ફિક્સ મેચનાં લક્ષણો… !

970831_522836641109355_11324196_nશ્રીસંત સહિત ત્રણ બોલરો સ્પોટ ફિકસીંગના કૌભાંડમાં ઊઘાડા પડયા પછી બિચારા મામૂલી લોકો ડઘાઈ ગયા છે ઃ ”અરેરે! આટલું બધું ફિકસીંગ ચાલે છે ?”

પણ જે લોકો ટીવીમાં બરોબર ધ્યાનથી મેચો જુવે છે એમને તો તરત સમજાઈ જાય છે કે કેવું કેવું ફિકસીંગ ચાલી રહ્યું છે !

તમે પણ હવે ધ્યાનથી જોજો…

* * *

જે બોલરે અગાઉ એક ઓવરમાં ૧૮ થી ૨૦ રન આપી દીધા હોય, છતાં એ જ બોલરને ઈનિંગની છેલ્લી ઓવર નાંખવા માટે આપે… તો સમજવું કે મેચ ફિક્સ છે!

* * *

અઢી મિનીટના સ્ટ્રેટેજીક બ્રેક પહેલાં મેચ ઉપર ફિલ્ડીંગ સાઈડની જોરદાર પક્કડ હોય, અને બ્રેક પતતાંની સાથે જ ચોગ્ગા-છગ્ગા વાગવા લાગે… તો સમજવું કે મેચ ફિક્સ છે!

* * *

માંડ ૧૩૫ રનનો ટાર્ગેટ હોય, માત્ર બે જ વિકેટ પડી હોય, છતાં ટીમનો બેસ્ટ મેચ-વિનીંગ બેટ્સમેન ડરતો, ફફડતો, સખત ગભરાતો હોય એવી રીતે માત્ર ૫૦ ટકાના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે… તો સમજવું કે મેચ ફિક્સ છે!

* * *

જ્યારે ક્રિઝ પર સિક્સરોનો શહેનશાહ બેટિંગ કરતો હોય ત્યારે એને યોર્કર, બાઉન્સર કે સ્લોઅર બોલ નાંખવાને બદલે સાવ સહેલા ગુડલેન્થ બોલ જ અપાઈ રહ્યા હોય… તો સમજવું કે મેચ ફિક્સ છે!

* * *

જ્યારે અંપાયરો માથાથી પાંચ ફૂટ ઊંચા જતા બાઉન્સરને ‘વાઈડ’ ના આપે, સ્ટંપલાંમાં સીધા જતા બોલ ઉપર પર એલબીડબલ્યુ ના આપે અને ચોખ્ખી કટ અડી હોય છતાં કેચ-આઉટ ના આપે… તો સમજવું કે મેચ ફિક્સ છે!

* * *

જ્યારે જીતવા માટે છેલ્લા બોલે બે જ રન લેવાના હોય ત્યારે ફિલ્ડીંગ સાઈડનો કેપ્ટન બોલર સાથે ચર્ચા ના કરે, ફિલ્ડીંગમાં ફેરફારો ના કરે અને અમથો અમથો ટેન્શન બતાડવા પોતાના નખ ચાવતો દેખાય… તો સમજવું કે મેચ ફિક્સ છે!

* * *

પરંતુ હા, જો કોઈ બેટ્સમેન ચોગ્ગા છગ્ગાની રમઝટ જમાવી રહ્યો હોય ત્યારે એની જ ટીમના કેપ્ટન અને કોચના ચહેરા ટેન્શનમાં દેખાય… તો સમજવું કે જે ‘ફિક્સ’ થયું હતું એનાથી સાલું, કંઈ ‘જુદું’ જ ચાલી રહ્યું છે!

તમારા ધ્યાનમાં આથી કઈ વિશેષ હોય તો લખજો…!!

ટીપ્પણી