ચાર નાની પણ પ્રેરણાદાયી સત્ય ઘટનાઓ

આ દરેક સત્ય-ઘટનાઓ છે.

1) -એક નાનકડી નોકરી કરતો માણસ હતો. વડોદરાથી ભરૂચ બાઈક લઈને અપડાઉન કરતો. રોજે જોતો કે રસ્તામાં સતર-અઢાર મરેલા કૂતરાઓ આવતા. તેને ખુબ દુઃખ થતું. આત્મો બળી ઉઠતો. જોકે એ મરેલા જીવોને જોઇને ઘણા માણસોને નિ:સાસા નખાઈ જતા. પરંતુ એક દિવસ આ માણસે ઘરેથી વહેલા નીકળી રસ્તા પર જ્યાં કૂતરું મરેલું દેખાય ત્યાં બાઈક ઉભી રાખીને તેને રસ્તાથી દૂર કર્યા. પંદર કુતરાઓને દૂર કર્યા. બસ…

2) -બેંગ્લોરમાં અમારી શેરી બહાર મેઈન રસ્તાની બાજુ કચરાનો ખુબ મોટો ગંદવાડ રહેતો. ગાયો રોજે ત્યાં પ્લાસ્ટિક ખાતી. બધા ત્યાંથી નાક બંધ કરીને ચાલતા. એક દિવસ પચીસેક વર્ષનો યુવાન પોતાના એક દોસ્ત સાથે આવ્યો. બંને એ મળીને એ બધો જ કચરો એક મ્યુનિસિપાલીટીના વેગનમાં ભર્યો. ત્યાં છોડના કૂંડા મુક્યા. એ જગ્યા પર રેતી નાખી. નાના પથ્થરો મુકીને કિનારી કરી. ફોટોમાં દેખાય છે એમ પાછળની દીવાલો પર રંગો કરી દીધા.


આજે ત્યાં માણસો બેસવા આવે છે. મેં એ છોકરા પાસે જઈને પૂછ્યું કે તે આવું કેમ કર્યું? તેનો જવાબ હતો: “મને મારા ગમતા કામ ખબર નથી. સફળતાના રસ્તાઓ ખબર નથી. પરંતુ હું જ્યારે મારા કોઈ પણ સ્વાર્થ વિના આ જગતને બેટર બનાવવા નાતે એક નાનકડું પગલું ભરું છું ત્યારે મને મારી સફળતા દેખાય છે.”

3) -એક વ્યક્તિના ઘરે સાપ નીકળે છે. સાપ નીકળે એટલે બધા રાડો નાખે છે, આખી સોસાયટી માંથી ઘણા માણસો તેના ઘરે આવે છે. બધા નક્કી કરે છે રસોડામાં ગેસના બાટલા પાછળ છૂપાયેલા સાપને ખતમ કરી દેવો કે જેથી આ રહેણાંક વિસ્તારમાં કોઈના જાનનું જોખમ ન રહે. લાકડીઓ લઈને પુરુષો ઉભા છે. પણ એક પુરુષ એવું કરવાની ના પાડે છે. બધાને રોકે છે. સમજાવે છે. બધાને દોડધામ ન કરવા કહે છે. ઘર માંથી બધાને બહાર મોકલીને પછી એ સાપ પકડનાર અમુક માણસોને ફોન કરે છે. અડધા કલાકમાં એ જીવને પકડીને જંગલમાં લઇ જનાર માણસ આવી જાય છે.
તે સાંજે પેલા સાપને મારવા ન દેનારા માણસનો જન્મારો સુધરી જ ગયો હતો. તેણે આ જગતનો એક જીવ બચાવ્યો હતો. તે સમજતો હતો કે અહીં માણસ એકલો જ નથી.

4) -એક પ્રાથમિક ગવર્મેન્ટ સ્કૂલ છે. સ્કૂલમાં આખો સ્ટાફ ખરેખર બાળકોને મનથી ભણાવતો નથી. સ્ટાફની ફરિયાદો છે કે કોઈ સરકારી સ્કૂલોમાં ધ્યાન દેતું નથી, બધા પ્રાઈવેટમાં બાળકોને ભણાવે છે, સરકાર શિક્ષકો પાસે બીજા કામ વધુ કરાવે છે. નબળી જ્ઞાતિના અબૂધ છોકરા આવે છે. છોકરાઓને ખીજાઓ તો વાલીઓ લડવા આવે છે. શિક્ષણ ભાંગી પડ્યું છે. એજ્યુકેશન સિસ્ટમ કથળી પડી છે.
પણ સાહેબ…ત્યાં એક શિક્ષક છે. ત્યાં જ! ગવર્મેન્ટમાં! એજ બાળકો વચ્ચે. તેને પણ સ્ટાફને જે લાગેલું એ બધું જ ખબર છે, પણ એ માણસ જ્યારે ક્લાસરૂમમાં જાય ત્યારે બહાર દરવાજા પાસે જ પોતાની બધી સમસ્યાઓ-પીડાઓ-ગુસ્સો-પૂર્વગ્રહો મુકીને એ બાળકો સામે પોતાની પૂરી નિર્મળતાથી, પ્રચંડ લગનીથી, મહેનતથી, પ્રમાણિકતાથી ભણાવે છે. તેને ખબર છે કે ચાણક્યનું વાક્ય: “શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકે હાથમે હોતે હે” એ વાક્ય ક્યાંય છે જે નહી! સાચું વાક્ય છે: “સાધારણ આદમી કભી શિક્ષક નહી હોતા, ક્યોંકી પ્રલય ઔર નિર્માણ ઉસકે હાથમે હોતે હે!”
આ એકલો નરબંકો દરેક બાળકને એ રીતે ભણાવે છે કે વર્ષો પછી એક દિવસ જ્યારે એ મરી ગયો એવા સમાચાર મળ્યા ત્યારે એક સાથે ૧૮૦૦ માણસોની આંખો ભીની થઇ ગઈ. કેમ? કારણકે એ એમનો બચપનનો ગુરુ હતો જે બાળપણમાં ઘણું શીખવી ગયો હતો. પોતાના સ્વાર્થ વિના આ જગતને એણે થોડું બેટર બનાવવામાં જીવ રેડયો હતો.

-દોસ્તો…એવા તો આ જગતમાં ખુબ માણસો છે જે બંગલા-ગાડી-રૂપિયાના સપનાઓ જુએ છે, પણ ક્યારેય એવું એકપણ કામ નથી કર્યું હોતું જે જગતને વધુ સુંદર બનાવે. મહત્વનું આ છે: “ભલે તમને ખબર ના હોય કે આ વિશ્વમાં તમારો રોલ શું છે, સફળતા કેમ મળશે, ગમતું કામ કેમ ખબર પડશે, પણ…પણ…પણ…જો પોતાના કોઈ પણ સ્વાર્થ વિના એક એવું કામ કરો કે જે જગતને વધુ સુંદર બનાવતું હોય તો તમારો આ જન્મારો સાર્થક છે પ્રભુ.”

-કોઈ પણ સ્વાર્થ વિના ક્યારેક કોઈ વૃક્ષ વાવો. ગંદકી સાફ કરો. જીવ બચાવો. ‘જગતના એક નાગરિક તરીકે’ તમારા બાળકને ક્યાંય પણ કચરો ન નાખવા શીખવો, કે તમે ગમે તે સંજોગોમાં ક્યાંય કચરો ન નાખો, કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. તમારું કામ પૂરી નિષ્ઠાપૂર્વક કરો. શું જોઈએ છે બીજું આ જગતમાં?
યાદ રાખજો…ખોટા દેખાડા કર્યા વિના જો જગતને થોડું સારું બનાવવા માટે એક કામ કર્યું હશે તો એ કામ કર્યા પછી જે આત્મ સંતોષ થશે તેની મજા જ શબ્દોની મોહતાજ નહી હોય. તે રાત્રે ઊંઘ સારી આવશે. કશુંક અંદર બેઠેલું આત્મા જેવું હોય છે…જે ખુશ હશે. એ કામ તમારી સ્મૃતિમાં જીવશે, અને વર્ષો સુધી ખુશીનો ઓડકાર આપશે.

આ ઉપર લખી એ બધી જ આ લખનારે નજરે જોયેલી કે જીવેલી સાચી ઘટનાઓ છે. કશું જ ખોટું નથી. આ નીચે આપેલો ફોટો શેરીની ગંદકી હટાવીને બનાવેલ ચોખ્ખી જગ્યા છે. આ જગ્યા પેર એક સમયે અપાર કચરો હતો. બધા જ્યારે નાક બંધ કરીને જતા રહેતા ત્યારે એક માણસે બદલાવ લાવી દીધો. હવે ત્યાં કોઈ થુંકતું પણ નથી.
આ બધી ઘટનાઓ માત્ર કહેવા ખાતર નથી લખી. આશા છે કે ક્યાંક કોઈ આ વાંચતું હશે, અને અંદરથી જાગતું હશે.

લેખકઃ જીતેશ દોંગા

ટીપ્પણી