જીવનમાં શીખવા જેવું : ક્યુ દાન સર્વશ્રેષ્ઠ છે?

- Advertisement -

charity-donation

 

એકવાર ત્રણ ભાઇઓ બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે જુદા જુદા પ્રકારના દાનમાં ક્યુ દાન સર્વશ્રેષ્ઠ છે? પેલા ભાઇએ કહ્યુ , “ મારા મત પ્રમાણે ધનનું દાન ઉત્તમ છે કારણકે તેનાથી દાન લેનાર પોતાને જે જોઇતું હોઇ એ ખરીદી શકે.” બીજા ભાઇએ કહ્યુ , “ મને તો એવુ લાગે છે કે સૌથી શ્રેષ્ઠ દાન ગાયનું છે કારણકે ગાયના દુધથી દાન લેનારાનું પોષણ થાય.” ત્રીજા ભાઇએ કહ્યુ , “ મારો મત તમારા બંને કરતા જુદો છે હું તો એવું માનુ છુ કે ભૂમિદાન જ સર્વશ્રેષ્ઠ છે કારણકે એ જમીન પર અનાજ ઉગાડીને દાન લેનારો કાયમ માટે પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે.”

ત્રણે ભાઇઓ એના પિતા પાસે આવ્યા અને પોતાનો પ્રશ્ન રજુ કર્યો. પિતાએ પ્રથમ દિકરાને થોડુ ધન આપ્યુ બીજા દિકરાને ગાય આપી અને ત્રીજા દિકરાને જમીનનો એક ટુકડો આપ્યો અને કહ્યુ કે તમે ત્રણે ભાઇઓ તમારી ઇચ્છા મુજબનું દાન કરો અને થોડા સમય પછી આપણે જાતે જ તપાસ કરીશું કે ક્યા પ્રકારના દાનથી દાન લેનારાના જીવનમાં ફેરફાર થયો.

ત્રણે ભાઇઓ જુદા જુદા ભિખારીઓ પાસે જઇને દાન આપી આવ્યા. થોડા સમય પછી પિતાએ ત્રણે ભાઇઓને દાન લેનારા ભિખારીની પરિસ્થિતીમાં શું બદલાવ આવ્યો એ જોવા માટે મોકલ્યા. ત્રણે ભાઇઓ દાન લેનારાને મળીને આવ્યા તો એના આશ્વર્યનો પાર ન રહ્યો.

બધાના હાલ પહેલા જેવા હતા તેવા જ અત્યારે પણ હતા. કોઇની સ્થિતીમાં કોઇ જ સુધારો થયો નહોતો. પહેલા ભિખારીએ દાનમાં મળેલું ધન ઉડાવી દીધુ બીજાએ ગાય વેંચીને મળેલા પૈસાને ઉડાવી દીધા અને ત્રીજાએ જમીન વેંચીને થોડો સમય જલસા કર્યા. છેવટે ત્રણે પાછા ભિખારી થઇને ભિખ માંગવાના કામમાં જોડાઇ ગયા.

પુત્રોએ પિતાને આ બધી વાત કરી અને પછી પુછ્યુ, “ પિતાજી હવે અમારે આપની પાસેથી જાણવું છે કે તમારા મતે સર્વશ્રેષ્ઠ દાન ક્યુ છે?” પિતાએ હસતા હસતા કહ્યુ, “ જ્ઞાનદાન અર્થાત વિદ્યાદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે.”

મોરલ :

“વસ્તુનું દાન તો થોડા સમય માટે ઉપયોગી સાબિત થશે પણ વિચારોનું દાન કર્યુ હશે તો વસ્તુઓ તો એ જાતે પેદા કરી શકશે અને એનો યોગ્ય ઉપયોગ પણ કરી શકશે.”

ટીપ્પણી