પરસેવાની કમાણી એ જ સાચી કમાણી છે

- Advertisement -

guru-nanakગુરુનાનક ધર્મ યાત્રા પર નીકળ્યા હતા. ગામની ધર્મશાળામાં મુકામ નાખ્યો. ભાવિક ભક્તોનું ટોળું તેની આજુબાજુ ફરી વળ્યું. જમવાનો વખત થયો. એટલે એક ગરીબ લુહાર પોતાના ઘરેથી મકાઈના બે રોટલા લઇ આવ્યો.

બીજી બાજુ ગામનો જમીનદાર પણ પોતાના માણસો પાસે પોતાની એ વિવિધ વાનગીઓનો થાળ ઉપડાવીને આવી પહોંચ્યો.

હવે ગુરુનાનક આગળ બે જાતના ભોજન પડ્યા હતા. એક બાજુ પેલા ગરીબ લુહારના મકાઈના બે જાડા રોટલા ને બીજી બાજુ પેલા શ્રીમંત જમીનદારના ઘરનું જાતજાતનું ભોજન. પરંતુ ગુરુ તો પ્રેમથી લુહારના જાડા જાડા રોટલા જમી ગયા. પેલા શ્રીમંત જમીનદારના ભર્યા ભાણા સામે જોયું પણ નહિ. પેલા જમીનદારનું મોં તો એવું પડી ગયું કે ના પૂછો વાત.

તે બોલ્યો, ‘ ગુરુદેવ આમ કેમ ! સેવક પર આટલી બધી અવગણના.’ જવાબમાં ગુરૂનાનકે પોતે ખાતા વધેલો ગરીબ લુહારનો રોટલાનો ટુકડો હાથમાં લીધો. તેને જોરથી દબાવતા તેમાંથી દૂધની શેર ફૂટી ! પછી પેલા જમીનદારના થાળમાંથી એક મીઠાઈનો ટુકડો લઈને તેન દબાવ્યો તો તેમાંથી લોહીના ટીપા ટપક્યા ! જોનારા બધા સ્તબ્ધ થઇ ગયા.

ગુરૂનાનકે જમીનદારને ઉદ્દેશીને કહ્યું: ‘ શેઠિયા, લુહારના રોટલા તેના પરસેવાની પેદાશ છે. એટલે એમાંથી સ્વાદિષ્ટ દૂધ ટપક્યું. જયારે તમે ગરીબ મજુરોના લોહી ચૂસી ધન ભેગું કર્યું છે એટલે એમાંથી લોહી ટપક્યું. ખરેખર, ‘પરસેવાની કમાણી એ જ સાચી કમાણી છે.’

– ટહુકાર

ટીપ્પણી