શું તમે જાણો છો કે ગણેશજીના પ્રતીકોનું અર્થઘટન શું થાય છે ?

ભાદરવા સુદ ચોથ(ગણેશ ચતુર્થી)ના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ચૌદશે(અનંત ચતુર્દશી) તેઓનું વિસર્જન કરવામાં આવે છે. શા માટે ? કેટલાક કહે છે કે આ રીતે ગણપતિનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. પરંતુ ગણપતિનો જન્મદિવસ તો મહા સુદ ચોથ છે. વળી કોઈનો જન્મદિવસ દસ દિવસ સુધી શા માટે ઉજવાય? અને દસ દિવસ સુધી જન્મદિનની ઉજવણી કર્યા બાદ તેને વિદાય આપીને તેનું વિસર્જન શા માટે કરવાનું? સદીઓથી ગણેશોત્સવ ઉજવાય છે પરંતુ કોઈને પ્રશ્ન થતો નથી કે શા માટે ગજાનનની સ્થાપના કરવાની અને તેઓનું વિસર્જન કરવાનુ!

પોતે જાણકાર હોવાનો ગર્વ રાખનારા ઘણાં લોકો કહેશે કે લોકમાન્ય તિલકે ગણેશોત્સવ ઉજવવાની શરુઆત કરાવી. અંગ્રેજો સામે લડવા માટે હિંદુઓએ એક થવાની જરુર હતી અને આ ઉત્સવની ઉજવણી કરવાથી હિંદુઓ સહેલાઈથી એક થઈ શકે એમ હતું. ખરેખર તો લોકમાન્ય તિલકે ગણેશોત્સવ જાહેરમાં ઉજવવાનું શરુ કરાવ્યું. એ પહેલા પણ ઘર-ઘરમાં ગણપતિબાપાની સ્થાપના અને વિસર્જન થતાં જ હતાં. તો શા માટે ઘરે-ઘરે ગણપતિની સ્થાપના થતી હતી ? કેટલાક તો વળી કહેશે કે ગણેશોત્સવ એ તો મરાઠી ભાઈ-બહેનોનો તહેવાર છે.

હકીકત એ છે કે ગણેશોત્સવ એ માત્ર મરાઠીઓનો નહિ પરંતુ સમગ્ર ભારતીયોનો તહેવાર છે. ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ છે અને ભુતકાળમાં ભારતની ખેતી સંપુર્ણપણે વરસાદ પર આધારિત હતી. વ્યવસાયે ખેડુત એવા મોટા ભાગના ભારતવાસીઓની પોતાની સાચી સંપત્તિ ગણવી હોય તો એ ખેતરમાં પાકતું અનાજ હતું. આ અનાજથી આખું વર્ષ કુટુમ્બનું ભરણ-પોષણ થતું. પાક તૈયાર કરવા માટે ખેડુતના સમગ્ર કુટુમ્બની મહેનત કામે લાગતી. ભાદરવા માસમાં ખેતરમાં પાક લહેરાવા લાગતો. પાક ઉગીને તૈયાર થઈ ગયા બાદ પાકના દાણા પુષ્ટ થાય, ભરાવદાર થાય તેમજ એમાં મીઠાશ ઉમેરાય એ માટે પાકને પુરતો ચંદ્રપ્રકાશ આપવામાં આવતો.

સુર્યપ્રકાશની મદદથી વનસ્પતિ, પર્ણમાં રહેલા હરિતકણો દ્વારા ખોરાક તૈયાર કરે છે અને એનાથી વનસ્પતિને ખોરાક મળે છે – એ સિદ્ધાંત તો આપણે આધુનિક વિજ્ઞાન પાસેથી ભણ્યા. પરંતુ શ્રીમદ ભગવદ ગીતા કહે છે તેમ: पुष्णामि चौषधी सर्वा, सोमो भुत्वा रसात्मक: (ઔષધી અર્થાત વનસ્પતિ-પાક, ચંદ્રના પ્રકાશથી પુષ્ટ થાય છે). ભાદરવા સુદ ચતુર્થી થી લઈને ચૌદશ સુધી પુષ્ટ થવાની રાહ જોતો, ખેતરમાં તૈયાર થયેલો પાક કુદરતી કે માનવસર્જિત આપત્તિનો ભોગ બની જાય તો ખેડુતના કુટુમ્બને ભુખે મરવાનો વારો આવે. ગણેશજી વિઘ્નહર્તા દેવ હોવાથી, આ દસ દિવસ દરમિયાન આવનારા વિઘ્નને ટાળવા માટે વિઘ્નહર્તા દેવ ગણપતિબાપાની સ્થાપના કરવામાં આવતી. બીજા વર્ષે પણ ઉગનારા પાકની રક્ષાની જરુર પડવાની. આથી પાક લણવાની શરુઆત કરતાં પહેલા ગણપતિ મહારાજને “આવતા વર્ષે ફરીથી વહેલા આવજો” એમ કહીને, ગણપતિબાપાનો આભાર માની માનભેર તેઓનું વિસર્જન કરવામાં આવતું.

ખેતરમાંથી તૈયાર થયેલો પાક ઘરે આવી જાય એટલે નવા ચોખાની ખીર બનાવીને પિતૃતર્પણ કરવામાં આવતું. અને એ દિવસો એટલે શ્રાદ્ધના દિવસો. યત શ્રદ્ધયા ક્રિયતે તત શ્રાદ્ધમ. શ્રદ્ધાપુર્વક પિતૃઓનું કરવામાં આવતું તર્પણ એટલે જ શ્રાદ્ધ. ભાદરવા વદ એકમ(પડવો)થી અમાસ એટલે શ્રાદ્ધના દિવસો. આપણે ભારવાસી હિન્દુઓ એટલા કૃતજ્ઞી છીએ કે આપણને પૃથ્વી પર જે શ્રેષ્ઠ ભોગો ભોગવવા મળે છે, એમાં આપણા ઉત્કૃષ્ટ વંશજો એવા આપણા પિતૃઓ, ઋષિમુનિઓ તેમજ અંતરિક્ષના દેવોની કૃપા આપણે ગણીએ છીએ.

ખેતી ન કરનારા શહેરીજનો ગણેશોત્સવ ઉજવીએ છીએ તેની પાછળ આપણે એવી ભાવના રાખી શકીએ, કે ગણપતિબાપા ખેડુત ભાઈઓની ખેતીમાં આવનારા વિઘ્નોનો નાશ કરે. કારણ કે પાક સલામત રહેશે તો એ આપણા સુધી પહોંચશે ને ! નહિ તો આપણે ખાઈશુ શું? આ પૃથ્વી પર ખરી ઉત્પાદક પ્રવૃત્તિ જો કોઈ કરતું હોય તો એ ખેડુત જ છે. જો એ સલામત તો આપણે પણ સલામત.

આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો ગણપતિની મુર્તિ બનાવવામાં આવે છે અને એનું વિસર્જન પણ કરવામાં આવે છે. અર્થાત ભગવાન સાકાર પણ છે અને નિરાકાર પણ છે. આથી ‘ભગવાનનું અંતિમ સ્વરુપ કયું ?’એ પ્રશ્નનો છેદ ઉડી જાય છે. “હોવું” એટલે નિરાકારતા અને “રમવું” એટલે સાકારતા. ઊંઘમાં આપણે ‘હોઈએ(નિરાકાર)’ છીએ અને જાગીએ ત્યારે ‘રમીએ(સાકાર)’ છીએ. ભક્તોના પોકારથી ભગવાન સાકાર થાય છે અને ભક્તોને ધ્યેયદર્શન કરાવવા ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે.

આજે ગણેશોત્સવ ઉજવાય છે, પરંતુ ઉજવણી પાછળના જે સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રહસ્યો જોયા એની સહુને જાણ હોવાની સંભાવના ઘણી ઓછી છે. લોકમાન્ય ટિળકજીએ જે રાષ્ટ્રીયભાવના માટે આ ઉત્સવને જાહેરમાં ઉજવવાનું સુચવ્યું હતું એ ભાવના દૃઢ થાય એ જરુરી છે. આજે ગલીએ-ગલીએ ગણપતિબાપાની સ્થાપના થાય છે, એ શું બતાવે છે? ખરેખર તો જેટલા ઓછા ગણપતિની સ્થાપના થાય એટલી એકતા વધુ ગણાય. એક સોસાયટી દીઠ એક ગણેશજી સ્થપાતા હોય તો તેને બદલે દસ સોસાયટી દીઠ એક ગજાનનની સ્થાપના થવી જોઈએ. એ રીતે ગણપતિની સંખ્યા ઘટવી જોઈએ અને એકઠાં થનારા ભાઈ-બહેનોની સંખ્યા વધવી જોઈએ. ગણેશોત્સવમાં આરતીની ટેપ ન વગાડતા એકઠાં થયેલા ભાઈ-બહેનોએ સ્વમુખે આરતી ગાવી જોઈએ. સજાવટ(ડેકોરેશન)ની સાથે-સાથે ગણેશ પ્રત્યેની પુજ્યભાવના મજબૂત થવી જરુરી છે.

ગણેશજીના પ્રતીકોનું અર્થઘટન:

(1)ગણેશજીના બે દાંત છે: આખો દાંત શ્રદ્ધાનું પ્રતીક છે અને તુટેલો દાંત બુદ્ધિનું પ્રતીક છે. પરમ તત્વને પામવામા શ્રદ્ધા પુર્ણ સાથ આપે છે જ્યારે બુદ્ધિ ક્યાંક અટકી જાય છે. તેથી બુદ્ધિને સર્વસ્વ માનીને ચાલનારો શ્રદ્ધાવિહોણો માણસ જીવનમાં અટવાયા કરે છે.

(02)ગણપતિ બાપા મોરયા. ‘મોરયા’ એટલે (1)નમસ્કાર. ગણપતિબાપાને નમસ્કાર. (2)તેઓના મોરેશ્વર ભટ્ટ નામના ભક્તનું નામ ગણપતિ સાથે જોડાઈ ગયું. (જેમ તુકારામનું નામ વિઠ્ઠલનાથ ભગવાન પાંડુરંગ સાથે જોડાઈ ગયું તેમ.)

(03) આપણે ગણેશજીના દર્શન કરીએ છીએ પણ કોઈ મા ગણેશનું રુપ ધરાવતો દીકરો ના ઈચ્છે. વાસ્તવમાં ગણેશજીના અંગો પ્રતીકાત્મક છે, જેનું યોગ્ય અર્થઘટન થાય એ જરુરી છે. ફોતરા જેવો કચરો ઉડાડીને તનને પુષ્ટ કરે એવા અનાજને સુપડું સાચવે છે તેમ લોકોની કચરા જેવી વાતો બહારથી જ ફેંકી દઈને મન-બુદ્ધિને પુષ્ટ કરે એવી વાતો કાનથી આત્મા સુધી જવી જોઈએ.

(04)ગણેશજીને મોદક બહુ ભાવે. મોદકનું બહારનું પડ ચોખાના લોટનું અને સ્વાદમાં મોળું હોય છે. અંદરના ભાગમાં કોપરાનું છીણ, સાકર, દુધનો માવો વગેરેનું મધુરું મિશ્રણ માણવા મળે છે. તત્વજ્ઞાન બહારથી લુખુ જણાય છે, પરંતુ જેમ-જેમ આપણે અંદર ઉતરતા જઈએ તેમ-તેમ આનંદ વધતો જાય છે – તત્વજ્ઞાનના આ દેવને ભાવતા મોદક આપણને એવો સંદેશ આપે છે.

(05)મોટું પેટ = ઉદારતા, ભક્તોએ કબૂલેલા અંગત રહસ્યો બહાર ન આવવા દે.

(06)ઝીણી-નાની આંખો = દૂરનું જોઈ શકે, ભવિષ્ય જાણી શકે – જ્યોતિષી નહિ પરંતુ દીર્ઘદૃષ્ટા (VISION),

(07)વાહન – ઉંદર = ઉંદર ફુંક મારીને સુતેલા માણસના પગની એડીના ભાગે ઠંડો પવન ફેંકે છે અને એ ભાગે કરડીને ચામડી ખાઈ નાંખે છે. માણસને એ સમયે કશી જાણ થતી નથી. તત્વજ્ઞાનીઓ કહે છે, કે ‘માયા’ પણ આ જ રીતે માણસને ખતમ કરી નાંખે છે. એને લાગે છે, કે પોતે ભોગ ભોગવી રહ્યો છે. વાસ્તવમાં માયા માણસને ભોગવીને એને ખતમ કરી નાંખે છે. આમ, ઉંદર માયાનું પ્રતીક છે અને ગણપતિ ઉંદર પર સવાર થયા છે એનો અર્થ એ કે ગણેશજીને માયા નુકશાન કરી શકતી નથી.

સૌજન્ય : કલ્પેશ સોની

ટીપ્પણી