શું તમારે વૈજ્ઞાનિક બનવું છે ? આ રહ્યું માર્ગદર્શન….!

scientistવિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. જ્ઞાનમાંય જે વધારે જાણે તેને વિજ્ઞાની કે વૈજ્ઞાનિક કહેવાય.

બલ્બ, કમ્પ્યુટર, કાર, સેટેલાઈટ, પ્લેન, ટી.વી., દવા, કાગળ…..તમને દેખાતી માનવસર્જિત લગભગ તમામ વસ્તુઓ વૈજ્ઞાનિકે જ તો શોધી છે. વૈજ્ઞાનિક માનવજીવન સરળ બનાવે છે.

તેઓ પ્રકૃતિને નિહાળી માહિતી ભેગી કરે છે. તે માહિતીને આધારે કોઈ સિધ્ધાંત નક્કી કરે છે. પછી ફરી ફરીને તેને ચકાસે છે. પછી તે સિદ્ધાંતને આધારે ગણતરીથી નવી નવી શોધો આકાર લે છે.

વૈજ્ઞાનિક લોકોને અંધશ્રધ્ધાથી સાચી શ્રદ્ધા તરફ લઇ જાય છે. તેઓ જેમ-જેમ ઊંડા ઉતારે છે, તેમ-તેમ ભગવાનના મહિમાને વધુ સમજી શકે છે.

વૈજ્ઞાનિકોની દુનિયા જ જુદી છે. તેઓ અલગારી હોય છે. સત્યને શોધવા જીવન કુર્બાન કરી દે છે. સિદ્ધાંતને સાબિત કરવા ફના થઇ જાય છે. તેઓ લોકોને ભૌતિક સમૃદ્ધિ આપે છે, પરંતુ પોતે તો આખી જીંદગી લેબોરેટરીમાં, કાગળ-પેન લઇ વિચારવામાં જ કાઢી નાખે છે.

વૈજ્ઞાનિકો ખૂબ જ આશાવાદી હોય છે. પોઝીટીવ હોય છે. ક્યારેક તો હજારોવાર પ્રયોગ કરવા પડે, તોય થાકતા કે નિરાશ થતા નથી.

આપણી પાસે વૈજ્ઞાનિક જેવી આંખ હોય તો આપણને દુનિયામાં દરેક ખૂણે આશ્ચર્ય જ દેખાય!

ધોરણ ૧૨ સાયન્સ પછી અનેક ક્ષેત્રોમાં શોધોને અવકાશ છે.

વૈજ્ઞાનિક થવા માટે પ્રથમ તો ખૂબ જ ઊંડાણપૂર્વક ભણવું પડે છે. જાતને અને જગતને ભૂલી દિવસ-રાત વિચારવું પડે છે. નિરીક્ષણ કરવું પડે છે.

વૈજ્ઞાનિક આપણને જગતને સમજવામાં મદદ કરે છે. તેઓ જ ભૂતકાળ અને વર્તમાનને આધારે ઉજ્જવળ ભાવિનું સર્જન કરે છે.

માઈક્રોસ્કોપ, ટેલિસ્કોપ, ટેસ્ટટ્યુબ, ફ્લાસ્ક, બ્યુંરેટ, પીપેટ વગેરે લઈને તેઓ શું કરતા હોય, તે જાણવા તો વૈજ્ઞાનિક જ થવું પડે. ખૂબ જ રચનાત્મક ( ક્રિએટીવ ) હોય અને કંઈક અલગ કરવાની ક્ષમતા હોય, તે જ વૈજ્ઞાનિક બની શકે.

વૈજ્ઞાનિક બનવું હોય તો પ્રથમ એકાગ્રતા સિદ્ધ કરવી પડે. ભગવાન કંઈ બધા સક્ષમ પોતાના રહસ્યો છતાં કરતા નથી. ‘ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.’ તેને ભગવાનના આશીર્વાદ મળે છે.

સૌજન્ય : ટહુકાર

ટીપ્પણી