ગુજરાતનાં 70 ખેડૂતો ગૃપ ખેતીથી કરે છે લાખોની કમાણી, મલ્ટીનેશનલ કંપની સાથે કરે છે બિઝનેસ

પહેલાનાં જમાનામાં લોકોમાં ભણવાનો ક્રેઝ હતો, જ્યારે આજનાં આધુનિક યુગમાં યુવાનોમાં ખેતી કરવાનો સારો એવો ચસ્કો ચડ્યો છે. આજનો યુવાન સારો અભ્યાસ કરી અમુક વર્ષો નોકરી કરીને આખરે પોતાની પરંપરાગત જમીનમાં આધુનિક ખેતી કરી લાખો રૂપિયા કમાવાની ઈચ્છા રાખે છે. આજનો યુવાન નવી ટેકનોલોજી અને નવી પદ્ઘતિનો ઉપયોગ કરી મબલક પાક મેળવી સારી આવક સાથે પોતાની અલગ રાહ બનાવે છે. સરકાર તરફથી મળતી સહાય અને યોગ્ય વેચાણની પદ્ધતિની તમામ પ્રકારની માહિતી મેળવી આજનાં યુવાનો અનેક પડકારોનો સામનો કરી ખેતીનો વ્યવસાય જાળવી રહ્યાં છે. તેવા જ ગાંધીનગર વિસ્તારનાં એક યુવાન ખેડૂતે ગૃપ બનાવી ખેતી કરવાનો નિર્ધાર કર્યો અને અન્ય ખેડૂતોને પણ આવકમાં ફાયદા માટેનાં સૂત્રો સાકાર કર્યાં.

ગેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યા બાદ ખેતીને પોતાનો પરંપરાગત વ્યવસાય માની કંઈક નવુ કરવાની નેમ સાથે ગાંધીનગર વિસ્તારનાં શિવપુરાકંપા ગામનાં પરાગભાઈ પટેલે ખેડૂતોનું ગૃપ બનાવી ખેતી કરવાનો નિર્ધાર કર્યો. પરાગભાઈએ જણાવ્યું કે, ખેડૂતો પાસે વેચાણની પદ્ધતિ ન હોવાથી કે પછી વેચાણનો કોઈ યોગ્ય વિકલ્પ ન હોવાથી સારો પાક મળ્યા પછી પણ મોટી નુકસાની ભોગવવાનો વારો આવે છે. નુકસાનીને ફાયદામાં કેવી રીતે પરિવર્તિત કરવી તેની સતત ગડમથલ વચ્ચે એક વિચાર આવ્યો કે જો સાથે મળીને ખેતી કરીએ તો! નુકસાની ઘટશે, વેચાણમાં ફાયદો થશે અને બજાર કરતા ભાવ પણ વધારે મળશે. આ વિસ્તારનાં ખેડૂતો મલ્ટીનેશનલ કંપની સાથે કરાર કરી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પ્રકારની બટેટાની ખેતી કરી અઢળક નાણા કમાઈ રહ્યાં છે. સાથે જ બટેટાની સિઝન પૂર્ણ થયા બાદ અન્ય ખેતીમાંથી પણ સારી એવી કમાણી કરે છે.

પરાગભાઈ ગૃપ ખેતી અંગે વાત કરવા જણાવ્યું હતું કે, વર્ષ 2007થી ગાંધીનગર અને આજુબાજૂનાં વિસ્તારનાં આશરે 70 જેટલા ખેડૂતો સાથે મળીને બટેટાની ખેતી કરી રહ્યાં છીએ. 1000 વિઘા જમીનમાં પદ્ધતિસર બટેટાની ખેતી કરવાની શરૂઆત કરતા પાક પણ સારો મળ્યો. શરૂઆતમાં બટેટાની ખેતી માટે સરકાર તરફથી એક યોજનાં અમલમાં હતી. જેમાં કોઈ એક કંપની સાથે કરાર કરવામાં આવતો અને સરકાર દ્વારા હેક્ટર દીઠ 20 હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી. જોકે બે વર્ષથી આ યોજના બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત સરકાર તરફથી હાર્વેસ્ટર તેમજ બીજી પદ્ધતિ માટે 15 ટકા સબસિડી પણ આપવામાં આવે છે.

વેચાણ અંગે વાત કરતા પરાગભાઈએ જણાવ્યું હતું કે, એકસાથે 70 જેટલા ખેડૂતો અને 1000 વીઘા જેટલી જમીનમાં બટેટાનો પાક મળતો હોવાથી મલ્ટીનેશનલ કંપનીઓ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. કંપની પોતાની જરૂરીયાત પ્રમાણે પહેલાથી જ સલાહ-સૂચન અને બટેટાની વેરાયટી જણાવી આપે છે. જેનાં પ્રમાણે એક કંપની દ્વારા બટેટાનું બિયારણ પણ આપવામાં આવે છે. જ્યારે અન્ય કંપની બટેટાની ગુણવત્તા ચકાસીને ખરીદી કરે છે. જેમાં બટેટાની સાઈઝથી માંડીને અન્ય વસ્તુ તપાસવામાં આવે છે. જોકે મલ્ટીનેશનલ કંપની હોવાથી વાહન ખર્ચ તેમજ અન્ય ખર્ચ માટે પણ અલગ કરાર કરવામાં આવે છે. ખેડૂતો માલને ગોડાઉન સુધી પહોંચાડી આપે તો વધારે ભાવ મળે છે. જ્યારે કંપની માલ પોતાના વાહનમાં લઈ જાય તો અલગ ભાવ ચૂકવવામાં આવે છે.

કંપનીનાં ભાવ-તાલ અંગે તેઓએ જણાવ્યું હતું કે, એકસાથે જથ્થાબંધ માલ અને સારો પાક હોવાથી બજાર કિંમત કરતા કિલોદીઠ 10 રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને મળે છે. સાથે જ પહેલાથી જ મલ્ટીનેશનલ કંપની સાથે કરાર હોવાથી પાકનાં વેચાણ માટે ખેડૂતોએ જ્યાં ત્યાં ભટકવું પડતુ નથી. તેમજ કંપની માલ ખરીદે તેનાં આઠ કે દસ દિવસમાં જ પેમેન્ટ મળી જતુ હોવાથી છેતરપીંડી થવાનો ભય પણ રહેતો નથી.

સૌજન્ય : દિવ્યભાસ્કર

લાઇક કરો અને શેર કરો આ આપણા ગુજરાતી ખેડૂતોની વાત તમારા મિત્રો સાથે…

ટીપ્પણી