માવડી, હા, અમે હરામ હાડકાના હતા

એ દિવસોમાં પેટમાં કૃમિ ના હોય એવાં બાળકો બહુ ઓછાં. હું નાનો હતો ત્યારે મારા પેટમાં પણ કૃમિ બહુ થતા. મારાં મધર મને પરાણે કાળીજીરી પીવડાવતાં. જો કે તરત ખાંડનો બુકડો ભરવાનું પ્રલોભન હોવાને કારણે હું ગટગટાવી જતો. કોઈ કોઈ વાર ચા સાથે એરંડિયું (દીવેલ) ફરજિયાત પીવું પડતું ત્યારે પણ મારું મોઢું બગડી જતું.

પણ માવડી જેનું નામ. એરડિયું પીવડાવ્યા પછી જ રસોડામાં જાય. દાતણ કરવાનો પણ હું ચોર હતો. શનિવારે સવારની સ્કૂલ હોય ત્યારે મોઢામાં દાતણ રાખીને ઓસરીના પાટિયે ઝોલે ચઢ્યો હોઉં ત્યારે માવડી મને હાથ પકડીને ચોકડી તરફ ઢરડી જતી. હાથ-પગ ધોયા વિના જમવા બેસી જવા બદલ, સરખું ચાવ્યા વિના જમવા બદલ, કોળિયો ચાવતાં ‘ચપચપ’ અવાજ કરવા બદલ ખખડાવી નાખતી.

સત્ય હમેશાં કાળીજીરી કરતાંય કડવું અને દિવેલ કરતાંય રેચક હોય છે. અમારી પેઢીએ સત્યનો એક કડવો ઘૂંટડો ઉતારવો જરૂરી છે એવી કબૂલાત કરવી જોઈએ કે, ‘હા, મારી માવડી, અમે હરામ હાડકાના હતા.’

અમે નાના હતા ત્યારે દફતર ફેંકીને નાસી જતા, ટુવાલ જમીન પર મૂકી દોડી જતા, થાળી હડસેલીને ઊઠી જતા, કાચ ફોડીને સંતાઈ જતા, ગોદડું ફેંદીને સરકી જતા, પત્તાં ફેંકીને ભાગી જતા. ‘છેને પાછળ વૈતરું કરવાવાળી માવડી!’

ઢગા જેવડા થયા તોય અમે સુધર્યા નહોતા. અમે કપડાના ડૂચા ગમે ત્યાં ફેંકતા. અમે મન ફાવે ત્યારે ઉઠતા, મન ફાવે ત્યાં હરતા-ફરતા ને મોડે મોડે સાંકળ ખખડાવતા, મન ફાવે એટલું પાણી ઢોળતા, કપડાનો ડૂચો કરી બાથરૂમમાં ઢગલો કરી દેતા. તૈયાર ભાણે બેસીને ‘બબ્બે હાથે’ જમતા, જમેલી થાળીમાં હાથ ધોઈને ઊભા થઇ જતા.

વાસણ સાફ કરાવવાની તો વાત બાજુમાં રહી, વાસણનો અવાજ પણ સહન ના કરી શકતા. ‘માવડી છે ને ઢસરડા કરવાવાળી’. બજારના ધક્કા, ઘઉં દળાવવાના ફેરા, કૌટુંબિક જવાબદારીઓ, સંબંધો કોણ સાચવે? ‘છે ને માવડી…!’ કોઈ મળવા આવ્યું હોય તો પાણી કોણ આપે? માવડી. ચા કોણ બનાવે? માવડી. પ્યાલા-રકાબી કોણ સાફ કરે? માવડી.

અમે તો હે…ને ભૂતનાથના ફાટકે, છાપરીના ટેકે, ઓટલાની ધારે, લાયબ્રેરીના પગથિયે, પાનના ગલ્લે, બંધ દુકાનના પાટિયે, સવાર-સાંજ-રાત…..બસ, ટોળટપ્પા, ફીશીયારી ને ‘સારે ગાંવ કી ફિકર’. છાપાં અમારે માટે જ આવતાં ને પંખા અમારે માટે જ ફરતા. બહાર રોફથી ફરવાનું અને ઘરમાં ‘રોફ’ મારવાનો.

રસોડામાં જ જેનો દિવસ ઉગતો ને આથમતો ઈ માવડી માટે સળી ભાંગીને બે ન કરી હોય પછી? અમારા જેવાને કોઈ ‘હરામ હાડકાના’ કહે તો જરા પણ દુઃખ લગાડવાનો અમને અધિકાર જ નથી. આજે અમારે હસતે મોઢે, ખાંડના બુકડા ભર્યા વિના “કડવાણી” પીવી જોઈએ અને રહીરહીને એટલું તો કબૂલવું જ જોઈએ, “બીજા વન વગડાના વા…”

લેખક – અનુપમ બુચ

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!