કનેક્શનનો ઉપયોગ કરીને બૉલિવૂડના ઘણા ખેરખાંઓને રાતે પાણીએ રડાવ્યા હતા. અને અજિત પાલીવાલ એમાંના એક હતા. કારણ કે વર્ષો અગાઉ તેમણે રણજિત વાધવા પાસેથી તેમની બે ફિલ્મ માટે ફાયનાન્સ લીધું હતું અને નિશ્ચિત મુદ્દત વીતી ગયા પછી તેઓ રણજિત વાધવાને એ રકમ વ્યાજ સાથે પાછી વાળી ન શક્યા એ પછી પાલીવાલ પર દુબઇથી ‘ભાઇ’નો ફોન આવ્યો હતો અને પાલીવાલે પોતાનો બંગલો ગિરવે મૂકીને રણજિત વાધવાને પૈસા પહોંચતા કરવા પડ્યા હતા.

ફિલ્મ ફાયનાન્સર રણિજત વાધવાએ જે રીતે નિશાને પોતાનો મોબાઇલ પકડાવી દીધો અને નિશા જે રીતે લળી લળીને મોબાઇલ ફોન પર વાત કરી હતી એ જોઇને પ્રોડ્યુસર અજિત પાલીવાલ સમજી ગયા કે મોબાઇલ ફોન પર સામા છેડે કોણ હશે. તેમને એ પણ સમજાઇ ગયું કે રણજિત વાધવા નિશાને ચમકાવતી તેમની નવી ફિલ્મની જાહેરાત એકાદ સપ્તાહમાં કરશે.

નિશાએ મોબાઇલ ફોન પર વાત પૂરી કરીને મોબાઇલ ફોન રણજિત વાધવાના હાથમાં આપ્યો. પછી તે પોતાના પ્રેમી કરણ પાસે ગઇ. તેણે કરણના કાનમાં કંઇક કહ્યું. કરણના ચહેરા પર ચિંતાની એક લકીર તરી આવી. પણ બીજી જ ક્ષણે તેણે સ્વસ્થતા જાળવવાનો ડોળ કર્યો. તેણે નિશા સાથે થોડી સેકન્ડો વાત કરી અને પછી બંને ફરી વાર આમંત્રિતોની કાળજી લેવામાં વ્યસ્ત થઇ ગયા.

* * *

સુપર સ્ટાર વિજયકુમારની જીભ હવે લથડવા માંડી હતી. વિજયકુમારનો આ સૌથી મોટો પ્રોબ્લેમ હતો. તેને દરરોજ શરાબ પીધા વિના ચાલતું નહીં અને ત્રણ ચાર-પેગ પેટમાં પડ્યા પછી તેના જ્ઞાનતંતુઓનો તેની જીભ પર કંટ્રોલ રહેતો નહીં. અને શરાબના નશામાં તે ક્યારેક હિંસક બનીને મારામારી કે ભાંગફોડ પણ કરી બેસતો હતો. વિજયકુમાર સુપરસ્ટાર હતો એટલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધૂરંધરો પણ તેની એ નબળાઇ કે વાયડાઇ સહન કરી લેતા હતા. પણ વિજયકુમારની ફિયાન્સી આશકા વિજયકુમારની શરાબની આદત અને શરાબ પીધા પછી તેની વર્તણૂકથી અકળાતી રહેતી હતી.

અત્યારે પણ આશકા ક્ષોભ સાથે અકળામણ અનુભવી રહી હતી. પણ વિજયકુમાર પોતાની મસ્તીમાં શરાબ પીતા પીતા લોચા વાળી રહ્યો હતો. તે નંબર વન હીરોઇન ચાંદની સાથે ઢંગધડા વિનાની વાતો કરી રહ્યો હતો. જો કે આશકાની હાજરીમાં નિશા વિશે કંઇ નહીં બોલવાની સભાનતા તેણે મહામહેનતે જાળવી રાખી હતી.

* * *

‘નિશા…’ અચાનક ટૅરેસના દરવાજા પાસેથી બૂમ સંભળાઇ અને બધાનું ધ્યાન ટૅરેસના દરવાજા તરફ ખેંચાયું.

નિશાના પિતા મોહનદાસ નિશાને બોલાવી રહ્યા હતા. તેમણે કંઇક વધુ પડતા ઊંચા અવાજે જ બૂમ પાડી હતી.

નિશાને પિતાનું આગમન ગમ્યું નહીં પણ એમ છતાં તે ઝડપથી તેમની પાસે ગઇ.

‘જી પાપા…’ નિશાએ પોતાના અવાજમાં સંયમ જાળવવાની કોશિશ કરતા કહ્યું.

‘નિશા, આઇ વોન્ટ ટૅન લેક રૂપીસ ટુમોરો’, મોહનદાસે દીકરી પાસે પૈસાની માગણી કરી.

મોહનદાસ ચિક્કાર ઢીંચીને આવ્યા હતા તે નિશાને સમજાઇ ગયું. તેમને સમજાવવાની કોશિશ કરતી હોય એ રીતે તે બોલી, ‘તમે અત્યારે ડ્રિંક લીધું છે, આપણે કાલે વાત કરીશું.’

‘તો તમે બધા અત્યારે ડ્રિન્ક લેવા સિવાય શું કરી રહ્યા છો?’નિશાના પિતાએ બરાડો પાડ્યો.

‘પાપા, પ્લીઝ…’ ક્ષોભજનક હાલતમાં મૂકાઇ ગયેલી નિશા તેમને હાથ પકડીને ટૅરેસમાંથી લિવિંગ રૂમમાં લઇ ગઇ.

‘નવરો બેઠો નખ્ખોદ વાળે’ એ કહેવત સાર્થક કરતા હોય એમ નિશાના પિતા શેરબજારના ચાળે ચડીને નિશાની કમાણીના લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા હતા. નિશા તેમને કશું કહી શકતી નહોતી. પણ અત્યારે તેમણે જે રીતે પૈસા માગ્યા અને બધા વચ્ચે નીચાજોણું કરાવ્યું એથી તે અકળાઇ ઊઠી હતી. બધાની વચ્ચે તમાશો કરીને પપ્પાએ નિશાનો મૂડ બગાડી નાખ્યો હતો.

નિશાએ લિવિંગ રૂમમાં જઇને પપ્પા સાથે ઉગ્ર અવાજમાં દલીલો કરી. પણ તેના પપ્પા કોઇ વાતે માનવા તૈયાર નહોતા.

છેવટે નિશાએ કહી દીધું, ‘હું તમને પૈસા આપવાની નથી અને તમારે કંઇ કરવાની જરૂર પણ ક્યાં છે?’

‘મારે કાલે કોઇને પેમેન્ટ કરવાનું છે.’ મોહનદાસે બરાડો પાડ્યો.

‘હું તમને પૈસા નહીં આપું.’ નિશા પણ હવે જીદ પર આવી ગઇ હતી.

‘તું પૈસા નહીં આપે?’ મોહનદાસ ઉશ્કેરાઇને ફરી વાર બરાડ્યા.

‘નો…નો…નો…’ નિશાએ સામે એટલા જ ઊંચા અવાજે કહ્યું.

‘ધેન આઇ વિલ કિલ યુ.’ મોહનદાસે શરાબના નશામાં ધમકી આપી. નિશા હતપ્રભ બનીને તેમની સામે જોઇ રહી. બીજી ક્ષણે મોહનદાસ પોતાના બેડરૂમમાં જતા રહ્યા. તેમણે ધડામ્ અવાજ સાથે બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને નિશા અવાચક બનીને પપ્પાના બેડરૂમના બંધ દરવાજાને તાકી રહી.

(ક્રમશઃ)

— આશુ પટેલ (Credit www.cocktailzindagi.com)

કોકટેલ ઝીંદગી પ્રીમીયમ મેગેઝીનને મેળવવા માટે ક્લિક કરો https://goo.gl/14qRJr અથવા ઘરે બેઠા મેળવવા Whatsapp on 08000057004

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી