વર્તમાન કોર્પોરેટ જગતમાં ચાણક્યના અર્થશાસ્ત્રનો મહિમા વધતો જાય છે કેવી શાશ્વત દીર્ઘદ્રષ્ટિ હશે?

Gujaratijoks chanakya

૨૪૦૦ વર્ષ પછી ચાણક્ય આજે પણ એટલા જ ચોટદાર ચાણક્યએ આપેલાં સૂત્રોને યાદ રાખો

 

”વિદ્યાર્થી, નોકર, ભૂખ્યો માણસ, રાજા, ખજાનચી, ચોકીદાર અને બુધ્ધિમાન- આ લોકો જો સૂઇ રહે તો જગાડી દેવા જોઇએ”

 

ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં એટલે કે લગભગ ૨૪૦૦ વર્ષ અગાઉ થઇ ગયેલા વિચક્ષણ બુધ્ધિ પ્રતિભા ધરાવતા અને ઐતિહાસિક દ્રષ્ટા મનાતા ચાણક્યના નીતિસુત્રો જેમ જેમ સમય વીતતો જાય છે તેમ આપણી મનોભુમિ અને સમાજ વ્યવસ્થાના સંદર્ભમાં વધુ શાશ્વત પૂરવાર થતા જાય છે. પિતા ચણકના નામ પરથી તેનું નામ ‘ચાણક્ય’ પડયું હતું. પણ તેમની કુટિલ નીતિને લીધે તેઓ કૌટિલ્યથી પણ ઓળખાતા હતા. તેમણે આપેલ ગ્રંથ પણ ‘કૌટિલીયમ અર્થશાસ્ત્રમ્’ તરીકે જ પ્રચલિત છે. ઘણાને ખબર નહીં હોય પણ ‘પંચતંત્ર’ની પ્રાણી-પંખીઓ આધારીત બોધવાર્તાઓ લખનાર વિષ્ણુગુપ્ત શર્મા તે જ ‘ચાણક્ય’! તક્ષશીલા જેવી વિદ્યાપીઠમાં વિશ્વભરમાંથી ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ આવતા જેમને ચાણક્ય શિક્ષણ-જ્ઞાાન આપતા. તે વખતે તેઓ જ્ઞાાનોત્સવો યોજતા હતા. એ જમાનામાં ચાણક્યએ જે રીતે અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, રાજ્યનીતિ, રાજ્યબંધારણ અને રાજ્યાનુશાસનની વિસ્તૃત છણાવટ આપી હતી તેના આધારે દેશ-વિદેશના હાલના પોલિટિક્સ અને મેનેજમેન્ટના નિષ્ણાતો ‘કોર્પોરેટ ચાણક્ય’ આજે પણ અપનાવવાની હિમાયત કરતા પુસ્તકો લખે છે. વિદેશમાં યુનિવર્સિટીઓમાં કૌટિલ્ય અર્થશાસ્ત્રમ્ના પ્રકરણો અભ્યાસક્રમમાં છે.

છેક એ વર્ષોમાં તેમણે લખ્યું હતું કે પૃથ્વી માનવ સમુદાયની અર્થોપાર્જન શક્તિને પોષે છે. આથી પૃથ્વીમાંથી જ ઊપજ ઊભી કરવી, વધારવી અને ટકાવવી તે દરેકનું પ્રાધાન્ય હોવું જોઇએ. રાજાએ, પ્રજાએ, પુરૃષ-મહિલા, કુટુંબે કઇ રીતે વ્યવહારૃ અભિગમથી જીવવું તેની ટીપ્સ પણ તેમણે આપી છે. પ્રાધ્યાપક આર એમ ઠક્કરે ભારે જહેમત બાદ ચાણક્ય અંગે લખેલા પુસ્તકમાંથી કેટલાક ચાણક્યના ચૂંટેલા સુત્રોને અવારનવાર માનસપટલ પર રમતા કરવા જેવા છે. અગાઉ સોક્રેટિસને વાંચે ગુજરાતના આશયથી રજુ કરેલા હવે ચાણક્યની ચોટદાર ઝલક લઇએ.

 

* વૃક્ષના મૂળિયા તેની સંધ્યા-પૂજા છે. શાખાઓ દાન છે. પાંદડાઓ તે એના ધાર્મિક કાર્યો છે. એટલા માટે મૂળની રક્ષા ખૂબ ધ્યાનથી કરવી. જો મૂળનો જ નાશ થઇ જશે તો ન ડાળીઓ રહેશે ન તો પાંદડાઓ.

* બૂરા આદમીને તમે પોપટની માફક ભણાવ્યા કરો પરંતુ ન તો ભણી શકે છે અને ન તો બૂરાઇ છોડી શકે છે. સાપને કેટલું ય દૂધ પાવામાં આવે તે હંમેશા ઝેર જ ઓક્યા કરશે અને સમય આવ્યે કરડી પણ ખાશે. લીમડાના ઝાડના મૂળિયામાં ગમે તેટલી સાકર નાખો તો પણ કડવો જ રહેશે. જેના જેવા સંસ્કારો છે તે તેવો જ રહે છે. કારણ સ્વભાવ બદલવો તે મનુષ્ય કે પ્રાણીના વશની વાત નથી.

* ફૂલની ગંધને માટી અપનાવી લે છે પરંતુ માટીની ગંધને કદી ફૂલ અપનાવતું નથી. તેમ સારો વ્યક્તિ ખરાબ વ્યક્તિથી વિચલીત નથી થતો. પણ ખરાબ વ્યક્તિ ધારે તો માટીની જેમ વર્તી ફૂલની સુગંધ ગ્રહણ કરીને પ્રેરણા લઇ શકે.

* અધિક નિકટતાથી કોઇક વખત સંબંધો પૂરા પણ થાય છે. વિશેષ કરીને આગ, રાજા (સત્તાધીશ), પરસ્ત્રી, મૂર્ખ માણસ, પાણી સાથે અતિ નિકટતા કેળવવાથી સમય જતા સંબંધોમાં અંતર પડી જાય છે. કોઇ સમયે જીવ પણ જઇ શકે છે.

* પાપીને સીધો કરવાના બે જ માર્ગ છે. એક તો તેને યુક્તિપૂર્વક સમજાવવાનો અને બીજો, જો તે ન સમજે તો, ખાસડાંથી સમજાવવાનો (જુતા ફટકારીને)

* મહાપુરૃષોના ગુણ જુઓ, દરેક મહાપુરૃષમાં કોઇને કોઇ બુરાઇ રહેવાની જ. માનવી માત્રની આ ખાસિયત છે. વ્યક્તિને તેના પ્રદાનથી યાદ રખાતો હોય છે.

* તેલમાં પાણી ભળી શકતું નથી. ઘીમાંથી પાણી નીકળી શકતું નથી. પારો કશા સાથે ભળી શકતો નથી. એ જ રીતે વિભિન્ન સ્વભાવવાળા લોકો એકબીજા સાથે કદી ભળી નથી શકતા.

* જે સ્ત્રી સવારના સમયે પતિની જોડે માતાની જેમ દિવસ દરમિયાન સહચારી મિત્ર બનીને પ્યાર આપે અને રાત્રે પત્ની બનીને પતિને હૂંફ-હળવાશ આપતું વર્તન કરે તે જ દામ્પત્યજીવનના સુખનું રહસ્ય હોઇ શકે.

* સંતાનને પાંચ વર્ષો સુધી પ્યાર કરો. પછીના દસ વર્ષ સુધી તેના પર તમારો પ્રભાવ હોવો જોઇએ. સોળ વર્ષની ઉંમરથી તેની જોડે મિત્રની જેમ વર્તન કરો.

* સુખી અને શાંતિપૂર્ણ ઘર તે જ છે જે ઘરના સંતાન ગુણવાન, સંસ્કારી, બુધ્ધિમાન હોય.

* ફૂલોમાં ખુશબુ, તલમાં તેલ, દૂધમાં ઘી, શેરડીમાં ગોળ આ બધી ચીજોમાં બહારથી છૂપાયેલી વસ્તુ દેખાતી નથી. છતાં આપણે તે સ્વીકારીએ છીએ અને અનુભવીએ પણ છીએ. તે જ રીતે માનવ શરીરમાં આત્મા છે. આમ છતાં આપણે તેનો કેમ શ્રધ્ધાપૂર્વક સ્વીકાર નથી કરતા?

* ઘુવડ દિવસે જોઇ શકતું નથી તેમાં સૂર્યનો શો દોષ? કેરડાના છોડ પર પાંદડા ઊગતા નથી. ફૂલો થતા નથી તેમાં ભલા વસંતનો શો દોષ? ચાતકના મોંમાં વર્ષાનું એક ટીપું પડતું નથી તેથી ભલા વાદળોનો શો વાંક? અરે, ભાઇ વિધાતાએ આપણા નસીબમાં જે કંઇ લખી દીધું છે તે જ થઇને રહેશે. એને દુનિયાની કોઇ શક્તિ બદલી નથી શકતી. સ્વીકારીને જીવન જીવશો તો જ સુખ મેળવી શકશો. સુખ અનુભવવાના બીજા કારણો તો હશે જ.

* જે કામ મોટાં મોટાં હથિયારોથી ન થઇ શકે તે કામ વ્યક્તિની પ્રકૃતિ પારખીને વર્તવાથી થઇ શકે છે. જેમ કે અહંકાર સાથે હાથ જોડીને રહેવાથી, મૂર્ખને મનમાન્યું કરવાની છૂટ આપીને, વિદ્વાન સમક્ષ સાચું બોલીને પેશ આવવાથી તેને ખુશ રાખી શકાય છે. આપનું કામ પણ થઇ જશે અને લડાઇ-ઝઘડાથી પણ બચશો.

* જેવું મોં તેવી થપ્પડ. હાથીને અંકુશથી, ઘોડાને ચાબુકથી.

* કોઇને પોતાનાથી કમજોર ગણવો જોઇએ નહીં. દરેક પ્રાણી અને મનુષ્ય પાસે કોઇને કોઇ શક્તિ હોય છે. કદીક એની શક્તિથી તમને હેરાન કરી શકે.

* પાણીનું એક ટીપું ગરમ તવા પર પડયું, છનન છન અવાજ આવ્યો અને વરાળ થઇને ઉડી ગયું. બીજું એક પાણીનું ટીપું કમળના પાન પર પડયું. બપોર સુધી મોતીની માફક ચમકતું રહ્યું અને વરાળ થઇને ઊડી ગયું. અને પાણીનું એક ટીપું માછલીના મોંમાં પડયું. વખત જતા માછીમારે તે માછલીને પકડી, ચીરીને જોયું તો મોતી નીકળ્યું. આ રીતે જેવા સ્થાન પર જેવી જગા મળશે, તેવી જ દરેક ચીજ તે જ બીબામાં ઢળશે.

* ઉચ્ચ કુળનો મનુષ્ય પણ સંસ્કાર, શીલ વગરનો હોય તો સુગંધ વગરના ફૂલ જેવો છે.

* અસંતુષ્ટ રહેનારો પંડિત કદી ગુણવાન નથી હોતો. સંતોષથી કામ લેનારો રાજા. જો કોઇ રાજા સંતોષ માની બેસી રહે તો તેના રાજ્યની પ્રગતિ નહીં થાય. લજ્જા વગરની પત્ની કદી ગુણવાન ન હોઇ શકે. ઘરને ઉજાડી દે. પરંતુ લજ્જાવાળી વેશ્યા ગુણવાન નહીં ગણાય. તેને ગ્રાહકો જ નહીં મળે. કહેવાનો ભાવ એ છે કે કોઇ ગુણ કોઇને માટે સારો તો કોઇને માટે ખરાબ ગણાય છે.

* વિદ્યાર્થી, નોકર, ભૂખ્યો માણસ, રાજા, ખજાનચી, ચોકીદાર અને બુધ્ધિમાન- આ લોકો જો સૂઇ રહે તો તેઓને જગાડી દેવા જોઇએ.

* કંજુસનો શત્રુ ભીખારી હોય છે. તે તેને હંમેશા તિરસ્કારની નજરે જ જોશે.

* બુધ્ધિમાન મનુષ્યોએ અજ્ઞાાની તેમજ મૂર્ખ મનુષ્યને કોઇપણ પ્રકારનો ઉપદેશ આપવો તદ્દન વ્યર્થ છે. સાપને ચંદનના વૃક્ષો પર રહેવા છતાં અસર નથી પડતી. ભેંસ આગળ વીણા વગાડશો તો ઊભી ઊભી કાન હલાવશે!

* દક્ષિણા લીધા પછી બ્રાહ્મણ, વિદ્યા પ્રાપ્ત કર્યા પછી શિષ્ય, જંગલમાં આગ લાગ્યા પછી ત્યાં રહેતા જાનવરો, પક્ષીઓ છોડીને જતા રહે છે. આ સંસારમાં બધા પોતપોતાનું કામ પૂરૃં થયા પછી જતા રહે છે. તેઓને મતલબ સાથે જ કામ હોય છે.

* સાગર માટે વર્ષા થવાથી કોઇ ફેર પડતો નથી. જે જ્ઞાાનથી ભરેલો છે તેને દ્રવ્ય પ્રભાવિત નથી કરી શકતું. જેનું પેટ ભરેલું છે તેને માટે ઉત્તમમાં ઉત્તમ ભોજન પણ નકામું છે.

* ઝેરમાં અમૃત ભર્યું હોય તો રાજીખુશીથી પી લેવું જોઇએ. સોનું અપવિત્ર સ્થાન પર પડયું હોય તો પણ તેને લઇ લેવામાં સંકોચ નથી અનુભવતા તેવી જ રીતે શિક્ષા કે બોધ કે પછી ઉત્કૃષ્ટ ગુણવાન કન્યા તમારા કરતા ઉતરતા હોય તેને અપનાવી લેવામાં ઈનકાર ન કરવો.

* જે સ્થાને ઝઘડો થતો હોય તે સ્થાનથી એકદમ દૂર નાસી જવું જોઇએ. વચ્ચે પડવાથી નિર્દોષ પણ ટીપાઇ જાય છે.

* દુકાળ પડી જાય તો બદમાશ આદમી સાથે જ મિત્રતા કામ લાગે છે. કેમ કે બૂરો આદમી ગમે ત્યાંથી પણ પોતાનું ખાવાનું શોધી જ કાઢશે અને તમને આપશે. જુદા જુદા પ્રસંગે જુદા જુદા લોકો કામમાં લાગતા હોય છે. કોઇ જોડે બગાડશો નહીં.

* બહુ જ ભલા બનીને પણ જીવન પસાર કરી શકાતું નથી. સીધા અને ભલા આદમીને દરેક જણ દબાવી પાડે છે. એની સજ્જનતાને લોકો ગાંડપણ સમજે છે. જેમ કે જંગલમાં જઇને કઠિયારો સીધા – સાદા – સરળ ઝાડોને પહેલાં કાપે છે. વાંકા – ચૂંકા તેમજ મુશ્કેલ એવા મોટા ઝાડોને કોઇ હાથ નથી લગાવતું. તમે એટલા સીધા પણ ના બની જાવ કે બધા લૂંટી જાય.

* કોઇપણ વાત કરતા પહેલાં એને સારી રીતે વિચારી લો. વિચારતા પહેલા એને બોલી ના નાંખો. બદમાશો સાથે કડકાઇથી વર્તન કરો.

* આ મહાન સંસાર વૃક્ષના બે જ ફળ છે (૧) સારી વાતો કરવી (૨) ગુણવાન તેમજ મહાન લોકોની સોબત. આ બેની પસંદગી કરો એટલે સાચા સુખ અને ખુદ મહાન બની જવાનો એહસાસ મળ્યા વગર રહે નહીં.

* જે પણ જ્ઞાન આપે છે તે ગુરુ છે.

* કોઇપણ કામના પ્રારંભ પહેલા ચાર પ્રશ્નો તમારી જાતને કરો?

* સંકટ સમયે કામ આવે તે માટેનું ધન સાચવી રાખો.

* એવા દેશમાં ન જવું જ્યાં આરોગ્ય સુવિધા ન હોય, શ્રીમંતો, ઉદ્યમો ન હોય, વિદ્વાનો ન હોય, સમજદાર શાસક ન હોય.

* સેવાના પ્રસંગે નોકરની, દુઃખના સમયે મિત્રની, સંકટના સમયે સગા-સંબંધી અને ભાઇઓની તેમજ ધન જતું રહે ત્યારે પત્નીની સાચી પરખ થાય છે.

* જે હંમેશા મધુર શબ્દો બોલે છે તેને માટે જીવનમાં કોઇ પારકુ નથી. જેની પાસે વિદ્યા છે તેની પાસે આખું વિશ્વ છે. વેપારી કુનેહ હોય તો કોઇ દેશ દૂર નથી. આત્મવિશ્વાસથી મોટી કોઇ ચીજ નથી.

* કોઇ ઠેકાણે લડાઇ-ઝઘડો થતાં હોય, પોતાના ભયંકર શત્રુ દેખાય તો, ભયાનક આક્રમણ થયું હોય ત્યારે, કોઇ પાપીનો સંગ થઇ ગયો હોય ત્યારે, જે દૂર ભાગી જાય તે જ બુધ્ધિમાન છે.

* મનુષ્યએ વારંવાર પોતાની જાતને પૂછ્યા કરવું જોઇએ કે મારો સમય કેવો છે? મારી બાજુએ ખરા અર્થમાં વખત આવ્યે કોણ ઊભું રહી શકે તેમ છે? હું કેવો છું? મારું હિત શેમાં અને અહિત શેમાં છે?

* જેનો ડર હોય તે સામે આવી જ જાય તો તેનો હિંમત અને બળપૂર્વક સામનો કરો.

* પ્રવાસથી શિક્ષા, જ્ઞાાન, સમજણ, વિવેક, અનુભવ વધે છે.

* આવા લોકોથી દૂર રહો

 

ચાણક્યના આ સૂત્રો તો તેના જ્ઞાાનના સાગરમાંના હિમપર્વતનું ટોચકું માત્ર છે. તેમનું જીવન, કાર્ય, વૈચારિક પ્રદાન, સાહિત્ય સર્જન ચિરંજીવ અને વર્ષો વીતતાં વધુ પ્રભાવક પૂરવાર થશે. ચાણક્ય ‘જીનિયસ’ કહી શકાય.

 

હોરાઇઝન – ભવેન કચ્છી

ટીપ્પણી