‘જે ન કરે દેવ, તે કરે વૈદ’ – એક હૃદયસ્પર્શી વાર્તા !

- Advertisement -

kahevat-varta-300x225ઉત્તમ નગરીમાં રાજા કનકસેનનું રાજ્ય હતું. રાજા કનકસેન પ્રજા હિતેચ્છુ હોવાથી તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી. એને એક માત્ર સંતાન હતું, તે તેની પુત્રી રૂપવતી. રાજા તેને ખુબજ પ્રેમ કરતા હતા અને લાડકોડથી રાખતા. રાજકુમારી રૂપવતી ખુબજ સુંદર અને સંસ્કારી હતી. રાજાની પુત્રી હોવા છતાં તેને બીજી રાજકુમારીઓ જેવું અભિમાન ન હતું.

એક વાર રાજકુમારી રૂપવતી ખુબજ બીમાર પડી ગઈ, અને ધીમે ધીમે તેના શરીર પર કાળા ડાઘ પડવા લાગ્યા. અને આ ડાઘ તેના આખા શરીર પર ફેલાતા ગયા. અનેક વૈદ – હકીમો આવ્યા, પરંતુ રાજકુમારીનો આ રોગ મટ્યો જ નહિ.

રાજ્યના વૈદરાજોથી નિરાશ થઈને રાજાએ આજુબાજુનાં રાજ્યોમાં જાહેરાત કરી – ‘જે વ્યક્તિ રાજકુમારીનો આ રોગ મટાડશે એમનાં લગ્ન આ રાજકુમારી રૂપવતી સાથે કરવામાં આવશે.’

આ જાહેરાત કર્યા પછી રાજમહેલના દરવાજે વૈદ-હકીમોની લાઈન લાગવા માંડી. પરંતુ કોઈ કશું જ ના કરી શક્યું. કેટલાય મહિનાઓ વીતી ગયા.

એક દિવસ પહેરગીરીએ આવીને રાજાને જણાવ્યું – ‘મહારાજ, એક વૈદરાજ આવ્યા છે. તે એમનું નામ સૂરજદેવ જણાવે છે. મહેલની દક્ષિણ બાજુએ એક ગાઢ જંગલ છે ત્યાં એક ઝૂંપડી બનાવીને રાજકુમારીનો ઉપચાર કરવા માંગે છે. આ ઉપચાર દસેક દિવસ ચાલશે આ સમયમાં રાજકુમારીને કોઈ મળી શકશે નહિ. જો આપની આજ્ઞા હોય તો ……’

આ સાંભળી રાજા કંઈક વિચારમાં પડ્યા. પછી એમણે હકારમાં માથું હલાવીને સંમતિ આપી દીધી. વૈદરાજે રાજકુમારીનો ઉપચાર શરુ કરી દીધો. રોજ સાંજના રાજકુમારીના શરીર પર ‘જડી-બુટ્ટીઓ’નો લેપ કરવામાં આવતો. સવાર પડતા જ વૈદરાજ એમની ઝૂંપડીના બારણા બંધ કરી દેતા. પછી ઘડાના પાણીથી ઝૂંપડી પર પાણી છાંટતા રહેતા. સૂર્ય આથમતા જ જૂનો લેપ ધોઈ કાઢીને નવો લેપ લગાડતાં. આ રીતે નવ દિવસ વીતી ગયા. દસમાં દિવસે વૈદરાજે રાજકુમારીનો લેપ હટાવતાં કહ્યું : ‘રાજકુમારી ઊઠો ! નાહી – ધોઈને તમારો પોશાક પહેરો. હવે આપ રાજમહેલમાં પધારી રાજમહેલની શોભા વધારો.’

રાજકુમારી પોતાનું પાછું મળેલું સૌંદર્ય જોઇને ખુબ જ ખુશ થઇ ગઈ. જેવી રાજકુમારી રાજમહેલમાં પહોંચે છે, તે અસલ રૂપ-સૌંદર્ય પાછું આવેલું જોઇને રાજા – રાણી અત્યંત પ્રસન્ન થયા. આખા રાજ્યમાં આનંદ આનંદ છવાઈ ગયો.

એવામાં રાજા કનકસેનને કંઈક યાદ આવ્યું. તે બોલ્યા – ‘વૈદરાજ ક્યાં છે ?’

રાજકુમારીએ કહ્યું : ‘તેઓ ઝૂંપડીમાં જ છે.’

રાજ જાતે ત્યાં ગયા, પરંતુ વૈદરાજ ત્યાં ન હતા. તેઓ પાછા આવ્યા. રાજદરબારમાં પહોંચતા પ્રધાનજીએ એમને એક પત્ર આપ્યો. કહ્યું : ‘મહારાજા, વૈદરાજે આ સંદેશો મોકલ્યો છે. આજ્ઞા હોય તો વાંચી સંભળાવું.’

રાજા વિચારોમાં ખોવાયેલા હતા – ‘છેવટે વૈદરાજ મળ્યા વગર જ ચાલ્યા ગયા કેમ ?’ એમણે કહ્યું : ‘પત્ર વાંચીને સંભળાવવામાં આવે.’

પ્રધાનજીએ પત્ર વાંચવો શરુ કર્યો.

“મહારાજશ્રીને વૈદ સૂરજદેવના નમસ્કાર.

જયારે મેં રાજકુમારીનો છેલ્લો લેપ ઉતરાવી નાંખ્યો, તો એમને સ્વસ્થ અને નીરોગી જોઇને હું એટલો ખુશ થયો હતો, જેટલી કદાચ રાજકુમારી પોતે પણ નહિ થઇ હોય.

હું આપને જતી વખતે ના મળ્યો એનું કારણ છે – આપે કરેલી જાહેરાત કે રૂપવતી રાજકુમારીને જે રોગમુક્ત કરશે, તેના લગ્ન રાજકુમારી સાથે કરવામાં આવશે. મને ભય હતો કે આપ આપની પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે એ કોમળ અને દયાળુ રાજકુમારીને મારી સાથે પરણાવવાનો આગ્રહ રાખો. આ યોગ્ય ના લેખાય. હું સાઈઠ વર્ષનો વૃદ્ધ અને એ પંદર વર્ષની રાજકુમારી. રાજન, હું વૈદ છું. મારું કામ લોકોને રોગમુક્ત કરવાનું છે. એટલે આવી વિચિત્ર શરત સાંભળ્યા પછી પણ મેં રાજકુમારીને રોગમુક્ત કરવાનું નક્કી કર્યું. રહી ઈનામની વાત તો ઢીંગલી જેવી રાજકુમારીના લગ્ન કોઈ સંસ્કારી, સુંદર અને બળવાન યુવાન સાથે કરજો – એ જ મારું ઈનામ છે.“

પત્ર સાંભળી રાજા સહિત બધા દરબારીઓની આંખોમાં આંસુ આવી ગયાં. મહારાજા કનકસેને આંસુ લૂછતાં કહ્યું : ‘વૈદરાજ સૂરજદેવ માણસ નહીં, ભગવાન સ્વરૂપ છે.’

‘જે ન કરે દેવ, તે કરે વૈદ’

ટીપ્પણી