બધા મિત્રોને “શંકરાચાર્ય જયંતી”ની શુભકામના…! આજે થોડું જાણો તેમના વિષે !

imagesસુપ્રભાતમ દોસ્તો…!

બધા મિત્રોને “શંકરાચાર્ય જયંતી”ની શુભકામના…! આજે થોડું જાણો તેમના વિષે !

શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે. આશરે ઇ.સ. ૭૮૮થી ૮૨૦ નો એ અતિ અલ્પ છતાં અત્યંત તેજસ્વી કાળ જે એ પરમ જગતગુરુનો દિવ્ય જીવનકાળ હશે કે કેમ એ અંગે અનેક મતમતાંતરો જોવા ભલે મળે, પરંતુ વિશ્વના ચિંતન અને દર્શન ક્ષેત્રે ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરનાર એ મહાન વિશ્વગુરુનું અવિસ્મરણીય અને અદ્વિતીય પ્રદાન નિ:શંકપણે સર્વસ્વીકૃત છે.

ભારતીય ષડદર્શનમાં વેદાંત દર્શન એટલે વેદનો જ્ઞાનકાંડ. એમાં ઉપનિષદોનો સમાવેશ થાય છે. શ્રીમદાદ્ય શંકરાચાર્યજીએ બ્રહ્મના સ્વરૂપને લગતો જે સિદ્ધાંત આપ્યો તે કેવલાદ્વૈત તરીકે ઓળખાય છે. અન્ય પાંચ મહાન આચાર્યો: મહાપ્રભુ વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી તેમજ નિમ્બાર્કાચાર્યજીએ પણ અનુક્રમે બ્રહ્મના સ્વરૂપ અંગે શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત તેમજ દ્વૈતવાદના સિદ્ધાંતો આપ્યા છે.

શંકરાચાર્ય અનુસાર બ્રહ્મનું સ્વરૂપ:

શંકરાચાર્યના મતે પરમ તત્વ એક અને અદ્વિતીય છે: એકમેવાદ્વિતીયમ બ્રહ્મ. (ONE & ONLY WITHOUT SECOND) . બ્રહ્મ નિત્ય છે, નિર્વિકાર છે, નિર્ગુણ છે, વ્યાખ્યાથી પર છે. જગતની ભાષામાં તેનું વર્ણન થઈ શકતું નથી. અપરોક્ષ અનુભવ દ્વારા જ તેને પામી શકાય છે. જગતનું સાચું કારણ બ્રહ્મ છે અને દેખાતું વિશ્વ બ્રહ્મનો વિવર્ત (આભાસ) છે. આ માટે શંકરાચાર્યજીએ રચેલ શ્લોક આ પ્રમાણે છે:

બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર:

શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભી:

બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ અને બ્રહ્મ જુદા નથી. અનેક ગ્રંથોમાં જે કહેવાયું છે એ હું અડધા શ્લોકમાં કહું છું. બ્રહ્મ એ જ પરમ સત્ય છે. દેખાતું જગત મિથ્યા છે. જીવ અથવા આત્મા પોતે જ બ્રહ્મ છે. બીજું કંઈ અસ્તિત્વ નથી. આત્મા નિત્ય છે, સ્વતંત્ર છે, સ્વયંભૂ છે, વિભૂ છે, અનંત છે.

તેઓએ બ્રહ્મની વ્યાખ્યા આ રીતે પણ આપી છે:

સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ.

ઉપનિષદોના મહાવાક્યોથી આત્મા-પરમાત્મા વચ્ચેના સંબંધોનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થાય છે:

 

અહમ બ્રહ્માસ્મિ: હું જ બ્રહ્મ છું એટલે કે હું – આત્મા એ જ મારું સાચું સ્વરૂપ બ્રહ્મ છે.

તત્વમસિ: (તત + ત્વમ + અસિ) એટલે કે તે જ તું છે – આર્થાત આત્મા જ પરમાત્મા છે.

અયમ આત્મા બ્રહ્મ: આપણા બધાનો આત્મા બ્રહ્મ જ છે.

પ્રજ્ઞાનમ બ્રહ્મ: પ્રજ્ઞા – પરમ ચૈતન્ય એ જ બ્રહ્મ છે.

સર્વમ ખલુ ઈદમ બ્રહ્મ: સર્વ જે કંઈ છે એ બધું જ બ્રહ્મ છે.

 

સૌજન્ય : કલ્પેશ સોની !

ટીપ્પણી