શહેર જવાની ઘેલછા આને કેવાય…

- Advertisement -

villegersઠંડા પવનની લહેરખીઓ ને એમાં પક્ષીઓના કલરવથી સવારે જાણે શણગાર સજ્યા હતા. એવામાં બળદગાડું હંકારતો હરીશ આંગણે પહોંચી બોલ્યો: ” ચાલો ત્યારે હું નીકળું ખેતરે, બપોર પહેલા ભાત લઈને આવજો તારે.”

” એ આપડા વિવેકનું પરિણામ છે, આજે માસ્તર સાહેબે બોલાવ્યા છે તે જરાક નિશાળે જતા આવજો.”– હરીશની પત્ની સવિતા બોલી.

“સારું ત્યારે .” કહી હરીશ રોજની માફક ગાડું હંકારતો નીકળ્યો.

બપોર પડતા સવિતા ભાત લઇ ખેતરે પહોચી. ઝાડ નીચે ખાટલો ઢાળ્યો, કુવેથી પાણીની ડોલ ભરી બાજુએ મૂકી ને જમવાનું પીરસવા લાગી.બંને પતિ-પત્ની હસતા હસતા, વાતો કરતા કરતા રોજે સાથે જ જમતા, સુખ-દુ:ખની વાતો કરી કાયમ એકબીજાને સહકાર આપતા.

“તેં ક્યોં તો ખરા ! માસ્તર સાહેબે શું કહ્યું?”- સવિતા બોલી.

“માસ્તર તો આપડા વિવેકના વખણ કરતા’તા, કે તમારો વિવેક તો ભણવામાં બહુ હોંશિયાર છે, પેલે નંબરે પાસ થ્યો છે.એને આગળ ભણાવજો.”

“આ ગામડા ગામમાં તો સાત ધોરણથી આગળ ક્યાં નિશાળ જ છે. ઇના કરતા તો આપડે શહેર જઈને વિવેકને ભણાવીએ તો?”

“અહિયાં આપડે સુખે રોટલો ખાઈએ છીએ તેં શહેર જવાની ક્યાં જરૂર? શહેરમાં પછી રોટલો ને ઓટલો કોણ આપશે?”

“છોકરાને ભણાવવા હાટુ ઇટલું તો કરવું પડે ને ! ને અહિયાં ગામડામાં રઈનેય હું છે? ટીવીમાં નથી જોતા શહેરનું જીવન તો કેવું સ્વર્ગ જેવું છે ! હોટલો, પિક્ચર, બગીચા…….” આમ બોલતા સવિતા તો શહેરના રંગમાં ખોવાઈ ગઈ.

“શહેરનો રંગ તો બહારથી જ હારો લાગે, બાકી ગામડા જેવી તાજી હવા અને અન્ન-પાણી ત્યાં થોડા મળવાના છે? છોકરો તો ભણશે જો એના નસીબમાં હશે તો !”

આમ દિવસો પસાર થતા હતા. એવામાં એક દિવસ ગામમાં લોકોને દોડાદોડ કરતા જોઈ હરીશે પૂછ્યું: “આ હેની દોડાદોડ ને શોર છે, થયું છે હું?”

“અલ્યા ભાઈ ! પેલા મગનીયાના છોકરાને ઝેરી મેલેરિયા થયો છે. ગામના દાક્તરની દવાથી તો પંદર દન થ્યા તોય સારું થ્યું નઈ, હવે તબિયત વધારે બગડી છે તે શેહર લઇ જાય છે.”- પુરોહિતકાકા બોલ્યા.

ત્યાં તો ઘરમાંથી રોવાના જોરજોરથી અવાજ આવવા લાગ્યા. બહાર આવી એક જણે કહ્યું: “ભાઈ ! શહેર લઇ જવાની જરૂર નથી. મગનના છોકરાના શ્વાસ ખૂટી ગ્યા, ઈ તો ભગવાનને પ્યારો થઇ ગ્યો.”

આખુય ગામ છોકરાના મૃત્યુનો ગમ અને ગામની અસગવડતાના અફસોસમાં ખોવાઈ ગયું.

હરીશને ગામડામાં પોતાનું ભવિષ્ય ધૂંધળું લાગવા લાગ્યું. તેને પોતાની પત્ની અને પોતાના દીકરાના ભણતરની ચિંતા થવા લાગી. તેથી તેને શહેર જવાનો વિચાર કર્યો.

“સવિતા તારી વાત હાંચી છે, આ ગામડામાં આપડું ભવિષ્ય ઉજળું દેખાતું નથી. આપડે શહેર જતા રહીએ.”- હરીશ.

સવિતા: “ઇના માટે મૂડી તો જોઇશે ને !”

હરીશ: “આપડું ખેતર ને ઘર વેચી દઈ, એ મૂડીથી શહેરમાં સુખેથી રહેશું ને છોકરાને ભણાવશું.”

સવિતા: “વિવેક શેરમાં ભણશે તો નોકરીયે સારી મળશે. પછી તો લેરથી જીવશું.”

હરીશ પોતાનું ખેતર ને ઘર વેચી શહેરમાં રહેવા જાય છે. ત્યાં રહેવા માટે ભાડે નાનકડી ઓરડી મળે છે. અને હરીશને ઓઈલ મિલમાં સવારથી સાંજ જવું પડે છે. એટલાથી શહેરના ખર્ચા ન પોસાતા સવિતા સાડીમાં ભરતકામ કરવાનું કામ લાવે છે.

“આવી ગ્યા તમે? આખો દન વૈતરું કરવાનું ને ખાવા-પીવાના ઠેકાણા નઈ. આપડો છોકરો તો તમારું મોઢું જોવાય નથી પામતો.હવારે તમે જાઉં ત્યારે હૂતો હોય ને રાતે મોડા આવો ત્યારે થાકીને ટે થઇ તમારી વાટ જોતાં જોતાં હુઈ ગ્યો હોય.”- સવિતા.

“હું યે હું કરું? એના કરતા તો આપડે ગામડે હતા ત્યારે કેવા સુખી હતા. હારે જમતા, કલાકો સુધી વાતો કરતા ને આપડા વિવેકને હું રોજે ફરવા લઇ જતો.”- હરીશ.

“અને ખાવા-પીવાનું પણ કેવું ચોખ્ખું ! આયાં તો જેટલું કમાવ તેટલું ઓછું જ પડે. વિવેક તો ભણવામાં હોંશિયાર હતો ને હવે એના નંબરેય ઓછા થતા જાય છે.”- સવિતા.

હરીશે ઊંડા શ્વાસ લઇ નિસાસા નાખ્યા ને પછી બોલ્યો: “ગામની માલ-મિલકત તો વેચી દીધી છે. ને આવકનું બીજું કોઈ સાધનેય નથી.સવિતા ! હવે આજ આપણી જીંદગી છે. આમ જ જીવવાનું……..”

ટીપ્પણી