પતિઓ જયારે પગારમાંથી મહિને ફિક્સ રકમ પત્નીના ખાતામાં જમા કરાવશે ત્યારે શું શું થશે ?

કેન્દ્ર સરકાર પત્નીઓ દ્વારા થતાં ઘરકામને મજૂરી ગણી એના બદલે પગાર મળે એવો કાયદો લાવી રહી છે, આ મતલબના સમાચાર તમે વાંચ્યા હશે. આ કાયદો લાવનારા પોતે પરણેલા નહીં હોય એવું અમારું અંગત મંતવ્ય છે. જો આ કાયદો હકીકત બનશે તો પતિઓએ પોતાના પગારમાંથી મહિને ફિક્સ રકમ પત્નીના ખાતામાં જમા કરાવવાની રહેશે. જોકે, પત્નીઓ પતિના ખિસ્સામાંથી આડકતરી રીતે રકમ ઉડાવતી જ હોય છે, જે હવે કાયદેસર રીતે લેવામાં આવશે, આમ પતિઓને આંકડાકીય રીતે કોઈ ફેર નહીં પડે. જોકે આ કાયદામાં ધંધો કરતાં અને ઇન્કમટેક્સ રિટર્નમાં કાયમ ખોટ દેખાડતાં પતિઓ પત્નીઓ (કે સસરા) પાસેથી આ ખોટ પેટે રૂપિયા લઈ શકશે કે કેમ? એ અંગે વેપારીવર્ગ પોતપોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછપરછ કરી રહ્યો છે.

પગાર લેનાર માત્ર પગાર લેતાં નથી. કાયમી કર્મચારીઓને તો પગાર ઉપરાંત બીજા હક મળતા હોય છે. કેઝયુઅલ, મેડિકલ અને અર્ન લીવ મળતી હોય છે. કન્વેયન્સ અને બીજાં ભથ્થાં પણ મળતાં હોય છે. હવે આ બધું પત્નીઓ માગશે. તેઓ મહિને એક હક રજા લેશે, એ દિવસે એ ઘરમાં બેસી ટીવી જોશે. બપોરે બહેનપણીઓ સાથે રેડિયો સ્ટેશન દ્વારા આયોજિત કીટી પાર્ટીમાં જશે. સાંજે પાછી ઘરમાં બેસીને જ ટીવી જોશે. કામવાળાને કામ બતાવવાનું કામ પણ એ દિવસે એ નહીં કરે. બધું પતિદેવોને માથે. સુકાયેલાં કપડાંની ગડી વાળવાનું અને ઈસ્ત્રીવાળાને આપવાનું કામ પણ પતિ કરશે. છોકરાંઓને તૈયાર કરવાનું અને સ્કૂલે મૂકવા જવાની જવાબદારી પણ પતિદેવને માથે. સવારની ચા, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ પતિદેવ સંભાળશે. આ ઉપરાંત પત્ની યુનિયનમાં હોદ્દેદાર હોય તેવી પત્નીઓને આ કાયદા અંતર્ગત ઘરકામમાંથી કાયમી મુક્તિ તથા યુનિયનની પ્રવૃત્તિઓ માટે મોકળાશ તથા સગવડ આપવાની રહેશે.

કાયદાનુસાર પત્નીને પિયર જવા માટે કન્વેયન્સ ભથ્થું આપવાનું રહેશે. પિયર જો બીજા રાજ્યમાં હોય તો ટૂંકામાં ટૂંકા રૂટનું એરેફેર વરસમાં એક વાર આપવાનું થશે. રાજ્યમાં પિયર હોય તો એસી વોલ્વો બસમાં દર ત્રણ મહિને એક વાર જવાનું ભથ્થું આપવાનું રહેશે. જો ગામમાં પિયરિયું અને ગામમાં જ સાસરિયું હોય તો દર મહિને એક દિવસ અને વારતહેવારે કચકચ કર્યા વગર પતિએ પણ પત્નીની સાથે એના પિયર જવાનું રહેશે, અને ત્યાં જઈ દર વખત સાસુના ઘૂંટણના દુખાવાની વાતો સહાનુભૂતિપૂર્વક અને સસરાના તડાકા ફડાકા તેમજ ગપ્પાં રસપૂર્વક સાંભળવાનાં રહેશે. આથી વધીને જો ફલેટમાં પિયરિયું અને ફલેટમાં સાસરિયું હોય તે સંજોગોમાં પતિએ સાસરા પક્ષના ઇલેક્ટ્રિક, ટેલિફોન, મોબાઈલ, ગેસનાં બિલ સમયસર ભરવામાં પણ સહયોગ આપવાનો રહેશે.

પછી તો ઘરગથ્થુ કામ બધા નિયમ મુજબ થશે. પગાર પતિ-સાસુ-સસરા ઉપરાંત માત્ર એક નણંદ અથવા એક દિયરને લગતા કામ પૂરતો જ લાગુ પડશે. આનાથી વધારે ફેમિલી મેમ્બર્સ હશે તો અલગથી ચાર્જ થશે. મહેમાનોની આગતાસ્વાગતા અઠવાડિયે એક વખત જ કરવામાં આવશે. વધારે મહેમાનોની અવરજવર હોય તેવા સંજોગોમાં મહેમાનદીઠ અલગ ચાર્જ લેવામાં આવશે. આ ઉપરાંત પતિઓની ખરાબ આદતોને જરાય પોષવામાં નહીં આવે. દિવસમાં બે કરતાં વધારે વખત ચા અથવા ‘ઇન્ડિયા જીત્યું છે તો ભજિયાં બનાવ’ પ્રકારની મધરાતે થતી ફરમાયશ, ચા અને ભજિયાંના બજારભાવે તેમજ બનાવનારની મરજી મુજબ અને રોકડમાં જ પૂરી કરવામાં આવશે.

પણ જેમ સરકારમાં બને છે એમ, સ્થાયી કર્મચારીઓની દાદાગીરી, નિષ્ક્રિયતા અને ઘરે બેઠાં પગાર ખાવાની નીતિથી કંટાળીને સરકારમાં કામ આઉટસોર્સ થાય છે એમ ઘરમાં પણ થશે. પત્ની હાજર હશે તો પણ બધાં કામ કરવા માટે બહારના માણસો રાખવા પડશે. આ બધી બબાલોમાંથી છૂટવા પ્રજામાં લીવ-ઈન રિલેશનશિપ વધશે. અરે, સરકાર જ જેમ સ્થાયી કર્મચારીઓને બદલે અમુક-સહાયક ભરતી કરે છે એમ પ્રજા પણ પત્નીને બદલે પત્ની સહાયકથી કામ ચલાવી લેશે. અને આમ થશે તો આપણી મહાન સંસ્કૃતિનું શું થશે એનો કોઈએ વિચાર કર્યો છે? પતિઓ માટે નહીં, પણ આપણી સંસ્કૃતિ માટે થઈને પણ આ પત્નીઓને પગાર ભથ્થું આપવાનો કાયદો પાછો ખેંચી લેવો જોઈએ એવું અમારું દૃઢપણે માનવું છે. પણ અમારું સાંભળે છે કોણ?

સૌજન્ય : અધીર અમદાવાદી

 

ટીપ્પણી